Corona Symptoms : સંક્રમણનાં ત્રણ મુખ્ય લક્ષણ શું છે? કેવી રીતે બચવું?

 • જેમ્સ ગૅલેગર
 • બીબીસી સંવાદદાતા
ગ્રાફિક્સ

ભારત સહિત આખી દુનિયા પર કોરોના વાઇરસની મહામારીએ ભરડો લીધો છે. દુનિયાભરમાં કરોડો લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

આ સંક્રમણથી કેવી રીતે બચવું તે અમે આપને જણાવી રહ્યા છીએ. કોરોના વાઇરસની સીધી અસર ફેફસાં ઉપર થાય છે.

તેનાં મુખ્ય ત્રણ લક્ષણ છે શરદી, તાવ રહેવો તથા સતત ખાંસી થવી.

ઘણી વખત દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે. કોરોના વાઇરસને કારણે અસામાન્યપણે ઉધરસ આવી શકે છે.

આવી ઉધરસ 24 કલાકમાં ત્રણ કે તેથી વધુ વખત આવતી હોય છે, જો ખાંસીની સાથે ગળફો આવે તો તે ગંભીર લક્ષણ છે.

કોવિડ-19નો ચેપ અટકાવવા માટે હાથને સાબુ તથા પાણીથી નિયમિત અને સારી રીતે ધોતાં રહો.

જો આપને ઉપરનાં ત્રણ લક્ષણોમાંથી કોઈ એક પણ લક્ષણ જણાય તો આપે કોરોનાનો ટેસ્ટ કરાવવો જોઈએ.

ઇંગ્લૅન્ડના જાહેર સ્વાસ્થ્ય વિભાગના જણાવ્યા અનુસાર કોરોનાના લગભગ 85% કેસમાં ઉપર જણાવાયેલાં લક્ષણોમાંથી ઓછામાં ઓછું એક લક્ષણ જોવા મળ્યું હતું.

'ઝૉય કોવિડ સિમ્ટમ સ્ટડી'ના એક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોરોનાના નવા વૅરિયન્ટના ચેપગ્રસ્ત દરદીમાં માથું દુખવું, ગળું બળવું, સતત નાક નીતરવું જેવાં લક્ષણો પણ જોવાં મળ્યાં છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસનાં લક્ષણો

આ વાઇરસમાં દરદીનું તાપમાન 37.8 ડિગ્રી જેટલું વધી શકે છે. જેના કારણે પેશન્ટનું શરીર ગરમ હોય છે અને તે ઠંડી અનુભવે છે. તેને ધ્રૂજારી પણ અનુભવાય છે.

કોરોના વાઇરસને કારણે ગળામાં અંતરસ, માથામાં દુખાવો તથા ડાયેરિયા થવાની શક્યતા પણ રહે છે.

તાજેતરમાં થયેલા કેટલાક અભ્યાસ મુજબ, પેશન્ટને ગંધ અને સ્વાદનો અનુભવ નથી થતો.

કોરોના વાઇરસની અસર ફેફસાં પર થાય છે. આની શરૂઆત તાવ અને સૂકા કફથી થાય છે જેનાંથી શ્વાસ લેવામાં તકલીફ પણ થાય છે.

વૈજ્ઞાનિકો કહે છે કે વાઇરસ સંક્રમણના લક્ષણ દેખાવાનું શરૂ થવામાં સરેરાશ પાંચ દિવસ લાગી જતા હોય છે. જોકે, વૈજ્ઞનિકો એમ પણ કહે છે કે કેટલાક લોકોમાં આ લક્ષણો મોડા પણ દેખાઈ શકે છે.

વર્લ્ડ હેલ્થ ઑર્ગેનાઇઝેશન (WHO)ના કહેવા પ્રમાણે, વાઇરસના શરીરમાં પ્રવેશ તથા લક્ષણ દેખાવામાં 14 દિવસ જેટલો સમય લાગી શકે છે.

જોકે, કેટલાક નિષ્ણાતોના કહેવા પ્રમાણે, તેમાં 24 દિવસ જેટલો સમય પણ લાગી શકે છે.

જે લોકોમાં સંક્રમણનાં લક્ષણો હોય તેમનાં શરીર થકી ચેપ વધારે ફેલાય છે. જોકે, એવું પણ નિષ્ણાતો કહે છે કે વ્યક્તિ બીમાર પડે એ પહેલાં પણ તે ચેપ ફેલાવી શકે છે.

કોરોના વાઇરસનાં શરૂઆતનાં લક્ષણો શરદી અને ફ્લૂ જેવા કે ઋતુ બદલાવવાને કારણે થતાં તાવ અને શરદી જેવો હોઈ કોઈ પણ સરળતાથી ભ્રમિત થઈ શકે છે.

લક્ષણો જણાય તો શું કરવું?

જો કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો દેખાતાં હોય તો વ્યક્તિએ ઓછામાં ઓછા સાત દિવસ માટે સેલ્ફ-આઇસોલેશનમાં રહેવું જોઈએ.

આ સ્થિતિમાં વધુ માહિતી મેળવવા માટે 104 સેવા પર સંપર્ક સાધવો, આ ઉપરાંત ગુજરાત રાજ્ય સરકારના સ્વાસ્થ્ય અને પરિવારકલ્યાણ વિભાગ દ્વારા જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર 079-23250818, 079-23251900 પર સંપર્ક સાધવો.

આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા એક વૉટ્સઍપ ચૅટબોટ પણ શરૂ કરવામાં આવ્યું છે. જેની માટે તમે વૉટ્સઍપના માધ્યમથી 07433000104 નંબર પર પણ મૅસેજ કરી શકશો.

તમને કોરોના વાઇરસનાં હળવાં લક્ષણો જણાતાં હોય તો હૉસ્પિટલમાં દોડી જતાં પહેલાં હેલ્પલાઇન નંબર પર સંપર્ક સાધી લેવો વધારે હિતાવહ છે.

પોતાનો બચાવ કેવી રીતે કરવો?

 • વારંવાર હાથ ધોવા એજ સૌથી સારો ઉપાય છે.
 • સાબુ અને પાણી વડે નિયમિત અને વ્યવસ્થિત રીતે હાથ ધોવા જોઈએ.
 • કોરોના વાઇરસનું સંક્રમણ ત્યારે ફેલાય છે જ્યારે વાઇરસથી સંક્રમિત વ્યક્તિ ઉધરસ ખાય અને હવામાં વાઇરસ ધરાવતા નાના ટીપાં તરે છે.
 • જો આસપાસ રહેલી વ્યક્તિના શ્વાસમાં આ ટીપાં પ્રવેશ કરે, અથવા એ જગ્યાને અડે જ્યાં એ નાના ટીપાં પડ્યાં હોય અથવા એ ટીપાં તમારી આંખ, નાક અથવા મોઢાંના સંપર્કમાં આવે તો ચેપ લાગે છે.
 • ઉધરસ છીંક આવે ત્યારે ટિશ્યૂ પેપર કે રૂમાલ આડો રાખવો.
 • ગંદા હાથે ચહેરાને ન અડવું. સંક્રમિત વ્યક્તિથી દૂર રહેવાથી કોરોના વાઇરસના સંક્રમણને સીમિત કરી શકાય છે.
 • મેડિકલ નિષ્ણાતોનું કહેવું છે કે ફેસ-માસ્કથી અસરકારક રીતે રક્ષણ નથી મળતું.

દવાખાનામાં દાખલ કરવાની જરૂર

જેમના શરીરમાં કોરોના વાઇરસે પ્રવેશ કરી લીધો છે, તેમાંથી મોટાભાગના પેશન્ટ આરામ કરે તથા પૅરાસિટેમોલ જેવી દવાઓની મદદથી સાજા થઈ શકે ચે.

જો દરદીને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગે તો તેને હૉસ્પિટલમાં દાખલ કરવાની જરૂર પડે છે.

ફેફસાંની તપાસ કર્યાં બાદ તબીબ જાણી શકે છે કે શરીરમાં વાઇરસનો વ્યાપ કેટલો છે તથા દર્દીને ઓક્સિજન તથા વૅન્ટિલેટરની જરૂર છે કે કેમ.

ICUમાં શું થાય?

ઇમેજ સ્રોત, BBC/PA

ઇન્ટેન્સિવ ઇન્ટેન્સિવ કેર યુનિટએ કોઈ હૉસ્પિટલનો વિશેષ વૉર્ડ હોય છે, જેમાં જે દરદીઓની સ્થિતિ ગંભીર હોય, તેમને રાખવામાં આવે છે.

કોરોના વાઇરસના પેશન્ટ્સની સ્થિતિ ગંભીર હોય તથા તેને ઓક્સિજનની જરૂર હોય તો તેને નાકમાં ટ્યૂબ વાટે કે પછી મોં પર માસ્ક દ્વારા ઓક્સિજન આપવો પડે છે.

ઘણી વખત ગળા પર કાપો મારીને પણ ફેફસાં સુધી સીધો જ ઓક્સિજન પહોંચે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે.

વૅન્ટિલેટર દ્વારા દરદીને ફેફસાં સુધી ઓક્સિજનનો પુરવઠો સીધો જ પહોંચે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

કોરોના વાઇરસ કેટલો ઘાતક?

કોરોના વાઇરસના સંક્રમણના આંકડાની તુલના મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સાથે કરીએ તો તે ઘણી ઓછી લાગે છે.

જોકે, દુનિયામાં અને દેશમાં દિવસ-રાત સંક્રમિત લોકો અને મૃત્યુ પામનારા લોકોની સંખ્યા જે રીતે કૂદકે અને ભૂસકે વધી રહી છે તે જોતા સરેરાશ મૃત્યુદરને હળવાશથી લઈ શકાય નહીં.

અનેક દેશોમાં આંશિક કે પૂર્ણ લૉકડાઉનની સ્થિતિ છે અને અનેક લોકોનો ઇલાજ ચાલી રહ્યો છે. મૃત્યુ પામનારા લોકોની સંખ્યા સતત વધી રહી છે.

56,000 સંક્રમિત લોકો વિશે કરવામાં આવેલા આંકડાઓને આધારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કરેલું એક અધ્યયન કહે છે કે -

 • 6 ટકા લોકો આ વાઇરસને કારણે ગંભીર રીતે બીમાર જેમાં ફેફસાંઓ નિષ્ફળ થઈ જવા, સેપ્ટિક શૉક, ઑર્ગન ફેઇલિયર અને મૃત્યુનું જોખમ હતું.
 • 14 ટકા લોકોમાં સંક્રમણના લક્ષણો જોવા મળ્યા. જેમાં શ્વાસ લેવાની તકલીફ અને ઝડપથી શ્વાસ લેવો જેવી સમસ્યાઓ થઈ.
 • 80 ટકા લોકોમાં સંક્રમણના મામૂલી લક્ષણો જોવા મળ્યા જેમ કે તાવ અને ખાંસી. અમુક લોકોમાં ન્યુમોનિયા પણ જોવા મળ્યો.

વૃદ્ધો અને પહેલેથી અસ્થમા, ડાયાબિટીસ અને હૃદયની બીમારીઓથી પીડાતા લોકો કોરોના વાઇરસને કારણે વધારે ગંભીર રીતે બીમાર પડી શકે છે.

કોરોના વાઇરસનો ઇલાજ એ વાત પર આધાર રાખે છે કે દરદીને શ્વાસ લેવામાં મદદ આપવામાં આવે અને તેનું શરીર વાઇરસ સામે લડી શકે માટે સક્ષમ બને તે માટે તેની રોગપ્રતિકારક શક્તિ વધારવામાં આવે.

કોરોના વાઇરસ કોવિડ-19ની રસી બનાવવાનું કામ હજુ ચાલુ જ છે.

મને તો ચેપ લાગ્યો નહીં હોય ને?

જો તમે કોઈ ચેપગ્રસ્તના સંપર્કમાં આવ્યા હતા, તેવું બહાર આવે, તો થોડા દિવસ માટે અન્ય લોકોને ન મળવાની સલાહ આપી શકાય છે.

પબ્લિક હેલ્થ ઇંગ્લૅન્ડના કહેવા પ્રમાણે, જે લોકોને આશંકા હોય કે તેઓ ચેપગ્રસ્ત છે, તેમણે મેડિકલ સ્ટોર, તબીબ કે હૉસ્પિટલની મુલાકાત લેવાનું ટાળવું જોઈએ અને ફોન ઉપર કે ઑનલાઇન માર્ગદર્શન મેળવવું જોઈએ.

જે લોકો તાજેતરમાં વિદેશની મુલાકાત લઈને વતન ફર્યાં છે, તેમને થોડા દિવસ માટે ક્વોરૅન્ટીન રહેવાની સલાહ અપાઈ રહી છે.

ભારતમાં કોરોના વાઇરસનો સામુદાયિક ફેલાવો ન થાય તે માટે 21 દિવસનું લૉકડાઉન 25 માર્ચથી શરૂ કરવામાં આવ્યું છે. ત્યારબાદ તેને ત્રીજી મે સુધી લંબાવવામાં આવ્યું છે .

અનેક દેશોએ પણ વાઇરસનો 'સામુદાયિક ફેલાવો' અટકાવવા માટે આંશિક-પૂર્ણ લૉકડાઉન કે સ્કૂલ-કૉલેજ બંધ કરવા તથા ધાર્મિક અને સામાજિક મેળાવડાઓ બંધ કરવા જેવા નિર્ણયો લીધા છે.

વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસની મહામારીમાં લોકોને કાળજી રાખવાની રીતો બાબતે સલાહ આપી છે.

સંક્રમણના લક્ષણો દેખાય તો વ્યક્તિએ સ્થાનિક આરોગ્ય અધિકારીનો સંપર્ક કરવો જોઈએ.

ગુજરાતમાં કોરોના વાઇરસની મહામારી માટે હૅલ્પલાઇન નંબર 104 છે અને કેન્દ્ર સરકારનો હેલ્પલાઇન નંબર +91-11-23978046 છે અને ટોલફ્રી નંબર 1075 છે.

આ સિવાય ભારતમાં અલગ-અલગ રાજ્યો પોતાની અલગઅલગ હૅલ્પલાઇન પણ શરૂ કરી છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો