કોરોના વાઇરસ : દક્ષિણ કોરિયામાં અચાનક ચેપ કેમ ફેલાયો?

  • એન્ડ્રીઆસ ઇલ્મર
  • બીબીસી સંવાદદાતા
માસ્ક સાથે મહિલાની તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

કોરોના વાઇરસનો ચેપ ચીનની બહાર સૌથી વધુ દક્ષિણ કોરિયામાં ફેલાયો છે. એક જ અઠવાડિયામાં થોડા ડઝન કેસ હતા તે વધીને એક હજારે પહોંચવા આવ્યા છે.

દક્ષિણ કોરિયાએ કોરોના વાઇરસનો સામનો કરવા માટે પૂરતી તૈયારી કરી રાખી હતી, આમ છતાં અચાનક ચેપ કેમ ફેલાયો તેવો સવાલ પુછાવા લાગ્યો છે.

સાથે જ એવો સવાલ થઈ રહ્યો છે કે શું બીજા દેશોમાં પણ અચાનક રોગચાળો વધી શકે છે ખરો.

દક્ષિણ કોરિયામાં Covid-19 વાઇરસના જેટલા પણ કેસ સામે આવ્યા છે, તેમાંથી અડધાથી પણ વધુ એક ધાર્મિક સંપ્રદાયના લોકોના છે.

ટીકાકારોનું કહેવું છે કે આ સંપ્રદાય ગુપ્તતામાં માને છે તેના કારણે તેમનામાં ફેલાયેલા ચેપને પકડી શકાયો નહોતો.

અચાનક વારસના ચેપના કેસ કેમ વધી ગયા?

શિન્ચેઓન્જી ચર્ચ સાથે જોડાયેલા ખ્રિસ્તી પંથના લોકોમાં સૌથી વધુ ચેપ ફેલાયો હોવાનું સત્તાધીશોએ જણાવ્યું છે.

અગ્નિ દિશામાં આવેલા ડાએગુ શહેરમાં આ ચર્ચની સર્વિસમાં લોકો જોડાતા હતા અને તેના કારણે એકબીજાને ચેપ લાગી ગયો તેમ માનવામાં આવે છે.

ચેપ વિશે ખ્યાલ ના આવ્યો અને ચર્ચની સર્વિસમાં હાજર રહેનારા લોકો દેશના બીજા ભાગોમાં ગયા ત્યાં પણ ચેપ લેતા ગયા.

દક્ષિણ કોરિયાના આરોગ્ય અધિકારીઓ માને છે કે સૌ પ્રથમ 61 વર્ષના એક વૃદ્ધામાં વાઇરસનો ચેપ જોવા મળ્યો હતો. ખ્રિસ્તી પંથના સભ્ય એવા આ વૃદ્ધાનો ટેસ્ટ ગયા અઠવાડિયે પૉઝિટિવ આવ્યો હતો. તેમના કેસની વધુ તપાસ થઈ રહી છે, કેમ કે તેમના કારણે બીજામાં ચેપ ફેલાયો હોવાનું માનવામાં આવે છે.

વૃદ્ધા દર્દી પ્રથમ તો હોસ્પિટલમાં દાખલ થવા માટે પણ તૈયાર નહોતા. તેમનો ટેસ્ટ પૉઝિટિવ આવ્યો તે પહેલાં તેઓ ચર્ચમાં એકથી વધુ વાર સર્વિસ વખતે હાજર રહ્યા હતા તેમ માનવામાં આવે છે.

ચર્ચની અંદર ખીચોખીચ ભક્તો વચ્ચે તેઓ હાજર રહ્યા હોય તેના કારણે બીજાને પણ ચેપ લાગી ગયો તેવી શક્યતા છે એમ આરોગ્ય અધિકારીઓનું કહેવું છે.

દક્ષિણ કોરિયાના સેન્ટર ફૉર ડિસિઝ કન્ટ્રોલના ડિરેક્ટર જુંગ ઉન-કિયોંગે પત્રકારો સાથેની વાતચીતમાં કહ્યું હતું કે "સાંકડી જગ્યામાં ઘણા બધા લોકો એકઠા થયા હોય અને કલાકથી પણ વધુ સમય પ્રાર્થના માટે બેઠા હોય તેના કારણે ચેપ લાગી ગયો હોવાની શક્યતા છે." એ રીતે ચેપનો ભોગ બનેલા લોકોએ બાદમાં બીજાને પણ ચેપ લગાડ્યો હશે.

"વાઇરસ આપણી સામાજિક રીતરસમ અને હળવામળવાને કારણે ફેલાતો હોય છે," એમ ચેપી રોગના નિષ્ણાત ડૉ. લિઓન્ગ હો નામે બીબીસીને જણાવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

એક અઠવાડિયામાં દક્ષિણ કોરિયામાં કોરોના વાઇરસના કેસ વધ્યાં છે

"ચર્ચમાં સર્વિસ માટે ભેગા થતા હોય ત્યારે ગાયન કરવું કે વિલાપ કરવો વગેરે જેવી વિધિઓ થતી હોય છે. તેના કારણે ચેપ ફેલાવાની શક્યતા વધી જાય છે."

આ પંથનું ચેપનો ભોગ બનેલું બીજું એક જૂથ ચેઓન્ગડો હૉસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યું છે. આ પંથના સ્થાપકના ભાઈનું અવસાન થયું તે પછી જાન્યુઆરીના અંત ભાગમાં ત્રણ દિવસ માટે શોક મનાવવા લોકો આ ગામમાં એકઠા થયા હતા.

બીજા દેશોમાં પણ ચર્ચ સાથે જોડાયેલા સમૂહોમાં ચેપનું મોટું પ્રમાણ જોવા મળ્યું છે. જોકે તેનું પ્રમાણે દક્ષિણ કોરિયાના ચર્ચના સમૂહ કરતાં ઓછું છે. આ બધા ચર્ચોમાં હવે સર્વિસ અટકાવી દેવાઈ છે અને લોકોને એકઠાં કરવાનું ટાળવામાં આવી રહ્યું છે.

ચેપનો ખ્યાલ અગાઉ કેમ ના આવ્યો?

ડિસેમ્બરમાં ચીનમાં વાઇરસ ફેલાયો ત્યારે સૌપ્રથમ એ સવાલ જ હતો કે શા માટે અગાઉથી વાઇરસ પકડાયો નહીં. ચેપ લાગી ગયો હોય, પણ હજી તેનાથી બીમારી ના થઈ હોય અને લક્ષણો ના દેખાયા હોય તેના કારણે ચેપ ફેલાયો હશે કે કેમ તે પણ સવાલ છે. આવા સંજોગોમાં ચેપને ફેલાતો રોકવો બહુ મુશ્કેલ હોય છે.

ચીનના આરોગ્ય અધિકારીઓએ ચેતવણી આપી જ હતી કે ભલે બાહ્ય લક્ષણો ના દેખાતા હોય, તો પણ ચેપ લાગી ગયો હોવાની શક્યતા રહેલી હોય છે. જોકે આ બાબતને વિશ્વ આરોગ્ય સંસ્થાએ હજી સુધી અનુમોદન આપ્યું નથી.

ચર્ચના સમૂહોમાં ચેપ દેખાયો તે પહેલાંથી જ દક્ષિણ કોરિયામાં ચેપને ફેલાતો અટકાવવા માટેની સાવચેતી લેવામાં આવી રહી હતી. તેથી માની લઈએ કે લોકોએ સાવધાની રાખી હશે અને આસપાસના લોકોની તબિયત કેવી છે તેની કાળજી લીધી હશે. આમ છતાં ચેપ ફેલાયો તેનો અર્થ એવો થાય ખરો કે બાહ્ય લક્ષણો ના હોય ત્યારે પણ ચેપ ફેલાયો હશે?

"આ પણ એક ચેપી સવાલ છે," એમ વિશ્વ આરોગ્ય સંસ્થાના ગ્લોબલ આઉટબ્રેક ઍલર્ટ ઍન્ડ રિસપોન્સના વડા ડેલ ફિશરે બીબીસીને જણાવ્યું હતું.

"આપણે એટલું કહી શકીએ કે આ ચેપ વહેલો ફેલાઈ ગયો હતો, તેની સામે સાર્સ વાઇરસ બીમારી લાગુ પડ્યા પછી બાદમાં ફેલાયો હતો."

તેઓ સમજાવતા કહે છે કે ચેપનો ભોગ બન્યા હોય તે લોકોમાં બીમારીના લક્ષણો દેખાય તે પહેલાં જ તેમના ગળામાં વાઇરસ આવી ગયા હોય તેવું બને. જોકે બીમારીના લક્ષણો દેખાવા ના લાગે અને ખાંસી આવવાનું શરૂ ના થાય ત્યાં સુધી તે ચેપ ફેલાવવાની શક્યતા થોડી ઓછી હોય છે.

તેનો અર્થ એ કે ચેપ લાગ્યો હોય તે વ્યક્તિને ખાંસી થાય અને ખાંસીના કારણે અન્ય લોકોને વાઇરસનો ચેપ લાગી શકે છે.

"ખરાબ સ્થિતિમાં પણ બીમાર ના પડેલી વ્યક્તિ દ્વારા ચેપ ફેલાવાની શક્યતા ઓછી હોય છે," એમ ફિશર જણાવે છે. "અને સ્પષ્ટ વાત કરીએ તો - બીમારી થઈ ના હોય ત્યાં સુધી વ્યક્તિમાંથી ચેપ ઓછો ફેલાતો હોય છે. તમે ચેપથી બીમાર પડી જાવ તે પછી જ ચેપ ફેલાવાની શક્યતા વધી જાય છે."

શિન્ચેઓન્જી સંપ્રદાય શું છે ?

સત્તાવારી રીતે શિન્ચેઓન્જી ચર્ચ ઑફ જીઝસ તરીકે જાણીતો સંપ્રદાય ટેબરનેકલ ઑફ ધ ટેસ્ટિમનીના ટેમ્પલ તરીકે જાણીતો છે. આ પંથની સ્થાપના 1980ના દાયકામાં થઈ હતી અને તેના 2,50,000 જેટલા અનુયાયીઓ હોવાનું મનાય છે.

આ ચર્ચમાં પ્રાર્થના યોજાય ત્યારે ભક્તોને એકબીજાની અડોઅડ બેસવાનું કહેવામાં આવે છે. પ્રાર્થના પછીય સૌ એકબીજા સાથે નીકટતાથી હળતામળતા હોય છે.

આ ખ્રિસ્તી પંથને કેટલાક ટીકાકારો એક પ્રકારનો કલ્ટ ગણાવે છે.

દક્ષિણ કોરિયામાં આ કલ્ટ બહુ લોકપ્રિય નથી તેથી તેના અનુયાયીઓ પોતે શિન્ચેઓન્જી ચર્ચના પંથમાં છે તે વાત છુપાવતા હોય છે, એમ બીબીસીના દક્ષિણ કોરિયાના સંવાદદાતા લૌરા બિકર કહે છે.

તેઓ બીમારીને નબળાઈ માને છે. તેના કારણે તેઓ બીમાર પડ્યા હોય તોય તેમને શોધી કાઢવા મુશ્કેલ બને છે. આ ચર્ચમાં પ્રાર્થના માટે જતા ઘણા લોકોને હજી સુધી સત્તાવાળાઓ શોધી શક્યા નથી.

જોકે આ પંથના લોકોનું કહેવું છે કે તેઓ સત્તાવાળાઓને સહકાર આપે છે અને પોતાના અનુયાયીઓની યાદી તેમને આપી છે.

જોકે આરોગ્ય અધિકારીઓએ મંગળવારે ચર્ચના એક કાર્યાલયમાં દરોડો પાડ્યો હતો, કેમ કે તેમને ખ્યાલ આવ્યો હતો કે કેટલાક અનુયાયીઓના નામો આપવામાં આવ્યા નથી.

સામાન્ય જનતામાં આ પંથના લોકો સામે ભારે રોષ છે. લોકો માગણી કરી રહ્યા છે કે શિન્ચેઓન્જી ચર્ચ સંપ્રદાયને બંધ કરી દેવો જોઈએ.

શનિવારથી એક ઓનલાઇન પિટિશન શરૂ કરાઈ છે, જેના પર 5,52,000થી વધુ લોકોએ સહી કરી છે. ચેઓન્ગ વા-દેની પ્રમુખની ઓફિસની વેબસાઇટ પર પિટિશન મૂકવામાં આવી તે પછી મોટા પાયે લોકોએ તેને સમર્થન આપ્યું છે.

"કોરિયામાં દર્દીઓની સંખ્યા બહુ વધી ગઈ તેમાં શિન્ચેઓન્જીનો ફાળો મોટો છે," એમ કોરિયા યુનિવર્સિટી કૉલેજ ઑપ મેડિસીનના વોન સુક-ચોઈએ બીબીસીને જણાવ્યું હતું. તેમણે એવી ચેતવણી આપી હતી કે "કોરિયામાં જે સ્થિતિ જોવા મળી રહી છે, તે વિશ્વના બીજા કોઈ પણ ભાગમાં જોવા મળી શકે છે".

દક્ષિણ કોરિયાના લોકોનો પ્રતિસાદ કેવો છે?

ઇમેજ સ્રોત, Reuters

સૌથી વધુ ચેપનો ભોગ બનેલા ડાએગુ શહેરના લોકો, ખાસ કરીને મોટી ઉંમરના લોકો અને તેમના સગાઓ ગભરાયેલા છે એમ અમારા શહેરની મુલાકાતે ગયેલા સંવાદદાતાનું કહેવું છે.

જોકે ઘણા બધા લોકોએ સ્થિતિને સ્વીકારી પણ લીધી છે અને તેમને લાગે છે કે દેશ ચેપનો સામનો કરવા માટે તૈયાર છે.

અઠવાડિયાથી હોસ્પિટલ અને ડૉક્ટર્સ ખડે પગે હતા. સેન્ટર ફૉર ડિસીઝ કન્ટ્રોલ તરફથી દિવસમાં બે વાર સતત માહિતી આપવામાં આવી રહી હતી.

કોઈ જગ્યાએ ચેપ સાથે દર્દી મળી આવ્યો હોય તો તે માટેના ટેક્સ્ટ મેસેજ મોકલીને રહેવાસીઓને સાવધાન પણ કરવામાં આવી રહ્યા હતા.

હૉંગ કૉંગ કે સિંગાપોરની જેમ લોકોમાં ભય વ્યાપી ગયો હોય તેવી વાત નહોતી. પરંતુ આ અઠવાડિયાની શરૂઆતથી સ્થિતિ બદલાઈ હતી.

ડાગેઉના દુકાનદારોએ જાહેરાત કરી કે માસ્કનો નવો જથ્થો આવી ગયો છે, ત્યારે હજારો લોકો તે લેવા માટે કલાકો સુધી લાઈનમાં લાગી ગયા હતા.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો