‘ડોનાલ્ડ ટ્રમ્પ માટે ભારતમાં ધાર્મિક આઝાદી એક મહત્ત્વનો મુદ્દો’

  • વિનીત ખરે
  • બીબીસી સંવાદદાતા, વૉશિંગ્ટનથી
ટ્રમ્પ અને મોદી

ઇમેજ સ્રોત, Getty Images

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ભારત મુલાકાતને લઈને અમેરિકામાં એવી આશા સેવાઈ રહી છે કે ભારતમાં એમનું ખૂબ મોટા પાયે સ્વાગત થશે.

અમેરિકન અધિકારીઓને આશા છે કે આ સ્વાગત હાલના વર્ષોમાં ભારતમાં કોઈ પણ વિદેશી નેતાને આપવામાં આવેલા સન્માનથી મોટું હશે.

ટ્રમ્પ સરકારનું એવું પણ કહેવું છે કે સોમવારથી શરૂ થઈ રહેલી એમની ભારતયાત્રાથી બેઉ દેશો વચ્ચે વધી રહેલા વેપારી મતભેદો ઘટશે.

જોકે, શુક્રવારે વૉશિંગ્ટનમાં બેઉ દેશો વચ્ચેની પ્રસ્તાવિત વાતચીતના ઍજન્ડાને લઈને ટ્રમ્પ સરકાર તરફથી આવેલા નિવેદને પર સૌનું ધ્યાન ગયું છે.

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ કહ્યું કે ''મને લાગે છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ લોકશાહી અને ધાર્મિક આઝાદીને લઈને આપણી સહિયારી પરંપરા વિશે સાર્વજનિક રીતે અને ચોક્કસપણે ખાનગીમાં પણ વાત કરશે. તેઓ આ મુદ્દો ઉઠાવશે. ખાસ કરીને ધાર્મિક સ્વતંત્રતાને મુદ્દે વાત થશે. આ પ્રશાસન માટે તે એક મહત્ત્વનો મુદ્દો છે.''

વિશ્લેષકો આ નિવેદનને ભારતમાં નાગરિકતા સંશોધન કાયદા અને નેશનલ સિટિઝનશિપ રજિસ્ટરને લઈને મુસ્લિમો તેમજ અન્ય લોકો જે વિરોધ કરી રહ્યાં છે તેની સાથે સાંકળે છે.

વેપારની વાત

ઇમેજ સ્રોત, Getty Images

વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ આગળ કહ્યું કે ''વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથેની પોતાની મુલાકાતમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ એ વાત તરફ ધ્યાન આપવાનું કહેશે કે લોકશાહીની પરંપરાઓ અને ધાર્મિક લઘુમતીઓનું સન્માન જાળવી રાખવાને મુદ્દે દુનિયા ભારતને જોઈ છે.''

''ભારતના બંધારણમાં પણ ધાર્મિક આઝાદી, લઘુમતીઓનું સન્માન અને તમામની સમાનતાની વાત છે'' એ વાત પણ યાદ કરાવશે.

રાજકીય અને વહીવટીય મામલાઓમાં એકમેકના સહયોગી રહેલા ભારત અને અમેરિકાએ તાજેતરના વર્ષોમાં એકબીજા સામે વેપાર દર લાગુ કરેલા છે.

એકાદ મહિનાથી બેઉ દેશોના અધિકારીઓ આ દિશામાં વાતચીત કરી રહ્યા છે અને એક કામચલાઉ સમજૂતી પર કામ કરી રહ્યા છે પરંતુ હજી સુધી વાત બની નથી.

મતભેદના મુદ્દા

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકા ભારતના મોટાં પોલ્ટ્રી અને ડેરી બજારમાં આવવાની પરવાનગી માગી રહ્યું છે.

સામે ભારત પોતાને ત્યાં વેચાતા મેડિકલ સાધનોની કિંમતને નિયત્રિંત કરે છે.

અમેરિકન ટૅક્નોલૉજીકલ કંપનીઓને પોતાના ડેટા સ્ટોરેજ યૂનિટ ભારતમાં સ્થાપવાનું કહેવાઈ રહ્યું છે પણ કંપનીઓનું કહેવું છે કે આમ કરવાથી એમનો કારોબારી ખર્ચ વધી જશે.

આ સાથે જ ભારત દવાઓ, કૃષિ ઉત્પાદનો અમેરિકાના બજારમાં બેરોકટોક વેચવા માગે છે.

આ એ મુદ્દાઓ છે જેને લઈને બેઉ દેશો વચ્ચે મતભેદ છે. ભારતનું કહેવું છે કે તેના કરતાં 5 ગણી મોટી અર્થવ્યવસ્થા ચીનની છે અને અમેરિકાએ તેને ચીનની સાથે તુલના ન કરવી જોઈએ.

ટ્રમ્પ સરકારનું શું કહેવું છે?

શુક્રવારે ટ્રમ્પ સરકારના અધિકારીઓએ કહ્યું કે રાષ્ટ્રપતિની ભારત યાત્રા દરમિયાન કોઈ કારોબારી સમજૂતી નથી થવાની.

''ભારતમાં વધી રહેલી વેપારી અડચણોને લઈને વૉંશિંગ્ટનની હજી ઘણી ચિંતાઓ છે. અમે આ ચિંતાઓનો ઉકેલ શોધીએ છીએ, જે હજી સુધી નથી મળ્યો.''

''આ ચિંતાઓને પગલે જ ભારતને અપાતી વેપારી છૂટ બંધ કરવામાં આવી. પોતાના બજારમાં અમને વાજબી અને બરોબરીની પહોંચ આપવામાં ભારત સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે.''

આ સિવાય રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તાએ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ અને કાશ્મીર પર રાષ્ટ્રપતિ ટ્રમ્પની મધ્યસ્થીની રજૂઆતને લઈને પણ વાત કરી.

એમણે કહ્યું કે ''ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ ઓછો કરવાની દિશામાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ બહુ ઉત્સાહિત છે. તેઓ બેઉ દેશોને દ્વિપક્ષી વાતચીતથી મતભેદો ઉકેલવા માટે પ્રોત્સાહિત કરશે.''

''અમે એમ પણ માનીએ છીએ કે પોતાની ધરતી પર ચરમપંથીઓ પર કાબૂ મેળવવાની પાકિસ્તાનની બુનિયાદી કોશિશ પર જ બેઉ દેશો વચ્ચે સાર્થક વાતચીત થઈ શકે છે.''

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો