મહાતીર મોહમ્મદની ભારત સામેની નારાજગીનો ભોગ બની રહ્યા છે ભારતીય મૂળના લોકો

  • ઝુબેર અહેમદ
  • બીબીસી સંવાદદાતા, કુઆલા લમ્પુરથી વિશેષ
મોદી અને મહાથીર

ઇમેજ સ્રોત, Getty Images

વીકે રેગુ ભારતીય મૂળના મલેશિયાના વેપારી છે, પણ આ તેમની એકમાત્ર ઓળખાણ નથી.

તેઓ મલેશિયાની વર્લ્ડ હિન્દુ કાઉન્સિલના નેતા પણ છે અને એક પ્રાચીન મંદિરના અધ્યક્ષ પણ છે.

આ મંદિર પર 2018માં હુમલો થયો હતો. રેગુ વિવાદાસ્પદ ઇસ્લામી પ્રચારક ઝાકિર નાઇકને ભારત પરત મોકલવા માટે મલેશિયાની સરકાર સામે ઝુંબેશ પણ ચલાવી રહ્યા છે.

રેગુ ભારતીય મૂળના વેપારીઓમાં સૌથી વધુ સફળ વેપારી માનવામાં આવે છે. તેઓ ઉત્તર પ્રદેશ અને હિમાચલ પ્રદેશ સુધી પોતાની વસ્તુઓની નિકાસ કરે છે.

ગયા અઠવાડિયે જ વીકે રેગુની કંપનીને ભારતમાંથી બે અબજ રિંગિટ (મલેશિયાના એક રિંગિટ બરાબર 17 રૂપિયા થાય) મૂલ્યના પામ ઑઇલનો ઑર્ડર મળ્યો હતો. રેગુ આ મોટી વરદીથી ખૂબ ખુશ હતા.

તેમણે કહ્યું કે, "ભારતીય મૂળની વ્યક્તિને આટલો મોટો ઑર્ડર મળે તે મોટી વાત કહેવાય, કેમ કે આ વેપારમાં ચીની અને મલેશિયન લોકોનું પ્રભુત્વ છે."

રેગુને લાગ્યું કે પોતાનું ભવિષ્ય પામ તેલના ઉદ્યોગમાં બદલાઈ જશે, પણ તેમને અચાનક ઝટકો લાગ્યો. ભારતમાંથી અચાનક મલેશિયામાંથી પામ તેલની આયાત ઘટાડી દેવામાં આવી. રેગુને મળેલો ઑર્ડર પણ રદ થઈ ગયો.

તેઓ કહે છે, "પામ ઑઇલની આયાત પર ભારત સરકારે પ્રતિબંધ નથી મૂક્યો, પરંતુ ખાનગી કંપનીઓએ મલેશિયામાંથી પામ તેલ મગાવવાનું બંધ કરી દીધું છે. તેના બદલે ઇન્ડોનેશિયાથી પામ તેલ મગાવવામાં આવી રહ્યું છે."

તેલના ખેલમાં નુકસાન કોનું?

ભારતમાં થતી પામ તેલની નિકાસના કારણે ભારતીય મૂળના ઘણા લોકોને સારી એવી કમાણી થઈ રહી છે.

ગયા વર્ષે મલેશિયાએ 44 લાખ ટન પામ તેલ ભારત મોકલ્યું હતું. મલેશિયામાંથી થતી પામ તેલની નિકાસમાંથી ત્રીજા ભાગનો હિસ્સો ભારતમાં જાય છે.

તે રીતે ભારત મલેશિયાના પામ તેલનો સૌથી મોટો ગ્રાહક છે.

એવું માનવામાં આવે છે કે ભારતે બિનસત્તાવાર રીતે મલેશિયામાંથી પામ તેલની આયાત અટકાવી દીધી તે મલેશિયાના પૂર્વ વડા પ્રધાન મહાતીર મોહમ્મદને સંદેશ આપવામાં માટે છે.

જોકે તેની અસર મલેશિયામાં રહેતા ભારતીય મૂળના લોકોને થઈ રહી છે.

આવા ભારતીય મૂળના લોકોમાં એક છે જીવા, જેઓ તેલના એસ્ટેટમાં મજૂરી કામ કરે છે.

જીવા કહે છે, "મલેશિયામાંથી પામ તેલની આયાત પર ભારતે પ્રતિબંધ મૂક્યો તેની અમારી પર ખરાબ અસર થઈ રહી છે."

"અમે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ મજૂરી છોડી દેવા માગું છું પણ બીજું શું કામ કરવું."

"બીજે ક્યાંય જઈ શકીએ તેમ નથી. અમારું ભવિષ્ય અનિશ્ચિત લાગી રહ્યું છે."

શા માટે થઈ આવી સ્થિતિ?

ઇમેજ સ્રોત, Getty Images

94 વર્ષના મહાતીર મોહમ્મદ મલેશિયાના વડા પ્રધાન હતા, તેમણે હવે રાજીનામું આપી દીધું છે.

તેમને આધુનિક મલેશિયાના નિર્માતા તરીકે જોવામાં આવે છે. તેઓ આખાબોલા નેતા તરીકે જાણીતા છે.

ગયા વર્ષે મોદી સરકારે કલમ 370 નાબૂદ કરવાનો નિર્ણય કર્યો ત્યારે તેમણે નિર્ણયની ટીકા કરી હતી. તેમણે આ નિર્ણયને કાશ્મીર પર ભારતના હુમલા સમાન ગણાવીને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને નારાજ કરી દીધા હતા.

ત્યારબાદ તેમણે નાગરિકતા સુધારા કાયદાની પણ ટીકા કરી હતી. તેના કારણે ભારતના વડા પ્રધાન વધારે નારાજ થયા હતા.

મહાતીર મોહમ્મદના નિવેદનો તરફ ભારત સરકારે નારાજી દર્શાવી હતી, પણ તે પછીય તેમણે કાશ્મીર અને નાગરિકતા સુધારા કાયદાની બાબતમાં પોતાના વિચારો ફરીથી વ્યક્ત કર્યા હતા.

ભારતીય મૂળના રાજકીય નેતા કન્નન રામાસામીની મીરા પાર્ટી છે, જે મહાતીર સરકારને ટેકો આપે છે. જોકે તેમણે મહાતીરના નિવેદનોને બિનજરૂરી ગણાવ્યા છે. તેમના જણાવ્યા અનુસાર આવાં નિવેદનોને કારણે જ પામ તેલઉદ્યોગમાં મુશ્કેલી સર્જાઈ છે.

રેગુ પણ મોદી સરકારના વલણને ખોટું નથી ગણતા, પણ તેમને લાગે છે કે ભારતે પામ તેલની આયાત ઘટાડવા સિવાયના બીજા કોઈ પગલાં લેવાની જરૂર હતી.

તેઓ કહે છે, "ભારતે પામ તેલની આયાત બિનસત્તાવાર રીતે અટકાવી દીધી, તેના કારણે મજૂરથી માંડીને નિકાસ કરનારા વેપારી સહિતના બધા પ્રકારના ભારતીય મૂળના હજારો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે."

"હું મોદીજીને વિનંતી કરું છું કે પામ તેલઉદ્યોગને માફ કરી દે અને મલેશિયા સામે નારાજગી દર્શાવવા માટે બીજા કોઈ રસ્તા વિચારે."

આવાં નિવેદનો કેમ આપ્યાં?

મલેશિયાના એક ન્યૂઝ પોર્ટલના એડિટર-ઇન-ચીફ અબ્દાર રહેમાન ખોયાના જણાવ્યા અનુસાર મહાતીર મોહમ્મદ હંમેશાંથી આખાબોલા રહ્યા છે.

ખોયા કહે છે, "તેમને જુદા-જુદા મુદ્દા પર ખૂલીને બોલતા જોઈને અમે મોટા થયા છીએ. મુદ્દો ગમે તેટલો સંવેદનશીલ હોય તો પણ તેઓ બોલતા હોય છે."

"મલેશિયાના પૂર્વ વડા પ્રધાન મક્કમતાથી પોતાની વાત કહેતા હોય છે અને પોતાની વાતને વળગી રહેતા હોય છે."

2018 સુધી મલેશિયાના જુનિયર વિદેશમંત્રી તરીકે રહેલા કોહિલાન પિલ્લૈના જણાવ્યા અનુસાર મલેશિયાના પૂર્વ વડા પ્રધાન મહાતીર જાણી જોઈને મોદીવિરોધી નિવેદનો આપી રહ્યાં છે. તેઓ આ રીતે મુસ્લિમોને પોતાના તરફેણમાં કરવા માગે છે.

પિલ્લૈ કહે છે, "મહાતીર મોહમ્મદના પક્ષને છેલ્લી ચૂંટણીમાં જીત મળી છે, પણ તેમને મલેશિયાના મુસ્લિમોના મતો મળ્યા નથી."

"તેના કારણે તેઓ કાશ્મીર અને નાગરિકતા સુધારા કાયદા પર નિવેદનો આપીને મલેશિયાના મુસ્લિમોને ખુશ કરવાની કોશિશ કરી રહ્યા હોય તેવું બની શકે છે."

ઝાકિર નાઇકને કારણે પણ બગડ્યા સંબંધો?

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના વિવાદાસ્પદ ઇસ્લામી પ્રચારક ઝાકિર નાઇક મલેશિયાના વડા પ્રધાન મહાતીર મોહમ્મદ માટે મુશ્કેલીનું કારણ બની ગયા છે.

મહાતીરની પહેલાં મલેશિયાના વડા પ્રધાન તરીકે રહેલા નજીબ રઝાકે મલેશિયામાં રહેવા માટેની વ્યવસ્થા ઝાકિર નાઇકને કરી આપી હતી. ભારતે નાઇકના પ્રત્યાર્પણ માટે દબાણ શરૂ કર્યું હતું તે દબાણ હવે મહાતીર પર આવ્યું છે.

વિશ્લેષકોના જણાવ્યા અનુસાર મહાતીર પોતે ઝાકિર નાઇકને મલેશિયામાં રાખવા માગતા નથી. પરંતુ તેઓ તેમને મલેશિયાથી હઠાવી શકે તેમ પણ નથી, કેમ કે મલેશિયાના મુસ્લિમોમાં તેઓ બહુ લોકપ્રિય બની ગયા છે.

બંને દેશો વચ્ચે ઐતિહાસિક સંબંધ

હાલમાં બંને દેશો વચ્ચે ભલે સંબંધોમાં તણાવ આવ્યો હોય, પરંતુ એ હકીકત છે કે બંને દેશો વચ્ચે પ્રાચીન સમયથી સુમધુર ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધો રહ્યા છે.

અબ્દાર રહમાન ખોયાના જણાવ્યા અનુસાર મલેશિયાના ઇતિહાસ અને સંસ્કૃતિની કોઈ પણ વાત ભારતીય પ્રભાવનો ઉલ્લેખ કર્યા વિના પૂર્ણ થઈ શકે નહીં.

ખોયા જણાવે છે, "મલેશિયાની ખાણીપીણી એ ચીન અને ભારતની ખાણીપીણીનું સંયુક્ત સ્વરૂપ છે. મલાયા ભાષામાં સંસ્કૃત અને હિન્દીના ઘણા બધા શબ્દો છે. બંને દેશો સામ્રાજ્યવાદનો પણ ભોગ બન્યા હતા."

મલેશિયામાં 11મી સદી સુધી દક્ષિણ ભારતના ચોલ વંશનું શાસન હતું. તે વખતે ભારતમાંથી ગિરમિટિયા મજૂરોને રબ્બરના બગીચામાં કામ કરવા માટે મલેશિયા લાવવામાં આવ્યા હતા. આજે તે ગિરમિટિયા મજૂરોના વારસદારો મલેશિયામાં સ્વતંત્ર, શિક્ષિત અને સફળ નાગરિકો છે.

કુઆલા લમ્પુર તથા આસપાસના વિસ્તારમાં બે 'લિટલ ઇન્ડિયા' આજે પણ જોવા મળે છે. અહીં ભારતીય વસ્તુઓ અને ભારતીય રેસ્ટોરાં જોવા મળે છે. ભારતથી આયાત થયેલી વસ્તુઓ અહીં વેચાય છે.

આ વિસ્તારમાં તમને ભારતીય ચહેરાની સાથે ઘણા બધા મલેશિયન લોકો પણ જોવા મળશે. સાંજના સમયે ઘણા લોકો આ વિસ્તારમાં પહોંચી જાય છે.

મલેશિયામાં સેંકડો હિન્દુ મંદિરો અને હિન્દુ તામિલ શાળાઓ છે. અહીં તામિલ મહિનાઓ દરમિયાન તામિલ ઉત્સવ થાઈ પુસમ પણ ઊજવવામાં આવે છે.

આ ઉત્સવમાં દરેક સમુદાયના લોકો જોડાય છે. તેને રાષ્ટ્રીય તહેવાર તરીકે મનાવવામાં આવે છે.

બંને દેશોનો ઇતિહાસ જોડાયેલો છે. તેમાં દાયકા સુધી બંને દેશોમાં બ્રિટિશ રાજ હતું તે વાતનો પણ સમાવેશ થઈ જાય છે.

આગળ શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images

બંને દેશોના ઘણા લોકો પરદા પાછળ રહીને સંબંધોને ફરી સુધારી લેવા માટેની કોશિશમાં લાગ્યા છે.

ભારતીય મૂળના રાજકીય નેતાઓ પણ તેમાં સક્રિય છે. તેમાંથી બે નેતાઓ મહાતીર મોહમ્મદના સરકારમાં પ્રધાનો તરીકે પણ છે. તેમણે આગળ આવીને ભારત અને મલેશિયાના સંબંધોને ફરીથી પાટે ચડાવવા માટે પ્રયાસો કરવા પડશે.

ભૂતપૂર્વ જુનિયર વિદેશમંત્રી કોહિલાન પિલ્લૈ કહે છે કે મોદી સરકારમાં તેમના ઘણા પરિચિત પ્રધાનો છે. તેઓ કહે છે, "મહાતીર સરકાર ઇચ્છતી હોય કે હું મોદી સરકાર સુધી વાત પહોંચાડવામાં મદદરૂપ થાવ તો હું તે માટે તૈયાર છું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો