શા માટે પામોલીન તેલ દૈનિક જીવનમાં અનિવાર્ય?

  • ફ્રેન્ક સ્વાઈન
  • બીબીસી ફ્યૂચર
પામ ઑઇલ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પામ ઑઈલ દુનિયાનું સૌથી લોકપ્રિય વનસ્પતિ તેલ છે

પામ તેલ રોજિંદી જરૂરિયાતોમાં સામેલ થઈ ચૂક્યું છે.

તમે આજે તેનો શૅમ્પૂમાં કે સ્નાન માટેના સાબુમાં, ટૂથપેસ્ટમાં કે વિટામિનની ગોળીઓ તથા મેકઅપના સામાનમાં તેનો ઉપયોગ કર્યો હોય એ શક્ય છે. તમે પામ તેલનો ઉપયોગ કોઈને કોઈ રીતે જરૂર કર્યો હશે.

તમે જે વાહનોમાં પ્રવાસ કરો છો એ કાર, બસ કે ટ્રેન જે ઈંધણથી ચાલે છે તેમાં પણ પામ તેલ હોય છે.

ડીઝલ અને પેટ્રોલમાં બાયોફ્યૂઅલના અંશ સામેલ હોય છે, જે મુખ્યત્વે પામ તેલમાંથી મળે છે.

એટલું જ નહીં, જે ઇલેક્ટ્રોનિક ઉપકરણોને તમે વીજળીથી ચલાવો છો, તેને બનાવવા માટે પણ તાડના દાણામાંથી બનેલા તેલને સળગાવવામાં આવે છે.

પામ તેલ વિશ્વનું સૌથી લોકપ્રિય વેજિટેબલ તેલ છે અને રોજ ઉપયોગમાં લેવાતા કમસેકમ 50 ટકા ઉત્પાદનોમાં એ કોઈને કોઈ સ્વરૂપે હાજર હોય છે. ઔદ્યોગિક પ્રયોગોમાં પણ તેનો ઉપયોગ મહત્ત્વનો છે.

વૈશ્વિક ઉત્પાદન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇન્ડોનેશિયાના આ વિસ્તારમાંથી જંગલનો સફાયો કરી નાખવામાં આવ્યો છે

ખેડૂતોએ 2018માં વૈશ્વિક બજાર માટે લગભગ 7.70 કરોડ ટન પામ તેલનું ઉત્પાદન કર્યું હતું અને 2024 સુધીમાં 10.76 કરોડ ટન પામ તેલનું ઉત્પાદન થવાની આશા છે.

અલબત, પામ તેલની વધતી માગ અને એ માટે તેના વધુમાં વધુ વૃક્ષો વાવવાના કારણે ઇન્ડોનેશિયા તથા મલેશિયામાં જંગલનો વિસ્તાર સતત ખતમ કરવામાં આવતો હોવાના આક્ષેપ પણ થતા રહે છે.

એટલું જ નહીં, જંગલનો વિસ્તાર ઘટવાની માઠી અસર ઓરંગુટાન જેવા જંગલી પ્રાણીઓ પર થઈ રહી છે તથા અન્ય અનેક પ્રજાતિઓ પર જોખમ છે.

માત્ર ઇન્ડોનેશિયા અને મલેશિયામાં જ લગભગ 1.3 કરોડ હેક્ટર જમીન પર તેલ માટે પામના વૃક્ષનું વાવેતર કરવાં આવ્યું છે. આ સંખ્યા વિશ્વમાંના પામના કુલ વૃક્ષો પૈકીની અરધી છે.

ગ્લોબલ ફૉરેસ્ટ વોચના જણાવ્યા અનુસાર, માત્ર ઇન્ડોનેશિયામાં જ 2001થી 2018 દરમિયાન 2.56 કરોડ વૃક્ષો વાઢી નાખવામાં આવ્યાં હતાં. જમીનનું આ પ્રમાણ ન્યૂઝીલૅન્ડના વિસ્તાર જેટલું છે.

આ કારણસર સરકાર તથા ઉદ્યોગપતિઓ પર પામ તેલનો વિકલ્પ શોધવાનું દબાણ છે, પરંતુ આ જાદુઈ ઉત્પાદનનો વિકલ્પ શોધવાનું આસાન નથી.

બ્રિટિશ સુપરમાર્કેટ ચેન આઈસલૅન્ડે 2018માં જાહેરાત કરી હતી કે એ તેની પ્રોડક્ટ્સમાંથી પામ તેલને હટાવશે. આ જાહેરાતના બહુ વખાણ થયાં હતાં.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઑઈલ માટે પામની કાપણી આ રીતે કરવામાં આવે છે

અલબત, કેટલાંક ઉત્પાદનોમાંથી પામ તેલ કાઢવાનું એટલું મુશ્કેલ હતું કે કંપનીએ તે બ્રાન્ડ પર પોતાનું નામ પણ લખ્યું ન હતું.

અમેરિકામાં પામ તેલની સૌથી મોટી ખરીદકર્તા અને વિખ્યાત ફૂડ કંપની જનરલ મિલ્સે પણ આ મુશ્કેલીમાંથી પસાર થવું પડ્યું હતું.

જનરલ મિલ્સના પ્રવક્તા મોલી વુલ્ફ કહે છે, "અમે પહેલાં પણ એ દિશામાં વિચાર્યું હતું, પરંતુ પામ ઑઈલમાં કેટલાંક ખાસ તત્વો હોવાને કારણે તેની નકલ કરવાનું મુશ્કેલ હોય છે."

ઈંઘણમાં પામ તેલના ઉપયોગનો મુદ્દો પણ મોટો છે.

રસોડાથી માંડીને બાથરૂમ સુધીની દરેક ચીજમાં પામ તેલની હાજરી હોવા છતાં 2017માં યુરોપિયન યુનિયન દ્વારા આયાત કરવામાં આવેલા કુલ પૈકીના અરધોઅરધ પામ તેલનો ઉપયોગ ઈંધણ માટે કરવામાં આવ્યો હતો.

ખાસ કૅમેસ્ટ્રી

ઇમેજ સ્રોત, Getty Images

જોકે, યુરોપિયન યુનિયને 2019માં જાહેરાત કરી હતી કે પામ ઑઈલ અને અન્ય ખાદ્ય પાકોમાંથી નીકળતા બાયોફ્યૂઅલનો ઉપયોગ બંધ કરવામાં આવશે, કારણ કે તેના ઉત્પાદનથી પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે.

રોજિંદા જીવનમાં પામ તેલનો આટલા મોટા પ્રમાણમાં ઉપયોગ થવા પાછળ તેની ખાસ કૅમિસ્ટ્રી જવાબદાર છે.

પશ્ચિમ આફ્રિકામાં બીજમાંથી નીકળતું પામ તેલ પીળું તથા ગંધહીન હોય છે, જે ખાવાના ઉપયોગ માટે યોગ્ય છે.

પામ તેલનો મેલ્ટિંગ પૉઇન્ટ વધારે છે અને તેમાં સેચ્યુરેટેડ ફેટ પણ વધારે પ્રમાણમાં હોય છે. તેથી ખાતી વખતે એ મોઢામાં ઓગળી જાય છે અને મિઠાઈ વગેરે બનાવવા માટે એ યોગ્ય છે.

અન્ય ઘણા પ્રકારનાં તેલને કેટલીક હદ સુધી હાઇડ્રોજનેટેડ કરવાં પડે છે. હાઇડ્રોજનેટેડ એવી પ્રક્રિયા છે, જેમાં તરલ ફેટમાં હાઇડ્રોજન મેળવીને તેને નક્કર ફેટ બનાવવાં આવે છે.

એ પ્રક્રિયામાં ફેટમાં હાઇડ્રોજનના અણુ રસાયણિક રીતે ભળી જાય છે, જેનાથી આરોગ્ય માટે નુકસાનકારક ટ્રાન્સફેટ તૈયાર થાય છે.

પોતાની ખાસ કૅમિસ્ટ્રીને કારણે પામ તેલ ઉંચા તાપમાનમાં પણ બચી જાય છે અને ખરાબ થતું નથી. પામ તેલથી બનાવેલાં ઉત્પાદનો લાંબા સમય સુધી ખરાબ થતાં નથી.

પામ તેલ અને તેનાં પ્રોસેસિંગ પછી બચેલા તેના દાણા બન્નેનો ઉપયોગ ઈંધણ તરીકે કરી શકાય છે.

પામની છાલને પીસીને કૉન્ક્રિટ બનાવવામાં આવે છે. પામ ફાઇબર અને દાણાને સળગાવ્યા બાદ બનેલી રાખનો ઉપયોગ સિમેન્ટ તરીકે થઈ શકે છે.

ખરાબ જમીન અને ઉષ્ણ કટિબંધીય વિસ્તારોમાં પામ તેલનાં વૃક્ષો આસાનીથી ઉગાડી શકાય છે અને એ ખેડૂતો માટે લાભકારક સોદો છે.

પાછલાં કેટલાંક વર્ષોમાં પામના વૃક્ષો આટલાં મોટા પ્રમાણમાં શા માટે ઉગાડવામાં આવી રહ્યાં છે એ હવે સમજી શકાય તેમ છે.

પામ તેલનો વિકલ્પ છે?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

સુપરમાર્કેટમાંના આ પ્રકારનાં ઉત્પાદનો પૈકીના મોટાભાગનામાં પામ ઑઈલ હોય છે

પામ તેલનો વિકલ્પ શોધવા માટે અત્યાર સુધીમાં અપનાવવામાં આવેલો સૌથી આસાન રસ્તો, પામ તેલ જેવા ગુણોવાળું અન્ય વનસ્પતિ તેલ શોધવાનો રહ્યો છે.

ખાદ્ય પદાર્થો અને સૌંદર્ય પ્રસાધનોના વૈજ્ઞાનિક શે બટર જોજોબા, કોકમ, ઈલિપ, જેત્રોફા અને કેરીની ગોટલીમાં પણ વિકલ્પ શોધી રહ્યા છે.

ઈંધણના ક્ષેત્રમાં અળસી એક બહેતર વિકલ્પ હોઈ શકે છે.

અળસીની કેટલીક પ્રજાતિઓમાંથી નીકળતા તેલને 'બાયોક્રૂડ'માં પરિવર્તિત કરી શકાય છે.

પેટ્રોલિયમના વિકલ્પ તરીકે ઉપયોગમાં લેવાતા તેલને બાયોક્રૂડ કહેવામાં આવે છે.

આ બાયોક્રૂડનો ઉપયોગ ડીઝલ, પ્લેનના ઈંધણ અને હેવી શિપિંગ ઑઈલના સ્થાને કરી શકાય છે.

આ તેલ જેટલું શક્તિશાળી લાગે છે એટલું ન હોય એ શક્ય છે, કારણ કે વિશ્વના મોટા ભાગનાં ઑઈલ ફિલ્ડ્ઝમાં અળસીના જીવાશ્મિ હોય જ છે.

આર્થિક સ્પર્ધાનો પડકાર

ઇમેજ સ્રોત, Getty Images

એક્સોન મોબિલ અને સિન્થેટિક જીનોમિક્સે 2017માં જાહેરાત કરી હતી કે અળસીમાંથી લગભગ બમણું તેલ નીકળે એવું પરીક્ષણ તેમણે કર્યું છે.

કાર ઉત્પાદક કંપની હોન્ડાએ તેના ઓહાયોસ્થિત પ્લાન્ટમાં પ્રયોગ સ્વરૂપે અળસીનું ખેતર ગયા વર્ષે બનાવ્યું હતું. અળસી એન્જિનના ટેસ્ટ સેન્ટરમાંથી કાર્બન ડાયોક્સાઇડ ખેંચી લે છે.

અલબત, આવાં ઉત્પાદનોને, આર્થિક સ્પર્ધા કરી શકાય અને એ પામ તેલનું સ્થાન લઈ શકે એવા સ્તરે લાવવાનું બહુ મુશ્કેલ છે.

આપણે પામ તેલની નકલ ન કરી શકીએ, પણ તેના ઉત્પાદનની રીત બદલાવીને, તેની પર્યાવરણ પર થતી માઠી અસરને ઓછી જરૂર કરી શકીએ.

આવું કરવા માટે આપણે પાછું વળીને એ જોવું પડશે કે અત્યારે પામ તેલની આટલી માગ શા માટે છે.

અનોખું અને સસ્તું

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

થાઈલૅન્ડમાં કાર્યરત બાયોડીઝલ ઉત્પાદન એકમ

પોતાની અનોખી કૅમિસ્ટ્રી ધરાવતું હોવા ઉપરાંત પામ તેલ સસ્તું પણ છે. ચમત્કારી પ્રકારનો પાક હોવાથી એ સસ્તું છે. તેને ઉગાડવું આસાન છે. એ ઝડપથી વિકસે છે અને તેમાંથી અનેક ઉત્પાદન મળે છે.

એક હેક્ટર જમીનમાં થયેલા પામના પાકમાંથી લગભગ ચાર ટન વનસ્પતિ તેલ બનાવી શકાય છે. એટલા જ પ્રમાણમાં સફેદ સરસવ ઉગાડવામાં આવે તો 0.67 ટન, સુરજમુખી ઉગાડવામાં આવે તો 0.48 ટન અને સોયાબીન ઉગાડવામાં આવે તો 0.38 ટન તેલ મળે છે.

આદર્શ સ્થિતિમાં સારી ઉપજ આપતા તેલ પામમાંથી, સમાન જગ્યામાં ઉગાડવામાં આવેલા સોયાબીનની સરખામણીએ 25 ટકા વધારે તેલનું ઉત્પાદન કરી શકાય છે.

મુશ્કેલી એ છે કે એવી પરિસ્થિતિમાં પામ તેલ પર પ્રતિબંધ લાદવાથી મોટા પ્રમાણમાં જંગલ કાપવામાં આવશે, કારણ કે પામના વિકલ્પ સ્વરૂપે જે પાક ઉગાડવામાં આવશે તેના માટે વધારે જમીનની જરૂર પડશે.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પામ તેલ ઉદ્યોગને કારણે ઓરૈંગટનની પ્રજાતિ પર જોખમ સર્જાયું છે.

જોકે, પામ ભૂમધ્ય રેખાથી 20 ડિગ્રીમાં ઉગે છે. એ ગાઢ જંગલવાળો વિસ્તાર છે અને ત્યાં વિશ્વની 80 ટકા વન પ્રજાતિઓ જોવા મળે છે.

પર્યાવરણ પર ઓછામાં ઓછી માઠી અસર થાય એ રીતે પામ ઉગાડવા શક્ય છે.

'રાઉન્ડટેબલ ફૉર સસ્ટેનેબલ પામ ઑઈલ' (આર.પી.એસ.ઓ.) વડે પ્રમાણિત હોય એવું પામ તેલ પશ્ચિમી દેશોની ઘણી કંપનીઓ ખરીદે છે, પણ ટકાઉ પામ તેલની માગ અને તેની કિમત ચૂકવવાની તૈયારી મર્યાદિત છે.

ગમે ત્યાં ઉગી શકે એવા, પામ તેલ જેટલું ઉત્પાદન આપતા છોડવા આપણે વિકસાવીએ તો ઉષ્ણકટિબંધીય વર્ષાવનો પરનું દબાણ ઘટાડી શકીએ.

ઑસ્ટ્રેલિયાના સી.એસ.આઈ.આર.ઓ. રિસર્ચ સેન્ટરમાં કામ કરી ચૂકેલા વિજ્ઞાની કાઈલ રેનોલ્ડ્ઝ પણ આવું જ માને છે.

રેનોલ્ડ્ઝ કહે છે, "પામ પૃથ્વીની ઉત્તર કે દક્ષિણ છેડા પર વિકસી શકે નહીં. એ ઘણા અંશે ઉષ્ણકટીબંધીય પાક છે."

"અધિક બાયોમાસવાળી કોઈ પણ ચીજ વધારે અનુકૂળ અને કોઈ પણ હવામાનમાં વૃદ્ધિ પામી શકે એવી હોવી જોઈએ."

નવાં પાંદડાં

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

અળસીમાંથી પણ તેલ કાઢી શકાય છે, પરંતુ પામ તેલ સાથે તેની સ્પર્ધા કરાવવી મુશ્કેલ છે.

કેનબેરાસ્થિત પોતાની લૅબોરેટરીમાં સી.એસ.આઈ.આર.ઓ.ના શોધકર્તાઓએ વધુ તેલનું ઉત્પાદન કરતા છોડવાઓના જિન્સ, તમાકુ તથા જુવાર જેવા પાંદડાવાળા છોડવાઓમાં ભેળવ્યા છે.

આ છોડવાઓને પીસીને તેના પાંદડામાંથી તેલ કાઢી શકાય છે. તમાકુના પાંદડામાં સામાન્ય રીતે એક ટકાથી પણ ઓછું વનસ્પતિ તેલ હોય છે, પણ રેનોલ્ડસ બનાવેલા છોડવાઓમાં તેનું પ્રમાણ 35 ટકા સુધી વધી ગયું હતું એટલે કે તેમાંથી સોયાબીન કરતાં પણ વધુ વનસ્પતિ તેલ મળ્યું હતું.

અલબત, આ દિશામાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે. અમેરિકામાં હાઈ લીફ ઑઈલનો એક પ્રયોગ નિષ્ફળ રહ્યો હતો. સ્થાનિક હવામાનને કારણે એવું થયું હોવાનું માનવામાં આવે છે. ઑસ્ટ્રેલિયામાં ટ્રાન્સજેનિક છોડવાઓ ઉગાડી શકાતા નથી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પામ ઑઈલને જાદુઈ પાક કહી શકાય, કારણ કે એ ઝડપથી ઉગે છે, વિકસે છે અને તેમાંથી બીજાં ઘણાં ઉત્પાદન નીકળે છે

તમાકુના પાનમાંથી જે તેલ નીકળે છે એ પામ ઑઈલથી ઘણું અલગ હોય છે.

રેનોલ્ડઝ કહે છે તેમ કોઈ તેમના સંશોધન સંબંધી જરૂરિયાતમાં રોકાણ કરવા તૈયાર હોય તો તેલનું ઉત્પાદન કરી શકે તેવો તમાકુનો છોડ 12 મહિનામાં વિકસાવી શકાય.

રેનોલ્ડઝ કહે છે, "આ એક બહુ સારો ઉદ્યોગ છે. પામની વર્તમાન વૅલ્યૂ 48 અબજ રૂપિયાથી પણ વધારે છે."

"પામ ન હોય તેવા તૈલી છોડમાંથી પામ તેલ મેળવવાનું શક્ય છે. આપણે એવું જરૂર કરી શકીએ, પણ કિંમતના સંદર્ભમાં એ કેવી રીતે ટકી શકશે?"

એક વાત સ્પષ્ટ છે કે પામ તેલને નજરઅંદાજ કરવાનું અશક્ય છે અને તેનું સ્થાન લેવાનું પણ મુશ્કેલ છે, પરંતુ દુનિયા પર આપણી અસર ઓછી કરવા માટે વૈજ્ઞાનિક ક્ષમતાનો લાભ અવશ્ય લઈ શકાય.

આપણને માત્ર ઇચ્છાશક્તિની જરૂર છે અને એ ઇચ્છાશક્તિ, પામ તેલ જેટલી જ વ્યાપક હોવી જરૂરી છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો