Solar eclipse 2019 : ગ્રહણ સાથે ડરામણી કહાણીઓ કેમ જોડાયેલી છે?

સૂર્યગ્રહણ Image copyright Getty Images

વર્ષ 2019નું અંતિમ સૂર્યગ્રહણ ગુરુવાર એટલે કે 26 ડિસેમ્બરના રોજ થયું.

આગામી એક દાયકામાં થનારાં 4-5 સૂર્યગ્રહણોની સરખામણીએ આ સૂર્યગ્રહણ સૌથી વધારે દૃશ્યમાન હોવાથી આ સૂર્યગ્રહણને 'સદીનું સૌથી મોટું સૂર્યગ્રહણ' કહેવામાં આવી રહ્યું છે.

આમ તો દર વર્ષે સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ થાય છે અને પૃથ્વીના અલગઅલગ ભાગ પર લોકો તેને જોઈ શકે છે.

પરંતુ આ સૂર્યગ્રહણ પૃથ્વીના એક મોટા ભૂ-ભાગ પર જોવા મળ્યું છે.

આ ખગોળીય ઘટનાની અસર ભારત સહિત, નેપાળ, પાકિસ્તાન, શ્રીલંકા, બાંગ્લાદેશ, ભૂટાન, ચીન અને ઑસ્ટ્રેલિયામાં જોવા મળી હતી.

Image copyright NASA

આ વર્ષ 2019નું ત્રીજું અને અંતિમ સૂર્યગ્રહણ હતું.

6 જાન્યુઆરીના રોજ પહેલું અને 2 જુલાઈના રોજ બીજું સૂર્યગ્રહણ જોવા મળ્યું હતું. આ બન્ને આંશિક સૂર્યગ્રહણ હતાં જે ભારતમાં જોવા મળ્યાં ન હતાં.

PIB દ્વારા જાહેર કરવામાં આવેલી સૂચના પ્રમાણે દેશના બાકી વિસ્તારોની સરખામણીએ દક્ષિણ ભારતમાં આ સૂર્યગ્રહણ સ્પષ્ટ જોવા મળ્યું હતું.

વૈજ્ઞાનિકોની સાથે જ વિજ્ઞાન સાથે સંશોધકોમાં પણ આ પૂર્ણ સૂર્યગ્રહણના અધ્યયન માટે ઉત્સુકતા જોવા મળી રહી છે.

આ ખગોળીય ઘટના ચંદ્રના સૂર્ય અને ધરતી વચ્ચે આવવાના કારણે ઘટે છે અને થોડા સમય માટે ચોક્કસ વિસ્તારમાં અંધારું છવાઈ જાય છે.

ગુરુવારનું સૂર્યગ્રહણ એટલે પણ ખાસ હતું, કેમ કે આ દરમિયાન સૂર્ય 'રિંગ ઑફ ફાયર' સ્વરૂપ જેવો જોવા મળ્યો.

PIBની માહિતી પ્રમાણે આગામી સૂર્યગ્રહણ 21 જૂન, 2020ના રોજ થશે.


ગ્રહણ મામલે આજે પણ અંધવિશ્વાસ

Image copyright Alamy

દુનિયામાં એવા લોકો પણ છે જેમના માટે ગ્રહણ કોઈ ખતરાનું પ્રતીક છે - જેમ કે દુનિયાનો વિનાશ અથવા તો ભયંકર ઊથલપાથલની ચેતવણી.

હિંદુ મિથકોમાં તેને અમૃતમંથન અથવા રાહુ-કેતુ નામના દૈત્યોની કહાણી સાથે જોડવામાં આવે છે અને તેની સાથે ઘણા અંધવિશ્વાસો પણ પ્રચલિત છે.

ગ્રહણ હંમેશાંથી લોકોને આશ્ચર્યચકિત પણ કરતું આવ્યું છે અને ડરાવતું પણ રહ્યું છે.

વાસ્તવમાં, જ્યાં સુધી મનુષ્ય પાસે ગ્રહણનાં કારણોની પૂરતી માહિતી ન હતી, તેણે અસમય સૂર્યને ઘેરતા આ અંધારા છાયા મામલે ઘણી કલ્પનાઓ કરી. ઘણી કહાણીઓ બનાવી.

7મી સદીના યુનાની કવિ આર્કિલકસે કહ્યું હતું કે ભરબપોરે અંધારું છવાઈ ગયું અને આ અનુભવ બાદ હવે તેમને કોઈ બાબતે આશ્ચર્ય નહીં થાય.

મજાની વાત એ છે કે આજે જ્યારે આપણે ગ્રહણનાં વૈજ્ઞાનિક કારણો જાણીએ છીએ ત્યારે પણ ગ્રહણ સાથે જોડાયેલી આ કહાણીઓ, આ વિશ્વાસ યથાવત્ છે.

Image copyright AFP

કૅલિફોર્નિયાની ગ્રિફિથ વેધશાળાના નિદેશક એડવિન ક્રપ કહે છે, "સત્તરમી સદીનાં અંતિમ વર્ષોમાં ઘણા લોકોને એ ખબર નહોતી કે ગ્રહણ શું કામ થાય છે અથવા તો તારાઓ કેમ ખરે છે. જોકે આઠમી સદીથી ખગોળશાસ્ત્રીઓને તેનાં વૈજ્ઞાનિક કારણોની જાણકારી હતી."

ક્રપ અનુસાર, સંચાર અને શિક્ષણની કમીને લીધે પણ માહિતીનો અભાવ હતો. માહિતીનો પ્રચારપ્રસાર ઓછો હોવાથી અંધવિશ્વાસનું પ્રમાણ પણ વધ્યું.

તેઓ કહે છે, "પ્રાચીન સમયમાં મનુષ્યની દિનચર્યા કુદરતના નિયમો પ્રમાણે સંચાલિત થતી હતી. આ નિયમોમાં કોઈ પણ ફેરફાર મનુષ્યને બેચેન કરી મૂકતો હતો."

પ્રકાશ અને જીવનના સ્રોત સૂર્યનું છુપાવું લોકોમાં ડર પેદા કરતું હતું અને તેને લઈને અનેક વાતો પ્રચલિત થઈ હતી.

સૌથી પ્રચલિત વાત હતી દાનવનું સૂરજનું ગ્રસવું. પશ્ચિમ એશિયામાં એવી વાત પ્રચલિત હતી કે ગ્રહણ સમયે ડ્રૅગન સૂરજને ગળવાની કોશિશ કરે છે અને એટલે ત્યાં ડ્રૅગનને ભગાડવા માટે ઢોલ-નગારાં વગાડવામાં આવે છે.

તો ચીનમાં માન્યતા હતી કે સૂરજને ગળવાની કોશિશ કરનાર તો સ્વર્ગનો કૂતરો હતો. પેરુવાસીઓ પ્રમાણે એ એક વિશાળ પ્યૂમા હતો અને વાઇકિંગ માન્યતા હતી કે ગ્રહણ સમયે આકાશી વરુની જોડ સૂરજ પર હુમલો કરે છે.

Image copyright EPA

ખગોળવિજ્ઞાની અને વેસ્ટર્ન કૅપ વિશ્વવિદ્યાલયમાં પ્રોફેસર ચરીટા હૉલબ્રુક કહે છે, "ગ્રહણ અંગેની વિવિધ સભ્યતાઓની માન્યતા એ વાત પર નિર્ભર કરે છે કે ત્યાંની પ્રકૃતિ કેટલી ઉદાર કે અનુદાર છે."

"જ્યાં જીવન મુશ્કેલ છે ત્યાં દેવીદેવતાઓ પણ ક્રૂર અને બિહામણાં હોવાની કલ્પના કરાઈ છે અને એટલે ત્યાં ગ્રહણ સાથે જોડાયેલી કહાણીઓ પણ બિહામણી છે."

"જ્યાં જીવન સરળ છે, ખાવાપીવાનું ભરપૂર છે, જ્યાં ઈશ્વર કે પરાશક્તિ સાથે માનવનો સંબંધ પ્રેમપૂર્ણ હોય છે અને તેનાં મિથક પણ એવાં જ હોય છે."

મધ્યકાલીન યુરોપમાં પ્લેગ અને યુદ્ધોથી લોકો ત્રસ્ત રહેતા હતા. આથી સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ તેમને બાઇબલમાં પ્રલયના વર્ણનની યાદ અપાવતું હતું.

પ્રોફેસર ક્રિસ ફેંચ કહે છે, "લોકો ગ્રહણને પ્રલય સાથે જોડે છે, તેને સમજવું બહુ સરળ છે. બાઇબલમાં ઉલ્લેખ છે કે કયામતના દિવસે સૂરજ બિલકુલ કાળો થઈ જશે અને ચાંદ લાલ રંગનો થઈ જશે."

"સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણમાં ક્રમશઃ એવું જ થાય છે. લોકોનું જીવન પણ નાનું હતું અને તેમનાં જીવનમાં આવી ખગોળીય ઘટના એક જ વાર ઘટતી હતી, આથી એ વધુ ડરાવતી હતી."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા

આ વિશે વધુ