બ્રિટનની ચૂંટણીમાં હિંદુ-મુસ્લિમ મુદ્દો, લેબર પાર્ટીની હિંદુ મતદારોને રીઝવવાની કોશિશ

બ્રિટિશ હિંદુઓ Image copyright Getty Images

બ્રિટનમાં રહેતાં હિંદુઓ 2019ની સામાન્ય ચૂંટણીમાં લેબર પાર્ટીને મત આપશે નહીં તેથી લેબર પાર્ટી આ સમાજને રિઝવવા પ્રયાસ કરી રહી છે.

લેબર પાર્ટીએ તેની વાર્ષિક કૉન્ફરન્સમાં ભારતના કાશ્મીર અંગેના નિર્ણયની ટીકા કરી હતી તેથી હિંદુ સમાજ લેબર પાર્ટીથી નારાજ છે.

તેથી લેબર પાર્ટી પર ભારત વિરોધી અને હિંદુ વિરોધી હોવાના આક્ષેપ થયા છે.

હિંદુ ચૅરિટી દ્વારા તેની ટીકા થતાં હવે પાર્ટીએ કૉન્ફરન્સ સાથે અંતર કરી લીધું છે.

દાયકાઓ સુધી કાશ્મીર ભારત અને પાકિસ્તાન વચ્ચેના વિવાદનું કારણ રહ્યું છે કારણ કે ભારત અને પાકિસ્તાન બંને માને છે કે સંપૂર્ણ કાશ્મીર તેમની સીમામાં હોવું જોઇએ.

ઑગસ્ટ મહિનામાં ભારતે કાશ્મીરનો ખાસ દરજ્જો દૂર કર્યો, જેના અંતર્ગત રાજ્યને પોતાના અલગ ધ્વજ અને કાયદાના અધિકારો હતા.

ભારત સરકારના આ નિર્ણયના પગલે સપ્ટેમ્બર મહિનામાં લેબર પાર્ટીની વાર્ષિક કૉન્ફરન્સમાં એક ખરડો પસાર કરવામાં આવ્યો જેમાં કહેવાયું કે વિવાદિત વિસ્તારમાં હાલ લોકો કટોકટીની સ્થિતિમાં છે અને કાશ્મીરનો લોકોને પોતાની ઇચ્છા મુજબ જીવન જીવવાનો અધિકાર મળવો જોઈએ.

Image copyright Getty Images
ફોટો લાઈન લૅન લૅવેરી

તેના કારણો ભારતીયો નારાજ થયા, જેમા મોટા ભાગના ભારતીય મૂળના હિંદુઓ છે.

હિંદુ કાઉન્સિલ યૂકેના ઉમેશ ચંદ્ર શર્માએ બીબીસી રેડિયો 4ના કાર્યક્રમમાં જણાવ્યું કે લેબર પાર્ટીના વલણ બાબતે મોટી સંખ્યામાં હિંદુઓ ઘણા નિરાશ અને નારાજ છે. તેમજ રાજકીય રીતે નિષ્પક્ષ ગણાતી ચૅરિટી પણ આ મુદ્દે પાર્ટીની વિરુદ્ધમાં છે.

તેમણે જણાવ્યું કે તેમની સંસ્થાએ હિંદુઓના પક્ષનો બચાવ કરવો જરૂરી હતો.

તેમણે જણાવ્યું કે અમુક લોકો જે પહેલા લેબર પાર્ટીને મત આપતા એ હવે આ મુદ્દાને કારણે કન્ઝર્વેટિવ પાર્ટીને મત આપશે.

તેમણે કહ્યું, "તેઓ બહુ સ્પષ્ટ છે, તેઓ ટોરીને મત આપશે, તેમાં કોઈ જ શંકાને સ્થાન નથી. તેઓ આ વાત ખુલીને કહે છે."

ટાઇમ્સ ઑફ ઇન્ડિયાએ તાજેતરમાં જ નોંધ્યું હતું તે વિદેશમાં ભારતના સત્તાપક્ષ ભાજપના લોકો હિંદુઓને લેબર પાર્ટીને મત ન આપવા માટે કહેશે, જેનાથી 12 ડિસેમ્બરે આવનારા યૂકેની લોકસભા ચૂંટણીના પરિણામોમાં નોંધપાત્ર ફરક પડશે.

સમગ્ર દેશમાં હિંદુઓને કન્ઝર્વેટિવ્ઝ માટે મત કરવા માટે વૉટ્સૅપ મૅસેજ મોકલવામાં આવી રહ્યા છે.

તેમાંથી એક મૅસેજ હતો, "કાશ્મીરમાં કલમ 370 હઠાવવા મુદ્દે લેબર પાર્ટીએ પાકિસ્તાનના અપપ્રચારનું આંધળું અનુકરણ કર્યું છે. લેબર પાર્ટી ભારતની વિરુદ્ધ છે અને કન્ઝર્વેટિવ પાર્ટી નહીં." આ મૅસેજ ભારતીય સંસ્થાઓના સભ્યો તેમજ અન્ય મૂળ ભારતીય હિંદુઓને મોકલવામાં આવી રહ્યા છે.

સ્લોના લેબર પાર્ટીના ઉમેદવાર તમનજીત સિંઘ ધેસીએ તાજેતરમાં જ હિંદુઓ અને શીખ લોકોને ધર્મના નામે ભાગલાં પાડતાં વૉટ્સૅપ મૅસેજથી ન દોરાવા અપીલ કરી હતી.

હવે લેબર પાર્ટીના ચેરમૅન લૅન લૅવરી મેદાનમાં આવ્યા છે અને તેઓ હિંદુઓને એવો વિશ્વાસ અપાવાનની કોશિશ કરી રહ્યા છે કે પાર્ટી હાલ કાશ્મીરમાં જે સ્થિતિ છે તેની સંવેદનશીલતા અંગે સંપૂર્ણ સજાગ છે.

તેમણે એક નિવેદનમાં કહ્યું, "તાત્કાલિક ધોરણે આપવામાં આવેલા આ નિવેદનમાં ઉપયોગમાં લેવાયેલા શબ્દોને કારણે ભારતીયો અને લંડનમાં રહેતાં મૂળ ભારતીયોની લાગણી દુભાઈ છે."

"અમે દૃઢપણે માનીએ છીએ કે કાશ્મીરના કારણે ઊભા થયેલા પ્રશ્નોથી યૂકેમાં એક-બીજા સમાજ વચ્ચે મતભેદ થવા જોઈએ નહીં."

તેમણે ક્હ્યું કે પાર્ટીનો મત એવો હતો કે "કાશ્મીર એ ભારત અને પાકિસ્તાનનો દ્વિપક્ષી મુદ્દો છે. તેથી માનવઅધિકારોનું રક્ષણ થાય તે રીતે બંને પક્ષે લોકોનું સન્માન જળવાય તે રીતે ભવિષ્યના નિર્ણય લેવાવા જોઈએ."

તેમણે ઉમેર્યું કે લેબર "કોઈ પણ દેશના આંતરિક મુદ્દાઓમાં દખલગીરી કરવાના વિરોધમાં હતી. તેમજ કાશ્મીર મુદ્દે કોઈ ભારત વિરોધી કે પાકિસ્તાન વિરોધી વલણ અપનાવવા માગતી નથી."

સરકારી આંકડાઓ મુજબ બ્રિટનમાં લાખો હિંદુઓ છે જે ત્રીસ લાખ મુસ્લિમો કરતા ઘણા વધુ છે.

રનીમીડ ટ્રસ્ટનું સંશોધન જણાવે છે કે વર્ષ 2015 અને 2017માં આ લઘુમતી મતદાતાઓમાં લેબર પાર્ટી વધુ લોકપ્રિય હતી, તેમજ 77 ટકા લોકોએ તેમના સમર્થનમાં મત આપ્યા હતા.

અહેવાલ જણાવે છે કે દર પાંચમાંથી એક વ્યક્તિએ લેબર પાર્ટીને મત આપ્યો હતો અને વીસમાંથી એકે કન્ઝર્વેટિવ્ઝને મત આપ્યો હતો.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો