કોરોના વાઇરસ : શું ગરીબ દેશોના દર્દીઓને મળી શકશે રસી?
- ફર્નાન્ડો ડુટર્ટે
- બીબીસી વર્લ્ડ સર્વિસ

ઇમેજ સ્રોત, Getty Images
કોરોના વાઈરસની વૅક્સિન વિકસાવવા માટે દુનિયાભરમાં સંશોધન ચાલી રહ્યું છે.
તેની સાથે એ વાતનો ડર પણ છે કે આ વૅક્સિન તૈયાર થઈ જશે પછી તે ગરીબ દેશોના દર્દીઓ માટે ઉપલબ્ધ થશે કે નહીં? અમીર દેશો તેની સંગ્રહખોરી તો નહીં કરેને?
મૉલિક્યૂલર જૅનેટિસિસ્ટ ડૉક્ટર કૅટ બ્રૉડરિક પણ કોવિડ-19 માટે વૅક્સિન બનાવવાના એક પ્રોજેક્ટ પર કામ કરી રહ્યાં છે. આ વાઈરસની વૅક્સિન બનાવવા માટે દુનિયામાં 44 પ્રોજેક્ટ ચાલી રહ્યા છે.
ડૉક્ટર કૅટ બ્રૉડરિક અમેરિકાની બાયૉટેકનૉલૉજી કંપની 'ઈનોવાયો'ની સંશોધકોની એક ટીમનો હિસ્સો છે અને એ ટીમનું લક્ષ્ય આ વર્ષના ડિસેમ્બર સુધીમાં વૅક્સિનના 10 લાખ ડોઝ તૈયાર કરવાનું છે. સવાલ એ છે કે આ વૅક્સિન દુનિયાના દરેક દેશ માટે ઉપલબ્ધ થશે કે નહીં?
ડૉક્ટર કૅટ બ્રૉડરિકના દિમાગમાં પણ આ સવાલ વારંવાર આવ્યા કરે છે. સ્કૉટલૅન્ડનાં ડૉક્ટર કૅટ બ્રૉડરિકનાં એક બહેન બ્રિટનની નેશનલ હેલ્થ સર્વિસમાં નર્સ તરીકે કાર્યરત છે.
'ઈમ્યુનાઈઝેશન ગૅપ'
ડૉક્ટર કૅટ બ્રૉડરિકે બીબીસીને જણાવ્યું હતું, "મારી બહેન આ બીમારીનો સામનો કરતા દર્દીઓની મદદ માટે દરરોજ લડે છે. તેથી વૅક્સિન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ થશે કે કેમ તેની ચિંતા મને હોય એ દેખીતું છે. આપણે કોઈ પણ સંજોગોમાં આ વૅક્સિન બનાવવી જ પડશે."
ઈનોવાયો જેવી કંપનીઓનાં સૉલ્યુશન્સની સંઘરાખોરી અમીર દેશો કરશે એવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ઍપિડેમિયોલૉજિસ્ટ સેઠ બર્કલે પણ આ 'ઈમ્યુનાઈઝેશન ગેપ'ના જોખમ બાબતે ચેતવણી આપી રહ્યા છે. તેઓ વૅક્સિન અલાયન્સ(ગાવી)ના ચીફ ઍક્ઝિક્યુટિવ ઑફિસર પણ છે.
ઇમેજ સ્રોત, Getty Images
વૅક્સિન અલાયન્સ (ગાવી) ખાનગી અને સરકારી ક્ષેત્રની સંસ્થાઓનું વૈશ્વિક આરોગ્ય સંબંધી સહિયારું સાહસ છે અને તેનો હેતુ દુનિયાના સૌથી ગરીબ 73 દેશોમાં ઈમ્યુનાઈઝેશન ઉપલબ્ધ કરાવવાનો છે. આ સંગઠનના સભ્યોમાં વિશ્વ આરોગ્ય સંગઠન પણ સામેલ છે.
સેઠ બર્કલેએ બીબીસીને કહ્યું હતું, "હાલ વૅક્સિન ઉપલબ્ધ નથી, પણ આપણે એ વિશે ચર્ચા શરૂ કરવી પડશે. વૅક્સિન અમીર દેશોના જરૂરિયાતવાળા લોકોની સાથે ગરીબ દેશોના જરૂરિયાતવાળા લોકો સુધી પણ પહોંચે એ સુનિશ્ચિત કરવું તે મોટો પડકાર છે. હું નિશ્ચિત રીતે ચિંતિત છું. ઓછી ઉપલબ્ધ હોય એવી ચીજો બાબતે હંમેશા ખરાબ વ્યવહાર કરવામાં આવે છે. આપણે આ દિશામાં કામ શરૂ કરવું પડશે."
હૅપેટાઈટિસ બીની વૅક્સિનનો કિસ્સો
સેઠ બર્કલેનો ડર અકારણ નથી. અગાઉની વૅક્સીનોના કિસ્સામાં પણ આવું જોવા મળ્યું હતું.
જર્મનીના 'વેલ્ટ એમ સોટેંગ' અખબારે વરિષ્ઠ સરકારી અધિકારીઓને ટાંકીને એવો અહેવાલ તાજેતરમાં પ્રકાશિત કર્યો હતો કે જર્મન બાયૉટેકનોલૉજી કંપની 'ક્યોરવેક' દ્વારા વિકસાવવામાં આવી રહેલી એક વૅક્સિન ખાસ કરીને અમેરિકનો માટે જ મેળવવાનો પ્રયાસ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે કર્યો હતો, જેમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા.
ઈમ્યુનાઈઝેશન ગૅપનું સૌથી મોટું ઉદાહરણ હૅપેટાઈટિસ બીની વૅક્સિનનું છે.
ઇમેજ સ્રોત, Getty Images
વિશ્વ આરોગ્ય સંગઠનના જણાવ્યા અનુસાર, હૅપેટાઈટિસ બીનો વાઈરસ લિવરના કેન્સરનું કારણ બનતો હોય છે અને તે એચઆઈવીની સરખામણીએ 50 ગણો વધારે ચેપી છે.
એક અનુમાન મુજબ, 2015માં આખી દુનિયામાં હૅપેટાઈટિસ બીના 25.7 કરોડ દર્દીઓ હતા.
આ બીમારી સામે ઈમ્યુનાઈઝેશન અમીર દેશોમાં 1982માં શરૂ થઈ ગયું હતું, પણ વર્ષ 2000 સુધી તેની વૅક્સિન દુનિયાના સૌથી ગરીબ દેશો પૈકીના 10 ટકા દેશોમાં પણ પહોંચી ન હતી.
બિલ અને મેલિન્ડા ગેટ્સે વર્ષ 2000માં ગાવીની સ્થાપના કરી હતી. બીજી વૅક્સીનોના કિસ્સામાં આ અંતર ઘટાડવામાં આ સંસ્થાએ મહત્વની ભૂમિકા ભજવી છે.
બે સ્તર સુધીની પહોંચ
ઇમેજ સ્રોત, Getty Images
આ દિશામાં વધુ એક મહત્વનું સહિયારું સાહસ કૉએલીશન ફૉર ઍપીડેમિક પ્રીપેર્ડનેસ ઈનોવેશન્શ (કેપી) પણ છે. નોર્વેસ્થિત આ એજન્સીની સ્થાપના 2017માં કરવામાં આવી હતી.
આ એજન્સીનો હેતુ સરકારી તથા ખાનગી દાન મારફત મળતા નાણાંનો ઉપયોગ વૅક્સિન વિકસાવવા માટે કરવાનો છે.
આ કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું, "આપણે આ વૈશ્વિક ચેપી બીમારીને વૅક્સિનની યોગ્ય વહેંચણી વિના રોકી શકીશું નહીં."
જોકે, પરિસ્થિતિ હજુ પણ દ્વિસ્તરીય હોવાની છે. તેનું એક ઉદાહરણ ગાર્ડાસિલનું છે. હ્યુમન પેપિલોમા વાઈરસ(એચપીવી)નો પ્રસાર રોકવાની આ વૅક્સિન અમેરિકાની કંપની મર્કે 2007માં બનાવી હતી. આ વૅક્સિનનો ઉપયોગ કરવાની પરવાનગી અમેરિકાના અધિકારીઓએ 2014માં આપી હતી.
સર્વાઈકલ કેન્સરના મોટાભાગના કિસ્સામાં એચપીવી કારણભૂત હોય છે, પણ 2019 સુધી આ વૅક્સિન વિશ્વના ગરીબ દેશો પૈકીના માત્ર 13 દેશ સુધી જ પહોંચી હતી. તેનું દોષી કોણ છે? તેનું કારણ વધતી માગ સામે વૈશ્વિક સ્તરે ઓછી સપ્લાય છે.
ઓછી કમાણીવાળો બિઝનેસ
સર્વાઈકલ કેન્સરને લીધે થતાં કુલ મૃત્યુ પૈકીનાં 85 ટકા વિકાસશીલ દેશોમાં થતાં હોવા છતાં આ વૅક્સિન ગરીબ દેશોમાં પૂરતા પ્રમાણમાં પહોંચાડી શકાતી નથી.
આ શોર્ટેજ શા માટે છે એ સમજવા માટે વૅક્સિનના બિઝનેસના ધંધાને સમજવો પડશે. ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીમાં કમાણી વૅક્સિન વેચવાથી થતી નથી.
2018માં ફાર્માસ્યુટિકલ્સનું વૈશ્વિક માર્કેટ 1.2 લાખ કરોડ ડૉલરનું હતું, પણ તેમાં વૅક્સિનની હિસ્સેદારી માત્ર 40 અબજ ડૉલરની હતી. આ તફાવતથી સમજાય છે કે દવાઓની સરખામણીએ વૅક્સિન વિકસાવવાનું કામ જોખમી હોય છે.
વૅક્સિન વિકસાવવા માટે વધારે રિસર્ચ કરવું પડે છે અને તેમાં ખર્ચો પણ વધારે થાય છે.
બીજી તરફ વૅક્સિનના ટેસ્ટિંગ માટે આકરાં પરીક્ષણમાંથી પસાર થવું પડે છે. સરકારી સ્વાસ્થ્ય એજન્સીઓ વૅક્સિનની સૌથી મોટા ખરીદકર્તા હોય છે, પણ ખાનગી ગ્રાહકોની સરખામણીએ તે ઘણા ઓછા ભાવે વૅક્સિન ખરીદતી હોય છે.
બ્લોકબસ્ટર વૅક્સિન
ઇમેજ સ્રોત, Getty Images
આ કારણોસર વૅક્સિનનો બિઝનેસ બીજી દવાઓની સરખામણીએ ઓછો ફાયદાકારક બની રહે છે. ખાસ કરીને માણસને તેની જિંદગીમાં એક જ વાર આપવામાં આવતી હોય એવી વૅક્સિનોના કિસ્સામાં આ અંતર વધી જાય છે.
અમેરિકામાં 1967માં 26 કંપનીઓ વૅક્સિન બનાવતી હતી. એ સંખ્યા 2004માં ઘટીને માત્ર પાંચ થઈ ગઈ હતી.
અલબત, હવે બિલ અને મેલિન્ડા ગેટ્સ તથા બીજા લોકોના પ્રયાસોને કારણે આ દૃશ્ય બદલાઈ રહ્યું છે. આ લોકોએ વૅક્સિનના કામ માટે અબજો ડૉલરનું ભંડોળ ફાળવ્યું છે. તેને કારણે આ પ્રોડક્ટ્સની માગમાં પણ વધારો થયો છે.
પ્રીવેનાર જેવી વૅક્સિનની શોધથી આ ઉદ્યોગને ઘણો ફાયદો થયો છે. આ વૅક્સિન બાળકો તથા યુવાઓને ન્યૂમોનિયાના બેક્ટેરિયાથી બચાવે છે.
ઇમેજ સ્રોત, Getty Images
2019માં પ્રીવેનાર સમગ્ર વિશ્વમાં સૌથી વધુ વેચાયેલી 10 દવાઓ પૈકીની એક હતી. સાયન્ટિફિક જર્નલ 'નેચર'ના જણાવ્યા અનુસાર, 2019માં આ વૅક્સિને કુલ 5.8 અબજ ડૉલરની કમાણી કરી હતી.
ફાઈઝર કંપનીએ બનાવેલી આ બ્લોકબસ્ટર વૅક્સિને, ફાઈઝરે જ બનાવેલી તેની સૌથી વિખ્યાત પ્રોડક્ટ વાયાગ્રાને વેચાણમાં ક્યાંય પાછળ રાખી દીધી હતી.
ગાવી દ્વારા ગરીબ દેશોને પ્રીવેનારના સિંગલ ડોઝનું વેચાણ ત્રણ ડૉલરથી પણ ઓછી કિંમતે કરવામાં આવી રહ્યું છે, જ્યારે અમેરિકામાં તેના એક ડોઝની કિંમત 180 ડૉલર છે.
ઓપન માર્કેટની ચિંતા
ઇમેજ સ્રોત, Getty Images
બ્રિટનમાં એચપીવીના બે ડોઝના કોર્સની કિંમત 351 ડૉલર થાય છે. ગાવી એ વૅક્સિન પાંચ ડૉલરમાં ઉપલબ્ધ કરાવે છે. તેથી અમીર માર્કેટ્સમાં વૅક્સિન પર તગડો નફો મળે છે. કમસેકમ સંશોધન અને વિકાસ માટે ખર્ચ કરવાનો તે એક સારો વિકલ્પ છે.
ઍસોસિયેશન ઑફ બ્રિટિશ ફાર્માસ્યુટિકલ ઈન્ડસ્ટ્રીના એક અનુમાન અનુસાર, નવી વૅક્સિન વિકસાવવા માટે 1.8 અબજ ડૉલર સુધીનો ખર્ચ થઈ શકે છે.
લંડન સ્કૂલ ઑફ હાઈજીન ઍન્ડ ટ્રૉપિકલ મેડીસિનના પ્રોફેસર માર્ક જિટે બીબીસીને કહ્યું હતું, "આપણે આ ઓપન માર્કેટને હવાલે કરીએ તો માત્ર અમીર દેશો જ કોવિડ-19ની વૅક્સિન મેળવી શકશે."
વિશ્વ આરોગ્ય સંગઠનના આંકડા અનુસાર, ઓછો નફો મળતો હોવા છતાં ફાઈઝર અને મર્ક જેવી મોટી ફાર્મા કંપનીઓ સમગ્ર દુનિયામાં 80 ટકા વૅક્સિનનું વેચાણ કરે છે. આખરે મોટી કંપનીઓ જ કોરોના વાઇરસની વૅક્સિનના વેચાણમાં મોટી ભૂમિકા ભજવે એ શક્ય છે.
દાખલા તરીકે ઈનોવાયોએ પ્રોડક્ટનું ઉત્પાદન કરોડો ડોઝના સ્તરે પહોંચાડવા માટે કોઈ મોટી ફાર્મા કંપની સાથે ભાગીદારી કરવી પડશે.
બ્રિટનની ગ્લૅક્સોસ્મિથક્લાઈન કંપની કોવિડ-19ની વૅક્સિન વિકસાવવા માટે અનેક કંપનીઓ સાથે ભાગીદારી કરી ચૂકી છે.
કંપનીના સીઈઓ એમા વાલ્મસ્લેએ એક નિવેદનમાં જણાવ્યું હતું, "કોવિડ-19ને હરાવવા માટે આપણે બધાએ સાથે મળીને કામ કરવું પડશે."
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ : કોવિડ-19 વિશે આપણે હજુ પણ શું-શું જાણતા નથી? જાણવા માટે ક્લિક કરો
- કોરોનાથી બચવા માટે હાથ ધોવાની યોગ્ય રીત કઈ? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસની શરૂઆતથી લઈને સારવાર સુધીની તમામ માહિતીજાણવા માટે ક્લિક કરો
- કયા પ્રાણીને કારણે કોરોના ફેલાયો? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- 98 વર્ષ અગાઉ ભારતમાં દોઢ કરોડોનો ભોગ લેનારી એ મહામારી વિશે જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમની જટિલ દુનિયા કેટલી તમારા હાથમાં? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો