જ્યારે 98 અને 101 વર્ષની બે બહેનોનું મિલન છેક 47 વર્ષે થયું

ડાબે બુન સેન અને જમણે બહેન બુન ચિઆ Image copyright CCF
ફોટો લાઈન ડાબે બુન સેન અને જમણે બહેન બુન ચિઆ

વિખૂટા પડવાની અને ફરી મિલન થવાની ઘટનાઓ બન્યા જ કરતી હોય છે, પણ વર્ષો પછી મિલનની કેટલીક ઘટનાઓ એવી હોય છે કે ઘડીક તો માન્યામાં ન આવે.

કહાણી છે કંબોડિયાની, પણ જ્યારે માનવસંબંધોની વાત હોય, ત્યારે દેશ કે કાળ કે ભાષા ક્યાં નડે છે.

કંબોડિયાનાં બે બહેનો - એક 98 વર્ષનાં અને એક 101 વર્ષનાં અને આ બંને વૃદ્ધાઓનું 47 વર્ષ પછી મિલન થયું છે.

કહાણીની કરૂણતા એ છે બંને બહેનોએ એક બીજા માટે માની લીધેલું કે બીજી બહેન મરણ પામી હશે.

કંબોડિયામાં 1970ના દાયકામાં ખ્મેર રુઝના શાસને ત્રાસ ફેલાવી દીધો હતો, ત્યારે આ બંને બહેનો વિખૂટી પડી ગયાં હતાં.

આ ઘટનામાં માત્ર બે બહેનોની જ નહીં પણ એમની સાથે ભાઈની પણ મુલાકાત થઈ છે.

98 વર્ષના બુન સેનની મુલાકાત જેમને મૃત્યુ પામેલા માની લીધેલા હતા તેવા પોતાના 92 વર્ષના ભાઈ સાથે વર્ષો પછી થઈ એમ એક સ્થાનિક એન.જી.ઓ. (નૉન-ગવર્નમેન્ટલ ઑર્ગેનાઇઝેશન, સ્વૈચ્છિક સંસ્થા) કહે છે.

બુન સેન અને બુન ચેઆ એ બેઉ બહેનો છેલ્લે 1973માં એક બીજાને મળ્યાં હતાં. તેના બે જ વર્ષ પછી કંબોડિયા પર પોલ પોટની આગેવાની હેઠળના સામ્યવાદીઓએ કબજો જમાવી દીધો હતો.

ખ્મેર રુઝ શાસન તરીકે ઓળખાતા એ અત્યાચારી શાસનને કારણે 20 લાખ લોકોનાં મૃત્યુ થયાં હતાં તેવું માનવામાં આવે છે.

ઉથલપાથલના એ સમયમાં અનેક પરિવારો પિંખાઈ ગયા, કેમ કે દેશ પર લોખંડી કબજો જમાવી દેવા માગતા શાસકોએ બાળકોને પરિવારોથી અલગ કરવાનું શરૂ કરી દીધું હતું.

પોલ પોટના શાસન દરમિયાન જ બુન સેનના પતિ અવસાન પામ્યા હતા.

Image copyright CCF
ફોટો લાઈન બુન સેન જેમને 47 વર્ષે મળ્યાં એ ભાઈ - ડાબે

પતિના અવસાન પછી બુન સેન નોમ પેન શહેરમાં કુખ્યાત એવા કચરાના નિકાલ માટેના સ્થળ સ્ટંગ મિન્ચે પાસે રહેવા લાગ્યા હતા.

બાદમાં 1979માં પોલ પોટને ઉથલાવી નાખવામાં આવ્યા હતા.

બુન સેન અહીં કચરો ઠાલવવામાં આવતો તેને વીણ્યાં કરતાં અને તેમાંથી ભંગારમાં આપી શકાય તેવી વસ્તુઓ એકઠી કરતાં. આ આવકમાંથી ગરીબ વસતિમાં વસેલા પરિવારના સંતાનોનું પોષણ કરતાં હતાં.

તેમના વતનનું ગામ રાજધાની નોમ પેનથી 90 માઇલ દૂર આવેલું હતું. ખામપોંગ ચામ પ્રાંતના પોતાના ગામે જવાનું સપનું તેઓ કાયમ જોતાં રહેતાં.

જોકે, તેમની ઉંમર થઈ ગઈ હતી અને તેઓ હવે લાંબું ચાલી શકે તેમ નહોતાં એટલે વતનના ગામ સુધી જવું મુશ્કેલ બની ગયું હતું.


કોણ હતા ખ્મેર રુઝ?

Image copyright Getty Images
ફોટો લાઈન પોલ પોટના શાસનદરમિયાનનો સમય

1975-1979 દરમિયાન ચાલેલા ક્રૂર ખ્મેર રુઝ શાસનમાં 20 લાખ લોકોનો ભોગ લેવાયો હતો.

પોલ પોટની આગેવાની હેઠળના સત્તાધીશો કંબોડિયાને ફરી પાછું મધ્યયુગમાં લઈ જવા માગતા હતા. શહેરમાંથી લાખો લોકોને પકડીને ગામડાંમાં સામૂહિક ખેતી કરવા માટે મોકલી આપવામાં આવ્યા હતા.

ખ્મેર રુઝ શાસન વખતના સત્તાધીશો સામે કામ ચલાવવા માટે સંયુક્ત રાષ્ટ્રસંઘની મદદથી ટ્રિબ્યૂનલ બેસાડવામાં આવી હતી, જેનું કામકાજ 2009થી શરૂ થયું હતું.

જોકે અત્યાર સુધીમાં ખ્મેર રુઝ શાસન વખતના ત્રણ જ નેતાઓને સજા થઈ છે. કુખ્યાત તુઓલ સ્લેન્ગ જેલ ચલાવનારા કૈંગ ગુએક ઇવ, રાજ્યના વડા તરીકે નિમાયેલા ખીઅ સંફાન અને પોલ પોટના જમણા હાથ સમા બીજા નંબરનું સ્થાન ધરાવતા નુઓન ચીઆ એમ ત્રણને જ સજા થઈ છે.

Image copyright SATOSHI TAKAHASHI/GETTY IMAGES
ફોટો લાઈન બુન સેન આ કચરાના ઢગની પાસે રહેતાં

કંબોડિયન ચિલ્ડ્રન્સ ફંડ નામની સ્થાનિક એન.જી.ઓ. બુન સેન જેવા લોકોની મદદ કરે છે. 2004થી બુન સેનને સહાય કરી રહેલી એન.જી.ઓ.એ બાદમાં તેમને વતનના ગામે લઈ જવાની વ્યવસ્થા કરી હતી.

આ મુલાકાત વખતે જ ખબર પડી કે બુન સેનના ભાઈ અને બહેન હજીય જીવે છે અને ગામમાં જ રહે છે.

આ રીતે લગભગ અડધી સદી પછી બુન સેન પોતાની મોટી બહેન 108 વર્ષના બુન ચીયા અને નાના ભાઈને તાજેતરમાં મળી શક્યા હતા.

બુન સેન કહે છે, "બહુ વર્ષો પહેલાં હું મારું ગામ છોડીને જતી રહી હતી. પછી ક્યારેય ગામે પાછી ગઈ નહોતી. મને તો એમ જ હતું કે મારી બહેન અને ભાઈ અવસાન પામ્યા હશે."

"મોટી બહેનની મળવાની વાત બહુ મારે મને બહુ મોટી છે અને નાના ભાઈએ પહેલી વાર મારો હાથ પકડ્યો, ત્યારે હું તો રડવા લાગી હતી."

Image copyright CCF
ફોટો લાઈન બેઉ બેનો વર્ષો પછી નદી કાંઠે

બુન ચીયાના પતિની ખ્મેર રુઝના ઉદ્દામવાદીઓએ હત્યા કરી નાખી હતી. 12 સંતાનો સાથે ચીયા વિધવા થયા અને મુશ્કેલ જીવન જીવતા રહ્યા. તેમણે પણ એમ જ માની લીધેલું કે નાની બહેન સેન મૃત્યુ પામી હશે.

"અમારા 13 સગાઓને પોલ પોટે મારે નાખ્યા હતા. મારી બહેન પણ મરી ગઈ હશે એમ અમે માની લીધેલું. એ વાતને તો હવે બહુ વર્ષો થઈ ગયા," એમ તેઓ કહે છે.

અડધી સદી બાદ એકબીજાને મળ્યા પછી બહેનો ખુશખુશાલ છે. પુનઃમિલન બાદ બંને બહેનો સાથે રાજધાનીમાં ફરી પણ આવ્યાં.

બુન ચિયા કહે છે.,"હું કાયમ નાની બહેનની વાતો કરતી, પણ તે આ રીતે મળી જશે તેવું ક્યારેય વિચાર્યું નહોતું."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો