એ મહિલાઓ જેમની જિંદગી સુહાગરાતના કારણે બરબાદ થઈ ગઈ

પ્રતીકાત્મક તસવીર Image copyright Getty Images

દુનિયાભરમાં લગ્નની બાબતમાં ભારે ઉત્સુકતા હોય છે. પરંતુ દુનિયાના કેટલાક પ્રદેશોમાં લગ્ન સાથે જોડાયેલા રિતરિવાજ કાયમી ઘા કરી દે તેવા કારમા હોય છે.

આવા પ્રદેશોમાં લગ્નની પહેલી રાત એવી રીતે પસાર થાય છે, જેની કડવી યાદ જિંદગીભર ભુલાતી નથી.

ઘણા બધા આરબ અને મુસ્લિમ દેશોમાં એવી અપેક્ષા રખાતી હોય છે કે લગ્ન કરીને આવેલી યુવતી કુંવારી હોય.

બીબીસી અરબીએ જુદા જુદા સામાજિક સ્તરની અનેક મહિલાઓ સાથે આ મુદ્દે વાતચીત કરી હતી.

લગ્ન સાથે જોડાયેલી રીતરસમને કારણે તેમનાં સાંસરિક જીવનમાં શું અસર થઈ તે જાણવાની કોશિશ કરવામાં આવી હતી.

સેક્સ ઍજ્યુકેશનના અભાવના કારણે કેવી રીતે લગ્નજીવનને અસર થઈ તે પણ જાણવાની કોશિશ કરવામાં આવી હતી.

અહીં એ સ્ત્રીઓ સાથે થયેલી વાતચીતના અંશો આપવામાં આવ્યા છે. સ્ત્રીઓએ પોતાની આપવીતી જણાવી છે કે કેવી રીતે સુહાગરાતને કારણે તેમની જિંદગી પલટાઈ ગઈ.


સોમૈયા, ઉંમર 33 વર્ષ

Image copyright Getty Images

સોમૈયાએ પોતાના બૉયફ્રેન્ડ ઇબ્રાહિમ સાથે લગ્ન કરવા માટે પરિવાર સાથે લાંબો સમય સંઘર્ષ કર્યો હતો. પરિવાર તેમનાં લગ્ન માટે તૈયાર નહોતો.

સોમૈયા ઇબ્રાહિમને બહુ જ પ્રેમ કરતાં હતાં અને તેમને લાગતું હતું કે કોઈ પણ યુવતી માટે ઇબ્રાહિમ આદર્શ પતિ સાબિત થઈ શકે એવા છે.

જોકે, સોમૈયાને અંદાજ પણ નહોતો કે તેમને પોતાની ધારણા વિરુદ્ધ ભારે આઘાત લાગવાનો હતો.

ઇબ્રાહિમ સાથે લગ્ન બાદ પ્રથમ રાતે કંઈક એવું થયું કે સોમૈયાની સમગ્ર ચાહત હવા થઈ ગઈ. લગ્નની પ્રથમ રાતને 'પ્રવેશની રાત' પણ કહેવામાં આવે છે.

તે રાત્રે સોમૈયાના કૌમાર્ય વિશે સવાલો ઊભા થયા, જેના કારણે ઇબ્રાહિમ માટે તેમના દિલમાં રહેલી બધી જ લાગણી હંમેશાં માટે શમી ગઈ.

તે વખતે સોમૈયાની ઉંમર 23 વર્ષનાં હતાં અને સીરિયાની રાજધાની દમાસ્કસમાં અરબી સાહિત્યનો અભ્યાસ કરી રહ્યાં હતાં.

ડિગ્રી મળવાની તૈયારી હતી અને ઇબ્રાહિમે પણ સોમૈયાને વચન આપ્યું હતું કે ગમે તે થાય તેઓ સોમૈયાને અભ્યાસ પૂર્ણ કરવા દેશે.

સોમૈયાનું કુટુંબ તો ઇચ્છતું જ હતું કે તેઓ પોતાનો અભ્યાસ પૂર્ણ કરે. બીજું સોમૈયાના કુટુંબીઓને એ વાતની પણ ચિંતા હતી કે ઇબ્રાહિમ પાસે પોતાનું ઘર પણ નથી.

આમ છતાં સોમૈયા તેમની સાથે લગ્ન કરવા માટે તૈયાર થયાં હતાં અને એ નિર્ણયનો તેમના સગાસંબંધીઓએ વિરોધ કર્યો હતો.

સોમૈયાએ ત્યાં સુધી કહ્યું કે જરૂર પડશે તો તેઓ ઇબ્રાહિમનાં મા પાસે રહેવાં જતાં રહેશે.

જોકે સુહાગરાતના દિવસે સોમૈયાને જોરદાર આંચકો લાગ્યો. હજી તો લગ્નની રસમ પૂરી પણ નહોતી થઈ કે પતિએ શારીરિક સંબંધ માટે આગ્રહ કરવાનું શરૂ કરી દીધું.

સોમૈયાના પતિ ઇબ્રાહિમને બસ હવે તેના કૌમાર્યની ચકાસણી કરવાની જ ઉતાવળ હતી. તે ફક્ત સોમૈયાનું કૌમાર્યપટલ સલામત છે કે નહીં તે જાણવા માગતા હતા.

ઇબ્રાહિમે તેમને એમ કહીને સમજાવવાની કોશિશ કરી કે તેઓ બહુ પ્રેમ કરે છે અને તેથી તેને પામવા માટે આટલી ઉતાવળ કરી રહ્યા છે.

સોમૈયા કહે છે, "હું થાકેલી હતી, પણ મેં સહકાર આપ્યો. તેની જીદ સામે મારે નમી જવું પડ્યું."


'અચાનક રોમાન્સની હવા નીકળી ગઈ'

Image copyright Getty Images

જોકે સોમૈયાની રોમાન્સની વાત તરત હવા થઈ ગઈ. યૌન સંબંધ બાદ ઇબ્રાહિમે કહ્યું કે 'લોહી તો નીકળ્યું નહીં.'

સોમૈયાને લાગ્યું કે ઇબ્રાહિમે તેમના કૌમાર્ય પર શંકા કરી અને તેમને લાગ્યું છે કે તેઓ કુંવારી નથી.

પ્રથમવાર સમાગમ બાદ ઘણી સ્ત્રીઓને લોહી નીકળતું હોય છે. જોકે તેનું પ્રમાણ સ્ત્રીઓ પ્રમાણે અલગઅલગ હોય છે. લોહી નીકળવાનું કારણ હોય છે યોનીમાર્ગમાં રહેલી મજ્જા, જેને અંગ્રેજીમાં હાઇમન કહે છે.

જોકે ડૉક્ટરો અને જાણકારો કહે છે કે પ્રથમવાર યૌન સંબંધને કારણે લોહી નીકળે જ એવું જરૂરી નથી.

હાઇમન અલગઅલગ પ્રકારનાં હોય છે અને કેટલાક કિસ્સામાં તે એટલાં મોટાં હોય છે તેને કપાવવાં પડે.

જ્યારે કેટલાંક એટલાં નાજુક હોય છે કે તૂટી જાય તો પણ લોહી ન નીકળે. ઘણી સ્ત્રીઓમાં હાઇમન હોતાં પણ નથી અથવા તો કોઈક અકસ્માત કે તણાવને કારણે તે નાનપણમાં જ તૂટી પણ જાય છે.

સોમૈયાએ પોતાના પતિની પ્રતિક્રિયા વિશે વાત કરતાં કહ્યું કે, "તેની આંખો મારી સામે ખંજરની જેમ તકાયેલી હતી. તેને એ ન ખબર પડી કે તેની એવી નજરથી મારું અસ્તિત્વ જ ખતમ થઈ ગયું ગયું હતું."

સોમૈયા કહે છે, "ઇબ્રાહિમે મારી સાથે વાત કરવાની પણ કોશિશ ન કરી. મને લાગ્યું કે જાણે હું જ ગુનેગાર છું અને મારા પર મુકદ્દમો ચાલવાનો હોય. લગ્ન પહેલાં અમે ઘણી બાબતો અંગે ચર્ચા કરી હતી."

"સુહાગરાત વિશે પણ અમે બહુ વાતો કરી હતી. તે અમારા જીવનની સૌથી રોમાંચક રાત હોવી જોઈતી હતી."

"અમને એમ હતું કે અમે એકબીજા વિશે ઘણું બધું જાણીએ છીએ. પરંતુ સુહાગરાતે લોહી ના નીકળ્યું તેના કારણે બધી જ મહોબ્બત જાણે ખતમ થઈ ગઈ."


'ખૂનના ડાઘ સાથેની ચાદર'

Image copyright Getty Images

જોકે, સોમૈયા જે સમાજમાંથી આવે છે, તેમાં આવી વાત સામાન્ય ગણાય છે. સોમૈયાને કલ્પના પણ નહોતી કે તેમણે પણ આવી જ કપરી સ્થિતિમાંથી પસાર થવું પડશે.

સોમૈયાને એમ લાગતું હતું કે નવા જમાનામાં આવી બાબતો વિશેના અભિપ્રાયો બદલાયા છે.

તેમને હતું કે તેમના ભાવી પતિ અક્કલવાન છે. ખુલ્લા દિમાગનો છે, કેમ કે તેમણે પણ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો.

આમ છતાં લગ્નના બીજા દિવસે ઇબ્રાહિમે સોમૈયાને કહ્યું કે કોમાર્યની ખાતરી કરવા માટે તેમણે ડૉક્ટર પાસે જવું જોઈએ. આ વાત સાંભળીને તેઓ ચોંકી ગયાં હતાં.

છોકરીઓના કૌમાર્યની પરીક્ષાની વાત બહુ જૂની પરંપરા છે. જોકે, કુંવારપણાની ખાતરી કેવી રીતે થાય અને તેની પાછળનો ઇરાદો શો છે તે વાત દરેક સમાજમાં અલગઅલગ હોય છે.

ઘણા રૂઢિચૂસ્ત પરિવારોમાં લગ્નના બીજા દિવસે યુવતીનું કૌમાર્ય સાબિત થાય ત્યારે તેમની ખુશી જોરશોરથી વ્યક્ત થતી હોય છે.

એટલે કે વર અને વધુના પરિવારને લોહીના ડાઘવાળો ઓછાડ બતાવવામાં આવતો હોય છે. કેટલીક વાર તેના માટે ખાસ ઉજવણીનું પણ આયોજન થતું હોય છે.

કૌમાર્ય સાબિત કરવા માટેની જુદીજુદી રીતો પણ પ્રચલિત છે. કેટલીક વાર કોઈ કિશોરીનુ હાઇમન ફાટી ગયું હોય તો સર્જરી કરીને તેને ફરી જોડી શકાય છે.

ચીનમાં બનેલાં પ્રૉસ્થેટિક હાઇમન પણ મળે છે. સમાગમના કારણે તેના પર દબાણ આવે છે અને તેના કારણે લોહી જેવું લાલ દ્રવ્ય નીકળે છે.

આવા સંજોગોમાં સ્ત્રીઓએ જુદીજુદી સ્થિતિનો સામનો કરવો પડતો હોય છે. શાદી બાદ કૌમાર્ય સાબિત ના થયું તો આબરૂના નામે તેમની હત્યા પણ કરી દેવાતી હોય છે.


'સેક્સથી જ નફરત થઈ ગઈ'

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

લગ્નના બીજા દિવસે સોમૈયા અને ઇબ્રાહિમ ડૉક્ટરને મળ્યાં. ડૉક્ટરે જણાવ્યું કે સોમૈયાનું હાઇમન ખૂબ મોટું અને મજબૂત છે તેથી બાળકના જન્મ વખતે જ તૂટશે.

આ સાંભળીને ઇબ્રાહિમને રાહત થઈ અને તેમના ચહેરા પર હાસ્ય રેલાયું.

જોકે ત્યાં સુધીમાં બહુ મોડું થઈ ગયું હતું. સોમૈયાએ મનોમન નક્કી કરી લીધું હતું કે તેઓ શક્ય એટલી ઝડપથી ઇબ્રાહિમથી તલાક લઈ લેશે.

તલાક લેવાની વાત વિશે સોમૈયા કહે છે, "મારા માટે મારો પતિ અજનબી બની ગયો હતો. સમાજના બીજા લોકોની જેમ જ તે વિચારતો હશે તે વાતથી હું ખિન્ન થઈ ગઈ હતી."

"તે પણ કૌમાર્ય વિશે એવા જ વિચારો રાખતો હતો. હું તેની સાથે રહીને સુરક્ષાની લાગણી અનુભવી શકું તેમ નહોતી. તેણે વર્ષોની મહોબતની થોડી જ ક્ષણોમાં હત્યા કરી દીધી હતી."

થોડું અટકીને સોમૈયા ઉમેરે છે, "હકીકત એ છે કે મારી સ્થિતિને કેવી રીતે વર્ણવું તે મને સમજાતું નથી. તે રાત પછી ખબર નહીં હું શું વિચારતી હતી."

"તેણે મારા અસ્તિત્વને માત્ર એક હાઇમન સાથે જોડી દીધું હતું. તે પછી હું તેની સાથે એક પળ પણ રહી શકું તેમ નહોતી. આખરે હું પણ એક મનુષ્ય છું, હું કંઇ માંસપેશીનો ટુકડો નથી."

તે દિવસથી સોમૈયાની શાંતિ ઝૂટવાઈ ગઈ હતી. તેમણે લોકો સાથે હળવામળવાનું બંધ કરી દીધું. તેઓ ક્યાંય પણ જવાનું ટાળતાં હતાં.

તેમને લાગ્યું કે તેઓ કોઈ એવી સામાન્ય સ્ત્રીની જિંદગી જીવી રહ્યાં છે, જેમાં તેમણે માત્ર પોતાના પતિની મરજી પ્રમાણે ચાલવાનું હોય. તેનું પોતાનું કોઈ અસ્તિત્વ જ ના હોય.

તે પછીના ત્રણ મહિના સુધી તેઓ અનિચ્છાએ જ ઇબ્રાહિમ સાથે સમાગમ કરતાં રહ્યાં.

સોમૈયા કહે છે, "તે મારી સાથે પથારીમાં સૂતો હતો ત્યારે મને અંદરથી ઘૃણા થતી હતી. હું તેને જરાય પ્રેમ કરતી નહોતી."

"મને કશો જ અહેસાસ થતો નહોતો, કેમ કે મારો બધો જ ઉત્સાહ સુહાગરાતે જ ખતમ થઈ ગયો હતો."

"હું બસ રાહ જોતી પડી રહેતી કે તેનું કામ થઈ જાય અને મને એકલી છોડી દે."

"તેની સાથે સેક્સની વાત મને ગંદી અને છેતરપિંડી જેવી લાગતી હતી. મારા માટે તે એક કામ જેવું હતું. એક જવાબદારી, જે નિભાવવાની હોય. તે કોઈ પ્રેમ નહોતો."


લગ્નની રાત માટે સલાહ

સોમૈયા જે સમાજમાંથી આવે છે ત્યાં આવી વાત સામાન્ય ગણાય છે. તેમનાં જેવી ઘણી મહિલાઓ હશે, જે બંધ દરવાજાની અંદર પોતાને છુપાવીને જિંદગી જીવી રહી હશે.

સમાજનાં ટોણા અને લોકોની નફરતભરી નજરથી દૂર રહેવાં માટે તેઓ સહન કર્યાં કરતી હશે.

જોકે આવાં લગ્નને કારણે પેદાં થતાં બાળકો અને સમગ્ર પરિવાર પર બહુ ખરાબ અસર થતી હોય છે. ખાસ કરીને આવી બાબતોની મોકળાશથી ચર્ચા ના થઈ શકે ત્યારે.

મનોચિકિત્સક અમલ અલ-હામિદે બીબીસી સાથે વાતચીતમાં જણાવ્યું કે શાદી પછીની પ્રથમ રાત્રે છોકરીની હાલત કેવી હોય છે.

જેમની શાદી થવાની હોય તેવાં યુવક-યુવતીને અમલ સલાહ આપવાનું કામ કરે છે, જેથી કોઈ અનિચ્છનિય મુશ્કેલી ઊભી ના થાય.

અમલ કહે છે, "અમારા સમાજમાં સામાન્ય રીતે મનોવૈજ્ઞાનિક સલાહ લેવામાં આવતી નથી, કેમ કે તે બાબતમાં પણ ઘણા પૂર્વગ્રહો છે."

અમલ અલ-હામિદ માને છે કે શાદી પહેલાં આ પ્રકારની સલાહ સાંસારિક જીવનની શરૂઆતને કડવાશથી થતી અટકાવે છે.

કોઈ પણ લગ્નજીવનનો આધાર આખરે એકબીજા સાથે મુક્તપણે વાતચીત કરીને અને એકબીજાને સમજવાનો જ હોય છે.

અમલ કહે છે, "લગ્ન કરવાં માગતાં દંપતીએ જરૂરી બાબતો પહેલાં જ જાણી લેવી જોઈએ. ગમે તેવી અંગત બાબત હોય તે પણ પૂછી લેવું જોઈએ."

"જેમ કે હાઇમનના જુદાજુદા પ્રકારો અને સલામત રીતે સેક્સ કઈ રીતે કરી શકાય તે જાણી લેવું જોઈએ. તેના કારણે યુવતીને જીવનભર થનારો જખમ નિવારી શકાય છે. જોકે તેનાથી ઊલટું થાય છે અને સ્ત્રીઓ માટે સુહાગરાત જીવનની સૌથી ખરાબ રાત બની જાય છે."

અમલ કહે છે, "ઘણા કિસ્સામાં આવી સમસ્યાના ઉકેલના પ્રયાસના બદલે, ઘા સહન કરી લેવામાં આવે છે. આગળ જતા તે બાબત મુશ્કેલીનું કારણ બની જાય છે."


'કુંવારી હોવાની સાબિતી'

Image copyright Getty Images

બીબીસીએ 20 લોકોને પૂછ્યું હતું કે પ્રથમવાર શારીરિક સંબંધ બાદ તેમનાં પત્ની 'કુંવારી હોવાની સાબિતી' ના મળે તો શું કરશો?

સવાલ પૂછાયો તે તમામ 20થી 45ની ઉંમરના હતા. તેમાંથી ઘણાનાં લગ્ન થઈ ગયાં હતાં અને ઘણા લોકો શિક્ષિત વર્ગના હતા.

કોઈ ડૉક્ટર હતા, પ્રોફેસર હતા અને પોતાને ખુલ્લા દિમાગથી વિચારનારા ગણાવતા હતા.

આ બધાનો જવાબ શો હતો? મોટા ભાગના લોકોએ સીધી રીતે અથવા ફેરવીફેરવીને નકારાત્મક જવાબો જ આપ્યા હતા.

મોટા ભાગના લોકોએ ઓછાડ પર લોહીના ડાઘને યુવતી કુંવારી છે તેનો પુરાવો માન્યો હતો. તેમની માન્યતા એવી હતી કે લગ્નજીવનના આ પાયામાં છે અને તેમાં વિશ્વાસને કારણે સારી શરૂઆત થાય છે.


પ્રેમ રહ્યો

શાદીના થોડા મહિના પછી સોમૈયાએ ઇબ્રાહિમ સાથે તલાક લેવાની ઇચ્છા જાહેર કરી દીધી. તેમણે સ્પષ્ટપણે જણાવી દીધું કે પોતાનો નિર્ણય તેઓ કોઈ કાળે બદલશે નહીં.

તેમને લાગતું હતું કે ઇબ્રાહિમ સાથે તેની સલામતી નથી. પ્રથમ રાત્રે જે થયું તે પછી તેમની વચ્ચે ન પ્રેમ રહ્યો હતો, ન જોશ રહ્યો હતો.

સોમૈયાએ ઇબ્રાહિમને સંભળાવી દીધું કે આ રીતે શક કરીને તેમણે તેમને નીચાં દેખાડવાની કોશિશ કરી હતી અને અપમાન કર્યું હતું.

સોમૈયા કહે છે, "મારી વાતોથી ઇબ્રાહિમને જોરદાર ઝટકો લાગ્યો હતો. તેને એમ લાગતું હતું કે પુરુષ તરીકે તેમને એ અધિકાર હતો કે પોતાની પત્નીનાં લગ્ન પહેલાં સંબંધો હતા કે કેમ? તેની ખાતરી તે કરી શકે છે."

ઇબ્રાહિમે કહ્યું કે જીવનભર તેઓ તલાક આપશે નહીં. તલાકની વાત ભૂલીને સોમૈયા ફરીથી વિચારે, નહીં તો બાદમાં તેમને ભારે અફસોસ થશે.

સોમૈયા કહે છે, "અમારો સમાજ ઢોંગી છે. પુરુષો કોઈ પણ સ્ત્રી સાથે સંબંધ રાખે તેને યોગ્ય માનવામાં આવે છે."

"તેના વખાણ થાય છે, પણ સ્ત્રીની વાત આવે ત્યારે એ વર્તનને સમાજ નકારી કાઢે છે. ક્યારેય તો તે માટે મોતની સજા આપી દેવામાં આવે છે."

સોમૈયા કહે છે, "મારો ભૂતપૂર્વ પતિ પણ એવો જ માણસ હતો. તે પોતાના દોસ્તો સમક્ષ બડાઈ માર્યા કરતો કે કેટલીય સ્ત્રીઓ સાથે તેના સંબંધો છે. હું મજાક પણ કરું તો મારા પર ગુસ્સે થઈ જતો હતો."

સોમૈયાના પરિવારે પણ ઇબ્રાહિમ સાથે તલાક લેવામાં મદદ કરવાની ના કહી દીધી હતી.

તેમને કહેવામાં આવ્યું, "તું જે બાબતને આટલો મોટો મુદ્દો બનાવે છે તે સામાન્ય છે અને તેની અવગણના જ કરવાની હોય." તે પછી સોમૈયાએ સીરિયા છોડી દીધું અને યુરોપ જતાં રહ્યાં.


જુમના, 45 વર્ષ

Image copyright Getty Images

જુમનાની જિંદગીનો મહત્તમ હિસ્સો સીરિયાના અલેપ્પો શહેરના અલબાબ મહોલ્લામાં વીત્યો હતો. 2016માં તેઓ બ્રસેલ્સની રાજધાની બેલ્જિયમમાં રહેવા આવ્યાં હતાં.

જુમનાએ બીબીસીને જણાવ્યું કે તેમણે તલાક લેવા માટે 20 વર્ષ રાહ જોવી પડી હતી.

તેઓ કહે છે, "હું તે વખતે માત્ર 19 વર્ષની હતી અને મારા પિતાએ કાકાના દીકરા સાથે મારાં લગ્ન નક્કી કરી નાખ્યાં હતાં."

"મને તે લગ્ન કરવામાં જરાય રસ નહોતો. મને તે જરાય ગમતો નહોતો. હું ભણવા માગતી હતી. આમ છતાં મારા કુટુંબે મારા પર દબાણ કર્યું કે મારા માટે પતિ તરીકે આ જ ઉત્તમ છે. ધીમેધીમે વાત થાળે પડશે અને તું પ્રેમ કરવા લાગીશ."

રૂઢિવાદ પરિવારોમાં, ખાસ કરને ગ્રામીણ વિસ્તારોમાં હજુ પણ વર અને કન્યાનાં મોટી ઉંમરના સગાઓ (સ્ત્રી અને પુરુષ બંને) શાદી કરીને આવેલી યુવતી કુંવારી સાબિત થાય તેની રાહ જોઈને બેઠાં હોય છે.

જુમનાને પણ પોતાની સુહાગરાતની વાત બરાબર યાદ રહી ગઈ છે. બહુ પીડા સાથે તેઓ એ વાત કરે છે.

જુમના કહે છે, "મારા પતિએ દરવાજો બંધ કરીને કહ્યું કે આપણે ઉતાવળ કરવી પડશે, કુટુંબના મોટા કૌમાર્યનો પુરાવો જોવા માટે આતુર થઈને બેઠા છે."

જુમના કહે છે, "મને તે વાત બહુ ખરાબ લાગી. મારા પતિએ મારી સાથે એક મિનિટ વાત પણ ના કરી."

"તેને મારી કોઈ પરવા જ નહોતી. તે પોતાના કામમાં લાગી ગયો, જ્યારે હું ડર અને ઘૃણાથી ધ્રૂજવા લાગી હતી."

તેઓ કહે છે, "શારીરિક તકલીફ અને લાગણીના તણાવ છતાં મારા પતિને બસ માત્ર લોહીના થોડા ડાઘની જ પરવા હતી."


શરમજનક સ્થિતિ

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

જુમના કહે છે, "તે રાત્રે મને લોહી નીકળ્યું નહીં અને મારો પતિ બૂમો પાડવા લાગ્યો કે લોહી તો નીકળ્યું નથી."

"તેણે મને બહુ ગંદી ગાળો આપી. હું મારા મોઢે તે બોલી પણ શકું નહીં. તેની આંખો અંગારા જેવી થઈ હતી, જાણે મને બાળી નાખવા માગતી હોય."

એક કલાક સુધી જુમના બહુ જ આઘાતમાં મૌન થઈને પડ્યાં રહ્યાં. તે લોકોએ સવાર થવાની પણ રાહ ના જોઈ અને કૌમાર્યના પરિક્ષણ માટે રાત્રે જ ડૉક્ટર પાસે ગયા.

જુમના કહે છે, "મને યાદ છે કે ડૉક્ટર મને એવી રીતે સાંત્વના આપી રહ્યા હતા, જાણે તે મારા પિતા હોય. તેમણે મારા પતિ પર તેની કરતૂત માટે ફિટકાર વરસાવ્યો હતો."

જુમનાએ તે પછી ઘણાં વર્ષો સુધી પોતાના પતિ સાથે રહેવું પડ્યું હતું. પોતાનું અપમાન કરનારા પતિ સાથે રહેવું પડ્યું, કેમ કે તલાક માટે જુમનાનો પરિવાર કે બીજા લોકો સાથ આપવા તૈયાર નહોતા.

તે રાત્રે પણ કોઈએ જુમનાનો સાથ આપ્યો નહોતો કે તે પછીના 20 વર્ષનાં લગ્નજીવનમાં પણ ક્યારેય કોઈનો સાથ મળ્યો નહોતો.

20 વર્ષ અને ચાર બાળકો થયા બાદ પણ જુમના પોતાનું અપમાન ભૂલી શકતાં નહોતાં.

તેઓ પોતાનાં બાળકો સાથે બ્રસેલ્સ પહોંચ્યાં અને તે સાથે જ તેમણે પોતાના લગ્નજીવન પર પૂર્ણવિરામ મૂકી દીધું.

તેઓ પોતાના પતિ અને સમાજ સામે બદલો લેવા માગતાં હતાં, જેણે તેમની સ્થિતિ અપમાનજનક કરી હતી.

જુમના કહે છે કે બ્રસેલ્સમાં તેમની અને બાળકોની જિંદગી વધારે સારી છે. તેઓ બીજી વાર લગ્ન કરવાં માગતાં નથી. તેઓ હવે પોતાનો અભ્યાસ પૂરો કરવા માગે છે, જે અધુરો જ રહી ગયો હતો.

તેઓ પોતાના સંતાનોને એવી જિંદગી આપવા માગે છે, જે પોતાને નહોતી મળી.

જુમના કહે છે, "હું હવે ખુશ છું, કેમ કે મારી બંને દીકરીને મારી સાથે અહીં લાવી શકી છું. મેં મારા પતિને માત્ર તલાક નથી આપ્યા પણ એ સમાજ જ છોડી દીધો છે જેણે મને ન્યાય આપ્યો નહોતો."


રોઝાના અને અમીનાઃ હાઇમનની સર્જરી

Image copyright Getty Images
ફોટો લાઈન પ્રતીકાત્મક તસવીર

અન્ય એક યુવતી રોઝાનાએ પણ અમને જણાવ્યું કે શા માટે સગાઈનાં પાંચ વર્ષ બાદ તેમણે પોતાના મંગેતરને છોડી દીધા હતા.

રોઝાના કહે છે, "હું તેના પર ભરોસો કરતી હતી અને તેને બહુ પ્રેમ કરતી હતી. અમે મળતાં હતાં તે દરમિયાન એકવાર તેણે મારી સાથે સેક્સ કરવા માટે બહુ જીદ કરી હતી. હું તેને મારો પતિ માની ચૂકી હતી, તેથી હું તેની જીદ સાથે ઝૂકી ગઈ હતી."

છ મહિના પછી રોઝાના અને તેના મંગેતરના પરિવાર વચ્ચે મોટો ઝઘડો થયો. તે પછી તો રોઝાના અને તેના મંગેતર વચ્ચે પણ ઝઘડો થયો અને તેઓ અલગ થઈ ગયાં.

તેઓ કહે છે, "અમારા સમાજમાં કૌમાર્ય ગુમાવવાની સજા શું હોઈ શકે તેની કોઈ ચર્ચા જ થતી નથી. તેના માટે મોતની જ સજા થાય છે."

રોઝાના કહે છે, "સદનસીબે તે વખતે મારી બહેનપણીએ મને સાથ આપ્યો. તેણે કહ્યું કે ચૂપચાપ મહિલા ડૉક્ટરને મળીને ચાઇનીઝ હાઇમન લગાવી લેવું. જો આ નાનકડી સર્જરી ના થઈ હોત તો હું મરી જ ગઈ હોત."

આવી જ મુશ્કેલીમાં અમીના પણ મુકાયાં હતાં. નાનપણમાં તે બાથરૂમનાં પગથિયા પરથી પડી ગયાં હતાં. તે વખતે તેમને લોહી નીકળ્યું હતું. તેમનો પરિવાર ગરીબ અને રૂઢિચુસ્ત હતો.

તે વખતે અમીનાને ખબર પણ ના પડી કે શું થયું હતું. અમીનાએ પોતાની માને વાત કરી, ત્યારે તેઓ તરત અમીનાને એક મહિલા ડૉક્ટર પાસે લઈ ગયાં હતાં. ડૉક્ટરે તપાસ કરી તો ખ્યાલ આવ્યો કે હાઇમન ફાટી ગયું હતું.

અમીના કહે છે, "મારી માતા માટે તે દિવસ બહુ જ પીડાદાયક હતો. તેમની સૂઝતું નહોતું કે શું કરવું. મારી ત્રણ ફોઈ સાથે ચર્ચા કર્યા પછી આખરે મારા હાઇમનની સર્જરી કરાવવાનું નક્કી થયું હતું."

"તે માટે બહુ ખાનગીમાં ડૉક્ટરની મદદ લઈને ઑપરેશન કરવામાં આવ્યું હતું. અમારા દેશમાં તે ગેરકાયદે છે એટલે બહુ સાવધાની રાખવી પડતી હોય છે."

"હું પડી ગઈ તેને કારણે હાઇમન ફાટી ગયું હતું તેવી વાતનો કોઈ વિશ્વાસ ન કરત. તે લોકો મારા કૌમાર્ય પર જિંદગીભર સવાલો ઉઠાવતા રહેત."


કૌમાર્યનું પરિક્ષણ

Image copyright Getty Images

ઘણા આરબ અને મુસ્લિમ દેશોમાં મહિલાઓને લગ્ન પહેલાં વર્જિનિટી ટેસ્ટમાંથી પસાર થવું પડતું હોય છે. ચકાસણી કર્યા પછી જ દુલ્હનને કુંવારી તરીકે સ્વીકારવામાં આવતી હોય છે.

હ્યુમન રાઇટ્સ વૉચ દ્વારા ઇન્ડોનેશિયા તથા આરબ અને મુસ્લિમ દેશોમાં થતી આવી આઘાતજનક 'વર્જિનિટી ટેસ્ટ'ની આકરી ટીકા કરી છે.

આવા દેશોમાં મોટી ઉંમરની મહિલાઓને કૌમાર્યનું પરિક્ષણ કરવાની જવાબદારી સોંપાતી હોય છે.

આવી મહિલાઓ યુવતીના ગુપ્તાંગમાં આંગળી દ્વારા હાઇમન છે કે નહીં તેની ચકાસણી કરતી હોય છે.

આવો રિવાજ મધ્ય-પૂર્વ અને ઉત્તર આફ્રિકાનાં રાષ્ટ્રોમાં વધુ વ્યાપક છે. હ્યુમન રાઇટ્સ વૉચના 2014માં પ્રગટ થયેલા અહેવાલમાં આવા રિવાજને હિંસક ગણાવાયો હતો.

સ્ત્રીઓ તરફ ભેદભાવ રાખનારો, અમાનવીય અને માનવાધિકારોનું ઉલ્લંઘન કરવાનો આ રિવાજ છે, એવી ટીકા કરાઈ હતી.

બીબીસીના એક અભ્યાસ અનુસાર ભારત, અફઘાનિસ્તાન, બાંગલાદેશ, ઈરાન, ઇજિપ્ત, જોર્ડન, લીબિયા, મોરોક્કો ઉપરાંત ઘણા આરબ દેશો અને દક્ષિણ આફ્રિકામાં પણ વર્જિનિટી ટેસ્ટ કરવામાં આવે છે.

હ્યુમન રાઇટ્સ વૉચના જણાવ્યા અનુસાર ઇજિપ્ત, મોરોક્કો, જોર્ડન અને લીબિયામાં કૌમાર્યપરિક્ષણ વધુ વ્યાપક રીતે થાય છે.

જોકે આ અહેવાલને મોરોક્કો અને ઇજિપ્તે નકારી કાઢ્યો હતો. આ દેશોએ જણાવ્યું કે કૌમાર્યપરિક્ષણ ગેરકાયદે છે અને ખાનગીમાં અને ગેરકાયદે રીતે જ તે થાય છે.

નોંધઃ ઓળખ છુપાવવા માટે આ અહેવાલમાં સામેલ ચારેય મહિલાઓનાં નામો બદલવામાં આવ્યાં છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો