ઈરાનના 'જીવંત શહીદ' જનરલ સુલેમાની કોણ હતા?

જનરલ સુલેમાની Image copyright fars

ઈરાનમાં જો તમે ટીવી ચાલુ કરો તો એવું ભાગ્યે જ બને કે તમને ઈરાનના એક સૈન્યકમાન્ડરનો ચહેરો જોવા ન મળે. જનરલ કાસિમ સુલેમાનીને ઈરાનમાં એક સૈન્યનાયકનો દરજ્જો પ્રાપ્ત હતો અને ઇરાક તથા સીરિયાની લડાઈમાં તેમની ભૂમિકાને પગલે તેમનો મોભો કોઈ સેલિબ્રિટીથી કમ નહોતો.

ઈરાનના રિવૉલ્યુશન ગાર્ડની એલિટ શાખા 'કુદ્સ ફોર્સ'ના વડા જનરલ કાસિમ સુલેમાની બગદાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ પર અમેરિકાએ કરેલા એક હવાઈ હુમલામાં માર્યા ગયા છે.

જનરલ કાસિમ સુલેમાનીનું મૃત્યુ મધ્ય-પૂર્વનાં રાષ્ટ્રો સાથે જોડાયેલી બાબતોમાં એક મોટી ઘટના માનવામાં આવે છે અને એવી આશંકા પણ સેવાઈ રહી છે કે ઈરાન અને મધ્ય-પૂર્વમાં તેને સમર્થિત શક્તિઓ હવે ઇઝરાયલ અને અમેરિકા સામે પ્રચંડ જવાબી કાર્યવાહી કરી શકે છે.

Image copyright AFP
ફોટો લાઈન કાની

ઈરાનના સર્વોચ્ચ ધાર્મિક નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈએ કુદ્સ ફોર્સના નવા કમાન્ડર તરીકે બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાનીની નિમણૂક કરી છે.

'અલ જઝિરા'ના જણાવ્યા અનુસાર છેલ્લાં 20 વર્ષમાં પશ્ચિમનાં રાષ્ટ્રો, ઇઝરાયલ અને આરબ જગતની શક્તિઓ દ્વારા સુલેમાનીની હત્યા કરવાના કેટલાય પ્રયાસો કરાયા હતા. જોકે, દર વખતે તેઓ વિરોધી શક્તિઓની આંખમાં ધૂળ નાખવામાં સફળ થયા હતા.

સુલેમાની અંતર્ગત આવતી કુદ્સ ફોર્સનું મુખ્ય કામ વિદેશોમાં સૈન્યઅભિયાનો પાર પાડવાનું હતું. સીરિયામાં વર્ષ 2011થી ચાલી રહેલા ગૃહયુદ્ધમાં જ્યારે રાષ્ટ્રપતિ બસર અલ-અસદ પરાજયની નજીક હતા ત્યારે તેમણે રાષ્ટ્રપતિને એ સ્થિતિમાં ઉગાર્યા હતા. ઇસ્લામિક સ્ટેટને હરાવવા માટે પણ વિરોધી સૈન્યને સુલેમાનીએ હથિયાર પૂરા પાડ્યાં હતાં.

કોણ છે કાની?

Image copyright Getty Images
ફોટો લાઈન સીરિયામાં સુલેમાનીનાં મૃત્યુને આવકારતું ભીંતચિત્ર

ઈરાને સુલેમાનીના અનુગામીના નામની જાહેરાત કરી છે.

આયતુલ્લાહએ તેમની સરકારી વેબસાઇટ ઉપર કમાન્ડર જનરલ કાસિમ સુલેમાનીના સ્થાને બ્રિગેડિયર જનરલ ઇસ્માઇલ કાનીને કુદ્સ ફોર્સના નવા કમાન્ડર બનાવવાની જાહેરાત કરી હતી.

આયતુલ્લાહે વર્ષ 1980 થી 1988 દરમિયાન ઇરાક સામેના યુદ્ધમાં કાનીની કામગીરીને બિરદાવી હતી અને તેમને ઉત્કૃષ્ટ કમાન્ડરોમાંથી એક ગણાવ્યા હતા.

આયતુલ્લાહે લખ્યું છે કે હું કુદ્સ ફોર્સના સભ્યોને આગ્રહ કરું છું કે તેઓ જનરલ કાનીને સહયોગ આપે તથા તેમને શુભકામનાઓ આપે.

આયતુલ્લાહના કહેવા પ્રમાણે, અમેરિકા સામે જેવી નીતિ હતી, તેવી જ રહેશે ને તેમાં રતિભરનો ફેર નહીં આવે.


સંયમની સલાહ

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, ભારતે તમામપક્ષને સંયમ રાખવા સલાહ આપી છે.

વિદેશ મંત્રાલયના નિવેદન પ્રમાણે, મધ્ય-પૂર્વ એશિયા ભારત માટે અત્યંત મહત્ત્વપૂર્ણ છે. અહીં શાંતિ અને સુરક્ષા જળવાય રહે, તે ભારત માટે મહત્ત્વપૂર્ણ છે.

ભારતે તમામ પક્ષકારોને સંયમ જાળવવાની સલાહ આપી છે. પાકિસ્તાને પણ વર્તમાન સ્થિતિ અંગે ચિંતા પ્રગટ કરી છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે સંયુક્ત રાષ્ટ્રના ઘોષણાપત્ર તથા આંતરરાષ્ટ્રીય કાયદા પ્રમાણે, ડિપ્લૉમેટિક રીતે તણાવને ઓછો કરવા પ્રયાસ થવા જોઈએ.

દરેક દેશની સ્વતંત્રતા તથા સંપ્રભૂતાનું સન્માન થવું જોઈએ અને તમામ પક્ષકારોએ સંયમ રાખવો જોઈએ.

અમેરિકાએ તેના નાગરિકોને તાત્કાલિક અસરથી ઇરાક છોડી દેવાની સૂચના આપી છે.


કોણ હતા સુલેમાની?

થોડાં વર્ષો પહેલાં ઈરાનમાં સુલેમાનીને ભાગ્યે જ કોઈ ઓળખતું હતું. જોકે, મધ્ય-પૂર્વમાં ઈરાનની મજબૂત બનેલી ભૂમિકાએ સુલેમાનીને સૈન્યનાયક બનાવી દીધા હતા. તેમના પર દસ્તાવેજી ફિલ્મો બની, અહેવાલો છપાયા અને પૉપ ગીતો પણ બન્યા.

ઇરાકના શિયા લડવૈયાઓએ બનાવેલો એક વીડિયો મોટા પ્રમાણમાં વાઇરલ થયો હતો. આ વીડિયોમાં ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધ લડી રહેલા શિયા લડવૈયાઓ સુલેમાનીના ચિત્રને રંગ પૂરતાં જોઈ શકાય છે

ઈરાનની ફાર્સ ન્યૂઝ એજન્સીએ એક તસવીર છાપી હતી. જેમાં સુલેમાની ઇરાકમાં લડી રહેલા શિયા લડવૈયા સાથે ઊભા હતા. લડવૈયાઓ સાથે સંકળાયેલાં સૂત્રોએ બીબીસીની ફારસી સેવાને આપેલી માહિતી અનુસાર ઇસ્લામિક સ્ટેટ વિરુદ્ધના અભિયાનમાં ઇરાકી સૈનિકોને મદદ કરવા માટે સુલેમાનીએ થોડો સમય એમની સાથે ગાળ્યો હતો.

જનરલ સુલેમાનીએ જેહાદીઓનો સામનો કર્યો હોય એવી આ કોઈ પ્રથમ ઘટના નહોતી. ઈરાનના પડોશી દેશ સીરિયામાં વિદ્રોહનો સામનો કરી રહેલા રાષ્ટ્રપતિ બસર અલ-અસદને મજબૂત કરવામાં તેમણે મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. એમની મદદ થકી જ સીરિયા મહત્ત્વનાં શહેરોને વિદ્રોહીઓના કબજામાંથી પરત મેળવી શક્યું હતું.

સીરિયામાં પોતાની ભૂમિકા હોવાનો ઈરાન ઇન્કાર કરતું રહ્યું છે. જોકે, ઈરાન અને સીરિયામાં ઇસ્લામિક સ્ટેટ અને વિદ્રોહીઓ સામેની લડાઈમાં માર્યા ગયેલા લડવૈયાની કેટલીય અંતિમયાત્રાઓ યોજાઈ અને આ યાત્રામાં જનરલ સુલેમાની હાજર પણ રહ્યા.

સીરિયા, ઇરાક અને મધ્ય-પૂર્વનાં રાષ્ટ્રોમાં ઈરાનની મજબૂત થયેલી ભૂમિકાએ જનરલ સુલેમાનીને દેશમાં નાયક બનાવી દીધા હતા. 'શૅડો કમાન્ડર', 'ઇન્ટરનેશનલ જનરલ', 'ઘૉસ્ટ કમાન્ડર', 'મિસ્ટિરિયસ કમાન્ડર', 'દુશ્મનોનું દુઃસ્વપ્ન' જેવાં નામો તેમને સમર્થકો અને વિરોધીઓએ આપ્યાં હતાં.

દેશના સર્વોચ્ચ નેતા આયાતોલ્લાહ અલી ખામેનેઈએ તેમને 'જીવંત શહીદ' ગણાવ્યા હતા.

રેડિયો ફાર્દાના પત્રકાર મુરાદ વીસ્સીએ બીબીસી ફારસી સેવાને જનરલ સુલેમાની વિશે વાત કરતાં જણાવ્યું હતું, "જનરલ સુલેમાની ઈરાનમાં ઇસ્લામિક રિપબ્લિકના સૈન્યપ્રતીક હતા. તેઓ એક ચિંતક અને નેતા બન્ને હતા."

વીસ્સીના જણાવ્યા અનુસાર ઈરાન પોતાના નાગરિકો અને વિદેશ સમક્ષ આદર્શ સૈનિકના પ્રતીક તરીકે જનરલ સુલેમાનીને રજૂ કરતું હતું.


વિદેશમાં ઈરાનનો સૈન્યચહેરો

આંતરરાષ્ટ્રીય રાજકારણ અને સૈન્યની બાબતોના જાણકારોનું માનવું છે કે મધ્ય-પૂર્વનાં કેટલાંય અભિયાનો, ઇરાકના શિયા લડવૈયાઓની શક્તિ, લેબનાનનું સૈન્યસંગઠન હેઝબોલ્લા, ગાઝાપટ્ટીમાં ઇસ્લામિક જેહાદ અને યમનના વિદ્રોહીઓ પાછળ કુદ્સ ફોર્સનું સમર્થન જવાબદાર હતું. જનરલ સુલેમાની આ જ કુદ્સ ફોર્સના વડા હતા.

કુદ્સ ફોર્સ ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ્સની એક શાખા છે, જે દેશની બહાર અભિયાનોને પાર પાડે છે અને તેના પ્રમુખ તરીકે મેજર જનરલ કાસિમ સુલેમાની સીધી રીતે દેશના સર્વોચ્ચ નેતા આયતોલ્લાહ અલી ખામેનેઈ પરત્વે જવાબદાર હતા.

ઈરાન અને અમેરિકા વચ્ચેની દુશ્મની કોઈથી છૂપી નથી. જોકે, ઇરાકમાં થોડાં વર્ષો પહેલાં ઇસ્લામિક સ્ટેટના વધી રહેલા પ્રભાવને ખાળવા બન્ને દેશોને એક સાથે કામ કરવું પડ્યું હતું.

વર્ષ 2001માં અફઘાનિસ્તાનમાંથી તાલિબાનને ઉખાડી ફેંકવા માટેના અભિયાન દરમિયાન ઈરાને અમેરિકાને ગુપ્ત માહિતી પૂરી પાડી હતી. તો વર્ષ 2008માં ઇરાકમાં કથળી રહેલી પરિસ્થિતિને થાળે પાડવા વૉશિંગ્ટન અને તહેરાનના પ્રતિનિધિઓ વાતચીત માટે બગદાદમાં મળ્યા હતા.

બીબીસીની ફારસી સેવાની એક દસ્તાવેજી ફિલ્મમાં ઇરાક ખાતેના અમેરિકાના પૂર્વ રાજદૂત રાયન ક્રૉકરે બગદાદમાં યોજાયેલી આ વાતચીત પાછળ જનરલ સુલેમાનીએ ભજવેલી મહત્ત્વની ભૂમિકા પર પ્રકાશ પાડ્યો હતો.

પૂર્વ રાજદૂતે જણાવ્યું હતું, "વાતચીત દરમિયાન ઈરાનના રાજદૂત વારંવાર વિરામ લઈ રહ્યા હતા. એ વખતે મને નહોતું સમજાયું કે તેઓ આવું શા માટે કરી રહ્યા છે. જોકે, બાદમાં જાણ થઈ હતી કે જ્યારે પણ તેમને કોઈ બાબત અનૂકુળ નહોતી આવતી ત્યારે તેઓ તહેરાન ખાતે જનરલ કાસિમ સુલેમાનીને ફોન લગાવતા હતા."


'અમેરિકા માટે આતંકવાદી'

ક્રૉકર જ્યારે અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજદૂત હતા ત્યારે ત્યાં પણ તેમને જનરલ કાસિમ સુલેમાનીનો પ્રભાવ વર્તાયો હતો.

આ અંગે વાત કરતાં પૂર્વ રાજદૂતે જણાવ્યું હતું, "મારા ઈરાની દુભાષિયાએ મને જણાવ્યું હતું કે જ્યારે વિદેશમંત્રાલયને કોઈ બાબતે માહિતગાર કરવાનું હોય ત્યારે અંતિમ નિર્ણય જનરલ સુલેમાની જ લેતા હતા. "

વર્ષ 2014ના ડિસેમ્બર માસમાં યોજાયેલી મનાના ડાયલૉગ સિક્યૉરિટી સમિટ દરમિયાન કૅનેડા અને ઈરાનના સમકક્ષો વચ્ચે જનરલ સુલેમાનીની ભૂમિકાને લઈને ચડસાચરસી થઈ ગઈ હતી.

કૅનેડાના એ વખતેના વિદેશમંત્રી જૉન બૅઇર્ડે જનરલ સુલેમાનીને 'આંતકના ઍજન્ટ' ગણાવ્યા હતા.

ઈરાનમાં જોકે જનરલ સુલેમાનીએ રાજકારણમાં ઝંપલાવે એ માટે સોશિયલ મીડિયામાં અભિયાન પણ ચલાવાયું હતું. તેમના સમર્થકો તેમને ઈરાનના સૌથી પ્રામાણિક અને સૌથી ઓછા ભ્રષ્ટ રાજકારણી ગણાવતા હતા.

જોકે, પશ્ચિમનાં રાષ્ટ્રો માટે સુલેમાની નાયક નહોતા. બગદાદમાં સુલેમાનીના મૃત્યુના સમાચાર જાહેર કર્યા બાદ અમેરિકાએ જણાવ્યું હતું, "અમેરિકાના રાષ્ટ્રપતિના નિર્દેશ પર વિદેશમાં રહેતા અમેરિકાના સૈન્યકર્મીઓની રક્ષા માટે કાસિમ સુલેમાનીને મારવાનું પગલું ભરવું પડ્યું છે. અમેરિકાએ તેમને આતંકવાદી જાહેર કર્યા હતા."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો