કોરોના વાઇરસ : એક જ વ્યક્તિને બીજી વખત ચેપ લાગે?

Image copyright Getty Images
ફોટો લાઈન મુંબઈમાં પરંપરાગત વસ્ત્રોમાં બાળકીની અપીલ

કોઈ વ્યક્તિને કોરોના વાઇરસ કે તેના જેવા બીજા વાઇરસનો ચેપ એક વખત લાગ્યા પછી તેની રોગપ્રતિકારક શક્તિ વધી જાય છે અને એ વાઇરસનો ચેપ ફરી એ જ વ્યક્તિને લાગતો ન હોવાનું માનવામાં આવે છે.

જોકે, કોરોના વાઇરસના ચેપને લીધે બીમાર પડ્યા પછી સાજા થયેલા અનેક દર્દીઓના લેટેસ્ટ પરીક્ષણનું પરિણામ પૉઝિટિવ આવ્યું છે ત્યારે સવાલ એ છે કે તે બીજા વાઇરસથી અલગ છે?

70 વર્ષની વયની એક વ્યક્તિના કેસથી તો ડૉક્ટરો પરેશાન થઈ ગયા હતા.

એ વ્યક્તિને કોરોનાનો ચેપ લાગ્યો હોવાનું પુરવાર થયું હતું. એ પછી ફેબ્રુઆરીમાં તેમને ટોક્યોની હૉસ્પિટલમાં અન્ય દર્દીઓથી અલગ રાખવામાં આવ્યા હતા.

જાપાનની ન્યૂઝ ટેલિવિઝન ચેનલ એનએચકેના જણાવ્યા અનુસાર, એ વૃદ્ધ કોવિડ-19ની બીમારીમાંથી તો સંપૂર્ણપણે સાજા થઈ ગયા હતા અને તેમના ટેસ્ટ નૅગેટિવ આવ્યા પછી તેમને હૉસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી.

તેઓ ફરી સામાન્ય જિંદગી જીવવા લાગ્યા હતા અને રોજની માફક જાહેર પરિવહનનો ઉપયોગ કરવા લાગ્યા હતા, પણ થોડા દિવસ પછી તેમની તબિયત બગડવા લાગી હતી અને તેમને તાવ આવી ગયો હતો.

એ વૃદ્ધનો કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો ત્યારે ડૉક્ટર ચોંકી ઊઠ્યા હતા.

કોરોના વાઇરસમાંથી સાજી થયેલી વ્યક્તિને ફરી હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હોય તેવો જાપાનનો આ એકમાત્ર કિસ્સો નથી. અહીં આવા અનેક કિસ્સા જોવા મળ્યા છે, પણ શા માટે? કોરોના વાઇરસનો ચેપ એક જ વ્યક્તિને બીજી વાર લાગે છે?કોરોના વાઇરસનો ચેપ બીજી વખત શા માટે?

Image copyright Getty Images
ફોટો લાઈન કોરોના વાઇરસના વ્યવહારને સમજવા માટે દુનિયાભરના વિજ્ઞાનીઓ તેના વિશે સતત સંશોધન કરી રહ્યા છે

સ્પેનિશ નેશનલ સેન્ટર ફોર બાયોટેક્નૉલૉજી (સીએસઆઈસી)માં વાઇરસ પર સંશોધન કરતા લુઈ એખુઆનેસે બીબીસીને જણાવ્યું હતું કે પહેલી વાર વાઇરસનો ચેપ લાગ્યા પછી સાજા થયેલા લોકોમાં બીજી વાર કોરોના વાઇરસ ટેસ્ટ પૉઝિટિવ આવ્યો હોવાના કમસે કમ 14 ટકા કેસ બહાર આવ્યા છે.

તેમના જણાવ્યા અનુસાર, એ દર્દીઓને ફરી વાઇરસનો ચેપ લાગ્યો નથી, પણ એ જ વાઇરસ તેમના શરીરમાં પોતાનું પ્રમાણ વધારી રહ્યો છે. મેડિકલ સાયન્સમાં આ સ્થિતિને 'બાઉન્સિંગ બૅક' કહે છે.

લુઈ એખુઆનેસે કહ્યું હતું, "વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ કોરોના વાઇરસ સામે લડવા હંમેશ માટે તૈયાર થતી ન હોય એવી શક્યતા હોવાનું હું માનું છું. વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ જરાક નબળી પડે કે તરત જ શરીરમાં અગાઉથી હાજર વાઇરસ શરીર પર હુમલો કરે છે."

વાઇરસ શરીરમાં જ રહે છે?

Image copyright Getty Images
ફોટો લાઈન જાણકારો માને છે કે કોરોના વાઇરસ કોવિડ-19ની બીમારીમાંથી સંપૂર્ણપણે સાજા થઈ ચૂકેલા 14 ટકા લોકોમાં તેનો ચેપ ફરી જોવા મળી શકે છે

કેટલાક વાઇરસ માણસના શરીરમાં ત્રણ મહિના કે તેથી વધુ સમય સુધી રહી શકે છે.

લુઈ એખુઆનેસ કહ્યું હતું, "કોઈ વ્યક્તિના શરીરમાં વાઇરસ મળ્યો હોય અને એ પછી કરવામાં આવેલી ટેસ્ટ નૅગેટિવ આવી હોય તો એવું માનવામાં આવે છે કે એ વ્યક્તિના શરીરે તે વાઇરસ સામે લડવાનું શીખી લીધું છે. તેથી એ વાઇરસ ફરીથી એ વ્યક્તિને તકલીફ આપી નહીં શકે."

"અલબત્ત, ઘણી વખત વાઇરસ, જ્યાં શરીરની રોગપ્રતિકારક શક્તિની એકદમ ઓછી અસર હોય એવા ટિસ્યૂમાં છુપાઈ જતા હોય છે," એવું લુઈ એખુઆનેસે ઉમેર્યું હતું.

વાઇરસે વધારી વિજ્ઞાનીઓની ચિંતા

Image copyright Getty Images

કોવિડ-19 સંબંધી એક બાબતે વિજ્ઞાનીઓની ચિંતા વધારી દીધી છે અને એ બાબત છેઃ દર્દી સાજો થયા પછી તેને બીજી વખત ચેપ લાગે છે એ વચ્ચેનો સમય.

આપણે જાણીએ છીએ કે અલગ-અલગ બીમારી સામે શરીરની રોગપ્રતિકારક શક્તિ અલગ-અલગ રીતે કામ કરતી હોય છે.

ઓરી માટે બાળપણમાં જ આપવામાં આવતી રસી વ્યક્તિને એ બીમારી સામે આખી જિંદગી લડવા માટે તૈયાર કરી દેતી હોય છે.

જોકે, ઘણા આરોગ્ય અધિકારીઓ માને છે કે આયુષ્યના એક ખાસ તબક્કામાં વ્યક્તિને ઓરીની રસીનો બીજો ડોઝ આપવાનું ઇચ્છનીય હોય છે.

ઘણા વાઇરસ એવા હોય છે કે જેમની સામે રસી ખાસ સફળ સાબિત થતી નથી. તેથી રસીનો ડોઝ નિયમિત રીતે વધારવાનું (બૂસ્ટર ડોઝ) બહેતર ગણવામાં આવે છે.

તેની સાથે દર વર્ષે ઍન્ફ્લુએન્ઝા અને કોમન ફ્લુની રસી આપવાનું પણ જરૂરી હોય છે, કારણ કે વાઇરસ વારંવાર પોતાના સ્વરૂપમાં પરિવર્તન કરતો હોય છે.


વાઇરસને સમજવાના પ્રયાસ ચાલુ છે

કોવિડ-19 એક નવો વાઇરસ છે અને વિજ્ઞાનીઓ હાલ તેની હિલચાલને સમજવાના પ્રયાસ કરી રહ્યા છે. કોરોના વાઇરસ આટલો જલદી ઊથલો કઈ રીતે મારે છે એ સમજવામાં વિજ્ઞાનીઓ વ્યસ્ત છે.

મૅડ્રિડની કાર્લોસ થ્રી હેલ્થ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચર તરીકે કાર્યરત ઇઝિડોરો માર્ટિનેઝે જણાવ્યું હતું કે કોરોના વાઇરસના ચેપમાંથી સાજા થયેલા દર્દીને ફરી કોરોના વાઇરસનો ચેપ લાગે એ કોઈ નવી વાત નથી, પણ કોવિડ-19ના સંદર્ભમાં આવું ઓછા સમયગાળામાં થઈ રહ્યું છે.

ઇઝિડોરા માર્ટિનેઝે બીબીસીને કહ્યું હતું, "તમારું શરીર તેના સામે હંમેશ માટે લડવાનું શીખી જાય છે એવું નથી. એક-બે વર્ષ પછી રોગચાળા જેવી સ્થિતિ ફરી સર્જાય તો આ વાઇરસનો ચેપ તમને ફરી લાગી શકે છે."

"જોકે, જે વ્યક્તિ વાઇરસ સામે લડીને તેને હરાવી ચૂકી હોય એ જ વ્યક્તિને તે વાઇરસનો ચેપ ફરી લાગે એવું સામાન્ય રીતે બનતું નથી. અમે જાણીએ છીએ ત્યાં સુધી ફ્લૂ વાઇરસની માફક આ વાઇરસ વારંવાર પોતાનું સ્વરૂપ બદલતો નથી," એવું ઇઝિડોરા માર્ટિનેઝે ઉમેર્યું હતું.


હાલ જોવા મળતા કેસ સામાન્ય નથી

Image copyright Getty Images

જે લોકોમાં વાઇરસનો ચેપ ફરી જોવા મળ્યો છે તેમનામાં એ સંક્રમણ પહેલી વખત સંપૂર્ણપણે ખતમ નહીં થયું હોય, એ વાતે એખુઆનેસ સાથે માર્ટિનેઝ સહમત છે.

ઇઝિડોરા માર્ટિનેઝે કહ્યું હતું, "જે લોકોનો કોવિડ-19 વાઇરસ ટેસ્ટ ફરી પૉઝિટિવ આવ્યો હોય એમના શરીરમાંથી, પહેલી વાર લાગેલો વાઇરસનો ચેપ સંપૂર્ણપણે ખતમ ન થયો હોય અને રોગપ્રતિકારક શક્તિ ઓછી હોવાને કારણે વાઇરસ ફરી દેખાયો હોય એ શક્ય છે."

બન્ને વિજ્ઞાનીઓ માને છે કે કોરોના વાઇરસને સમજવા માટે વ્યાપક સંશોધનની જરૂર છે.

પેન અમેરિકન હેલ્થ ઑર્ગેનાઇઝેશને બીબીસીને જણાવ્યું હતું, "કોવિડ-19 એક નવો વાઇરસ છે. તેના વિશે આપણે ઘણું ઓછું જાણીએ છીએ. તેના વિશે રોજ નવીનવી માહિતી મેળવવામાં આવી રહી છે. તેથી તેનો ચેપ એક જ વ્યક્તિને બીજી વખત લાગવાના કારણો વિશે કશું કહેવું હાલ અમારા માટે મુશ્કેલ છે."

જોકે, આ રોગચાળામાંથી બચવાના સરકારના પ્રયાસોમાં મદદરૂપ થવાના તમામ પ્રયાસ વિજ્ઞાનીઓ કરી રહ્યા છે.

Image copyright MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો