ભારતના CAA વિરુદ્ધ બોલવાથી મલેશિયાને કઈ રીતે નુકસાન થયું?

નરેન્દ્ર મોદીની તસવીર Image copyright Getty Images

પહેલાં કાશ્મીર અને પછી NRC-CAA મુદ્દે મલેશિયા અને ભારત વચ્ચે શરૂ થયેલું ઘર્ષણ હાલ વધતું જોવા મળી રહ્યું છે.

મલેશિયન વડા પ્રધાન મહાતિર મોહમ્મદે જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરવા અને NRC-CAA મુદ્દે ભારતની ટીકા કરી છે.

આ ઘટના બાદ ભારતે જવાબમાં મલેશિયા પાસેથી થતી પામ ઑઇલની આયાત પર લગભગ પ્રતિબંધ લાદી દીધો છે.

મલેશિયાએ ભારતના આ વલણ અંગે ચિંતા વ્યક્ત કરી છે.

પરંતુ વડા પ્રધાન મહાતિર મોહમ્મદે ફરી એક વાર કહ્યું છે કે ભલે તેમના દેશને આર્થિક નુકસાન વેઠવું પડે, પરંતુ તેઓ 'અયોગ્ય વાતો' વિશે બોલતા રહેશે.

ભારત ખાદ્ય તેલનો સૌથી મોટો આયાતકાર દેશ છે.

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે ભારતીય વેપારીઓએ પાછલાં કેટલાક સમયથી મલેશિયામાંથી આયાત કરાતા પામ ઑઇલની આયાત નોંધનીય પ્રમાણમાં ઘટાડી છે.

નોંધનીય છે કે ઇન્ડોનેશિયા બાદ મલેશિયા દુનિયાનો બીજો સૌથી મોટો પામ ઑઇલનો ઉત્પાદનકર્તા અને નિકાસકર્તા દેશ છે.

તાજેતરમાં ભારત અને સાઉદી અરેબિયા સતત મહાતિરના નિશાન પર છે.

નોંધનીય છે કે આ અગાઉ પણ મલેશિયાના વડા પ્રધાન મહાતિર મોહમ્મદ કાશ્મીર અંગે કેટલીક આપત્તિજનક ટિપ્પણીઓ કરી ચૂક્યા છે.

ભારતના આ પગલાના કારણે મલેશિયાને મોટું આર્થિક નુકસાન થવાનું અનુમાન છે.

મહાતિરે ભારતના પગલા અંગે કોઈ સમાધાન શોધવાની વાત કરી છે.

મહાતિરે પત્રકારોને કહ્યું, "ભારત પામ ઑઇલનો મોટો વપરાશકાર અને ખરીદી કરનાર દેશ હોવાના કારણે આ પ્રતિબંધ ચિંતાજનક છે."

"પરંતુ બીજી બાજુ જો કંઈ ખોટું થઈ રહ્યું હોય તો આપણે એ અંગે સ્પષ્ટતા જાળવવાની જરૂર છે. અમે ખોટી વાતને ખોટી જ ગણાવીશું."

"જો અમે આ મુદ્દે ફાયદા અંગે વિચારીને ચુપ રહીશું તો પરિસ્થિતિ ખોટી દિશા તરફ જઈ શકે છે."

"પછી અમે પણ આવું કશુંક ખોટું કરવાનું શરૂ કરી દઈશું અને બીજાની આવી હરકતો પણ સહન કરતા રહીશું."


મલેશિયાના સ્થાને ઇન્ડોનેશિયા પાસેથી ખરીદી

Image copyright Getty Images

ભારત સરકારે પોતાના વેપારીઓને બિનસત્તાવાર સૂચના આપી હતી કે તેમણે મલેશિયા પાસેથી પામ ઑઇલની આયાત કરવાનું ટાળવું.

ભારતીય કારોબારી હવે મલેશિયાના સ્થાને ઇન્ડોનેશિયા પાસેથી પ્રતિ ટન 10 ડૉલરની કિંમતે પામ ઑઇલ ખરીદી રહ્યા છે.

જોકે, આ મામલે ભારતના વિદેશમંત્રાલયે ગુરુવારે જણાવ્યું હતું કે પામ ઑઇલની ખરીદીને કોઈ ખાસ દેશ સાથે સાંકળીને ન જોવી જોઈએ.

આ નિવેદનમાં કહેવાયું હતું કે, "કોઈ પણ પ્રકારનો કારોબાર બે દેશો વચ્ચેના સંબંધો પર આધારિત હોય છે."

પરંતુ અહીં નોંધનીય બાબત એ છે કે વર્ષ 2019માં ભારત મલેશિયાના પામ ઑઇલની સૌથી વધુ પ્રમાણમાં ખરીદી કરનાર દેશ હતો.

2019માં ભારતે મલેશિયા પાસેથી 40.4 લાખ ટન પામ ઑઇલની ખરીદી કરી હતી.

આ અંગે ભારતીય કારોબારીઓનું કહેવું છે કે જો બંને દેશો વચ્ચેની પરિસ્થિતિ નહીં સુધરે તો વર્ષ 2020માં મલેશિયા પાસેથી ભારત દ્વારા કરાતી પામ ઑઇલની આયાત ઘટીને 10 લાખ ટન સુધી પહોંચી જશે.

મલેશિયાના અધિકારીઓ પણ ભારતના પગલાના કારણે મલેશિયાએ ભારે નુકસાન વેઠવું પડશે એવી કબૂલાત કરે છે.

મલેશિયા પાકિસ્તાન, ફિલિપાઇન્સ, મ્યાનમાર, વિયેતનામ, ઇથિયોપિયા, સાઉદી અરેબિયા, ઇજિપ્ત, અલ્જિરિયા અન જૉર્ડન સાથેના વેપાર થકી આ નુકસાન સરભર કરી રહ્યું છે.

પરંતુ ધારણા છે કે ટોચના આયાતકાર દેશ તરીકે ભારત દ્વારા પામ ઑઇલની આયાત ઘટાડવાને કારણે મલેશિયાને થનાર નુકસાન સરભર કરવું સરળ નહીં હોય.

આ પરિસ્થિતિમાં મલેશિયન ટ્રેડ યુનિયન કૉંગ્રેસ, જેમાં પામ વર્કર્સ પણ સામેલ છે, તેમણે ભારત સાથે વાતચીત દ્વારા આ મુદ્દાનો સમાધાન શોધવાનો આગ્રહ કર્યો છે.

મલેશિયન ટ્રેડ યુનિયને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે, "અમે બંને સરકારોને અંગત અને ડિપ્લોમૅટિક અહંકારને કોરાણે મૂકીને આ સમસ્યા અંગે કોઈ યોગ્ય સમાધાન શોધવાનો આગ્રહ કરીએ છીએ."


વાતચીતથી પ્રશ્નનું નિરાકરણ લાવવાનો પ્રયાસ

Image copyright Getty Images

મલેશિયાના પ્રાથમિક ઉદ્યોગમંત્રાલયે કહ્યું છે કે, "આ મામલાના નિરાકરણ માટે ભારત સાથે વાતચીત કરવાના પ્રયત્નો થઈ રહ્યા છે."

નોંધનીય છે કે મહાતિર મોહમ્મદ 1981થી 2003 સુધી મલેશિયાના વડા પ્રધાન રહ્યા બાદ ફરી વાર વર્ષ 2018માં દેશના વડા પ્રધાન બન્યા હતા, ત્યાર બાદથી પાકિસ્તાન અને મલેશિયા વચ્ચેના સંબંધો સુધર્યા છે.

મલેશિયા હવે પાકિસ્તાન પાસેથી પામ ઑઇલ આયાત ઘટવાના કારણે થયેલા નુકસાનને સરભર કરાવવાના પ્રયત્ન કરી રહ્યું છે.

મલેશિયાના પ્રાથમિક ઉદ્યોગમંત્રી ટેરેસા કોકે રવિવારે કહ્યું હતું કે, "પાકિસ્તાન અમારી પાસેથી પામ ઑઇલની નિયમિતપણે ખરીદી કરે છે અને તે અમારી પર નિર્ભર છે."

કોકે પાકિસ્તાનના સત્તાવાર પ્રવાસ વખતે પાકિસ્તાની વડા પ્રધાનના વાણિજ્ય, ટેક્સટાઇલ, ઇન્ડસ્ટ્રી, ઉત્પાદન અને રોકાણ સલાહકાર અબ્દુલ રઝાક દાઉદ સાથે પણ મુલાકાત કરી હતી.

મલેશિયાના પ્રાથમિક ઉદ્યોગમંત્રાલય તરફથી જારી કરાયેલા નિવેદન અનુસાર :

"2018માં પાકિસ્તાન દ્વારા 10.16 લાખ ટન પામ ઑઇલની આયાત કરાઈ હતી. અમે પાકિસ્તાન પાસેથી આ વેપારનું પ્રમાણ વધારવાની માગ કરી રહ્યા છીએ."

ભારત અને મલેશિયા વચ્ચેના ઘર્ષણ અંગે સિંગાપુરના ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ટરનેશનલ અફેર્સના રાજકીય વિશ્લેષક ડૉ. ઈ સુને આરબ ન્યૂઝને કહ્યું હતું :

"આ તણાવના કારણે બંને દેશોના સંબંધો વધારે ખરાબ થશે. મલેશિયાના વડા પ્રધાન CAA વિરુદ્ધ બોલી રહ્યા હતા."

"આ પ્રતિબંધને તેમની આ ટિપ્પણીઓના જવાબ સ્વરૂપે જ લદાયો હોવાના સંકેત મળી રહ્યા છે."

મોદી સરકાર વિવાદિત ઇસ્લામિક સ્કૉલર ઝાકીર નાઇકને ભારત લાવવા માગે છે, પરંતુ તેઓ હજુ પણ મલેશિયામાં જ છે.

મહાતિરે ઝાકીર નાઇક મામલે પણ ભારતની કોઈ મદદ નથી કરી.

ડૉ. ઓહ જણાવે છે કે ભારત મલેશિયાના પામ ઑઇલનો મોટો આયાતકાર દેશ હતો.

તેમજ એક પામ ઑઇલની આયાતથી ભારતના દૂર રહેવાના કારણે મલેશિયાની પામ ઑઇલ ઇન્ડસ્ટ્રી પર પણ ખરાબ અસર થઈ છે.

ભારતમાં ખાદ્ય તેલ વપરાશમાં પામ ઑઇલનો ભાગ બે તૃતીયાંશ જેટલો છે. ભારત દર વર્ષે 90 લાખ ટન પામ ઑઇલ આયાત કરે છે.

ભારતને પામ ઑઇલની નિકાસ કરતા દેશોમાં મલેશિયા પ્રથમ ક્રમે છે.


આખરે મલેશિયા પાકિસ્તાનનો સાથ કેમ આપે છે?

Image copyright Getty Images

સાઉથ ચાઇના મૉર્નિંગ પોસ્ટને નેશનલ યુનિવર્સિટી ઑફ મલેશિયામાં સ્ટ્રેટેજિક સ્ટડીઝના નિષ્ણાત રવિચંદ્રન દક્ષિણામૂર્તિએ કહ્યું હતું કે :

"મલેશિયા અને પાકિસ્તાન વચ્ચે ઘણા લાંબા સમયથી સારા સંબંધો છે."

"વર્ષ 1957માં જ્યારે મલેશિયા આઝાદ થયું, ત્યારે પાકિસ્તાન એવા પ્રથમ બે દેશોમાં સામેલ હતું જેમણે મલેશિયાના સાર્વભૌમત્વને સૌપ્રથમ માન્યતા આપી હતી."

રવિચંદ્રને કહ્યું : "પાકિસ્તાન અને મલેશિયા બંને ઘણાં ઇસ્લામિક સંગઠનો અને સહયોગો સાથે જોડાયેલાં છે."

"પરંતુ આ બંને દેશો સાથે ચીનના સંબંધોમાં એક ખાસ વાત છે."

"મલેશિયા અને ચીનના સંબંધો એકદમ સામાન્ય છે, પરંતુ પાકિસ્તાન અને ચીનના સંબંધો અત્યંત ખાસ છે."

"ચીન પાકિસ્તાનને હથિયાર પૂરાં પાડતા દેશો પૈકી એક છે. નોંધનીય છે કે આ બંને દેશો ભારત સાથે સારા સંબંધો નથી ધરાવતા."

"જ્યાં સુધી મહાતિર સત્તા પર રહ્યા, ત્યાં સુધી તો પાકિસ્તાન સાથે મલેશિયાના સંબંધો સારા જ રહ્યા છે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો