ICC Women's T20 World Cup 2020 Final Ind Vs Aus : લેગ સ્પિનર પૂનમ, સ્કવૉડન લીડર શીખાના સહારે ફાઇનલ સુધીની સફર

  • વંદના
  • બીબીસી સંવાદદાતા
પૂનમ યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાતને કારણે વિતેલા દિવસોમાં આગ્રા અને તેના તાજમહેલની ચર્ચા રહી. પરંતુ આગ્રા હવે બીજી રીતે પણ જાણીતું થયું છે - ભારતનાં બે શાનદાર મહિલા બૉલરોને કારણે. એક છે પૂનમ યાદવ અને બીજાં દીપ્તિ શર્મા.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ રવિવારે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં રમશે. ફાઇનલ સુધી પહોંચવામાં ટીમનાં બૉલરોની ભૂમિકા મહત્ત્વની રહી છે. વર્લ્ડ કપ દરમિયાન 9 વિકેટો લઈને સૌથી વધુ સફળ બૉલર તરીકે ઑસ્ટ્રેલિયાનાં મૅગનની સાથોસાથ પૂનમ ઊભાં છે. પૂનમની ક્રિકેટ યાત્રા સમજવા માટે થોડું પાછા જવું પડે.

આગ્રાનું 'એકલવ્ય સ્ટેડિયમ...' સ્ટેડિયમમાં જે ક્રિકેટરો પ્રેક્ટિસ કરવા આવતા તેમાં એક માત્ર લૅગ સ્પિનર ખેલાડી હતાં અને તે પણ એક યુવતી.

ઑફ સ્પિનરની લાઇન લાગી જાય અને લૅફ્ટ આર્મ સ્પિનર પણ ઘણા મળે, પરંતુ લૅગ સ્પિનર શોધવા છતા મળે નહીં.

તે લૅગ સ્પિનર યુવતી એટલે પૂનમ યાદવ, જેણે ટી-20 વર્લ્ડ કપમાં પોતાના જોરદાર સ્પિન સાથે ભારતને ઑસ્ટ્રેલિયા સામે (4 વિકેટ) અને બાંગ્લાદેશ સામે (3 વિકેટ) મૅચ જિતાડી આપી હતી.

મહિલા બૉલરોમાં પણ લૅગ સ્પિન કરનારાં બહુ ઓછાં છે. પૂનમ યાદવ તે બાબતે પહેલાંથી જ અલગ તરી આવે છે. પૂનમ માત્ર 4 ફૂટ 11 ઇંચનાં પણ તેમની નાનકડી હથેળીમાંથી બૉલ ઘૂમતોઘૂમતો નીકળે ત્યારે ભલભલાં મહિલા બૅટ્સવુમનોને ભારે પડી જાય.

વર્ષ 1991માં જન્મેલાં પૂનમ યાદવનો પરિવાર નાના ગામથી આગ્રામાં રહેવા આવ્યો હતો. તે નાનાં હતાં ત્યારથી જ તેમણે ક્રિકેટ રમવાની લગની લાગી હતી. જોકે પરિવારના સભ્યો એ માટે તૈયાર નહોતા.

પૂનમની જીદ આખરે રંગ લાવી અને થોડા વખત પછી યુપીની ક્રિકેટ ટીમમાં તેઓ રમવા લાગ્યાં. આખરે 2013માં પૂનમને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું.

છેલ્લાં બે વર્ષમાં પૂનમે કમાલ કરી દેખાડી છે. વર્ષ 2018-19માં બીસીસીઆઈ તરફથી પૂનમને બૅસ્ટ મહિલા ક્રિકેટર તરીકે પસંદ કરવામાં આવ્યાં હતાં. વર્ષ 2017ના વન ડે વર્લ્ડ કપમાં પણ પૂનમની ગૂગલીએ બહુ કમાલ દેખાડી હતી અને તે હવે તેમની ખાસિયત બની ગઈ છે.

રેલવે તરફથી રમતાં પૂનમે ક્લર્ક તરીકે શરૂઆત કરી હતી પણ હવે તેમને બઢતી આપીને સુપરિન્ટેન્ડેન્ટ બનાવાયાં છે.

પોતાના નાના કદને પૂનમે પોતાની આવડતમાં બદલી નાખ્યું છે. બૅટ્સમૅનની બહુ નજીકથી બૉલ નાખવાની કલામાં તેઓ ઉસ્તાદ થઈ ગયાં છે. બૅટ્સમૅન ક્રિઝની બહાર નીકળે તે સાથે જ વિકેટકિપર તેના દાંડિયા ડૂલ કરી દે અને વિકેટ મળી જાય પૂનમને.

પૂનમ યાદવને અર્જુન અવૉર્ડ પણ મળી ચૂક્યો છે. ઉત્તર પ્રદેશનાં બીજાં કોઈ મહિલા ખેલાડીને આજ સુધી આ અવૉર્ડ મળ્યો નથી.

વન ડે વર્લ્ડ કપ રૅન્કિંગમાં પૂનમ યાદવ સાતમા નંબરેનાં બૅસ્ટ બૉલર છે. ભારત તરફથી ટી-20માં સૌથી વધુ (92) વિકેટ લેવાનો રૅકર્ડ પણ પૂનમના નામે છે.

દીપ્તિ શર્મા

ઇમેજ સ્રોત, Getty Images

પૂનમ યાદવની જેમ જ આગ્રાનાં રહેવાસી દીપ્તિ શર્મા ભારતીય ટીમનાં જોરાદાર બૉલર છે.

ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામેની ટી-20 મૅચમાં દીપ્તિ સળંગ ત્રણ મૅઇડન ઑવર નાખનારાં પ્રથમ ભારતીય બૉલર બન્યાં હતાં.

ટી-20 વર્લ્ડ રૅન્કિંગમાં તે 4 નંબર પર છે અને વન ડે ઑલરાઉન્ડર રૅન્કિંગમાં પણ ચોથા સ્થાને છે.

2017માં તેમણે રમેલી ઇનિંગ યાદગાર બની ગઈ હતી. આયરલૅન્ડ સામેની મૅચમાં દીપ્તિએ 188 રન કર્યા હતા. મહિલા ક્રિકેટમાં તે બીજા નંબરનો સર્વોચ્ચ સ્કોર છે.

ઑસ્ટ્રેલિયામાં ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં દીપ્તિએ 46 બૉલમાં 49 રન કર્યા હતા અને એથી જ ટીમનો સ્કોર 133 સુધીનો થઈ શક્યો હતો.

દીપ્તિની સફળતામાં તેમના ભાઈની ભૂમિકા પણ બહુ અગત્યની છે, કેમ કે તેમણે પોતાની કારકિર્દી છોડીને દીપ્તિને ક્રિકેટર બનાવવા જહેમત ઉઠાવી હતી.

શિખા પાંડે

ઇમેજ સ્રોત, Getty Images

પૂનમ યાદવ સાથે ભારતીય ટીમનાં બીજી મજબૂત ફાસ્ટ બૉલર છે શિખા પાંડે. વર્તમાન ટી-20 વર્લ્ડ કપમાં 7 વિકેટ લઈને તે પાંચમાં નંબરે છે.

30 વર્ષનાં ઑલ રાઉન્ડર શિખા પાંડે હકીકતમાં ભારતના વાયુદળમાં કામ કરે છે અને સ્કવૉડન લીડર છે.

ગોવામાં તેમના પિતા કેન્દ્રીય વિદ્યાલયમાં હિંદીના શિક્ષક હતા. નાનપણથી શિખાને ક્રિકેટ રમવાનો શોખ હતો પણ લૅધર બૉલથી રમવાનો અનુભવ તેમને કૉલેજમાં પહોંચ્યા પછી જ મળ્યો હતો.

જોકે શરૂઆતમાં ક્રિકેટમાં બહુ સફળતા ના મળી, તેથી શિખા પાંડે વર્ષ 2011માં વાયુદળમાં જોડાઈ ગયાં અને ઍરટ્રાફિક કંટ્રોલર તરીકે કામ સંભાળ્યું.

2014માં આખરે શિખાને ભારતીય ટીમમાં સ્થાન મળ્યું. ઑસ્ટ્રેલિયામાં ચાલી રહેલા ટી-20 વર્લ્ડ કપની પ્રથમ મૅચમાં 3 અને બાંગ્લાદેશ સામેની મ્રચમાં 2 મહત્ત્વની વિકેટ શિખાને મળી હતી.

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બૉલિંગ સાઇડ આ રીતે બહુ મજબૂત છે તે વાત આ વર્લ્ડ કપમાં પણ સાબિત થઈ.

રાધા યાદવ

ઇમેજ સ્રોત, Getty Images

19 વર્ષના સ્પિનર રાધા યાદવે ટી-20 વર્લ્ડ કપની શ્રીલંકા સામેની મૅચમાં શાનદાર રીતે 4 વિકેટ લીધી હતી.

રાધાનો ઉછેર ગરીબી વચ્ચે થયો હતો. મુંબઈના કાંદિવલીમાં 200-250 ચોરસફૂટના નાનકડા ઘરમાં ઉછરેલાં રાધાએ આખરે ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું.

2000માં જન્મેલાં રાધાના પિતા ઓમપ્રકાશ ઉત્તર પ્રદેશના જૌનપુરથી મુંબઈમાં રોજગારી માટે આવ્યા હતા. તેમણે દૂધ વેચીને કુટુંબનું ગુજરાન ચલાવ્યું હતું. આવી ગરીબી વચ્ચે પણ રાધા અહીં સુધી પહોંચ્યાં છે.

વર્લ્ડ કપ

ઇમેજ સ્રોત, Getty Images

વર્લ્ડ કપમાં ભારત ચાર મૅચ રમ્યું અને લગભગ દરેક મૅચમાં કોઈ ને કોઈ બૉલરે જ બાજી પલટી હતી.

રાજેશ્વરી ગાયકવાડ, 20 વર્ષનાં ફાસ્ટ બૉલર પૂજા વસ્ત્રાકર અને 22 વર્ષનાં અરુંધતિ રેડ્ડી સાથે ટીમનાં અનુભવી બૉલરોએ ભારતને વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચાડ્યું છે. બૅટિંગમાં માત્ર શફાલી યાદવ જ સારો દેખાવ કરી શકયાં છે.

હવે સૌની નજર 8 માર્ચે છે, જ્યારે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલ મુકાબલો થશે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો