અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ઇમ્પિચમૅન્ટ વિશેના દરેક સવાલના જવાબ

ટ્રમ્પ

અમેરિકાના (સંસદના) પ્રતિનિધિગૃહે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સામેના ઇમ્પિચમૅન્ટ (સત્તા પરથી હટાવવા માટેના) ઠરાવને પસાર કર્યો છે.

તેના કારણે હવે અમેરિકાના ઇતિહાસમાં પ્રમુખ સામે સેનેટમાં ત્રીજી ઇમ્પિચમૅન્ટ ટ્રાયલ થશે.

તેમાં શું થઈ શકે તે અહીં તમને જણાવી રહ્યા છીએ.

શા માટે ઇમ્પિચમૅન્ટની કાર્યવાહી?

બંધારણની જોગવાઈ પ્રમાણે પ્રતિનિધગૃહમાં પ્રમુખ સામે ઇમ્પિચમૅન્ટનો ઠરાવ મતદાનથી પસાર થયો તે પછી સેનેટમાં ટ્રાયલ કરવાની રહેશે.

પ્રતિનિધિગૃહમાં ઇમ્પિચમૅન્ટની કાર્યવાહી કરવામાં આવી, તેમાં પ્રમુખ સામે બે આક્ષેપ મૂકવામાં આવ્યા છે :

એક કે તેમણે રાજકીય રીતે લાભ લેવા માટે વિદેશી રાષ્ટ્રની મદદ લીધી હતી અને બીજું કે તેમણે અમેરિકાની કૉંગ્રેસની કાર્યવાહીમાં અવરોધ ઊભો કર્યો હતો.

રિપબ્લિકન પાર્ટીના પ્રમુખ ટ્રમ્પે આવી કોઈ ગેરરીતિ કર્યાંનું નકાર્યું છે અને આવી તપાસને પોતાની સામેના 'રાજકીય દ્વેષ' સમાન ગણાવી છે.

ટ્રમ્પ સામે આક્ષેપ મૂકાયો છે, કે તેમણે યુક્રેન માટેની લાખો ડૉલરની શસ્ત્ર સહાય અટકાવી રાખી હતી.

આ સિવાય યુક્રેનના પ્રમુખની વ્હાઇટ હાઉસની મુલાકાત અટકાવી રાખી, તેનો ઉપયોગ સોદાબાજી માટે કર્યો હતો.

ડેમૉક્રેટિક પાર્ટીના તેમના હરીફ જો બિડેન સામે યુક્રેન તપાસ કરે તે માટે દબાણ લાવવા આવું કર્યાનો આક્ષેપ છે. ડેમૉક્રેટ્સ કહે છે કે આ પ્રમુખની સત્તાનો દુરુપયોગ છે.

પ્રતિનિધિગૃહમાં પ્રમુખ સામે ઇમ્પિચમૅન્ટની કાર્યવાહી ચાલી તે દરમિયાન વ્હાઇટ હાઉસના સ્ટાફને ત્યાં ટેસ્ટિફાઈ કરવા જવાની મંજૂરી વ્હાઇટ હાઉસે આપી નહોતી.

તેથી ડેમૉક્રેટ્સ સભ્યોએ ટ્રમ્પ સામે અમેરિકાની સંસદની કાર્યવાહીમાં અવરોધ મૂકવાનો પણ આરોપ મૂક્યો છે.

આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમ્પિચમૅન્ટની બાબતમાં બંધારણમાં અસ્પષ્ટતા છે - માત્ર એટલું જ જણાવાયું છે કે સંસદગૃહને 'ઇમ્પિચમેન્ટ માટેનો એકાધિકાર' છે અને તે ગ્રાન્ડ જૂરી તરીકે કાર્યવાહી કરીને આરોપો લગાવી શકે છે.

તેની સામે બંધારણમાં સેનેટને "બધા જ ઇમ્પિચમૅન્ટની કાર્યવાહી ચલાવવાનો એકાધિકાર" છે તથા પ્રમુખને 'રાજદ્રોહ, લાંચ અથવા બીજા ગંભીર ગુના અને ગેરવર્તન' માટે ગુનેગાર ઠરાવવાનો અધિકાર છે એમ જણાવ્યું છે.

પ્રથમવાર આ પ્રકારની કાર્યવાહી પ્રમુખ ઍન્ડ્રૂ જૉન્સન સામે થઈ હતી અને આ બધા નિયમો તેના આધારે નક્કી થયેલા છે.

જોકે આખરે તો કેવી રીતે કાર્યવાહી કરવી તેનો નિર્ણય રિપબ્લિકન પાર્ટીના નેતા મીચ મેક્કોનેલ અને ડેમૉક્રેટિક પક્ષના નેતા ચક શૂમરે કરવાનો રહેશે.

પુરાવા, સાક્ષીઓ, સમયગાળો અને દલીલો આ બધાની માર્ગદર્શિકા નક્કી કરવાનું આ બે નેતા પર આવશે.

રિપલ્બિકન સેનેટ લીડર તરીકે ફૉર્મેટ કેવું હોવું જોઈએ તેનો આખરી નિર્ણય મેક્કોનેલે કરવાનો રહેશે, પરંતુ ડેમૉક્રેટ્સ સભ્યો કેટલાક મૉડરેટ રિપબ્લિકન્સ સભ્યોને નિયમોમાં ફેરફારની બાબતમાં પોતાની તરફેણમાં મતદાન કરવા મનાવી લે ત્યારે તેમના હાથ બંધાઈ જઈ શકે છે.

ટ્રાયલની કાર્યવાહી દરમિયાન કોઈ પણ તબક્કે કે નાના મોટા મુદ્દે સેનેટર્સ મતદાન માટે આગ્રહ રાખી શકે છે અને સાદી બહુમતીથી તેનો નિર્ણય કરવાનો રહેશે.

પ્રતિનિધિગૃહના ફરિયાદીઓ તથા વ્હાઇટ હાઉસના બચાવ પક્ષના કૉન્સલ - બંને પક્ષને સાંભળ્યા બાદ તથા કોઈ સાક્ષી હોય તો તેને સાંભળ્યા બાદ સેનેટર્સને એક આખો દિવસ વિચાર કરવા માટે મળે છે.

બધી બાબતો પર એક દિવસ વિચાર કર્યા બાદ તેમણે પ્રમુખને ઇમ્પિચ કરવા કે કેમ તેના પર મતદાન કરવાનું રહેશે.

પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને હટાવવા માટે બે તૃતીયાંશની બહુમતીથી ઠરાવને પસાર કરાવવો પડે.

જોકે 100 સભ્યોની સેનેટેમાં રિપબ્લિકનની પાતળી બહુમતી જ છે, 47 સામે તેમના 53 સભ્યો જ છે, ત્યારે પ્રમુખ બચી નીકળે તેવી શક્યતા વધારે છે.

કોની ભૂમિકા શું?

ઇમેજ સ્રોત, AFP

સેનેટમાં ટ્રાયલ ચાલે ત્યારે અધ્યક્ષ સ્થાને સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જ્હોન રૉબર્ટ્સ બેસશે ખરા, પરંતુ સાચા અર્થમાં જજ અને જૂરી બંનેની ભૂમિકા સેનેટના સભ્યોએ જ ભજવવાની રહેશે.

જસ્ટિસ જ્હોન રૉબર્ટ્સ અધ્યક્ષ સ્થાને બેસીને એટલું જ નક્કી કરી શકે છે કે સમગ્ર કાર્યવાહી પૂર્વનિર્ધારિત નિયમો પ્રમાણે ચાલે. જોકે કોઈ નિર્ણય માટે મતદાનમાં ટાઈ પડે, ત્યારે તેમનો મત નિર્ણાયક ગણાય છે.

પ્રતિનિધિગૃહના સ્પીકર નેન્સી પેલોસી ડેમૉક્રેટ્સ પક્ષમાંથી ચુનંદા સભ્યોને પસંદ કરીને કાર્યવાહી માટે મોકલશે. આ સભ્યોની ભૂમિકા ઇમ્પિચમૅન્ટ માટેના ફરિયાદી તરીકેની રહેશે અને તેમણે સેનેટમાં પ્રતિનિધિગૃહ તરફથી આવેલો ઇમ્પિચમૅન્ટ માટેનો કેસ અસરકારક રીતે રજૂ કરવાનો રહેશે.

ઇન્ટેલિજન્સ કમિટીના ચૅરમૅન ઍડમ શીફ અને જ્યુડિશિયરી કમિટીના ચૅરમૅન જેરી નેડલર સ્વાભાવિક પસંદગી પામે તેમ લાગે છે, એવું અમેરિકાના મીડિયાનું કહેવું છે. જોકે આખરે કોની પસંદગી થશે તે સ્પષ્ટ નથી.

બિલ ક્લિન્ટન સામે ઇમ્પિચમૅન્ટની કાર્યવાહી ચલાવવામાં આવી, ત્યારે રિપબ્લિકન પાર્ટીએ 13 પ્રતિનિધિઓને મોકલ્યા હતા, તેમાં ટ્રમ્પના ચુસ્ત ટેકેદાર લિન્ડસે ગ્રેહામ પણ હતા.

સેનેટમાં બહુમતી પક્ષના નેતા તરીકે મેક્કોનેલના હાથમાં જ એ નિર્ણય રહેશે કે કેવા ફૉર્મેટમાં કામ ચાલશે અને ટ્રાયલની માર્ગદર્શિકા શું રહેશે.

જોકે તેમણે હાલમાં જ ફૉક્સ ન્યૂઝમાં એક ટીપ્પણી કરી હતી, તેના કારણે ડેમૉક્રેટ્સ સભ્યો તરફથી ટીકાઓ થઈ હતી. તેમણે કહ્યું હતું કે: "હું આ કાર્યવાહી દરમિયાન જે કંઈ હું કરીશ, હું વ્હાઇટ હાઉસના કૉન્સલ સાથે સંકલન સાધીને કરીશ." "શક્ય હોય ત્યાં સુધી આ કાર્યવાહી કેવી રીતે કરવી તે માટે પ્રમુખના પક્ષ તરફથી અને અમારા તરફથી કોઈ વિરોધ ના હોય તેવું કરવામાં આવશે."

સેનેટર્સ પ્રશ્નો પૂછી શકશે ખરા?

ઇમેજ સ્રોત, Getty Images

સેનેટર્સ સાક્ષીઓને તથા કાઉન્સેલર્સને પ્રશ્નો પૂછી શકે છે, પણ તે માટે પ્રશ્નો લેખિતમાં જસ્ટિસ રૉબર્ટ્સને સોંપવાના રહેશે.

સાક્ષીઓ સેનેટના ફ્લોર પર હાજર થાય તેવું જરૂરી નથી. તેમની પૂછપરછ સભ્યોની સમિતિ દ્વારા થઈ શકે છે.

તેનું રેકોર્ડિંગ કરીને તેને સેનેટની કાર્યવાહી દરમિયાન દર્શાવી શકાય છે.

ડેમોક્રેટ્સની માગણી વ્હાઇટ હાઉસના ઘણા બધા અધિકારીઓની પૂછપરછ કરવાની છે.

તેમાં ઍક્ટિંગ ચીફ ઑફ સ્ટાફ માઇક મુલાવેની અને ભૂતપૂર્વ સલાહકાર જ્હોન બૉલ્ટનનો પણ સમાવેશ થાય છે.

જોકે રિપબ્લિકન્સ એવું ઇચ્છતા હશે કે કાર્યવાહી લાંબી ના ચાલે તો કોઈ સાક્ષીઓને રજૂ કરવામાં આવશે નહીં.

ટ્રમ્પે એવું કહ્યું હતું કે બિડેન્સ પિતા-પુત્ર અને યુક્રેન મામલે તપાસ શરૂ થઈ તે માહિતી જાહેર કરનાર વ્હિસલબ્લૉઅરે પૂછપરછ માટે હાજર થવું જોઈએ.

આમ છતાં કદાચ તે વાતને જતી કરવામાં આવશે, જેથી ટ્રાયલ ટૂંકી ચાલે.

મંગળવારે સેનેટમાં મેક્કોનેલે આ પ્રકારનો જ અણસાર આપ્યો હતો, કેમ કે તેમણે કહ્યું હતું કે:

"સેનેટનું કામ ટ્રાયલને જજ અને જૂરી તરીકે સાંભળવાનું છે, સમગ્ર તપાસ કાર્યવાહીને ફરીથી ચલાવવા માટેનું નથી".

ક્લિન્ટન સામેની કાર્યવાહી દરમિયાન પણ કોઈ સાક્ષીઓને હાજર રખાયા નહોતા.

ટ્રમ્પ પુરાવા આપવા હાજર રહેશે ખરા?

ઇમેજ સ્રોત, Getty Images

પ્રમુખ ટ્રમ્પ ખુદ સેનેટ સામે હાજર થાય તેવી શક્યતા નકારી શકાય નહીં, પરંતુ વધારે શક્યતા એવી છે કે તેઓ પોતાના વતી રજૂઆત કરવા માટે વ્હાઇટ હાઉસના વકીલ પેટ સિપોલોને મોકલશે.

સિપોલોને ઇમ્પિચમૅન્ટ મૅનેજરની જેમ જ સાક્ષીઓને સવાલો પૂછી શકશે અને ટ્રાયલની કાર્યવાહીનું પ્રારંભ અને સમાપનનાં નિવેદન આપી શકશે.

અમેરિકાના મીડિયાના અહેવાલો પ્રમાણે ટ્રમ્પ કદાચ પ્રતિનિધિગૃહના કેટલાક સભ્યોને પણ બચાવ પક્ષની ટીમમાં મોકલશે.

ખાસ કરીને ઓહાયોના સાંસદ જિમ જોર્ડન અને ટેક્સાસના સાંસદ જ્હોન રેટક્લિફને મોકલવામાં આવે તેવી શક્યતા છે.

બિડેન કે તેમના પુત્ર હાજર થશે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જો બાઇડન

મેક્કોનેલ ટ્રાયલ માટે કેવું ફૉર્મેટ નક્કી કરે છે તેના આધારે બિડેન અને તેમના પુત્ર ટેસ્ટિફાઇ કરવા હાજર થાય છે કે કેમ તે નક્કી થશે.

અમેરિકાના મીડિયા અહેવાલો અનુસાર, રિપબ્લિકન્સમાં હજીય તે બાબતમાં ચર્ચા ચાલી રહી છે કે પ્રમુખ ટ્રમ્પની માગણી પ્રમાણે ભૂતપૂર્વ ઉપપ્રમુખ બિડેન અને તેમના પુત્રને હાજર કરવા કે કેમ.

પોતાની ટેસ્ટિમનીની વાત બિડેને નકારી કાઢી છે અને કહ્યું છે કે પોતાના સામેના આક્ષેપો તરફથી ધ્યાન બીજે હટાવવા માટેની પ્રમુખ ટ્રમ્પની આ ચાલ છે.

બિડેને કહ્યું હતું, "આ તો ટ્રમ્પની ચાલ છે, અને હું બધા ઇચ્છે છે તેવું કંઈ કરવાનો નથી. એટલે કે ધ્યાન બીજે વાળવા નહીં દઉં."

કાર્યવાહી કેટલી લાંબી ચાલશે?

ઇમેજ સ્રોત, Getty Images

પ્રતિનિધિગૃહ તરફથી ઇમ્પિચમૅન્ટના દસ્તાવેજો સેનેટને સોંપી દેવામાં આવે તે પછી રવિવાર સિવાયના સત્ર દરમિયાનના દરેક દિવસે સેનેટે તેને ધ્યાનમાં લેવા પડે.

કાર્યવાહીનો નિકાલ ના આવે ત્યાં સુધી તેને ધ્યાનમાં લેવા પડે.

કાર્યવાહી ક્યારે થઈ શકે છે તે માટેના સંભવિત સમયગાળા તરફ શૂમરે ઇશારો કરતા જણાવ્યું હતું કે નવા વર્ષના પ્રારંભે પ્રથમ કાર્યવાહી આના પર થઈ શકે છે.

તેમના જણાવ્યા અનુસાર કુલ 126 કલાકની કાર્યવાહી તેના પર ચાલી શકે છે ખરી.

18 ડિસેમ્બર - ઇમ્પિચમૅન્ટ માટેના દસ્તાવેજ પર પ્રતિનિધિગૃહમાં મતદાન

6 જાન્યુઆરી - સેનેટ ટ્રાયલની શરૂઆત, કાર્યવાહીની માર્ગદર્શિકા તથા ગૃહની કામગીરીની બીજી બાબતો પર આખરી નિર્ણય

7 જાન્યુઆરી - મુખ્ય ન્યાયાધીશ રોબર્ટ્સ દ્વારા જૂરીના સભ્યો તરીકે સેનેટર્સની સોગંદવિધિ

9 જાન્યુઆરી - પ્રતિનિધિગૃહના ફરિયાદી પક્ષ તથા વ્હાઇટ હાઉસના પ્રતિનિધિને તેમની દલીલો રજૂ કરવા માટે 24 કલાકનો સમય અપાશે

અઠવાડિયાઓ સુધી આ કાર્યવાહી ચાલી શકે છે, પણ કેટલા અઠવાડિયા તે નક્કી નથી.

ડેમૉક્રેટ્સ સભ્યોને આશા છે કે ફેબ્રઆરીમાં 2020ની ચૂંટણી માટેની પ્રાઇમરી યોજાવાની શરૂ થાય તે પહેલાં કાર્યવાહી પૂરી થઈ હશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો