CAA-NRC વિવાદ : ઇસ્લામિક દેશોના સંગઠન OIC એ કહ્યું, ભારતમાં મુસલમાનોની સુરક્ષા સુનિશ્ચિત કરો

ઓઆઈસીના મહાસચિવ યુસૂફ બિન અહેમદ બિન અબ્દુલ રહેમાન

ઇમેજ સ્રોત, oic-oci.org

ઇમેજ કૅપ્શન,

ઓઆઈસીના મહાસચિવ યુસૂફ બિન અહેમદ બિન અબ્દુલ રહેમાન

નાગરિકતા સંશોધન કાયદાને લઈને ભારતમાં વિરોધ થઈ રહ્યો છે ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પ્રતિક્રિયાઓ આવી રહી છે.

રવિવારે ઇસ્લામિક દેશોના સંગઠન ઑર્ગનાઇઝેશન ઑફ ઇસ્લામિક કોઓપરેશન યાને ઓઆઈસીએ આ અંગે નિવેદન બહાર પાડ્યું છે.

ઓઆઈસીના મહાસચિવ યુસૂફ બિન અહમદ બિન અબ્દુલ રહમાને બહાર પાડેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ભારતની વર્તમાન સ્થિતિ અને ઘટનાઓ પર તેઓ નજર રાખી રહ્યા છે

ઉલ્લેખનીય છે કે ઓઆઈસી 60 મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોનું સંગઠન છે.

ઓઆઈસીએ નિવેદનમાં કહ્યું છે કે, "અમે ભારતમાં તાજેતરમાં બનેલી ઘટનાઓ પર નજર રાખી રહ્યા છીએ અને એવી અનેક બાબતો છે જેનાથી લઘુમતીઓને અસર થઈ રહી છે."

"નાગરિકતાના અધિકાર અને બાબરી મસ્જિદ કેસને લઈને અમે ચિંતિત છીએ. અમે ફરીથી એ વાત કહીએ છીએ કે ભારતમાં મુસલમાનો અને તેમના પવિત્ર સ્થળોની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે."

ઓઆઈસીએ કહ્યું છે કે "સંયુક્ત રાષ્ટ્રના સિદ્ધાંતો અને કર્તવ્ય અનુસાર કોઈ ભેદભાવ વગર લઘુમતીઓને સુરક્ષા મળવી જોઈએ."

ઓઆઈસીએ કહ્યું કે, "જો આ સિદ્ધાંતો અને કર્તવ્યોની ઉપેક્ષા થશે તો સમગ્ર ક્ષેત્રની સુરક્ષા અને સ્થિરતા પર તેની ગંભીર અસર પડશે."

ઓઆઈસી પર સાઉદી અરેબિયા અને તેના સહયોગી દેશોનો દબદબો છે.

ઇસ્લામિક દેશોમાં આ સંગઠનની પ્રાસંગિકતા બાબતે પણ સવાલ ઉઠતાં રહેતાં હોય છે.

19-20 ડિસેમ્બરે મલેશિયાના કુઆલામ્પુરમાં એની બેઠક યોજાઈ હતી જેમાં ઇસ્લામિક દુનિયાના અવાજને નવો મંચ પૂરો પાડવાની વાત પણ થઈ.

ઓઆઈસીની સમાંતર અન્ય કોઈ ઇસ્લામિક સંગઠન ઊભું ન થઈ જાય, અને તેનું પ્રભુત્વ ઘટી ન જાય તેવો સાઉદી અરેબિયાને ભય છે.

આ જ કારણે સાઉદી અરેબિયા અને તેના સહયોગી દેશો સંયુક્ત આરબ અમિરાત અને બહેરીન આ બેઠકમાં ભાગ લેવા નહોતા ગયા.

પાકિસ્તાને સમિટમાં બેઠકમાં ભાગ ન લીધો

ઉલ્લેખનીય છે કે કુઆલામ્પુર બેઠકમાં પાકિસ્તાને પણ ભાગ લેવાનો હતો પરંતુ તેને સાઉદી અરેબિયાએ ભાગ લેતું રોક્યું હતું.

અગાઉ તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆન, પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન અને મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદ વચ્ચે બેઠકમાં ભાગ લેવાની વાત નક્કી થઈ હતી.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને મલેશિયાનું આમંત્રણ સ્વીકારી લીધું હતું પરંતુ તેઓ સાઉદી અરેબિયાના દબાણમાં ભાગ લેવા નહોતા ગયા.

તુર્કીના રાષ્ટ્રપતિ અર્દોઆન સમિટમાં ગયા હતા. તેમણે એવું નિવેદન આપ્યું હતું કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન સાઉદી અરેબિયાના દબાણને લીધે મલેશિયા નથી આવ્યા. તુર્કીના અખબાર ડેલી સબાહે અર્દોઆનનું નિવેદન પ્રકાશિત કર્યું હતું.

અનેક વિશ્લેષકોનું કહેવું છે કે ઓઆઈસી જેવું સમાંતર સંગઠન ન બની જાય તેની સાઉદી અરેબિયાને બીક છે.

આ બેઠકમાં સાઉદી અરેબિયાના તમામ હરીફો આવ્યા હતા. ઈરાન, કતર અને તુર્કીએ બેઠકમાં ભાગ લીધો હતો અને આ ત્રણે દેશોના સંબંધ સાઉદી અરેબિયા સાથે સારા નથી.

પાકિસ્તાનનો સંબંધ સાઉદી અરેબિયા સાથે સારો છે પરંતુ કાશ્મીર મુદ્દે મલેશિયાએ પાકિસ્તાનનું ભરપૂર સમર્થન કર્યું હતું. સાઉદી અરેબિયા કાશ્મીર મુદ્દે ચૂપ જ રહેતું હોય છે.

સાઉદી અરેબિયાની ન્યૂઝ એજન્સી એસપીએફ મુજબ કિંગ સલમાને મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદને ફોન કરીને ઇસ્લામિક દેશો સાથે સંકળાયેલી સમસ્યાઓની વાત ઓઆઈસીના મંચ પર જ થવી જોઈએ એમ કહ્યું હતું.

ડેલી સબાહ અનુસાર અર્દોઆને તુર્કીના સ્થાનિક મીડિયાને કહ્યું કે સાઉદી અરેબિયાએ કોઈ દેશ પર કામ નહીં કરવા માટે દબાણ કર્યું હોય એવું કંઈ પહેલીવાર નથી.

એમણે કહ્યું કે, દુર્ભાગ્યે આપણે જોઈ રહ્યા છીએ કે સાઉદી અરેબિયાએ પાકિસ્તાન પર દબાણ ઊભું કર્યું. સાઉદીમાં 25 લાખથી વધારે પાકિસ્તાનીઓ કામ કરે છે. જો પાકિસ્તાન ન માનત તો એમને પાછા મોકલી દેવાત અને એ કામ બાંગ્લાદેશના લોકોને આપી દેવાત. આની સાથે સાઉદીના શાહી શાસકે આર્થિક મદદ પાછી લેવાની ધમકી પણ આપી હતી.

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાને નાગરિકતા સંશોધન કાયદાને મુસલમાનો વિરુદ્ધ ગણાવ્યો છે.

એમણે એમ પણ કહ્યું કે ''નાગરિકતા કાયદાને લઈને ઊભી થયેલી અશાંતિ અને વિરોધપ્રદર્શનથી ધ્યાન હઠાવવા ભારત પાકિસ્તાન સામે ઓપરેશન હાથ ધરી શકે છે.''

એમણે કહ્યું કે ''ભારત હિંદુરાષ્ટ્રને મોટું કરવા યુદ્ધ ઉન્માદ ઉભો કરવા માગે છે અને જો આવું થશે તો પાકિસ્તાન પાસે તેનો જડબાતોડ જવાબ આપવા સિવાય કોઈ વિકલ્પ નહીં હોય.''

એમણે કહ્યું કે ''ભારતે કાશ્મીરમાં બધાને કેદ કરીને રાખ્યા છે. જો ત્યાંથી પાબંદીઓ હઠશે તો કત્લેઆમની આશંકા છે. જો ભારતમાં આ પ્રકારના વિરોધપ્રદર્શનો વધશે પાકિસ્તાન પર ભારતનો ખતરો વધશે, ભારતના આર્મી ચીફનું નિવેદન અમારી શંકાઓને મજબૂત કરે છે.''

ઇમરાન ખાને અન્ય એક ટ્વીટમાં કહ્યું કે ''ગત 5 વર્ષોથી મોદી સરકારના નેતૃત્ત્વમાં ભારત હિંદુ રાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આ પ્રક્રિયામાં હિંદુ શ્રેષ્ઠતા અને ફાસીવાદી વિચારધારા દ્વારા આગળ વધી રહ્યું છે. હેવ નાગરિકતા સંશોધન કાયદા સામે જે ભારતીયો સડક પર છે તેઓ ઇચ્છે છે કે ભારતની વિવિધતા જળવાઈ રહે. સીએએ વિરુદ્ધનું વિરોધપ્રદર્શન જનઆંદોલન બની ગયું છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો