એ ભારતીય કળાકાર જેમની કલા પર ફિદા હતું બ્રિટિશ સામ્રાજ્ય

ગુલામ અલી ખાન

ઇમેજ સ્રોત, PEMILLE KLEMP

ઇમેજ કૅપ્શન,

અંગ્રેજો માટે લડેલા ભારતીય સૈનિકોની ટુકડીનું ચિત્ર, ગુલામઅલી ખાન , 1815-16

અંગ્રેજો દ્વારા ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના વર્ષ 1600માં વેપારના હેતુસર કરવામાં આવી હતી પણ એક શક્તિશાળી બહુરાષ્ટ્રીય કંપની તરીકે 18મી સદીના અંત ભાગમાં સમગ્ર ભારત પર તેનો અંકુશ વિસ્તર્યો ત્યારે કંપનીએ અગાઉ મોગલો માટે કામ કરતા ભારતીય ચિત્રકારો પાસે અનેક વિલક્ષણ ચિત્રો બનાવડાવ્યાં હતાં.

જીવન અને પ્રકૃતિને સ્પર્શતાં આ હાઇબ્રિડ પેઇન્ટિંગ્ઝ વિશે લેખક અને ઇતિહાસકાર વિલિયમ ડેલરીમ્પલ અહીં માહિતી આપે છે.

રાજમહેલોના નગર તરીકે જાણીતું એ વખતનું કલકત્તા 1770ના અંત ભાગમાં એશિયાનું વેપારી પ્રવૃતિથી ધમધમતું સૌથી મોટું કેન્દ્ર હતું.

બંગાળમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીના આ મુખ્ય મથકના રહેવાસીઓની સંખ્યા એક દાયકામાં બમણી એટલે કે ચાર લાખ જેટલી થઈ ગઈ હતી.

એ વખતે કલકત્તા (હાલનું કોલકાતા) પૂર્વનું સૌથી ધનવાન અને વિશાળ વસાહતી શહેર હતું પણ સુવ્યવસ્થિત નહોતું.

ફ્રેંચ લેખક, ઇતિહાસકાર અને ફિલસૂફ વોલ્તેરના મિત્ર કાઉન્ટ દ મોદાવે લખ્યું હતું, "આ નગરને વિશ્વનાં સુંદર શહેરો પૈકીના એક શહેર તરીકે આસાનીથી પરિવર્તિત કરી શકાય તેમ છે."

"અંગ્રેજોએ આયોજનવિહોણાં વિચિત્ર બાંધકામોની છૂટ બધાને કેમ આપી છે એ સમજી શકાતું નથી."

સાહિત્ય અને કળાની ચર્ચા

ઇમેજ કૅપ્શન,

અંગ્રેજો માટે લડેલા ભારતીય સૈનિકનું ચિત્ર, ગુલામઅલી ખાન, 1819

શક્ય તેટલા ઓછા સમયમાં શક્ય તેટલા વધુ પૈસા કમાવાના એકમાત્ર હેતુસર અહીં આવેલા અંગ્રેજોએ પણ એ બાબતે ખાસ ગંભીરતાથી નહોતું વિચાર્યું.

હવે કોલકાતા તરીકે ઓળખાતું કલકતા એક એવું શહેર હતું, જ્યાં મહિનાઓ સુધી મહેનત કર્યા બાદ સંપત્તિ એકત્ર કરી શકાતી હતી અને પત્તાંની રમત કે શરતમાં એકત્ર કરેલી સંપત્તિ જૂજ મિનિટોમાં જ હારી શકાતી હતી.

રોગ કે દમનને કારણે કોઈનું મોત થવું સામાન્ય વાત હતી અને મોતના ઓછાયાએ લોકોને કઠોર તથા ઉદાસીન બનાવી દીધા હતા.

સુપ્રીમ કોર્ટના તત્કાલીન મુખ્ય ન્યાયમૂર્તિ સર એલિજા ઇમ્પેનું જોહાન ઝોફનીએ બનાવેલું ચિત્ર આજે પણ કોલકાતા હાઈકોર્ટમાં છે, જેમાં તેમને ભરાવદાર પણ નિસ્તેજ દર્શાવવામાં આવ્યા છે.

જોકે, એલિજા ઇમ્પે વિદ્વાન હતા અને જ્યાં તેઓ ફરજ બજાવતા હોય એ પ્રદેશની બાબતમાં ગંભીર રીતે રસ લેતા હતા.

ઇમેજ કૅપ્શન,

પોતપોતાની પત્નીઓ સાથે નાસ્તો કરી રહેલા ચાર બ્રિટિશ અધિકારીઓને દર્શાવતું અનામ કળાકારનું સુંદર મિનિએચર પેઇન્ટિંગ

ભારતમાં તેમના કાર્યકાળ દરમિયાન એક મુનશી તેમને બંગાળી તથા ઉર્દૂ શીખવી રહ્યા હતા.

ભારતમાં આગમનની સાથે જ તેમણે ફારસી ભાષા શીખવાનું અને ભારતીય પેઇન્ટિંગ એકત્ર કરવાનું શરૂ કર્યું હતું.

તેમનું ઘર કલકતાના સુસંસ્કૃત લોકોનું મિલનસ્થાન બની ગયું હતું, જ્યાં તેઓ ઇતિહાસ અને સાહિત્યની ચર્ચા કરતા હતા.

એલિજા ઇમ્પે અને તેમનાં પત્ની મેરીને પ્રાકૃતિક ઇતિહાસમાં બહુ રસ હતો. તેમણે દુર્લભ ભારતીય પ્રાણીઓનું સંગ્રહાલય પણ બનાવ્યું હતું.

શેખ ઝૈનુદિન, ભવાની દાસ અને રામ દાસ

ઇમેજ સ્રોત, PEMILLE KLEMP

ઇમેજ કૅપ્શન,

ભારતના ગ્રામવાસીઓનું ચિત્ર, ગુલામઅલી ખાન, 1815-16

1770ના દાયકાના મધ્યમાં એલિજા ઇમ્પેએ મોગલ કાળના અગ્રણી ચિત્રકારો શેખ ઝૈનુદિન, ભવાની દાસ અને રામ દાસના જૂથને તેમના ખાનગી પ્રાણીસંગ્રહાલયમાં ચિત્રકામ માટે બોલાવવાનો નિર્ણય કર્યો હતો.

કળાને ઉત્તેજન આપતા બ્રિટિશરો દ્વારા ભારતીય કળાકારોને કોઈ ખાસ કામ સોંપવામાં આવ્યું હોય એવી એ પહેલી ઘટના નહોતી.

એક કળારસિકે નોંધ્યું હતું, "પાછલાં વર્ષોમાં વનસ્પતિશાસ્ત્રનો અભ્યાસ અત્યંત સામાન્ય મનોરંજન બની રહ્યો હતો."

આપણે જાણીએ છીએ તેમ સ્કોટલૅન્ડના કળારસિક જેમ્સ કેર ભારતીય કળાકારોએ દોરેલાં વનસ્પતિનાં ચિત્રો 1773ની શરૂઆતમાં એડિનબર્ગ મોકલતાં હતાં.

અલબત્ત આ બધામાં એલિજા ઇમ્પેએ બનાવડાવેલાં નેચરલ હિસ્ટ્રીનાં પેઇન્ટિંગ સૌથી વધુ ઝમકદાર હતાં.

આજે લિલામમાં તેના આલ્બમના એક પાના માટે 3,87,000 ડૉલરથી વધુની બોલી લગાવવામાં આવે છે.

એલિજા ઇમ્પેના આ આલ્બમમાંનાં 197 ચિત્રોને ભવ્યતમ ભારતીય પેઇન્ટિંગ ગણવામાં આવે છે.

અઢારમી સદીમાં વિખેરાયેલા એલિજા ઇમ્પેના એ આલ્બમનાં આશરે 30 પેજને લંડનના વોલેસ કલેક્શનમાં એક મોટા પ્રદર્શન માટે આ મહિને એકત્ર કરવામાં આવશે.

ઇંગ્લિશ અને મોગલ કળા ભાવવિશ્વનો અસાધારણ સંગમ

ઇમેજ સ્રોત, FRANCIS WARE

ઇમેજ કૅપ્શન,

નાના અશ્વ પર બેઠેલા અંગ્રેજ બાળક અને તેની આસપાસ ત્રણ ભારતીય નોકરોનું ચિત્ર, શેખ મુહમ્મદ અમીર

ઈસ્ટ ઇન્ડિયા કંપનીના કળારસિકો દ્વારા મહાન ભારતીય ચિત્રકારો પાસે 1770ના અને 1840ના દાયકામાં તૈયાર કરાવવામાં આવેલાં કેટલાંક અદ્ભુત પેઇન્ટિંગ્ઝને 'ફરગોટન માસ્ટર્સઃ ઇન્ડિયન પેઇન્ટિંગ્ઝ ફોર ઈસ્ટ ઇન્ડિયા કંપની' શીર્ષક હેઠળના ઍક્ઝિબિશનમાં પ્રદર્શિત કરવામાં આવશે.

એલિજા ઇમ્પેએ તેમના મિડલટન સ્ટ્રીટ ક્લાસિકલ ઘરને સજાવવા માટે જે ત્રણ કળાકારોને બોલાવ્યા હતા એ પટના(બિહાર)ના હતા.

એ ત્રણમાં સૌથી કુશળ શેખ ઝૈનુદ્દિન મુસ્લિમ હતા, જ્યારે ભવાની દાસ અને રામ દાસ નામના તેમના બે સાથીઓ હિન્દુ હતા.

મોગલ શૈલીની તાલીમ પામેલા અને મુર્શિદાબાદ તથા પટનાના નવાબનો આશ્રય પામેલા આ કળાકારોએ પેપર પર ઇંગ્લિશ વૉટર-કલર વાપરવાનું ઝડપથી શીખી લીધું હતું.

આ રીતે ઇંગ્લિશ અને મોગલ કળા ભાવવિશ્વનો અસાધારણ સંગમ રચાયો હતો.

ઝૈનુદ્દિનના ઉત્તમ ચિત્રો, પ્રચૂર ભારતીય ભાવનાત્મકતા તથા પ્રકૃતિ માટેના સંવેદન સાથે યુરોપના પ્રાકૃતિક ઇતિહાસનું નમૂનેદાર રેખાંકન પ્રસ્તુત કરે છે.

પ્રાણીઓ તથા પક્ષીઓનાં ચિત્રો

ઇમેજ કૅપ્શન,

કાળા મસ્તકવાળા ઓરિઓલ પક્ષીનું ચિત્ર, ઝૈનુદ્દિન

મોગલ કળાકાર મન્સુરે બાદશાહ જહાંગીર માટે પ્રાણીઓ તથા પક્ષીઓનાં ચિત્રો બનાવ્યાં હતાં.

પ્રકૃતિદત્ત આવડત હોય કે વારસાગત જ્ઞાન અને તાલીમ, પણ ઝૈનુદ્દિન દોઢસો વર્ષ પૂર્વેના એ પ્રાકૃતિક ઇતિહાસનાં પેઇન્ટિંગ્ઝની મોગલકાલીન સિદ્ધિને દર્શાવે છે.

કાળા અને પીળા પીંછાંવાળા ઓરિઓલ નામના પક્ષીનું ઝૈનુદ્દિને બનાવેલું આશ્ચર્યજનક પોટ્રેટ સૌથી વધુ ગુણવત્તાસભર છે.

પહેલી નજરે એ ઇંગ્લિશ પ્રાકૃતિક ઇતિહાસનું કૌશલ્યસભર ચિત્ર લાગે પણ તેનું અદ્ભુત સંયોજન તબક્કાવાર પ્રગટ થાય છે.

રંગોનું તેજ તથા સાદગી, દરેક વિગત પ્રત્યે અપાયેલું ઝીણવટભર્યું ધ્યાન, રત્ન જેવી હાઇલાઇટ્સ અને ચિત્ર જે રીતે ઝળકે છે એ ઝૈનુદ્દિનની મોગલ તાલીમને નિઃશંક પ્રદર્શિત કરે છે.

પરિપ્રેક્ષ્ય પ્રત્યેનો કલ્પનાશીલ અભિગમ પણ તેમની આ પશ્ચાદભૂનો સંકેત આપતી હોય તેમ ઝાડનું થડ ગોળાકાર છે, તેમ છતાં તેના પર બેસતો તીતીઘોડો દબાયેલા પુષ્પ જેવો જ સપાટ છે, જે ચિત્રને ઉંડાણ આપવા માટેની રૂપરેખાનો સંકેત આપે છે. આ જ શૈલીનો ઉપયોગ મન્સૂરે પણ કર્યો હતો.

સર્વકાલીન મહાન ભારતીય કળાકાર પણ...

ઇમેજ કૅપ્શન,

મોગલકાળના ચિજ્ઞકારનું પોટ્રેટ, વેલ્લોરના યેલ્લપા, 1832-1835

મોગલ શૈલીનો કોઈ પણ ચિત્રકાર જે રીતે શ્વેત પશ્ચાદભૂ સામે લૅન્ડસ્કેપમાંથી પોતાના પક્ષીને અલગ ન રાખે તેમ ઓરિઓલ પક્ષીની બહારની ત્વચાને ઝળકતા પીળા રંગમાં દર્શાવવાનું કોઈ અંગ્રેજ કળાકારે વિચાર્યું નહીં હોય.

અહીં બન્ને પરંપરાનો સંગમ થયો છે અને તેની ઝમકદાર અસરના પરિણામે પ્રેરણાત્મક નવું સંયોજન આકાર પામ્યું છે.

ભવાની દાસે ઝૈનુદ્દિનના મદદનીશ તરીકે તેમની કળાયાત્રા શરૂ કરી હોય એવું લાગે છે, તેઓ પણ ઝૈનુદ્દિન જેટલા જ ઉત્તમ કળાકાર છે.

ઇમેજ કૅપ્શન,

ભાલો પકડીને ઊભેલા ભારતીય સૈનિકનું ચિત્ર, ગુલામઅલી ખાન, 1815-16

તેઓ આકાર, રચના અને અભિવ્યક્તિ પ્રત્યે અત્યંત સંવેદનશીલ છે.

દાખલા તરીકે વડવાગોળના રંગ-આકાર-રચના વિશેનું તેમનું ઝીણવટભર્યું અવલોકન.

આ મહાન ભારતીય કળાકારોના ઍંગ્લો-ઇન્ડિયન શૈલીનાં ચિત્રો સૌપ્રથમ વાર આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં છે.

આ પેઇન્ટિંગ્ઝના બ્રિટનમાંના સૌપ્રથમ મ્યુઝિયમ શોનો હેતુ પોતાની આગવી શૈલી અને સંવેદના ધરાવતા અસાધારણ ભારતીય આર્ટિસ્ટ્સની કૃતિઓને પ્રદર્શિત કરવાનો છે.

એ કળાકારો પૈકીના ઝૈનુદ્દિનને સર્વકાલીન મહાન ભારતીય કળાકાર તરીકે ખરેખર યાદ રાખવા જોઈએ.

(વિલિયમ ડેલરીમ્પલ લેખક છે અને તાજેતરમાં તેમના 'ધ એનાર્કીઃ ધ રીલેન્ટલેસ રાફ ધ ઈસ્ટ ન્ડિયા કંપની' અને 'ફરગોટન માસ્ટર્સઃ ન્ડિયન પેન્ટિંગ્ઝ ફોર ધ ઈસ્ટ ન્ડિયા કંપની' પુસ્તકો બ્લૂમબેરીએ પ્રકાશિત કર્યાં છે.)

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો