કોરોના વાઇરસનો ચેપ આખરે કયા પશુથી માણસમાં ફેલાયો?

  • હેલેન બ્રિગ્સ
  • બીબીસી ન્યૂઝ
કોરોના વાઇરસ

ઇમેજ સ્રોત, Getty Images

ઘાતક કોરોના વાઇરસ પ્રાણીમાંથી મનુષ્યના શરીરમાં કેવી રીતે ઘૂસી ગયો તે જાણવા માટેની હોડ વિજ્ઞાનીઓમાં લાગી છે.

ચીનમાં કોઈ જગ્યાએ ચામાચીડિયું હવામાં ઊડી રહ્યું હતું અને તેણે પોતાની ચરકથી કોરોના વાઇરસને નીચે જંગલમાં છોડયો.

આ જ સમયે કોઈ જંગલી પ્રાણી, લગભગ કીડીખાઉ વનસ્પતિમાં જંતુઓ શોધવા માટે સૂંઘી સૂંઘીને આગળ વધી રહ્યું હતું. એ કીડીખાઉએ ચામાચીડિયાની ચરક સૂંઘી અને વાઇરસ તેના નાકમાં ઘૂસી ગયો.

આ નવો વાઇરસ જંગલનાં પશુપ્રાણીઓમાં ફેલાવા લાગે છે. આખરે ચેપ લાગેલું કોઈ પ્રાણી શિકારીના હાથમાં આવી જાય છે.

તે પ્રાણીમાંથી કોઈક રીતે ચેપ તેને પકડનારા માણસને પણ લાગી જાય છે.

વીડિયો કૅપ્શન,

કોરોના વૅક્સિન : ભારતમાં કોરોનાની રસીની અછત સર્જાઈ?

તે માણસ શિકાર કરેલું પ્રાણી વેચવા માટે જંગલી પદાર્થો અને પશુઓની બજારમાં જાય છે.

પછી બજારમાં કામ કરતાં કોઈ કામદારને તેનો ચેપ લાગી જાય છે. પછી તો દુનિયાભરમાં તે ચેપ ફેલાઈ જાય છે.

ઉપર પ્રમાણેની કલ્પના કેટલી સાચી તેની સાબિતી માટે વિજ્ઞાનીઓ પ્રયાસો કરી રહ્યા છે.

ઝૂલૉજિકલ સોસાયટી લંડન (ZSL)ના પ્રોફેસર ઍન્ડ્રૂ કનિંગમ કહે છે, "તેઓ કયા જંગલી પશુઓમાં કોરોના વાઇરસ છે તેની તપાસ કરી રહ્યા છે. ચેપ ફેલાવાના સમગ્ર ઘટનાક્રમને શોધવાનું કામ કોઈ જાસૂસીકથા જેવું હોય છે".

તેઓ કહે છે કે ઘણાં બધાં પ્રાણીઓમાં વાઇરસ હોઈ શકે છે.

ખાસ કરીને ચામાચીડિયામાં એકથી વધુ પ્રકારના કોરોના વાઇરસ જોવા મળે છે.

તેમાંથી ચેપ કેવી રીતે ફેલાયો હશે તેના વિશે આપણે ખરેખર કેટલું જાણીએ છીએ?

ચેપ લાગેલા દર્દીના શરીરમાંથી નમૂના લેવામાં આવ્યા અને વિજ્ઞાનીઓએ તે તપાસ્યા ત્યારે શંકા ગઈ કે ચીનનાં ચામાચીડિયાંમાંથી તે આવ્યો હશે.

ચામાચીડિયાં

ઇમેજ સ્રોત, Getty Images

ચામાચીડિયાં એક જ જગ્યાએ મોટી સંખ્યામાં રહે છે અને ઊડીને દૂરદૂર સુધી જાય છે.

દરેક ખંડમાં ચામાચીડિયાં જોવા મળે છે. ચામાચીડિયાં પોતે ભાગ્યે જ બીમાર પડે છે, તે વાઇરસને દૂર સુદૂર સુધી ફેલાવી શકે તેમ છે.

યુનિવર્સિટી કૉલેજ લંડનના પ્રોફેસર કેટ જૉન્સના જણાવ્યા અનુસાર ચામાચીડિયાંએ દૂર સુધી ઊડી શકવાની ક્ષમતા હાંસલ કરી લીધી છે અને પોતાના ડીએનએને નુકસાન થાય તેને વધારે સહેલાઈથી સુધારી શકે છે.

"તેના કારણે મોટા પ્રમાણમાં વાઇરસ લાગી જાય તે પછીય તે જલદી માંદાં પડતાં નથી, પણ એ તો માત્ર એક કલ્પના જ છે," એમ તેઓ કહે છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે ચામાચીડિયાંમાં વધારે વાઇરસ રહી શકે તેમ છે.

નોટિંગમ યુનિવર્સિટીના પ્રોફેસર જોનાથન બોલ કહે છે, "ચામાચિડિયાં જે રીતે જીવે છે તે જોતા તેમાં મોટા પ્રમાણમાં વાઇરસ હોઈ શકે છે."

બીજું રહસ્ય એ છે કે પોતાના શરીરમાં વાઇરસને વિકસવા દેનારું પ્રાણી કયું?

આ પ્રાણીમાં વાઇરસ વિકસતો રહ્યો અને પછી વુહાનની બજાર સુધી પહોંચી ગયો.

તેમાં એક શક્યતા છે કે પૅન્ગોલીન એટલે કે કીડીખાઉમાંથી ચેપ લોકોમાં પહોંચ્યો. કીડીખાઉની બહુ માગ છે અને તેનું નિકંદન નીકળી જાય તે હદે તેનો શિકાર થાય છે.

તેનું માંસ સ્વાદિષ્ટ મનાય છે અને ચીનની પરંપરાગત ઔષધીમાં તેનો ઉપયોગ થાય છે.

પૅન્ગોલિન

ઇમેજ સ્રોત, Getty Images

માણસમાં જોવા મળેલા નવા વાઇરસને મળતો વાઇરસ પૅન્ગોલિનમાં જોવા મળ્યો છે.

શું એવું બને કે ચામાચીડિયાં અને કીડીખાઉમાંથી મનુષ્યમાં આવતા પહેલાં વાઇરસે પોતાના જિનેટિક્સમાં ફેરફાર કર્યો હોય?

નિષ્ણાતો કોઈ નિષ્કર્ષ પર પહોંચ્યા નથી, કેમ કે પૅન્ગોલિન પરના અભ્યાસને હજી જાહેર કરાયો નથી.

પ્રોફેસર કનિંગમ કહે છે, "કેટલી સંખ્યામાં પૅન્ગોલિન્સની ચકાસણી થાય છે તે પણ અગત્યનું છે."

"જેમ કે શું બધાં જ પૅન્ગોલિન્સ જંગલમાંથી પકડેલાં છે કે કેમ કે પછી કેટલાંક પૅન્ગોલિન ઉછેરેલા હતાં કે બજારમાં પૂરીને રાખી મુકાયાં હતાં?" આવી માહિતી વિના ખાતરી સાથે કંઈ પણ કહેવું મુશ્કેલ છે.

પૅન્ગોલિન જેવાં પ્રાણીઓ અને ચામાચીડિયાં પણ બજારમાં વેચાતાં હોય છે અને તેના કારણે એકબીજાને પણ તેનો ચેપ લાગતો હોય છે.

તેઓ કહે છે, "પ્રાણીઓ વેચાતાં હોય તે બજારમાં એક જાતમાંથી બીજામાં વાઇરસ પ્રસરે તે માટેનું અને તેમાંથી મનુષ્યમાં પ્રવેશે તેનું અનુકૂળ વાતાવરણ તૈયાર થતું હોય છે."

વીડિયો કૅપ્શન,

સુરતમાં કોરોનાથી મૃત્યુ પામેલા સ્વજનને અગ્નિદાહ આપવા લોકોનું વેઇટિંગ

ચેપ ફેલાયો તે પછી વુહાન બજાર બંધ કરી દેવાઈ હતી. તે બજારમાં જુદાંજુદાં જંગલી પ્રાણીઓ વેચાતાં હતાં.

તેમાં જીવતાં અને કતલ કરાયેલાં- બંને પ્રકારનાં પશુઓ રખાતાં હતાં.

સાથે જ ઊંટ અને પક્ષીઓનાં અંગો પણ વેચાતાં હતાં.

ગાર્ડિયન અખબારના એક અહેવાલ અનુસાર એક જ દુકાનમાં તપાસ કરવામાં આવી ત્યારે ત્યાંથી જાતભાતનાં પશુપ્રાણીઓ મળી આવ્યાં હતાં.

પ્રોફેસર બોલ કહે છે, "તેમાં ચામાચીડિયાં અને પૅન્ગોલિન વેચાતાં હોવાનું નોંધાયું નહોતું, પણ ચીનના અધિકારીઓને ચોક્કસ માહિતી હશે કે કેવાં પ્રકારનાં પ્રાણીઓ બજારમાં વેચાતાં હતાં."

"બજારમાંથી ચેપ ફેલાયો હોય તો એ જાણવું જરૂરી છે કે બીજી વાર આવું થશે ખરું, કેમ કે જાહેર આરોગ્ય માટે તે જરૂરી છે."

"તમારા એ જાણવું જરૂરી છે કે ચોક્કસ કયા પ્રાણીમાંથી ચેપ ફેલાયો હતો અને કેવું જોખમ ઊભું થયું હતું કે ચેપ ફેલાયો."

જંગલી પ્રાણીઓમાંથી વાઇરસ

છેલ્લાં થોડાં વર્ષોમાં કેટલાક વાઇરસથી આપણે પરિચિત થયા છે તે જંગલી પ્રાણીઓમાંથી આવેલા છે.

ઇબોલા, એચઆઈવી, સાર્સ અને હવે કોરોના વાઇરસ- આ બધા જ જંગલી પશુઓમાંથી મનુષ્યમાં દાખલ થયા છે.

પ્રોફેસર જોન્સ કહે છે, "આવા ચેપ લાગવાનું કારણ એ કે આપણે હવે જંગલી પ્રાણીઓને વધુ સહેલાઈથી શોધતા થયા છે, તેની વધુ નજીક જતા થયા છીએ, જંગલમાં વધારે અતિક્રમણ થવા લાગ્યું છે."

"તેના કારણે મનુષ્યો બદલાતી સ્થિતિમાં નવા વાઇરસના સીધા સંપર્કમાં આવી જાય છે, જે અગાઉ ક્યારેય માનવવસતીમાં આવ્યા નહોતા."

ચેપ ફેલાવાનું જોખમ કઈ રીતે ઊભું થઈ રહ્યું છે તે આપણે જાણી શકીએ તો પ્રાણીઓમાં જ તે ફેલાઈ તે પહેલાં જ તેને કાબૂમાં લેવા માટેના પ્રયાસો કરી શકીએ છીએ, એમ પ્રોફેસર કનિંગમ કહે છે.

પર્યાવરણ નિષ્ણાતો કહે છે, "ચામાચીડિયાં બહુ બધા વાઇરસનાં વાહક છે તે વાત સાચી, પણ સાથે જ પર્યાવરણની સમતુલા માટે પણ તે બહુ જરૂરી છે."

"ચામાચીડિયાં મોટા પ્રમાણમાં મચ્છરો અને ખેતીને નુકસાન કરતાં જંતુઓને ખાઈ જાય છે."

"બીજાં પ્રકારનાં ચામાચીડિયાં વૃક્ષો માટે પરાગરજ વહનનું કામ કરે છે અને તેનાં બીને પણ ફેલાવે છે."

"માત્ર રોગચાળાને કાબૂમાં લેવા માટે આવાં પ્રાણીઓનો મોટા પાયે નાશ કરવામાં ના આવે તે પણ જોવું રહ્યું."

જંગલી પશુપક્ષીઓની લે-વેચ બંધ

ઇમેજ સ્રોત, Getty Images

અત્યારે ચીનમાં દેખાયેલા કોરોના વાઇરસને મળતો આવતો સાર્સ વાઇરસ 2002-03માં દેખાયો હતો.

તે વખતે ચીનમાં જંગલી પશુઓની બજારો પર પ્રતિબંધ લાદી દેવાયો હતો. જોકે બાદમાં ફરીથી સમગ્ર ચીનમાં જંગલી પશુઓની બજારો શરૂ થઈ ગઈ હતી.

ચીન ઉપરાંત વિયેતનામ અને અગ્નિ એશિયાના બીજા દેશોમાં પશુબજારો હજીય એમ જ ચાલી રહી છે.

ચીને હવે ફરી એક વાર જંગલી પશુપક્ષીઓની લે-વેચ બંધ કરાવી છે.

ખાણીપીણી માટે, ઔષધીઓ માટે તેનો ઉપયોગ થતો હોય છે.

અત્યારે એવા અહેવાલો આવી રહ્યા છે કે ચીન કદાચ પશુબજારોને કાયમ માટે બંધ કરી દેવાનું વિચારી રહ્યું છે.

ઇસ્ટ એન્ગલિયા યુનિવર્સિટીનાં પ્રોફેસર ડાયના બૅલ કહે છે, "અનેક લોકોનો જીવ લેનારો આ ચેપ ખરેખર ક્યાંથી આવ્યો તે આપણે ચોક્કસ રીતે જાણી શકીશું નહીં. પણ આપણે બીજી વાર આવી રીતે ચેપ ના ફેલાય તે માટે કાળજી ચોક્કસ લઈ શકીએ છીએ."

"આપણે જુદાજુદા દેશોમાંથી, જુદાંજુદાં પ્રકારનાં જંગલોમાં રહેતાં અને જુદી પદ્ધતિએ રહેવા ટેવાયેલાં પ્રાણીઓને એકસાથે લાવી રહ્યાં છીએ."

"આપણે અલગ રીતે રહેવા ટેવાયેલાં પશુપક્ષીઓને એકઠાં કરી રહ્યા છીએ, તે આપણે બંધ કરવું જરૂરી છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો