કાબુલમાં ઇસ્લામિક સ્ટેટના હુમલામાં 32 લોકોનાં મૃત્યુ, અમેરિકા-તાલિબાન સંધિ પછી પહેલો હુમલો

હુમલામાં ઇજાગ્રસ્ત વ્યક્તિ

ઇમેજ સ્રોત, AFP

કાબુલમાં એક કાર્યક્રમમાં કરાયેલા ગોળીબારમાં 32 લોકોનાં મૃત્યુ થયાં છે. દેશના ચીફ ઍક્ઝિક્યુટિવ અબ્દુલ્લા અબ્દુલ્લા આ ઘટનામાંથી સુરક્ષિત બચી ગયા પણ કટેલાય લોકો માર્યા ગયા.

ઉગ્રવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટે આ હુમલાની જવાબદારી સ્વીકારી છે. અફઘાન શિયા નેતાને શ્રદ્ધાંજલિ પાઠવવા માટે યોજાયેલા કાર્યક્રમમાં આ હુમલો કરવામાં આવ્યો છે. ગત વર્ષે પણ આવા જ એક કાર્યક્રમમાં ઇસ્લામિક સ્ટેટ હુમલો કર્યો હતો.

ગત શનિવારે અમેરિકા અને તાલિબાન વચ્ચે સમજુતી સધાયા બાદ કરાયેલા આ પ્રકારનો પ્રથમ હુમલો છે. એ સમજૂતી અફઘાનિસ્તાનમાં શાંતિપ્રયાસના ભાગરૂપે જોવાઈ રહી છે. જોકે, ઇસ્લામિક સ્ટેટ આ પ્રક્રિયાનું ભાગ નથી.

તાલિબાનના હાથે મૃત્યુ પામેલા હઝારા નેતા અબ્દુલ અલી મઝારીની 25મી મૃત્યતિથિ નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કાર્યક્રમનું જીવંત પ્રસારણ પણ કરાઈ રહ્યું હતું.

પોલીસના જણાવ્યા અનુસાર કાર્યક્રમના સ્થળની નજીક આવેલી એક ઇમારત પરથી ગોળીબાર કરવામાં આવ્યો હતો. સરકારી અધિકારીઓએ આ ગોળીબારમાં અત્યાર સુધી 60 લોકો ઘાયલ થયા હોવાની પુષ્ટિ કરી છે.

ઘટનાની જાણ થતાં જ ખાસ સુરક્ષાદળો દોડી ગયા હતા અને ગૃહમંત્રાલયના જણાવ્યા અનુસાર બે હુમલોખોરો માર્યા ગયા હતા.

શાંતિપ્રયાસ બાદ કાબુલમાં પ્રથમ મોટો હુમલો

ઇમેજ સ્રોત, AFP

અમેરિકા અને તાલિબાન વચ્ચે શાંતિપ્રયાસો શરૂ થયા બાદ દેશની રાજધાની કાબુલમાં આ પ્રકારનો પ્રથમ હુમલો થયો છે.

સમજૂતી અંતર્ગત અમેરિકા અને નાટો સૈન્ય આગામી 14 મહિનામાં પોતાના સૈનિકો પરત બોલાવશે. જેના બદલામાં તાલિબાન અફઘાન સરકાર સાથે વાતચીત કરશે.

આ ઉપરાંત અલ-કાયદા કે અન્ય કોઈ ઉગ્રવાદી સંગઠનને પોતાના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં સક્રિય ન થવા દેવા માટે પણ તાલિબાન તૈયાર થયું છે.

નોંધનીય છે કે અફઘાનિસ્તાન સ્થિત અલ-કાયદાએ વર્ષ 2001માં ન્યૂયૉર્ક પર હુમલો કર્યા બાદ અમેરિકાએ અફઘાનિસ્તાન પર ચઢાઈ કરી દીધી હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો