કોરોના વાઇરસ સામેના સંઘર્ષની અત્યંત ડરામણી ત્રણ કહાણી

  • ઍના કૉલિંસન
  • આરોગ્ય સંવાદદાતા
કોરોના

ચીનના વુહાન શહેરથી શરૂ થયેલું કોરોના વાઇરસનું સંક્રમણ લગભગ આખી દુનિયાને ભરડામાં લઈ ચૂક્યું છે.

કોરોના વાઇરસના ચેપને લીધે મૃત્યુ પામતાં લોકોની સંખ્યા રોજ વધતી જાય છે અને બીજા હજારો લોકો તેનાથી સંક્રમિત થતાં રહે છે.

આ વાઇરસને કારણે આખી દુનિયામાં ભયનું વાતાવરણ છે, પણ આ બધાની વચ્ચે આશાસ્પદ વાત એટલી જ છે કે ઘણા દર્દીઓ ફરી સાજા પણ થઈ રહ્યા છે.

કોરોના વાઇરસને ચેપનો ભોગ બનેલી દરેક વ્યક્તિનો અનુભવ અલગ છે. એ પૈકીના કેટલાકમાં સામાન્ય કે અત્યંત ઓછાં લક્ષણ જોવા મળ્યાં હતાં, જ્યારે કેટલાકમાં મામલો ગંભીર હતો. કેટલાક એવા કેસ પણ બહાર આવ્યા હતા કે જેમાં ચેપ લાગ્યાનાં કોઈ લક્ષણો જ દેખાયાં ન હતાં.

જોકે, તમને ચેપ લાગ્યો છે તેની એકવાર ખબર પડી જાય તો પછી હૉસ્પિટલમાં દાખલ થવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહેતો નથી.

ચેપ લાગ્યાનું પૂરવાર થવાથી હૉસ્પિટલમાં સારવાર લેવી પડી હોય એવા ત્રણ લોકો સાથે અમે વાત કરી હતી. આ ત્રણેય કેસ એકમેકથી એકદમ અલગ છે, પણ તેમના હૉસ્પિટલમાં દાખલ થવાનું એકમાત્ર કારણ હતું - કોવિડ-19.

‘હું મારી અને મારાં બાળકની જિંદગી માટે લડતી હતી’

દક્ષિણ-પૂર્વ ઇંગ્લૅન્ડના કૅન્ટના હેર્ને બે વિસ્તારમાં રહેતાં કૅરેન મેનરિંગ છ મહિનાથી ગર્ભવતી છે.

તેમના ગર્ભમાં તેમનું ચોથું સંતાન વિકસી રહ્યું છે. માર્ચના બીજા સપ્તાહમાં કૅરેનને ખાંસી થઈ હતી. ખાંસીની સાથે તેમને જોરદાર તાવ પણ આવતો હતો. પછી એક દિવસ બધું બદલાઈ ગયું.

કૅરેન કહે છે, "હું બરાબર શ્વાસ લઈ શકતી ન હતી. મેં હેલ્પલાઇન પર ફોન કર્યો. થોડી મિનિટોમાં જ એક ઍમ્બુલન્સ મારા ઘરના દરવાજે આવી ગઈ. હું ખરેખર શ્વાસ લઈ શકતી ન હતી. તેથી તેમણે મને સીધું ઑક્સિજન આપવાનું શરૂ કર્યું હતું."

હૉસ્પિટલમાં જાણવા મળ્યું હતું કે કૅરેનને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો છે.

તેમને ન્યુમોનિયાની તકલીફ પણ હતી. પછી તેમને હૉસ્પિટલના એક ઓરડામાં થોડા સપ્તાહ માટે એકલાં રાખવામાં આવ્યાં હતાં.

કૅરેન કહે છે, "મારા રૂમમાં આવવાની અને મને મળવાની છૂટ કોઈને ન હતી. ત્યાં મને બહું એકલું લાગતું હતું. બે-ત્રણ દિવસ સુધી તો હું પથારીમાંથી બેઠી જ નહોતી થઈ. ટૉઇલેટ સુદ્ધાં ગઈ ન હતી. મારી બેડશીટ બદલવાની હોય ત્યારે હું પડખું ફરી જતી હતી, પણ પથારીની નીચે ઊતરી ન હતી."

કૅરેન ઉમેરે છે, "મને શ્વાસ લેવામાં ઘણીવાર તકલીફ થતી ત્યારે અટેન્ડન્ટ સંપૂર્ણપણે સજ્જ થઈ જાય તેની રાહ જોવી પડતી હતી. જે મને સારવાર આપવા આવવાનું છે એ પોતે સલામતી કવચ પહેરી લે ત્યાં સુધી મારે આવી જ હાલતમાં પડ્યું રહેવું પડતું હતું.”

“હું શાંત રહું એટલે મારા પરિવારજનો મારી સાથે ફોન પર સતત વાત કરતા રહેતા હતા. હું બહું ભયભીત હતી. હું મરવાની હતી અને મારો પરિવાર કહેતો હતો કે તેઓ કોઈ પણ પરિસ્થિતિ માટે તૈયાર છે."

કૅરેન કહે છે, "હું દરેક શ્વાસ માટે ઝઝૂમતી હતી. એ લડાઈ મારા અને મારી કૂખે જન્મનારા બાળક માટે હતી."

કૅરેન સાજા થઈને હોસ્પિટલની બહાર નીકળ્યાં એ દિવસને ભૂલી શકતાં નથી. તેઓ ચહેરા પર તાજી અને ઠંડી હવાનો સ્પર્શ અનુભવી શકતાં હતાં.

એ ઘટનાને યાદ કરતાં કૅરેન કહે છે, "હું અને મારા પતિ કારમાં બેસીને ઘરે પરત જઈ રહ્યાં હતાં. અમે બન્નેએ માસ્ક પહેર્યા હતા, પણ કારની બારીના કાચ ખુલ્લા હતા અને હું તાજી હવાની લહેરખી અનુભવી શકતી હતી."

કૅરેન માને છે કે તેમણે હૉસ્પિટલમાં એકલા પસાર કરેલા કેટલાંક સપ્તાહે તેમની જિંદગીને હંમેશ માટે બદલી નાખી છે. સપ્તાહો પછી ચહેરાને સ્પર્શતી ઠંડી-તાજી હવાની માફક દરેક નાની-નાની ચીજનું મહત્ત્વ તેમને સમજાયું છે.

કૅરેન ઘરે પાછાં આવી ગયાં છે, પણ ઘરે તેઓ સૅલ્ફ-આઇસોલેશનમાં છે. ઘરમાં હાજર બીજા લોકોનો અવાજ તેમને સંભળાય છે. એ લોકો કૅરેનના રૂમમાં આવતા નથી, પણ બહાર ઊભા રહીને કૅરેનનો જુસ્સો જરૂર વધારે છે.

કૅરેનને આશંકા છે કે તેઓ જે સલૂનમાં કામ કરે છે ત્યાં તેમને કોરોના વાઇરસનો ચેપ લાગ્યો હશે, પણ તેની તેમને ખાતરી નથી.

કૅરેન ભારપૂર્વક માને છે કે આ સંક્રમણે તેમને મજબૂત બનાવ્યાં છે.

"હું માત્ર એટલું ઇચ્છતી હતી કે કોઈ મને મદદ કરે"

આ કથા જૅસી ક્લાર્કની છે.

જૅસીને પહેલાંથી જ ખબર હતી કે તેમને કોરોના વાઇરસનો ચેપ લાગશે તો તેમના પર, બીજી સંક્રમિત વ્યક્તિ કરતાં ઘણું વધારે જોખમ હશે.

તેમને કિડનીની ખતરનાક બીમારી છે અને પાંચ વર્ષ પહેલાં તેમની એક કિડની કાઢી નાખવામાં આવી છે.

26 વર્ષનાં જૅસીને પહેલાં ખાંસી આવવી શરૂ થઈ હતી અને પછી શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. એ બન્ને લક્ષણ જોવા મળ્યાં પછી જૅસીની ચિંતા વધી ગઈ હતી.

થોડા દિવસ પછી તો જૅસીનું હરવા-ફરવાનું બંધ થઈ ગયું હતું. તેમને ચાલવામાં તકલીફ થવા લાગી હતી.

જૅસી કહે છે, "મારી પાંસળીઓ, પીઠ અને પેટની આજુબાજુમાં બહુ પીડા થતી હતી. જાણે કોઈએ મને બહુ માર માર્યો હોય એવું લાગતું હતું."

બ્રિટનમાં લૉકડાઉનની જાહેરાત થઈ ચૂકી હતી, પણ જૅસીની તકલીફ વધતી જતી હતી. જૅસીના ફિઆન્સે તેમને હૉસ્પિટલે લઈ ગયા હતા. હૉસ્પિટલે પહોંચતાંની સાથે જ જેસીને અળગાં કરી દેવાયાં હતાં. સલામતીના અને તકેદારીના કારણસર એમ કરવામાં આવ્યું હતું.

જેસી કહે છે, "મને એકલાં બહુ ડર લાગતો હતો, પણ હું એવી સ્થિતિમાં હતી કે જ્યાં હું એટલું જ ઇચ્છતી હતી કે કોઈ મને મદદ કરે. મને લીલા રંગનું માસ્ક આપવામાં આવ્યું. પછી મને કોવિડ-19ના બીજા દર્દીઓને રાખવામાં આવ્યા હતા એ વિભાગમાં લઈ જવામાં આવી હતી. ત્યાં દરેક બેડ વચ્ચે એક દીવાલ હતી."

જૅસી ઉમેરે છે, "મારો કોવિડ-19 ટેસ્ટ કરવામાં આવ્યો ન હતો. મારા ડૉક્ટરે મને જણાવ્યું હતું કે તેઓ દરેક દર્દીના સ્વૅબ ટેસ્ટ કરી શકતા નથી, પણ એ માનવું સલામતીભર્યું હશે કે મને કોવિડ-19નો ચેપ લાગ્યો છે. મારી છાતીમાં જોરદાર બળતરા થતી હતી."

જૅસીને શ્વાસ લેવામાં આ અગાઉ ક્યારેય તકલીફ થઈ ન હતી.

જૅસી કહે છે, "યોગ્ય રીતે શ્વાચ્છોશ્વાસની પ્રક્રિયા ન ચાલતી હોય તો આપણે અંદરથી ડરી જઈએ છીએ."

જૅસી હૉસ્પિટલમાં પ્રવેશ્યાના છ કલાક થઈ ચૂક્યા હતા. તેમના ફિઆન્સે બહાર કારમાં બેસીને તેમની રાહ જોતા હતા. અંદર શું થઈ રહ્યું છે તેની તેમને કંઈ ખબર ન હતી.

ઘણા લોકોને લાગતું હતું કે તેમને કારણે જૅસીને આ વાઇરસનો ચેપ લાગ્યો છે, કારણ કે તેઓ એક કારીગર છે.

પાંચ દિવસ પછી જૅસીને હૉસ્પિટલમાંથી રજા મળી, પણ ચાલવામાં ત્યારેય તકલીફ થતી હતી. પાછા ફર્યા બાદ જેસી 18-18 કલાક ઊંઘતાં રહ્યાં હતાં. તેમને અનેકવાર ઉઘરસ આવી હતી, પણ હવે જેસી બરાબર શ્વાસ લઈ શકે છે.

જૅસી કહે છે, "કેટલાક યુવાઓને લાગતું હતું કે તેમને આ વાઇરસની કોઈ અસર નહીં થાય, પણ હવે તેઓ કોવિડ-19ને ગંભીર ગણી રહ્યા છે."

ઇમેજ કૅપ્શન,

સ્ટીવર્ટ

64 વર્ષના સ્ટીવર્ટને ખાતરી હતી કે તેમને કોયર મિટિંગ દરમિયાન ચેપ લાગ્યો હશે.

સ્ટીવર્ટ કહે છે, "અમે સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણપણે પાલન કરી રહ્યા હતા, પણ એ ગુરુવારની કોયર મિટિંગમાં ભીડ કંઈક વધારે પડતી હતી. ફ્લૂનાં લક્ષણો ધરાવતા કેટલાક લોકો પણ તેમાં આવ્યા હતા."

થોડા સપ્તાહ પહેલાં થયેલી એ મિટિંગના દસ દિવસ પછી સ્ટીવર્ટની હાલત ખરાબ થવા લાગી હતી.

સ્ટીવર્ટ કહે છે, "પહેલાં તેની અસર ઓછી જણાતી હતી, પણ પછી પગથિયાં ચડવામાં તકલીફ થવા લાગી હતી. જાણે કોઈ વૃદ્ધ શ્વાસ લેતા હોય એવી રીતે હું શ્વાસ લેવા લાગ્યો હતો. થોડા દિવસ પછી મૂવમેન્ટમાં તકલીફ થવા લાગી હતી. વાઇરસે મારાં ફેફસાં પર હુમલો કર્યો હતો."

સ્ટીવર્ટના પરિવારે ફોન કરીને મદદ માગી હતી. એ પછી સ્ટીવર્ટને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

સ્ટીવર્ટ જણાવે છે કે હૉસ્પિટલે પહોંચ્યા બાદ તેમના અનેક ટેસ્ટ કરવામાં આવ્યા હતા. સ્વૅબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો.

સ્ટીવર્ટને કોરોના વાઇરસનો ચેપ લાગ્યાનું નિદાન ડૉક્ટરોએ કર્યું એ પછી તેમને ઑક્સિજન પર રાખવામાં આવ્યા હતા.

સ્ટીવર્ટને એક અંધારિયા ઓરડામાં રાખવામાં આવ્યા હતા.

તેઓ કહે છે, "મને લાગતું હતું કે મારું જીવન ખતમ થવામાં છે, પણ હું જીવવા ઇચ્છતો હતો. હું મારી ભીતર ચાલતા દ્વંદ્વને અનુભવી શકતો હતો."

સ્ટીવર્ટને થોડા દિવસ પછી હૉસ્પિટલમાંથી રજા મળી ગઈ હતી, પણ ઘરે પહોંચ્યા બાદ તેઓ સૅલ્ફ-આઇસોલેશનમાં રહે છે. હૉસ્પિટલથી ઘરે પાછા આવ્યા બાદ તેઓ અગાઉની સરખામણીએ વધુ પાણી પીવા લાગ્યા છે, જેથી તેમનાં ફેફસાં અને ગળાની હાલત પૂર્વવત્ થઈ શકે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો