કિમ જૉંગ-ઉન : નૉર્થ કોરિયાના આ નેતા અંગે વારંવાર અફવા કેમ ફેલાય છે?

કિમ જૉંગ-ઉનની તસવીર

ઇમેજ સ્રોત, Reuters

હાર્ટસર્જરી બાદ ઉત્તર કોરિયાના નેતા કિમ જૉંગ-ઉન ગંભીર રીતે બીમાર થયા હોવાના અહેવાલ વહેતા થયા છે, પરંતુ દક્ષિણ કોરિયાનું કહેવું છે કે આ રિપોર્ટ્સ પાયાવિહોણાં છે.

'કિમ જૉંગ-ઉન ગંભીર રીતે બીમાર' કે 'બ્રેઇન-ડેડ' કે 'સર્જરી બાદ તબિયત સુધાર પર' જેવા અહેવાલોની ખરાઈ કરવી હંમેશા મુશ્કેલ હોય છે.

જોકે, આ વખતે દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિભવનનું કહેવું છે કે ઉત્તર કોરિયાના નેતા જૉંગ-ઉન 'ગંભીર રીતે બીમાર' છે, એવા કોઈ સંકેત નથી.

અગાઉ પણ આવી રીતે જૉંગ-ઉનની નાદુરસ્ત તબિયત અંગેના અહેવાલ વહેતા થયા છે, જેને બાદમાં નકારી દેવાયા હોય.

અટકળોનું આરંભબિંદુ

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

છેલ્લે 12મી એપ્રિલે જૉં-ઉન જાહેરમાં દેખાયા હોવાના અહેવાલ

તા. 15મી એપ્રિલે ઉત્તર કોરિયાના સ્થાપક એવા કિમ જૉંગ-ઉનના દાદાની જયંતી હતી. તે દેશની ભવ્યતમ ઇવેન્ટ્સમાંથી એક હોય છે, પરંતુ જૉંગ-ઉન તેમાં જોવા મળ્યા ન હતા.

એવું માનવામાં આવે છે કે તેમણે આ કાર્યક્રમને ટાળ્યો એની પાછળ કોઈ અનિવાર્ય કારણ જવાબદાર હશે, અન્યથા તેઓ ક્યારેય આ કાર્યક્રમમાં ભાગ લેવાનું ચૂક્યા નથી.

છેલ્લે તેઓ તા. 12મી એપ્રિલે જાહેરમાં ફાઇટર પ્લેનનું નિરીક્ષણ કરતા જોવા મળ્યા હતા.

પરંતુ તે વીડિયો ક્યારે શૂટ કરવામાં આવ્યો હતો, તે ચોક્કસપણે કહી શકાય તેમ નથી.

સરકારી મીડિયાના અહેવાલ મુજબ તેના એક દિવસ પૂર્વે કિમ જૉંગ-ઉને એક મહત્ત્વપૂર્ણ રાજકીય બેઠકમાં ભાગ લીધો હતો.

ઉત્તર કોરિયામાં તાજેતરમાં મિસાઇલ લૉન્ચ કરવામાં આવી હતી, પરંતુ તે સમયે કિમ ત્યાં હાજર ન હતા.

સામાન્ય રીતે આવા લૉન્ચ સમયે તેઓ હાજર રહે છે.

અવારનવાર અટકળોનું કારણ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

કિમ ।।-સંગની જયંતી ઉત્તર કોરિયામાં ભવ્ય ઉત્સવ

ઉત્તર કોરિયામાંથી રિપોર્ટિંગ કરવું મુશ્કેલ છે, એટલે મોટાભાગના અહેવાલો સરકારી મીડિયામાં અગાઉ પ્રકાશિત માહિતીનો આધાર લઈને પ્રકાશિત કરવામાં આવે છે.

જાન્યુઆરી મહિનાના અંતભાગમાં કોવિડ-19ને કારણે ઉત્તર કોરિયાએ તેની સરહદો બંધ કરી દીધી હતી.

ઉત્તર કોરિયાથી નાસી છૂટેલા લોકો દ્વારા 'ડેઇલી એન.કે.'ન નામની વેબઇસાટ ચલાવવામાં આવે છે, જેના ઉપર તેમની માંદગી અંગેના અહેવાલ વહેતા થયા હતા.

રિપોર્ટ મુજબ, તેમને હૃદય સંબંધિત બીમારીઓ હતી, જે પેકટૂ પર્વતની મુસાફરી બાદ વકરી હતી.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

કિમ જૉંગ-ઉને ઘોડા ઉપર ચડીને પરિવાર માટે પવિત્ર પેકટૂ પહાડની યાત્રા ખેડી હતી

સમગ્ર વિશ્વમાં મીડિયાએ આ વેબસાઇટના અહેવાલને આધારે સમાચાર પ્રકાશિત કર્યા હતા.

ત્યારબાદ અમેરિકા તથા દક્ષિણ કોરિયાની ગુપ્તચર સંસ્થાઓએ આ અહેવાલની ખરાઈ કરવાની તજવીજ હાથ ધરી હતી.

ન્યૂઝ એજન્સી રૉઇટર્સે ચીનના ગુપ્તચર તંત્રના અધિકારીઓ તથા દક્ષિણ કોરિયાની સરકારના સૂત્રોને ટાંકતા દાવો કર્યો છે કે 'કિમ જૉંગ-ઉનની તબિયત અત્યંત નાદુરસ્ત' હોવાના અહેવાલ પાયાવિહોણાં છે.

જોકે, કોઈએ જૉંગ-ઉનની હાર્ટની સર્જરી થઈ હોવાની વાત નકારી ન હતી.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો