પાકિસ્તાન ટ્રેન દુર્ઘટનાઃ શું રેલવે દુર્ઘટનાઓ રેકૉર્ડ સ્તર પર પહોંચી ગઈ છે?

રેલ દુર્ઘટના Image copyright RESCUE1122

પાકિસ્તાનમાં રેલવે દુર્ઘટનામાં 70થી વધુ લોકોનાં મૃત્યુ થયા બાદ પાકિસ્તાની ટ્રેનોની સુરક્ષા માટે લેવાતાં પગલાં પર સવાલ ઊઠી રહ્યા છે.

દાવોઃ વિપક્ષના નેતા બિલાવલ ભુટ્ટો રદારીએ કહ્યું કે પાકિસ્તાનના વર્તમાન રેલવેમંત્રીએ 'સૌથી વધુ રેલવે દુઘર્ટના'નો રેકૉર્ડ બનાવ્યો છે.

વાસ્તવિકતાઃ હાલનાં તથ્યો પરથી જાણવા મળે છે કે આ દાવો સાચો નથી. વર્ષમાં બે સૌથી મોટી રેલવે દુર્ઘટના થઈ છે. જેમાં ઘાયલોની સંખ્યા મોટી હતી. છેલ્લા પાંચ વર્ષોની સરખામણીએ ગયા વર્ષે દુર્ઘટનાઓની સંખ્યા ઘણી ઓછી હતી.

રેલવે મંત્રાલયની માહિતી મુજબ, શેખ રાશીદ અહેમદે ઑગસ્ટ 2018માં રેલવે મંત્રીનું પદ સંભાળ્યું હતું, ત્યારથી લઈને જૂન 2019 સુધીમાં 74 રેલવે દુર્ઘટનાઓ બની.

સાથે જ આ વખતની રેલવે દુર્ઘટના આ દાયકાની સૌથી મોટી દુર્ઘટના છે. આ સમયગાળા દરમિયાન ઘણી દુર્ઘટનાઓ બની, જેમાં જુલાઈમાં થયેલ ઘટના પણ સામેલ છે. તેમાં 20 લોકોનાં મૃત્યુ થયાં હતાં.


પહેલાંની દુર્ઘટનાઓ

Image copyright Getty Images

અધૂરા આંકડાના કારણે હાલના સમયની ઘટનાઓ પહેલાં કરતાં ઓછી છે. પરંતુ છેલ્લા 12 મહિનામાં 74 દુર્ઘટનાઓને સામાન્ય ન કહી શકાય.

પાકિસ્તાન રેલવે પાસે જે આંકડા છે તેના અનુસાર વર્ષ 2012થી 2017 વચ્ચે 757 રેલવે દુર્ઘટના થઈ. એટલે કે દર વર્ષે સરેરાશ 125 દુર્ઘટનાઓ.

તેમાં મોટા ભાગની દુર્ઘટનાઓ ટ્રેન પાટા પરથી નીચે ઊતરી જવાને કારણે અથવા રેલવે ક્રૉસિંગથી દૂર ટ્રેન સાથે વાહનોની ટક્કરના કારણે થઈ છે.

તે દૃષ્ટિએ 2015 સૌથી ખરાબ વર્ષ રહ્યું. આ વર્ષે નાની-મોટી 175 દુર્ઘટનાઓ થઈ હતી. તેમાંથી 75 દુર્ઘટનાઓ ટ્રેન પાટા પરથી ઊતરી જવાથી થઈ હતી અને 76 રેલવે ક્રૉસિંગ પર.

સ્થાનિક મીડિયા અહેવાલો મુજબ છેલ્લાં છ વર્ષોમાં ટ્રેન દુર્ઘટનામાં 150 લોકોનાં મૃત્યુ થયાં છે.

પરંતુ વધુ એક આંકડો પાકિસ્તાન રેલવેએ સંસદમાં રજૂ કરેલો. તેના મુજબ 2013થી 2016 વચ્ચે 338 રેલ દુર્ઘટનાઓમાં 118 લોકોનાં મૃત્યુ થયાં.


રેલ દુર્ઘટનાઓ કેમ થાય છે?

31 ઑક્ટોબરના રોજ થયેલી દુર્ઘટનાઓ અંગે સરકારનું કહેવું છે કે દુર્ઘટના માટે ભોજન બનાવવા માટે ઉપયોગમાં લેવાતાં ગૅસ સિલિન્ડર જવાબદાર છે. સિલિન્ડર ફાટ્યું હતું, ત્યાર બાદ એ આગ આખી ટ્રેનમાં પ્રસરી ગઈ. તેના કારણે ઘણા લોકો ચાલતી ટ્રેનમાંથી કૂદવા મજબૂર થઈ ગયા.

પરંતુ અન્ય મીડિયા રિપોર્ટ્સમાં દુર્ઘટનાનું કારણ ઇલેક્ટ્રિક ગડબડ જણાવાયું છે. દુર્ઘટનામાં બચી ગયેલા ઘણા લોકોએ શૉર્ટ સર્કિટ ને કારણ ગણાવ્યું છે.

આ ટ્રેન કરાચીથી રાવલપિંડી જઈ રહી હતી. આ પાકિસ્તાનની સૌથી જૂની અને લોકપ્રિય લાઇન છે. પાકિસ્તાનમાં મધ્યમવર્ગ અને નિમ્નવર્ગ માટે મુસાફરીનું સૌથી લોકપ્રિય સાધન રેલવે જ છે.

આ જ કારણે ટ્રેનના ડબ્બાઓમાં સામાન્ય રીતે ભીડ જોવા મળે છે અને ટ્રેનની સ્થિતિ પણ બહુ કંગાળ હોય છે.

બીબીસી ઉર્દૂના સંવાદદાતા આબિદ હુસેનનું કહેવું છે કે ઍરપૉર્ટની સરખામણીએ રેલવે સ્ટેશનો પર સુરક્ષાની વ્યવસ્થા ઘણી ઓછી હોય છે. આ જ કારણે રેલવે યાત્રામાં લોકો રસોઈ માટે સ્ટવ, કેરોસીનનાં કૅન વગેરે લઈને જતાં હોય છે.

અધિકારીઓના મતે પાકિસ્તાનમાં ટ્રેનની દુર્ઘટનાઓનાં ત્રણ સૌથી મોટાં કારણો સાર-સંભાળનો અભાવ, સિગ્નલની સમસ્યા અને જૂનાં એન્જિન છે.

આવી ઘટનાઓમાં ઘાયલોની સંખ્યા વધુ હોય છે કારણ કે ટ્રેનમાં ક્ષમતા કરતાં વધુ લોકો મુસાફરી કરી રહ્યા હોય છે. 2007માં મેહરાબપુર પાસે થયેલી દુર્ઘટનામાં 56 લોકોનાં મૃત્યુ થયાં હતાં અને 120 લોકો ઘાયલ થયા હતા.

2005માં સિંધ પ્રાંતમાં ત્રણ ટ્રેન એકબીજા સાથે ટકરાતાં 130 લોકોનાં મૃત્યુ થયાં હતાં. તેને પાકિસ્તાનની સૌથી ભયાવહ રેલ દુર્ઘટના માનવામાં આવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો