10 વર્ષનો બાળક ઠંડા કલેજે પિતાની હત્યા કેવી રીતે કરી શકે?

રે પર હત્યાનો કેસ ચાલી રહ્યો છે Image copyright BBC/KUDOS/ ED MILLER

તમે 10 વર્ષના હો ત્યારે દારૂ, સિગારેટ ન પી શકો, મતદાન ન કરી શકો, લગ્ન કરી ન શકો કે જાનવર પણ પાળી ન શકો. તમે શાળામાં પાંચમા કે છઠ્ઠા ધોરણમાં હો અને સત્તાવાર કે કાનૂની રીતે તમે હજી બાળક જ ગણાવ.

પણ તમારી સામે ખૂનનો કેસ પુખ્ત વયની વ્યક્તિની જેમ ચલાવી શકાય.

તેનું કારણ એ કે ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં ફોજદારી ગુનામાં જવાબદારી માટેની ઉંમર 10 વર્ષની ગણાય છે.

એટલે કે કોઈની હત્યાનો આરોપી બાળક 10 વર્ષનો હોય તો તેની સામે બાળ-અદાલતને બદલે ક્રાઉન કોર્ટમાં જ્યુરી સામે પુખ્તની જેમ મુકદ્દમો ચાલી શકે.

આરોપીની નાની ઉંમરને ધ્યાનમાં રાખીને કેટલીક છૂટછાટ મળે છે. વકીલોએ વિગ અને ગાઉન પહેરવાની જરૂર નહીં અને બાળકને તેના વકીલની નજીક કે યોગ્ય પુખ્ત વયની વ્યક્તિની નજીક બેસવા મળે છે.

પણ શું આટલી નાની ઉંમરના બાળકને એ ખબર હોય ખરી કે ખૂનનો ગુનો કરવો એટલે શું?

શું તેને પોતાના કૃત્ય બદલ જવાબદાર ગણી શકાય ખરો? કિશોરાવસ્થામાં પ્રવેશે તે પહેલાં તેને પુખ્ત જેવો ગણીને તેનો ગુનો સાબિત થાય તો આગળ જતાં તેના જીવનમાં શું થઈ શકે?

આ સવાલો 12 વર્ષના એક બાળ રેના કિસ્સાની રજૂઆતમાં કેન્દ્રસ્થાને છે.

વાસ્તવિક કિસ્સાઓને આધારે શરૂ થયેલા બીબીસીના નવા રિસ્પૉન્સિબલ ચાઇલ્ડ નામના નાટ્યરૂપાંતરના કાર્યક્રમમાં આ કિસ્સો રજૂ થયો છે.

Image copyright BBC/KUDOS/ ED MILLER
ફોટો લાઈન રે અને તેમના ભાઈએ સાવકા પિતા પર હુમલો કર્યો હતો.

વીડિયો ગેમ્સ રમવાના, અંતરિક્ષ વિશે જાણવાના અને રિયાલિટી શૉ જોવાના શોખીન રેની આ કહાણી છે.

મોટા ભાઈ 21 વર્ષના નાથન સાથે તેમની સામે પણ ક્રૂર રીતે હત્યા કરવાનો કેસ ચાલી રહ્યો છે.

તેમના સાવકા પિતાએ નાથન પર કુહાડીથી હુમલો કર્યો હતો, પણ કોર્ટમાં તેઓ કેદની સજામાંથી બચી ગયા હતા.

બાદમાં તેઓ નાનકડા ઘરમાં રહેતા કુટુંબમાં પાછા ફર્યા અને તેમનાં માતા સાથે ગેરવર્તન કરતા રહ્યા હતા. એક રાત્રે તેઓ નીચેના કમરામાં સોફા પર સૂઈ રહ્યા હતા ત્યારે બંને ભાઈઓએ તેમના પર હુમલો કરીને છરીના 60 ઘા માર્યા હતા.

ભાઈઓએ એટલા ઉશ્કેરાટમાં આવીને હુમલો કર્યો હતો કે તેમનું માથું લગભગ કપાઈ ગયું હતું.

કાર્યક્રમમાં જેરોમ અને જોશુઆ એલીસનો કિસ્સો પણ વણી લેવાયો છે. તેઓ બંને 14 અને 23 વર્ષના હતા અને તેમણે પણ પોતાના સાવકા પિતાની હત્યા કરી હતી.

નાટ્યરૂપાંતરમાં હત્યાની ક્રૂરતા છતી થાય છેઃ લોહી, છરીઓ અને સાવકા પિતા પર હુમલો થયો ત્યારે તેઓ ઊંઘતા હતા અને તેમની પાસે હથિયાર પણ નહોતું.

જોકે સાથે જ 12 વર્ષના રે બાદમાં આઘાત પામી ગયેલા, મૂંઝાયેલા અને લોહીથી ભીંજાયેલા પણ બતાવ્યા છે.

તેમનું પાત્ર બહુ સંવેદન સાથે બીલી બેરેટે ભજવ્યું છે. બીલી પોતે પણ 12 જ વર્ષના છે.

રેએ પોતાની ગુનાની કબૂલાત તરત કરી લીધી હતી અને તેમને સ્થાનિક પોલીસ સ્ટેશને લઈ જવાયા હતા.

પોલીસ સ્ટેશનમાં તેમની તલાશી લેવાય છે. રેકર્ડ માટે તેમની તસવીર, ડીએનએ અને લોહીના નમૂના પણ લેવાય છે અને બાદમાં પુખ્ત વયના લોકો માટેની કોટડીમાં પૂરી દેવામાં આવે છે.

તેમના વકીલ પોલીસને પૂછે છે કે શા માટે બાળક રે સાથે કોઈ પુખ્ય વયના ગુનેગાર સાથે થાય તેવો વર્તાવ થાય છે, ત્યારે પોલીસ અધિકારી જવાબ આપે છે: "તોફાનમસ્તી માટે નહીં, તેને ખૂન કરવા બદલ પકડવામાં આવ્યો છે."


'પાકો બદમાશ'

Image copyright AFP
ફોટો લાઈન રેએ પોતાની ગુનાની કબૂલાત તરત કરી લીધી હતી.

ઇંગ્લૅન્ડ અને વેલ્સમાં ફોજદારી કૃત્યો માટે સ્વંયને જવાબદાર ગણવા માટેની ઉંમર 10 વર્ષની 1963માં નક્કી કરવામાં આવી હતી.

એક અંદાજ પ્રમાણે 1995 પછી 10થી 14 વર્ષની ઉંમરનાં 7,000થી વધુ બાળકો સામે ઇંગ્લૅન્ડ અને વેલ્સની ક્રાઉન કોર્ટ્સમાં મુકદ્દમા ચાલ્યા છે.

આટલી નાની ઉંમરે ફોજદારી કૃત્યની જવાબદારી નક્કી કરવી એ બાળઅધિકારનો ભંગ છે એવું સંયુક્ત રાષ્ટ્રસંઘે વારંવાર કહ્યું છે.

ગુનાખોરી માટે જવાબદારીની ઓછામાં ઓછી ઉંમર વધારીને 12ની કરવી જોઈએ તેવી માગણી પણ સંયુક્ત રાષ્ટ્રસંઘે કરી છે.

બીજા કોઈ પણ યુરોપિયન દેશ કરતાં 10 વર્ષની ઉંમર ઓછી છે. સ્વિડનમાં તે 15ની છે, જ્યારે પોર્ટુગલમાં 16 વર્ષ.

ચીન અને ઉત્તર કોરિયામાં પણ 14 વર્ષની ઉંમર હોય તો જ તેની સામે પુખ્ત તરીકે કાર્યવાહી થાય છે.

સરકારના હાલના એક અહેવાલ અનુસાર 10 વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી તે પછીના સમયમાં બાળમનને સમજવાની ક્ષમતા વધી છે.

કિશોરાવસ્થામાં મગજનો વિકાસ કઈ રીતે થાય છે અને કઈ રીતે તેનાથી નિર્ણયશક્તિ પર અસર થાય છે તેની આપણી સમજ સંશોધનોથી વધારે સારી થઈ છે.

2010માં પ્રિઝન રિફૉર્મ ટ્રસ્ટે એક સર્વે કરાવ્યો હતો અને તેમાં 2000 પુખ્તોને આવરી લેવાયા હતા.

તે સર્વેમાં ભાગ લેનારાઓનું સૂચન હતું કે ફોજદારી ગુના માટેની જવાબદારીની ઉંમર વધારીને 12 વર્ષની કરવી જોઈએ. જોકે બીજા કેટલાક લોકો તેનો વિરોધ કરે છે.

1993માં 10 વર્ષના જૉન વેનેબલ્સ અને રૉબર્ટ થૉમસને બે વર્ષના બાળક જેમ્સ બલ્ગરની ક્રૂર રીતે હત્યા કરી હતી તે ઘટનાને કારણે પણ કદાચ આ લોકોનો વિરોધ હશે.

ઝાંખાં સીસીટીવી ફૂટેજમાં આ બે બાળકોએ બે વર્ષના બાળકનું સુપરમાર્કેટમાંથી અપહરણ કરી લીધું હતું તે દૃશ્યો જોનારા ભાગ્યે જ ભૂલી શકે તેવાં હતાં.

તે ઘટનાને કારણે દેશભરમાં આઘાત ફેલાયો હતો અને અખબારોમાં હત્યારા બાળકો માટે 'પાકા બદમાશ' એવા મથાળા સાથે સમાચારો ચમક્યા હતા.

એવી ચર્ચાઓ પણ થવા લાગી હતી કે શું કિલર ડોલના પાત્ર સાથેની ચાઇલ્ડ પ્લે 3 જેવી હોરર મૂવીની અસર આ બે બાળકો પર થઈ હશે કે કેમ.

જેમ્સ બલ્ગરનાં માતા ડેનિક ફર્ગુસે ભૂતકાળમાં ઉંમરની મર્યાદા વધારવાનો વિરોધ કર્યો હતો. તે વખતના ચિલ્ડ્રન કમિશનરે લઘુતમ ઉંમર વધારવી જોઈએ તેવું સૂચન પોતાના એક લેખમાં કર્યું હતું. પણ તેમણે 2010માં માતાના વિરોધ પછી તેમની માફી માગી હતી.

'તેઓ આરોપીઓ જ છે'

Image copyright BBC/KUDOS/ ED MILLER
ફોટો લાઈન તેમના વકીલ પોલીસને પૂછે છે કે શા માટે બાળક રે સાથે કોઈ પુખ્ય વયના ગુનેગાર સાથે થાય તેવો વર્તાવ થાય છે.

'રિસ્પૉન્સિબલ ચાઇલ્ડ' એ નાટ્યરૂપાંતર સીન બકલી અને નીક હૉલ્ટે તૈયાર કર્યો છે.

નીકને આશા છે પોતાની આ પ્રથમ ફિલ્મ આ બધા સવાલો પર પ્રકાશ ફેંકશે.

નીક હોલ્ટે ચેનલ ફોર માટે ધ મર્ડર ટ્રાઇલ જેવી ડૉક્યુમૅન્ટરી બનાવીને નામના મેળવી છે. તેમાં પોતાનાં પત્નીની હત્યા કરનારા શાકભાજી વેચનારા સ્કોટીશ વ્યક્તિની કહાણી હતી.

2013માં એ કિસ્સા પર કામ કરતી વખતે જ તેમને બાળકોની ગુનાની ઉંમર માટે જવાબદારી માટેના મુદ્દે ફિલ્મ બનાવવાનો વિચાર આવ્યો હતો.

"હું 18 મહિના માટે જુદાજુદા કેસની સુનાવણીમાં હાજર રહેવા માટે સ્કૉટલૅન્ડમાં હતો. તે વખતે એક ગંભીર ગુનાની ટ્રાયલમાં મેં બાળકને જોયો હતો. મેં વકીલને પૂછ્યું કે શું બાળક સાક્ષી તરીકે છે, ત્યારે તેમણે જવાબ આપેલો કે ના, તે તો આરોપી છે. તેથી મને બહુ નવાઈ લાગેલી.

"તે પછી મેં તપાસ કરવાનું શરૂ કર્યું કે ગંભીર ગુનામાં જ્યુરી સામે કઈ ઉંમરે કિશોર સામે કાર્યવાહી ચાલી શકે. મને જાણવા મળ્યું કે 10 વર્ષની ઉંમર ગણાય છે અને મેં તેની સરખામણી બીજા દેશો સાથે કરી. તે પછી મને વધારે નવાઈ લાગી, કેમ કે દુનિયાભરના ધોરણ કરતાં તે બહુ ઓછી હતી."


'એની ઉંમર જ શું છે'

રિસ્પૉન્સિબલ ચાઇલ્ડમાં ફરિયાદી પક્ષની ધારણા એવી છે કે રે ઠંડા કલેજે કત્લ કરનારો હત્યારો છે.

સામે બચાવ પક્ષનું કહેવું છે કે રેનું જીવન બહુ કઠણાઈભર્યું હતું. તેમના પિતા દારૂડિયા હતા, માતા ડિપ્રેશનમાં હતાં અને તે મુશ્કેલ સ્થિતિમાં હતો. આ બધી બાબતોને ધ્યાનમાં લઈને સજા થવી જોઈએ.

વિરોધાભાસ ઊભો કરતી આ કહાની છે : હત્યાની કમકમાટી રજૂ થઈ છે અને સાથે જ રેના કુટુંબમાં મુશ્કેલ સ્થિતિ હતી તે પણ રજૂ થઈ છે. પોતાની સામે જ સાવકા પિતાએ મોટા ભાઈ પર હુમલો કર્યો હતો તે પણ તેણે જોયું હતું.

રે કે તેના જેવા બાળ ગુનેગારોને સજા ના થવી જોઈએ એવી કોઈ વાત અહીં સૂચવવામાં આવી નથી, પણ ફિલ્મમાં એવા સવાલો ઊભા કરવામાં આવ્યા છે કે કેવી સજા થવી જોઈએ અને બાળક સાથે ગુનેગાર જેવું વર્તન કરવામાં આવે તો લાંબા ગાળે શી અસર થઈ શકે.

ફિલ્મમાં સૌથી વધુ વિચાર કરી દે તેવા સંવાદો બાળ મનોવિજ્ઞાનીના છે, જે પાત્ર સ્ટિફન કૅમ્બેલ મૂરે ભજવ્યું છે.

તેમને રેનો કેસ સોંપવામાં આવ્યો હતો. તેઓ સવાલ ઉઠાવે છે કે શું બાળમાનસને એ ખબર હોય છે ખરી કે ખૂન કરવું એટલે શું.

"તે 16 વર્ષનો થાય ત્યાં સુધી પાલતુ પ્રાણી પણ રાખી શકે તેમ નથી," એમ તેઓ કહે છે.

યુકેમાં 16 વર્ષની ઉંમર પછી જ પાલતુ પ્રાણી રાખી શકાય છે.

યુવાન્યાયની બાબતોના જાણકાર ડૉ. ટીમ બૅટમૅન કહે છે કે યુવાનો સાથેના વ્યવહારમાં કાયદાની સ્થિતિ સુસંગત નથી.

"હાલના સમયમાં સ્કૂલ લિવિંગની ઉંમર 18 વર્ષની કરવાની વાત હતી. મને લાગે છે કે બાળકોને આપણે કઈ ઉંમરે ગુનેગાર ગણવા લાગીએ તેના પર વિચાર કરવાની પણ જરૂર છે."

ડિરેક્ટર નિકની ઇચ્છા છે કે જવાબદારીની ઉંમર વધારીને 16ની કરવી જોઈએ : "મેં જે વાંચ્યું છે અને સંશોધન કર્યું છે, તેનાથી મને લાગે છે કે તે ઉંમરે કિશોરોનું મગજ થોડું વધારે વિકસ્યું હોય છે."

'હું તે બનવા માગતો નથી'

Image copyright BBC/KUDOS/ ED MILLER
ફોટો લાઈન 'રિસ્પૉન્સિબલ ચાઇલ્ડ' એ નાટ્યરૂપાંતર સીન બકલી અને નીક હૉલ્ટે તૈયાર કર્યો છે.

જેમ્સ બલ્ગર કેસની અસર એવી થઈ હતી કે લેબર અને કન્ઝર્વેટિવ સરકારો પણ ઉંમર ઘટાડવાની બાબતમાં વિચારવા તૈયાર થઈ નહોતી, એમ ડૉ. બૅટમૅન કહે છે.

"ગુના સામે કડક વલણ માટે સર્વસંમતિ હોય ત્યારે ઢીલું વલણ લાગતું હોય તેવું કશું પણ કરવું કોઈ પણ પક્ષ માટે મુશ્કેલ હોય છે."

જોકે તેમને લાગે છે કે લોકમિજાજ બદલાઈ પણ રહ્યો હશે : "છેલ્લા એક દાયકામાં કાયદાનો ભંગ કરનારાં બાળકો સાથે કેવી રીતે વ્યવહાર કરવો જોઈએ તે વિશે સમાજમાં પરિવર્તન આવ્યું છે."

તેઓ એ બાબત તરફ ધ્યાન દોરે છે કે આ સમયગાળામાં કોર્ટમાં બાળકો સામેના મુકદ્દમામાં 75% જેટલો ઘટાડો થયો છે. સ્કૉટલૅન્ડમાં જવાબદારીની ઉંમર 12 કરવાનો હાલમાં જ નિર્ણય લેવાયો છે.

ડૉ. બૅટમૅન કહે છે, "મને લાગે છે કે બલ્ગરનો કિસ્સો થયો તેને હવે ઘણો સમય વીતી ગયો છે અને તેથી તે વખતની લાગણીની અસર આપણને થાય તેમ મને લાગતું નથી."

જોકે કેટલાક લોકો હજીય આ વાત સાથે અસહમત થશે એમ તેમને લાગે છે.

ફિલ્મનાં છેલ્લાં દૃશ્યોમાં રે, જેને હવે કિશોર ગુનેગારો માટેની જગ્યાએ રાખવામાં આવ્યો છે, તેને રાત્રે ડરામણાં સપનાં આવે છે અને લોહિયાળ હત્યાનાં દૃશ્યો તાજાં થાય છે. તે એવું પણ બોલતો થયો છે કે "એવું કરનારો હું બનવા માગતો નથી.''

ફિલ્મ લોકો રેની નજરેથી જુએ તે રીતે બનાવાઈ છે અને તેના તરફ થોડી સહાનુભૂતિ ના જાગે તે મુશ્કેલ લાગે છે. પરંતુ આપણે એ યાદ રાખવાનું છે કે અસલી નહીં, નાટ્યરૂપાંતર છે અને સ્ક્રિપ્ટેડ છે.

ડૉ. બૅટમૅન કહે છે, "હું આશા રાખું કે રિસ્પૉન્સિબલ ચાઇલ્ડથી કમસે કમ લોકો આ મુદ્દા વિશે વિચારતા થાય."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો

સંબંધિત મુદ્દા