બર્લિન : 1989માં તોડી દેવાયેલી એ દીવાલ જેણે દુનિયાનો ઇતિહાસ બદલ્યો

બર્લિન દિવાલ Image copyright Getty Images

દુનિયામાં બનતા બનાવો બહુ ઝડપથી પસાર થઈ જતા હોય છે, પણ 1989માં દુનિયામાં આવેલા પરિવર્તનો એટલા ઝડપી અને વ્યાપક હતા કે ભાગ્યે જ કોઈ તેની તોલે આવે.

તેની ચરમસીમાએ આખરે બર્લિનની દીવાલ તૂટી, જે આધુનિક જગતના ઇતિહાસની બહુ સીમાચિહ્નરૂપ ઘટના બની રહી છે.

દીવાલ તૂટી તેનું એક કારણ અમલદારી તંત્રની ગફલત પણ હતી. તે વખતે સોવિયેટ સંઘની આગેવાની હેઠળનો સામ્યાવાદી બ્લૉક ધરાશાઇ થઈ રહ્યો હતો અને તેને કારણે સર્જાયેલી ક્રાંતિના મોજાના ધક્કામાં દીવાલ તૂટી અને તે સાથે જ એક નવી દુનિયાની સરહદ પણ ખુલી.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું
બે વિચારધારાના ભાગલા પાડતી દીવાલનો ઇતિહાસ

કેવી રીતે તૂટી દીવાલ?

Image copyright Getty Images
ફોટો લાઈન પૂર્વ અને પશ્ચિમ બર્લિન વચ્ચેની દિવાલ તૂટી પડતાં ભાવનાત્મક દ્રશ્યો સર્જાયા હતાં.

તે દિવસ હતો 9 નવેમ્બર 1989. પૂર્વ બર્લિનમાં પાંચ લાખથી વધુ લોકો વિરોધ પ્રદર્શન કરવા માટે શેરીઓમાં નીકળી પડ્યા હતા. તેના પાંચમાં દિવસે પૂર્વ અને પશ્ચિમ જર્મનીને નોખી પાડતી બર્લિનની દીવાલ તૂટી.

પૂર્વ જર્મનીના નેતાઓએ દેખાવો કરી રહેલા લોકોને શાંત પાડવા માટે સરહદ પર નિયંત્રણો હળવા કરવાની કોશિશ કરી હતી. પૂર્વ જર્મનીના લોકો વધારે મોકળાશ સાથે સરહદ પાર પ્રવાસ કરી શકે તે માટેના પ્રયાસો હતા. જોકે નેતાઓ સરહદને સાવ ખોલી નાખવા માગતા નહોતા.

સરહદ પર આવનજાવનમાં નિયંત્રણો હળવા કરાયા તે મામુલી હતા, પણ તેનો અમલ એવી રીતે થયો કે તેની ભારે અસર થઈ.

નવા નિયમો અંગેની જાણકારી આપતી નોંધ પ્રવક્તા ગુન્ટર શ્વેબોવસ્કીને સોંપવામાં આવ્યું હતું.

તેઓ એટલી ઉતાવળમાં હતા કે પત્રકારપરિષદ અગાઉ તેમણે પોતે જ પ્રેસનોટ વાંચી નહોતી.

તેમણે પત્રકારો સમક્ષ જ નોંધ વાંચવાનું શરૂ કર્યું અને તે સાંભળીને પત્રકારો સ્તબ્ધ થઈ ગયા.

"કોઈ પૂર્વશરતો પૂરી કર્યા વિના વિના હવે દેશની બહાર અંગત પ્રવાસ માટેની અરજી કરી શકાશે," એમ તેમણે વાંચ્યું હતું.

ચોંકી ગયેલા પત્રકારોએ વધુ વિગતોની માગણી કરી. પોતાની પાસેના કાગળિયા ઊંચાનીચા કરીને શ્વેબોવસ્કિએ કહ્યું કે તેઓ જાણે છે ત્યાં સુધી નિયમ તાત્કાલિક અસરથી લાગુ પડી રહ્યો છે.

સાચી વાત એ હતી કે નિયમ બીજા દિવસથી લાગુ પડવાનો હતો અને વિઝાની અરજીના નિયમોની વિગતો પણ બીજે દિવસે જાહેર થવાની હતી.

જોકે ટીવી પર આ સમાચાર ઝડપથી ફેલાઈ ગયા હતા. સમાચાર સાંભલીને પૂર્વ જર્મનોના ટોળેટોળાં સરહદે એકઠાં થઈ ગયાં.

તે રાત્રે સરહદ પર ચોકીપહેરાની જવાબદારી સંભાળનારા હેરાલ્ડ જેગરે 2009માં ડેર સ્પિગલ અખબારને જણાવ્યું હતું કે તેઓ પત્રકારપરિષદ સાંભળીને મૂંઝાયા હતા અને થોડી વારમાં લોકોનાં ટોળાં આવતાં જોયાં હતાં.

જેગરે પોતાના ઉપરીઓનો સંપર્ક કરવા માટે મથામણ કરી, પણ તેમને ઉપરથી કોઈ સ્પષ્ટ આદેશ મળ્યો નહીં.

દરવાજો ખોલવો કે ના ખોલવો કે પછી ટોળાંને અટકાવવા માટે ગોળીબાર કરવો કે ના કરવો કોઈ સ્પષ્ટ આદેશ મળ્યો નહીં. આમ પણ તેઓ થોડા જ ચોકીદારો હતા અને સામે રોષે ભરાયેલા હજારો નાગરિકો એકઠાં થઈ ગયા હતા, એટલે બળપ્રયોગ શક્ય નહોતો.

"એટલી ભીડ હતી કે જો હજારો લોકોમાં દોડભાગ થાય તો ગોળીવાર વિના પણ લોકો ઘાયલ થાય કે મોત પામે તેમ હતું," એમ તેમણે ડેર સ્પિગલને જણાવ્યું હતું.

"તેથી જ મેં મારા જવાનોને આદેશ આપી દીધો: આડશો હઠાવી લો!"

હજારો લોકો સરહદ પાર કરીને બીજી તરફ જવા લાગ્યા. તે લોકો ખુશ થઈને ઉજવણી કરી રહ્યા હતા.

આ દૃશ્યો દુનિયાભરમાં પ્રસારિત થયા હતા. કેટલાક લોકો બર્લિનના બ્રાન્ડેનબર્ગ ગેટ પાસેની દીવાલ ઉપર ચડી ગયા હતા. કેટલાક લોકોએ દીવાલને હથોડા અને ત્રિકમથી તોડવાનું શરૂ કરી દીધું હતું.

એક વર્ષથી ચાલી રહેલી ધમાલનો આ ક્લાઇમેક્સ હતો.


શા માટે દીવાલને તોડી પાડવામાં આવી?

Image copyright Getty Images

બીજા વિશ્વ યુદ્ધ પછી સોવિયેત યુનિયન અને તેના પશ્ચિમ મોરચાના દેશોએ યુરોપને પરસ્પર વહેંચી લીધું હતું. સોવિયેત સત્તાધીશોએ ધીમે ધીમે પૂર્વ તરફના યુરોપને પશ્ચિમથી અલગ કરવા માટે 'લોખંડી પડદા' જેવી દીવાલ ઊભી કરવાનું શરૂ કરી દીધું હતું.

હારી ગયેલા જર્મનીને પણ કબજો કરનારી સત્તાઓએ - અમેરિકા, યુકે, ફ્રાન્સ અને સોવિયેત સંઘે - બે ભાગમાં વહેંચી લીધું હતું.

પૂર્વ જર્મની પર સોવિયેત સંઘનો કબજો હતો. તેનું સત્તાવાર નામ હવે જર્મન ડેમોક્રેટિક રિપબ્લિક થયું અને પશ્ચિમ યુરોપમાં સોવિયેત સંઘના પગપેસારોનું માધ્યમ બન્યું હતું.

બર્લિનને ચાર ટુકડામાં વહેંચી નાખવામાં આવ્યું હતું. પશ્ચિમ તરફના શહેરમાં બ્રિટિશ, ફ્રેન્ચ અને અમેરિકન એમ ત્રણ ઝોન થયા હતા.

પૂર્વ તરફનો હિસ્સો સોવિયેતના કબજામાં આવ્યો હતો. સમગ્ર પશ્ચિમ બર્લિન ચારે બાજુ પૂર્વ જર્મની વચ્ચે એક ટાપુશહેર બની ગયું હતું.

પૂર્વ બર્લિનમાંથી લોકો મોટા પાયે પશ્ચિમ હિસ્સા તરફ સ્થળાંતર કરતાં હતા, તેથી 1961માં શહેરની વચ્ચે દીવાલ ઊભી કરવાનું નક્કી થયું હતું.

1980ના દાયકા સુધીમાં સોવિયેત સંઘ આર્થિક સમસ્યાઓમાં ઘેરાયું હતું અને અનાજની તંગી ઊભી થઈ હતી. એપ્રિલ 1986માં યુક્રેનમાં ચેર્નોબિલ અણુ વીજમથકે અકસ્માત થયો, તે પડતીનું ગમખ્વાર પ્રતીક બનીને આવ્યો હતો.

1985માં પ્રમાણમાં યુવાન ઉંમરે મિખાઇલ ગોર્બાચેવે સોવિયેતમાં સત્તા સંભાળી હતી અને તેમણે સુધારાઓની શરૂઆત કરી હતી. તેમણે ગ્લાસનોસ્ત (મોકળાશ) અને પેરેસ્ત્રોઇકા (નવરચના)ની નીતિઓ અપનાવી હતી.

જોકે તેમની કલ્પના કરતાં વધુ ઝડપથી સ્થિતિમાં પરિવર્તન આવવા લાગ્યું.


ક્રાંતિની હવા

Image copyright Getty Images
ફોટો લાઈન ઘણા પૂર્વ જર્મનીના લોકો ઑસ્ટ્રેલિયમાં પ્રવેશ્યા ત્યારે ભાવુક થઈ ગયા હતા.

સામ્યવાદી બ્લોકમાં સુધારાની હવા પહેલેથી જ ચાલતી થઈ હતી. પોલેન્ડમાં વર્ષો સુધી ચાલેલી ચળવળ અને હડતાળોથી દબાણમાં આવીને આખરે શાસક સામ્યવાદી પક્ષે પ્રતિબંધિત સોલિડારિટી ટ્રેડ યુનિયનને માન્યતા આપવા માટેનો નિર્ણય કર્યો હતો.

ફેબ્રુઆરી 1989 સુધીમાં સોલિડારિટી યુનિયન અને સરકાર વચ્ચે વાટાઘાટો શરૂ થઈ હતી. ત્યારબાદ અમુક અંશે મુક્ત ચૂંટણીઓ થઈ તેમાં યુનિયનને સંસદની કેટલી બેઠકો પણ જીતવા મળી.

સામ્યવાદી પક્ષ અનામત બેઠકો જાળવી શક્યો હતો, પણ જે બેઠકો પર મુક્ત સ્પર્ધા થવા દેવામાં આવી ત્યાં સોલિડારિટીના ઉમેદવારો જીતી ગયા હતા.

માર્ચમાં હંગેરીના લોકોએ પણ લોકશાહીની માગણી સાથે વિરોધ પ્રદર્શનો શરૂ કર્યા હતા. મે મહિનામાં ઓસ્ટ્રિયા સાથેની સરહદ પર લગાવવામાં આવેલી 150 માઇલ (240 કિમી) લાંબી કાંટાળી તારની વાડને હઠાવી દેવામાં આવી.

લોખંડી પડદામાં આ પ્રથમ કાપો હતો. 1956માં હંગેરીમાં બળવો થયો હતો, ત્યારે સોવિયેત સંઘે તેને ક્રૂરતાપૂર્વક કચડી નાખ્યો હતો, પણ આ વખતે બળવો સફળ થતો દેખાવા લાગ્યા હતો.

ઑગસ્ટ સુધીમાં ક્રાંતિકારીઓએ જનચેતના જગાવી દીધી હતી. સોવિયેત સંઘના કબજામાં રહેલા ઇસ્ટોનિયા, લાતવિયા અને લિથુઆનિયાના લગભગ 20 લાખ લોકોએ એકઠા થઈને ઇતિહાસમાં યાદગાર એવા દેખાવો કર્યા હતા.

આ દેખાવોને સિંગિગ રેવોલ્યૂશન, ગાતી ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે છે, કેમ કે આ ત્રણેય દેશો વચ્ચે 370 માઇલ (600 કિમી) લાંબી માનવસાંકળ રચવામાં આવી હતી. એકબીજાના હાથ પકડીને ત્રણેય દેશોના લોકોએ આઝાદીના ગીતો ગાવાનું શરૂ કરી દીધું હતું.

ઑગસ્ટ મહિનામાં જ આ ધમાલ વચ્ચે હંગેરીએ ઓસ્ટ્રિયા સાથેની પશ્ચિમ તરફની સરહદે ખોલી નાખી. તેના કારણે પૂર્વ જર્મનીમાંથી હજારો શરણાર્થીઓ છટકીને તે તરફ બહાર નીકળી શક્યા.


લોખંડી સરહદો હવે તૂટવા લાગી હતી.

Image copyright Getty Images

1968માં ઉદારીકરણના સુધારા માટે ઝેકોસ્લોવેકિયામાં માગણીઓ થઈ હતી, પણ તેનેય ક્રૂરતાપૂર્વક દબાવી દેવામાં આવી હતી.

હવે ઝેકોસ્લોવેકિયાના રસ્તે પણ પૂર્વ જર્મનીના લોકો છટકી શકે તેમ હતા. હજારોની સંખ્યામાં પૂર્વ જર્મનીના નાગરિકો આવી પહોંચ્યા અને પશ્ચિમ જર્મનીની એમ્બેસીએ પહોંચીને આશ્રય લેવા લાગ્યા. તેમને ટ્રેનોમાં ભરી ભરીને પશ્ચિમ જર્મની મોકલવાનું શરૂ થયું.

લોકોનો પ્રવાહ બહાર જતો અટકાવવા માટે આખરે ઑક્ટોબરમાં પૂર્વ જર્મનીએ ઝેકોસ્લોવેકિયા સાથેની સરહદને બંધ કરી દીધી.

પરંતુ ત્યાં સુધીમાં ક્રાંતિની હવા પૂર્વ જર્મનીની હદમાં પણ પ્રવેશી ગઈ હતી.


પૂર્વ જર્મનીમાં ક્રાંતિ

Image copyright Getty Images

પૂર્વ જર્મનીમાં લેપગીઝ શહેરના મધ્યમાં સ્વતંત્રતાની માગણી સાથે દેખાવો શરૂ થયા અને ક્રાંતિની શરૂઆત થઈ હતી.

9 ઑક્ટોબરે પૂર્વ જર્મનીએ સ્થાપનાની 40મી જયંતી મનાવી તેના થોડા જ દિવસો પછી 70,000 લોકો રસ્તા પર દેખાવો કરવા ઉતરી આવ્યા હતા.

પશ્ચિમ જર્મની તરફથી મુક્ત ચૂંટણી માટેની માગણી થવા લાગી હતી. પૂર્વ જર્મનીના નવા સામ્યવાદી નેતા એગોન ક્રેન્ઝે સુધારા માટેની વાતો શરૂ કરી હતી. તે વખતે કોઈને અંદાજ નહોતો કે થોડા જ અઠવાડિયા પછી બર્લિનની દીવાલ તૂટી પડશે.

જાહેર વિરોધપ્રદર્શનોની શરૂઆત જ્યાંથી થઈ હતી તે હંગેરીમાં ઑક્ટોબરના અંત ભાગમાં સંસદમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો કે પ્રમુખપદની સીધી ચૂંટણી થશે અને બહુપક્ષી સંસદીય ચૂંટણીઓ પણ યોજાશે.

તે પછી 31 ઑક્ટોબરે લોકશાહીની માગણી કરી રહેલા પૂર્વ જર્મન નાગરિકોની સંખ્યા પાંચ લાખને પણ વટાવી ગઈ. ક્રેન્ઝ બેઠકો કરવા માટે મોસ્કો દોડ્યા. તે વખતે તેમણે બીબીસીને એવું જણાવ્યું હતું કે બંને જર્મનીનું એકીકરણ કરવાની કોઈ વાત એજન્ડા પર નથી.

પૂર્વ જર્મનમાં દેખાવો શરૂ થયા તેના એક મહિના પછી 4 નવેમ્બરે, પૂર્વ બર્લિનના એલેક્ઝાન્ડરપ્લેટ્ઝ ખાતે પાંચ લાખ લોકો એકઠા થઈ ગયા હતા.

ત્રણ દિવસ પછી આખરે સરકાર હારી અને રાજીનામું આપી દીધું. જોકે લોકશાહી લાવવાનો કોઈ ઇરાદો સત્તાધીશોનો દેખાતો નહોતો. ઇગોન ક્રેન્ઝ હજીય સામ્યવાદી પક્ષના વડા હતા અને આડકતરી રીતે દેશના શાસક હતા.

જોકે તેઓ લાંબું ટકવાના નહોતા. પાંચ દિવસ પછી સરકારી પ્રવક્તાએ સ્થિતિને પલટાવી નાખનારી નોંધ પત્રકાર પરિષદમાં વાંચી.


સોવિયે સંઘે બળપ્રયોગ કેમ ના કર્યો?

Image copyright Getty Images

1989ની શરૂઆતમાં બિજિંગના ટિઆનમેન ચોક ખાતે લોકશાહી માટે વિરોધ પ્રદર્શનો થઈ રહ્યા હતા, તેને ચીનના શાસકોએ લશ્કરી તાકાતથી તોડી પાડ્યા હતા.

ભૂતકાળમાં સોવિયેત સંઘે પણ આવી રીતે થયેલા બળવાઓને બળપ્રયોગ કરીને તોડી પાડ્યા હતા. તો શા માટે આ વખતે એવા કોઈ પ્રયાસો ના થયા?

સોવિયેત સંઘની અંદર દેખાવો થયા ત્યાં તેને કચડી નાખવામાં આવ્યા હતા. જ્યોર્જિયામાં લોકતંત્ર માટે દેખાવો કરી રહેલા 21ને ખતમ કરી દેવામાં આવ્યા હતા. જોકે સામ્યવાદી બ્લોકમાં અન્યત્ર ક્યાંય બળપ્રયોગ થયો નહોતો.

સોવિયેતની જૂની નીતિનો ત્યાગ કરીને આ પડોશી દેશોમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો અને રાજકીય ક્રાંતિ સામે લશ્કરી તાકાતનો ઉપયોગ ના કરવાનું મિખાઇલ ગોર્બાચેવે નક્કી કર્યું હતું.

"અમે હવે ફ્રેન્ક સિનાત્રા ડોક્ટ્રાઇનનું પાલન કરી રહ્યા છીએ," એમ વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગેનેડી ગેરાસિમોવે અમેરિકન ટીવીને જણાવ્યું હતું. "તેમનું ગીત છે કે હું હવે મારા માર્ગે છું. (`I (Did) It My Way.') તેથી હવે દરેક દેશે નક્કી કરવાનું છે કે તેમણે કયો માર્ગ લેવો."


યુરોપના ઇતિહાસમાં નવું પ્રકરણ

Image copyright Getty Images

ત્રીજી ડિસેમ્બરે ગોર્બાચેવ અને અમેરિકાના પ્રમુખ જ્યોર્જ ડબ્લ્યૂ બુશ વચ્ચે મુલાકાત થઈ. તેમની મંત્રણાઓ પછી નિવેદન બહાર પાડીને જાહેરાત કરાઈ કે બન્ને મહાસત્તા વચ્ચેનું શીત યુદ્ધ સમાપ્ત જાહેર કરવામાં આવે છે.

જોકે 1989ની ક્રાંતિનાં મોજાં હજી શમી ગયાં નહોતાં.

પ્રાગમાં વિદ્યાર્થી દેખાવકારો અને પોલીસ વચ્ચે અથડામણ થઈ હતી. તેમાંથી જાગેલા વેલ્વેટ રેવોલ્યૂશનને કારણે થોડા અથવાડિયામાં ઝેકોસ્લોવેકિયાના સામ્યવાદનો અંત આવી ગયો.

રોમાનિયામાં વિરોધ પ્રદર્શનો હિંસક બન્યા હતા અને તેના કારણે સામ્યવાદી ડિક્ટેટર નિકોલે સેસેયુનું પતન થયું હતું. તાનાશાહે પોતાનો મહેલ છોડીને નાસી જવું પડ્યું હતું અને લોકોનું ટોળું મહેલમાં ફરી વળ્યું હતું. નવી સરકારની સ્થાપના કરી દેવામાં આવી હતી.

જોકે નાસી ગયેલા નિકોલે અને તેમના પત્ની પકડાઇ ગયા હતા. ક્રિસમસ ડેના રોજ તેમને ફાંસીએ લટકાવી દેવાયા હતા. ક્રાંતિ પછી થયેલા તોફાનોમાં 1000થી વધુ લોકોના જીવ ગયા હતા. બીજી જગ્યાએ શાંતિમય રીતે ક્રાંતિ થઈ હતી, તેનાથી વિપરિત રોમાનિયામાં હિંસક ક્રાંતિ થઈ હતી.


1989 પછી સોવિયે સંઘની હાલત?

Image copyright Getty Images

1990માં લાતવિયા, લુથિઆનિયા અને ઇસ્ટોનિયાએ પોતાને નવી નવી મળેલી રાજકીય આઝાદીનો લાભ ઊઠાવીને સામ્યવાદી સરકારોને ઉથલાવી નાખી હતી.

ત્રણેય દેશો સ્વતંત્ર થયા હતા. સોવિયેત સંઘનું પણ વિઘટન થવા લાગ્યું હતું. સુધારા દાખલ કરવા માટેના ઇરાદા સાથે ગોર્બાચેવે બધા જ 15 સભ્યદેશોના નેતાઓની બેઠક બોલાવવાનું નક્કી કર્યું. ગોર્બાચેવે લીધેલું આ પગલું આત્મઘાતી સાબિત થવાનું હતું.

ગોર્બાચેવ ઝડપથી સુધારા કરી રહ્યા હતા તેનો વિરોધ રહી રહેલા ઉદ્દામવાદી સામ્યવાદીઓએ હવે તેમને જ ઉથલાવી નાખવાની કોશિશ કરી હતી.

ગોર્બાચેવ ઑગસ્ટ 1991માં ક્રિમિયામાં રજાઓ ગાળવા ગયા હતા ત્યારે બળવો થયો અને ગોર્બાચેવને ઉથલાવી નાખવાની કોશિશ થઈ. તેમને ક્રિમિયામાં જ નજરકેદ કરી લેવામાં આવ્યા.

જોકે ત્રણ જ દિવસમાં બળવો કરનારા સામ્યવાદીઓને હરાવી દેવાયા હતા. લોકશાહીતરફી પરિબળો રશિયન રિપબ્લિકના પ્રમુખ બોરિસ યેલ્તસીનના ટેકામાં આવ્યા હતા અને સામ્યવાદીઓને હરાવ્યા હતા.

જોકે આ બળવો સોવિયેત સંઘ માટે જીવલેણ સાબિત થયો હતો. સોવિયેત સંઘની આંતરિક અશાંતિનો લાભ લઈને 15 સભ્ય દેશો એક પછી એક યુનાઇટેડ સ્ટેટ ઑફ સોવિયેત યુનિયનમાંથી છુટ્ટા પડવા લાગ્યા. વર્ષના અંત સુધીમાં સોવિયેત સંઘનો ઝંડો નીચે ઉતરી ગયો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો