'મેં મારી મા સાથે કેમ લગ્ન કર્યાં?'

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

બે મહિલાઓની અસામાન્ય એવી આ પ્રેમકહાણી છે. પરિવાર જળવાઈ રહે તે માટે ફીલીસે તેમનાં લેસ્બિયન સાથી લીલિયાનને દત્તક લીધાં હતાં. જોકે, આ બે મહિલા પ્રેમિકાઓનાં રોમાન્સની કથામાં આ તો ફક્ત શરૂઆત હતી.

1971માં મહિલા મુક્તિ આંદોલનના પ્રારંભના વર્ષોમાં કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીનાં પ્રોફેસર લીલિયાન ફૅડરમૅને તેમનાં કેન્દ્રના એકૅડેમી ડિરેક્ટર ફીલીસ ઇરવિનનો સંપર્ક કર્યો હતો.

શરૂઆતમાં તેમની વાતચીત એક નવો શૈક્ષણિક કાર્યક્રમ શરૂ કરવા માટેની હતી.

જોકે તેમની વચ્ચેની વાતચીત પછી એવો પ્રેમ જાગ્યો કે તે અડધી સદી સુધી ચાલતો રહ્યો હતો. બંને સ્ત્રીઓની પ્રેમકહાણીમાં તે પછી ઘણા જટિલ વળાંકો આવ્યા.

કપરી સ્થિતિ અને પરિવારનું સપનું

ઇમેજ સ્રોત, FADERMAN

ઇમેજ કૅપ્શન,

લીલિયાન ફૅડરમૅન અને ફીલીસ ઇરવિન

લીલિયાન અને ફીલીસ વચ્ચે મુલાકાત થઈ તે વખતે કેલિફોર્નિયા સહિત અમેરિકાનાં બધાં જ રાજ્યોમાં સમલૈંગિક લોકો સામે ભેદભાવપૂર્ણ કાયદા લાગુ હતા. કેલિફોર્નિયામાં 1975માં સમલૈંગિક સંબંધોને કાયદેસરની માન્યતા આપતો કાયદો પસાર થયો હતો. બીજા વર્ષથી તેનો અમલ પણ શરૂ થઈ ગયો હતો.

લીલિયાને બીબીસી વર્લ્ડ સર્વિસના કાર્યક્રમ 'આઉટલુક'માં જણાવ્યું હતું કે, "અમને દેશના બધા જ પ્રદેશોમાં ગુનેગાર ગણવામાં આવતાં હતાં. મોટા ભાગની લેસ્બિયનો છુપાઈને રહેતી હતી."

સમલૈંગિકોની આવી સ્થિતિ વચ્ચેય આ બંને મહિલા પરિવાર માટેનું સપનું જોઈ રહ્યાં હતાં.

આ માટે કાનૂની અડચણો ઊભી થઈ રહી હતી તેને દૂર કરવા માટેનો અનોખો ઉપાય તેઓએ શોધી કાઢ્યો.

તે વખતે ફીલીસની ઉંમર 50ની આસપાસ હતી અને તેમની સાથીદાર લીલિયાનની ઉંમર 30ની આસપાસ હતી. ફીલીસે કાયદેસર રીતે લીલિયાનને દત્તક લઈ લીધાં અને પોતાનાં દીકરી બનાવ્યાં.

જોકે, એ પછી બહુ વિચિત્ર પ્રકારની સ્થિતિ સર્જાઈ.

2008માં કેલિફોર્નિયામાં કાયદો પસાર કરીને સમલૈંગિક લગ્ન માટેની મંજૂરી આપી દેવામાં આવી. તેના કારણે હવે લીલિયાન અને ફીલીસે લગ્ન કરી લીધાં. આ રીતે તેઓ મા-બેટીમાંથી જીવનસાથી બની ગયાં.

લીલિયાન હસતાંહસતાં કહે છે, "મને લાગે છે કે દુનિયામાં કોઈ દંપતી વચ્ચે અમારે છે તેવો કાનૂની સંબંધ નહીં હોય."

સંબંધોની શરૂઆત

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

બંને વચ્ચે રૉમાન્સ શરૂ થયો હતો ત્યારે તેઓએ પોતાનાં સમલૈંગિક હોવા વિશે જાહેરમાં કબૂલાત કરી નહોતી.

ફીલીસ કહે છે, "તે વખતે અમે જાણતાં હતાં કે અમારે ચૂપચાપ રહીને અમારી જિંદગી જીવવી પડશે."

જોકે થોડા વખતમાં જ યુનિવર્સિટીના સાથી કર્મચારીઓને બંને વચ્ચે કશાક પ્રકારના સંબંધો હોવાનો ખ્યાલ આવવા લાગ્યો હતો.

ફૅડરમૅન કહે છે, "તે લોકો અમને ફીલિયન ઍન્ડ લીલીસ કહેતા હતા, કેમ કે અમે હંમેશા સાથે ને સાથે જ દેખાતાં."

"મેં મહિલાઓમાં સમલૈંગિકતાના ઇતિહાસ વિશે પુસ્તક લખવાનું શરૂ કર્યું ત્યારે સૌને ખ્યાલ આવી ગયો કે અમે બંને સાથે જ છીએ."

માતૃત્વ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ફૅડરમૅને કૃત્રિમ ગર્ભધારણ માટે એક ડૉક્ટર સાથે છળ કર્યું હતું

1974માં બંનેએ નક્કી કર્યું કે તેમણે સંતાન પેદા કરવું જોઈએ. તે માટે લીલિયાન ફર્ટિલિટી ક્લિનિક ગયાં હતાં.

તે વખતે કૃત્રિમ રીતે ગર્ભધારણ કરવાની વાત સામાન્ય નહોતી. ખાસ કરીને અપરિણિત મહિલાઓ માટે તે મુશ્કેલ હતું.

જોકે લીલિયાને ગમે તેમ કરીને ડૉક્ટરને મદદ કરવા માટે મનાવી લીધા હતા.

તે સમયને યાદ કરતાં લીલિયાન કહે છે, "ડૉક્ટરે મને કહ્યું પણ હતું કે સંતાન ઇચ્છો છો તો શા માટે લગ્ન નથી કરી લેતાં."

મેં જવાબમાં કહ્યું હતું કે, "હું 34 વર્ષની છું, ડૉક્ટરેટની ડિગ્રી છે અને યુનિવર્સિટીમાં એકૅડેમીક બાબતમાં વાઇસ પ્રેસિડેન્ટ છું. મારા આવા દમામથી ઘણા પુરુષોને પરેશાની થઈ શકે છે."

ત્યારબાદ ડૉક્ટરે તેમને કૃત્રિમ ગર્ભધારણ કરાવ્યું અને તેમને તેમાં સફળતા મળી.

ત્રણ લોકોનો પરિવાર

ઇમેજ સ્રોત, LILLIAN FADERMAN

ઇમેજ કૅપ્શન,

લીલિયાન ફૅડરમૅન અને ફીલીસ ઇરવિન 1979માં 5 વર્ષીય પુત્ર ઍમરોન સાથે

1975માં લીલિયાને દીકરાને જન્મ આપ્યો. તેનું નામ ઍવરોમ રાખવામાં આવ્યું. દંપતીનું આ એક માત્ર સંતાન છે.

જોકે તે પછી તેમને પોતાના સંબંધોની કાનૂની ગૂંચનો ખ્યાલ આવી ગયો હતો.

લીલિયાન કહે છે, "અમે એ બાબતમાં ચિંતિત હતાં કે અમારા સંબંધોને કોઈ કાનૂની દરજ્જો નથી."

"સૌથી વધુ ચિંતા એ હતી કે ઍવરોમ બીમાર પડે અને ફીલીસે તેને ડૉક્ટર પાસે લઈ જવો પડે ત્યારે મુશ્કેલી થાય, કેમ કે તે સત્તાવાર રીતે તે તેની વાલી નહોતી."

લીલિયાન કહે છે, "તેનાથીય મોટી ચિંતા એ હતી કે મને કશુંક થઈ જાય તો ફીલીસનો બાળક પર કોઈ કાનૂની હક રહેવાનો નહોતો."

તે વખતે હજીય સમલૈંગિક દંપતિને દત્તક લેવાનો કે કૃત્રિમ ગર્ભધારણ માટેનો હક મળ્યો નહોતો.

મા, દીકરી અને મમ્મા ફીલીસ

ઇમેજ સ્રોત, LILLIAN FADERMAN

ઇમેજ કૅપ્શન,

લીલિયાન ફૅડરમૅન અને ફીલીસ ઇરવિને 2008માં સૌપ્રથમ લગ્ન કર્યાં

તે વખતે તેમણે કેલિફોર્નિયાના બીજા એક કાયદાનો ફાયદો ઉઠાવવાનું નક્કી કર્યું, જેમાં બે પુખ્ત વયની વ્યક્તિ વચ્ચે 10 વર્ષનું અંતર હોય તો એક પુખ્ત અન્યને દત્તક લઈ શકે.

તે રીતે કાનૂની માર્ગ અપનાવાયો અને તેના કારણે ફીલીસ હવે સત્તાવાર રીતે ઍવરોમનં દાદી બની ગયાં.

ફીલીસ કહે છે, "ઍવરોમ સાથે કાનૂની રીતે સંબંધ સ્થાપિત કરવાના ઉપાય તરીકે મેં આમ કરવાનું નક્કી કર્યું હતું."

બીબીસી સાથેની વાતચીતમાં હસતાંહસતાં કહે છે, "અમારા બંને વચ્ચેનો સંબંધ તો વ્યભિચાર ગણાતો હતો."

લીલિયાન આ બાબતને વધારે ગંભીરતાથી સમજાવતાં કહે છે, "અમને ક્યારેય આ વાત વિચિત્ર લાગી નહોતી. અમે ક્યારેય એકબીજાને માતા-પુત્રી તરીકે નથી જોયાં. માત્ર કાયદાનો ફાયદો ઉઠાવવા માટે અમે આવું કર્યું હતું."

જોકે આ રીતે માત્ર કાગળ પરના આવા કાલ્પનિક સંબંધોને કારણે મામલો કાનૂની જરૂરિયાતથી પણ આગળ વધી ગયો હતો.

લીલિયાને કહે છે, "ઍવરોમનો જન્મ થયો ત્યારે બહુ ઓછાં સંતાનો એવાં હતાં, જે સમલૈંગિક દંપતીનાં સંતાન હોય. પરંતુ તે પોતાની દાદી તરીકે ફીલીસનો પરિચય સહજતાથી આપી શકતો હતો."

"ઍવરોમ માટે તેમ કરવું સહેલું હતું, કેમ કે તે સારી રીતે જાણતો હતો કે ફીલીસ તેની બીજી માતા છે."

તે હંમેશા તેને મમ્મા ફીલીસ કહીને બોલાવતો હતો અને હજી પણ ફીલીસને મમ્મા કહીને બોલાવે છે.

2008માં કેલિફોર્નિયામાં સમલૈંગિક વિવાહ માટે અનુમતિ આપવાનું શરૂ થયું. તે કાયદો લાગુ પડ્યો તેના બીજા જ દિવસે લીલિયાન અને ફીલીસે લગ્ન કરી લીધાં.

જોકે તેમણે દત્તક લેવા માટેની વિધિ કરી હતી તેને કાનૂની રીતે રદ કરી નહોતી. તેના કારણે મા-બેટી હોવાની સાથે બંને હવે જીવનસાથી પણ બની ગયાં.

લીલિયાન કહે છે, "અમારા માટે દત્તક લેવાની વિધિ માત્ર દસ્તાવેજી કામ હતું. તેથી તેના વિશે અમે બહુ વિચાર કર્યો નહોતો."

જોકે બાદમાં તેમને ખ્યાલ આવ્યો કે દત્તક લેવાની વિધિ કાયદેસર રદ કરી ના હોવાથી તેમના લગ્ન કાનૂની નહીં ગણાય.

એટલું જ નહીં દત્તક લેવાની વાતને રદ ના કરવામાં આવે અને અમેરિકાના બીજા કોઈ રાજ્યમાં જાય તો ત્યાં તેમની સામે કાનૂની કાર્યવાહી પણ થઈ શકે.

2015માં અમેરિકાનાં બધાં રાજ્યોમાં સમલૈંગિક લગ્ન માટે મંજૂરી આપી દેવામાં આવી હતી. તે પછી વકીલે તેમને સલાહ આપી હતી કે દત્તક લેવાની વિધિ કાયદેસર રીતે રદ કરો અને ફરીથી લગ્ન કરો.

આખરે તે રીતે દત્તક લેવાની વાત રદ કરીને ફરીથી લગ્ન કરવામાં આવ્યાં. તે પછી ઍવરોમે પોતાની ઇચ્છા પણ વ્યક્ત કરી.

ઍવરોમને લાગ્યું કે કાયદેસર રીતે તેઓ હવે ફીલીસના પુત્ર નથી રહ્યા. તેથી ઍવરોમે ફીલીસને કહ્યું કે તેઓ કાયદેસર તેમને દત્તક લે.

ફરી વાર વરોમને દત્તક લેવાયા

ઇમેજ સ્રોત, LILLIAN FADERMAN

આ રીતે હવે ઍવરોમને ફીલીસે સત્તાવાર રીતે દત્તક લીધા. તે દિવસે તેમના પરિવારમાં ખૂબ ખુશીનો માહોલ હતો. પરિવારની એ ઉજવણીમાં ઍવરોમ, ઍવરોમનાં પત્ની અને પુત્ર પણ સામેલ થયાં હતાં.

ફીલીસ કહે છે, "એ બહુ વિશેષ પ્રસંગ હતો. એક પુત્ર જેને મેં નાનપણમાં સાચવ્યો હતો, તે ખોળામાં હતો ત્યારે તેને ગીતો સંભળાવ્યાં હતાં તે હવે ઇચ્છતો હતો કે હું કાયદેસર તેની માતા બની જાઉં."

આખરે ઘણી બધી કાનૂની ગૂંચ ઉકેલ્યા પછી પરિવારની ઇચ્છા મુજબ એવો દરજ્જો મળ્યો, જે પરિવારના સભ્યો ઇચ્છતા હતા.

2003માં ફૅડરમૅને પોતાના જીવનના આવા ચઢાવઉતાર વિશે આત્મકથા લખી હતી, જેનું નામ હતું 'નૅકેડ ઇન ધ પ્રૉમિસ્ડ લૅન્ડ.'

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો