દાનિશ કનેરિયા સાથે ભેદભાવના મામલે ઇંઝમામ શું બોલ્યા?

ઇંઝમામ ઉલ હક Image copyright Getty Images

પાકિસ્તાન ક્રિકેટ ટીમના પૂર્વ કૅપ્ટન ઇંઝમામ ઉલ હકે બિનમુસ્લિમ ખેલાડીઓ સાથે ભેદભાવ થતો હોવાની વાતને પાયાવિહોણી ગણાવી છે. તેમણે કહ્યું, "હું એ વખતે કૅપ્ટન હતો. આ સાંભળીને અફસોસ થયો કે અમને લઈને આવી વાતો કહેવાઈ છે."

ઇંઝમામે કહ્યું કે દાનિશ કનેરિયા સાથે ટીમના સભ્યો દ્વારા ધર્મના આધારે ભેદભાવ કરવાની વાતોને તેઓ સાચી નથી ગણતા.

ઇંઝમામે પોતાની યૂટ્યૂબ ચેનલ 'ઇંઝમામ ઉલ હક - ધ મૅચ વિનર' પર એક વીડિયો જાહેર કરીને દાનિશ સાથે ભેદભાવ થયો હોવાની વાતને નિરાધાર ગણાવી છે.

વીડિયોમાં ઇંઝમામ કેટલાંક ઉદાહરણો આપીને કહે છે કે તેમના ખેલાડીઓનું વર્તન માત્ર પાકિસ્તાની ટીમ સાથે જ નહીં પરંતુ ભારતીય ટીમના ખેલાડીઓ સાથે પણ સારું હતું.

પૂર્વ ક્રિકેટરે કહ્યું, "દાનિશ સૌથી વધુ મારી કૅપ્ટનશિપ હેઠળ રમ્યા. મેં ક્યારેય એ વાત ન અનુભવી કે અમારી ટીમનો કોઈ છોકરો એવું વર્તન કરે છે કે કોઈ મુસ્લિમ નથી. યૂસુફ યોહાના પણ બિનમુસ્લિમ હતા. તેમણે પણ ક્યારેય આવો અનુભન નથી કર્યો. યૂસુફ જ્યારે ખ્રિસ્તી હતા ત્યારે તેમણે આવો અનુભવ કર્યો હોત તો તેઓ ક્યારેય મોહમ્મદ યૂસુફ ન બનત."

નોંધનીય છે કે શોએબ અખ્તરે કેટલાક સાથી ખેલાડીઓ પર દાનિશ કનેરિયાની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.

Image copyright Getty Images

પાકિસ્તાન તરફથી ક્રિકેટ રમી ચૂકેલા લઘુમતી ખેલાડી દાનિશ કનેરિયાની સાથે ટીમમાં થયેલાં વ્યવહારને લઈને પૂર્વ ઝડપી બૉલર શોએબ અખ્તરના નિવેદન પછી ઘણી પ્રતિક્રિયા આવી.

લઘુમતી સમુદાયમાંથી આવતા પૂર્વ બૅટ્સમૅન મોહમ્મદ યૂસુફે પણ શોએબની વાતની ટીકા કરી છે.

મોહમ્મદ યૂસુફે ટ્વીટ કર્યું, "પાકિસ્તાન ટીમમાં લઘુમતી ખેલાડીઓની સાથે ભેદભાવ વિશે જે પણ ટિપ્પણીઓ કરવામાં આવી છે તેની હું નિંદા કરુ છું."

"હું ટીમનો સભ્ય રહ્યો છું અને મને હંમેશાં ટીમ, પ્રશાસન અને ચાહકો તરફથી ઘણો પ્રેમ અને સમર્થન મળ્યું છે! પાકિસ્તાન જિંદાબાદ"

આ પહેલાં જાવેદ મિયાંદાદે કહ્યું હતું કે જો પાકિસ્તાનમાં લઘુમતી હિંદુ સમુદાયની સાથે ભેદભાવપૂર્ણ વર્તન કરવામાં આવ્યું હોત તો તેઓ દેશ માટે રમી શક્યા ન હોત.


13 વર્ષ સુધી પાકિસ્તાનની ટીમમાંથી રમ્યા છે મોહમ્મદ યૂસુફ

Image copyright Getty Images
ફોટો લાઈન 2007માં ભારત સામેની મૅચ પહેલાં હળવાશની પળોમાં શોએબ અખ્તર અને મોહમ્મદ યુસુફ

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક ખ્રિસ્તી પરિવારમાં જન્મેલાં યૂસુફે ઇસ્લામ ધર્મને અપનાવ્યો હતો. 2004માં ધર્મપરિવર્તન પહેલાં યૂસુફ પાકિસ્તાનના કૅપ્ટન બન્યા હતા.

યૂસુફ એવાં એક માત્ર લઘુમતી છે જે પાકિસ્તાનના કૅપ્ટન બન્યા છે. પાકિસ્તાનની નવ મૅચમાં યૂસુફ કૅપ્ટન રહ્યા હતા.

1998માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૅરિયરની શરૂઆત કરનાર મોહમ્મદ યૂસુફ ધર્મપરિવર્તન પહેલાં યૂસુફ યોહાનાના નામથી ઓળખાતા હતા. ધર્મપરિવર્તન કરીને મુસ્લિમ બન્યા પછી તેમણે પોતાનું નામ મોહમ્મદ યૂસુફ રાખ્યું.

13 વર્ષ પછી પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કૅરિયર (ફેબ્રુઆરી 1998થી ઑગસ્ટ 2010 સુધી) દરમિયાન યૂસુફે કુલ 90 ટેસ્ટમેચ રમી અને 7530 રનની સાથે આજે પણ પાકિસ્તાનના સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ખેલાડીઓમાં ચોથા ક્રમે છે.


નિવેદન આપવાનું કારણ?

Image copyright Getty Images

શોએબ અખ્તરે આરોપ લગાવ્યો હતો કેટલાક પાકિસ્તાની ક્રિકેટરોને દાનિશ કનેરિયા સાથે બેસીને જમવામાં પણ વાંધો હતો.

શોએબનું કહેવું હતું આવું થયું કેમ કે દાનિશ એક હિંદુ હતા.

શોએબ અખ્તરે પીટીવી સ્પૉર્ટ્સ પર 'ગૅમ ઑન હૈ' કાર્યક્રમમાં આ વાત કહી. આ વીડિયો સોશિયલ મીડિયા પર શૅર કરવામાં આવી રહ્યો છે.

શોબેદના નિવેદન બાદ પૂર્વ પાકિસ્તાની લેગ-સ્પિનર દાનિશ કનેરિયાએ એક નિવેદન જાહેર કર્યું છે કે શોએબ અખ્તર તેમના વિશે જે કંઈ પણ કહ્યું તે પૂરેપૂરું સાચું હતું.

'આ પ્રકારનું વીરતાપૂર્ણ અને નિર્ભીક પગલું' ભરવા બદલ તેમણે શોએબ અખ્તરનો આભાર માન્યો.

આ વીડિયો આવ્યા બાદ દાનિશ કનેરિયાએ એક નિવેદન જાહેર કર્યું.

નિવેદનમાં તેમણે કહ્યું, "શોએબ અખ્તરના આ નિવેદન બદલ હું તેમનો આભાર માનું છું. તેમણે જે કંઈ પણ કહ્યું તે સાચું હતું."

"મેં તેમને ક્યારેય, કંઈ પણ નહોતું કહ્યું અને એ છતાં તેઓ મારા સમર્થનમાં આવ્યા."

તેમણે કહ્યું, "કેટલાક ખેલાડીઓ મારી સાથે વાત કરવાનું પસંદ નહોતા કરતા કેમ કે હું હિંદુ હતો. જલદી જ હું એ લોકોનાં નામો પણ જાહેર કરીશ."

"આ અગાઉ મારામાં આ વાત કહી શકવાનું સાહસ નહોતું પણ શોએબનું નિવેદન સાંભળ્યા બાદ મારામાં હિંમત આવી ગઈ છે કે હું આ મામલે પોતાની વાત મૂકી શકું."

દાનિશ કનેરિયાએ એવું પણ કહ્યું, "યુનિસ ખાન, ઇંઝમામ ઉલ હક, મોહમ્મદ યુસૂફ અને શોએબ અખ્તરનું વર્તન હંમેશાં મારી સાથે સારું રહ્યું."

એક ભારતીય ટેલિવિઝન ચેનલ સાથે વાત કરતા કેનરિયાએ કહ્યું, "હું પાકિસ્તાનમાં જન્મ્યો અને પાકિસ્તાન માટે રમી શક્યો એ મારી માટે મહત્ત્વપૂર્ણ વાત છે."

જોકે, બાદમાં શોએબ સ્પષ્ટતા કરી હતી કે તેમના નિવેદનને તોડી-મરોડીને રજૂ કરવામાં આવ્યું છે.

શોએબે પોતાની યૂટ્યૂબ ચેનલ પર 10 મિનિટનો એક વીડિયો પોસ્ટ કર્યો.

તેમણે કહ્યું, "મારા મામલે બહુ મોટો વિવાદ જન્માવી દીધો છે. માશાઅલ્લાહ, તમે મારા એ નિવેદન પર સારી એવી પ્રતિક્રિયા આપી અને સારી એવી ખોટી ખબર પણ રજૂ કરી. મેં જે કંઈ પણ કહ્યું તેને 'ટીમ કલ્ચર' તરીકે નથી કહ્યું. આ અમારી ટીમનું વર્તન નથી પણ એક-બે ખેલાડીનું વર્તન હતું. આવા એક-બે ખેલાડી દરેક જગ્યાએ હોય છે. સંપૂર્ણ દુનિયામાં હોય છે, જે વંશીય ટીપ્પણીઓ કરતા હોય છે."


ફિક્સિંગના આરોપ હેઠળ કનેરિયા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો

Image copyright Getty Images
ફોટો લાઈન દિનેશ કનેરિયા

ફિક્સિંગના આરોપ લાગવાથી 2012માં કનેરિયા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો.

39 વર્ષના કનેરિયા કહે છે કે તે આ મામલાને ઉકેલવા માટે અનેક લોકો પાસે ગયા, પરંતુ તેમના તમામ પ્રયત્નો બેકાર રહ્યા.

કનેરિયાએ પોતાના ટ્વિટર હૅન્ડલ પરથી શોએબ અખતરના નિવેદન અંગે પ્રતિક્રિયા આપવાની સાથે જ આ બાબતે વડા પ્રધાન ઇમરાન ખાનની પણ મદદ માગી.

તેમણે લખ્યું, "મારી હાલત બહુ ખરાબ છે અને મેં પાકિસ્તાન અને દુનિયાના ઘણા લોકો પાસે મદદથી ઇચ્છા વ્યક્ત કરી પરંતુ હાલ સુધી કોઈ મદદ મળી નથી."

"જોકે પાકિસ્તાનમાં કેટલાય ક્રિકેટરોની સમસ્યાઓનો ઉકેલ આવ્યો. મેં એક ક્રિકેટર તરીકે પાકિસ્તાન માટે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું અને મને તેનો ગર્વ છે. મને લાગે છે કે આ સમયે પાકિસ્તાનના લોકો મારી મદદ કરશે."

કનેરિયા 10 વર્ષ સુદી પાકિસ્તાન માટે આંતરરાષ્ટ્રીય સ્તરે રમ્યા છે.

આ દરમિયાન 61 મૅચમાં 261 ટેસ્ટવિકેટ લઈને આજે પણ કનેરિયા, વસીમ અકરમ (414), વકાર યૂનિસ(373) અને ઇમરાન ખાન(362) પછી પાકિસ્તાનના ચોથા સૌથી સફળ ટેસ્ટબૉલર છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો