કોરોના વાઇરસ : મહાસત્તા અમેરિકાએ કરેલી એ મોટી ભૂલો જેણે લાખ લોકોનો જીવ લીધો

ઇમેજ સ્રોત, AFP
આજે વિશ્વમાં કોરોનાનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોની યાદીમાં અમેરિકા ટોચ ઉપર છે. કોરોનાને કારણે મૃત્યુ પામનારાઓની સંખ્યા ગુરુવારે સવારે એક લાખને પાર કરી ગઈ.
જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા અનુસાર, યુ.એસ.માં કુલ 16 લાખ 60 હજારથી વધુ કેસ નોંધાયેલા છે.
અમેરિકામાં કોરોનાને કારણે માર્ચ મહિનામાં કટોકટી લાદવામાં આવી, જોકે નિષ્ણાતોના કહેવા પ્રમાણે, કેટલાક પગલાં લેવામાં યુ.એસ.એ ઢીલ કરી હતી, જેના કારણે આ મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું.
કોવિડ-19ના પ્રસારને અટકાવવા માટે અમેરિકાએ લૉકડાઉન લાગુ કર્યું, હવે અનેક રાજ્યોએ તેમાં વ્યાપક છૂટછાટો આપી છે અને લાખો લોકો ફરી કામ પર પાછાં ફર્યાં છે.
કોરોના તથા લૉકડાઉનને કારણે અમેરિકામાં બેકારીનો દર રેકર્ડ સ્તર પર પહોંચી ગયો છે. શું અમેરિકા આ મહામારીને પહોંચી વળવા સજ્જ હતું કે નહીં? તેની ચર્ચા સતત ચાલી રહી છે.
વિશ્વમાં કોરોનાને કારણે ત્રણ લાખ 55 હજારથી વધુ મૃત્યુ થઈ ગયા છે, જ્યારે કુલ કેસોની સંખ્યા 57 લાખ આસપાસ છે.
હાઇડ્રોક્સિનક્લોરોક્વિન પર 'હાઇપર'
દેશભરમાં તબીબો તથા હૉસ્પિટલો પાસે માસ્ક, ગ્લવ્ઝ, પી.પી.ઈ. (પર્સનલ પ્રૉટેક્શન ઇક્વિપમૅન્ટ) તથા વૅન્ટિલેટર જેવા સાધનોની વ્યાપક તંગી હતી.
મૂળભૂત ચીજવસ્તુના અભાવે ચેપગ્રસ્તો ઉપરાંત તેમની સારવારમાં લાગેલાં તબીબો તથા આરોગ્યક્ષેત્રના કર્મીઓએ એક જ સાધનો વારંવાર વાપરવા પડ્યા, જેથી જોખમ વધી ગયું.
ટ્રમ્પે હાઇડ્રોક્સિનક્લોરોક્વિનને દવા તરીકે ગણાવી, તેના કારણ મલેરિયા સામે રક્ષણ આપતી દવાની સંગ્રહખોરી થઈ, જેણે તંગી ઊભી કરી. આને પહોંચી વળવા માટે હાઇડ્રોક્સિનક્લોરોક્વિના વિશ્વના સૌથી મોટા ઉત્પાદક ભારતની ઉપર દબાણ લાવ્યા.
ટ્રમ્પે આ દવાના ઉપયોગ માટે દબાણ પણ કર્યું, પરંતુ મે મહિનાના અંતભાગમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોનાની સારવારમાં દવા તરીકે તેના ઉપયોગ અને પરીક્ષણ ઉપર નિષેધ લાદ્યો છે.
દવા તથા સારવારના સાધનો માટે કેન્દ્ર સરકાર તથા 50 રાજ્યોની સરકાર જાણે પરસ્પર સ્પર્ધામાં ઉતરી હતી, જેના કારણે ભાવોમાં જંગી ઉછાળો જોવા મળ્યો.
અઠવાડિયાંઓ સુધી પી.પી.ઈ. કે વૅન્ટિલેટરના ઉત્પાદન ઉપર ધ્યાન જ ન અપાયું, જેનાં કારણે કિંમતી સમય વેડફાઈ ગયો.
સોશિયલ ડિસ્ટન્સિંગથી 'દૂર'
ઇમેજ સ્રોત, Gopal Shoonya
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, સોશિયલ ડિસ્ટન્સિંગ એ પ્રસાર અટકાવવાનો કારગત ઉપાય
વૅકેશન પડતાં જ અમેરિકાની કૉલેજોનાં વિદ્યાર્થીઓ ફ્લોરિડા બીચ ખાત રજાઓ માણવા ઉપડી ગયા. ન્યૂ યૉર્કમાં સબવે (મેટ્રો) સેવાઓ યથાવત્ ચાલુ રહી. લ્યુસિયાનામાં નિષેધાત્મક આદેશોનો ભંગ કરીને ધર્મગુરુએ ચર્ચમાં કાર્યક્રમ યોજ્યો, જેમાં હજારો નાગરિકોએ ભાગ લીધો.
નિષ્ણાતોની સલાહને અવગણતા અને સોશિયલ ડિસ્ટન્સિંગનું ઉલ્લંઘન કરતા આવા અનેક કિસ્સા સમગ્ર અમેરિકામાં નોંધાયા હતા.
આ સિવાય ધંધારોજગાર બંધ કરવાના તથા ઘરની બહાર નહીં નીકળવાના આદેશ આપવામાં સ્થાનિક તથા રાજ્ય સરકારના અધિકારીઓએ ખચકાટ અનુભવ્યો હતો.
કોરોનાનું 'કાળ'ચક્ર
ઇમેજ સ્રોત, Getty Images
યુરોપની ફ્લાઇટ રદ કરવાના અસ્પષ્ટ આદેશને કારણે ઍરપૉર્ટ્સ પર ભીડ વધી ગઈ
સારા ઇરાદાથી લેવામાં આવેલાં પગલાંની પણ માઠી અસર થઈ હતી, જેમ કે ન્યૂ યૉર્કમાં સબ-વે સેવાઓ બંધ થઈ, જેનું ભારણ ટ્રેન તથા બસસેવા પર પડ્યું અને ત્યાં ભીડ વધી.
યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓને પરિવાર પાસે પરત મોકલ્યાં. અનેક શહેરો અને વિસ્તારોમાં સંપૂર્ણપણે લૉકડાઉન લાગુ ન થયું હોવાથી ચેપગ્રસ્ત વ્યક્તિઓ થકી સંક્રમણનો ફેલાવો વધ્યો.
યુરોપિયન દેશોમાંથી અમેરિકા આવવાના આદેશમાં સ્પષ્ટતા ન હતી, એટલે અમેરિકનો તથા વિદેશીઓએ મોટી સંખ્યામાં ઍરપૉર્ટો પર દોટ મૂકી.
વિમાનમથકોએ સ્ક્રિનિંગની સવલત ન હતી, જેના કારણે અવરજવર દરમિયાન સંપર્કમાં આવવાથી ચેપ ફેલાયો. આવી વ્યક્તિઓ તેમના શહેર-ઘરે પરત ફરી અને ફેલાવો વધ્યો.
ટ્રમ્પ, નિવેદન અને નીતિ
ઇમેજ સ્રોત, Reuters
ડૉ. ફલૂચી સાથે ટ્રમ્પ
માર્ચ મહિનાના અંતભાગમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે 'દરેક અમેરિકનોએ ભયાનક દિવસો માટે તૈયાર રહેવું પડશે.' એટલું જ નહીં, અમેરિકામાં કોરોનાને કારણે એક લાખ લોકોનાં મૃત્યુની આગાહી પણ સાર્વજનિક કરી, જેના કારણે ભયનો માહોલ ઊભો થયો.
જોકે, એ અગાઉ ટ્રમ્પ એવું કહેતા હતા કે એપ્રિલના મધ્યભાગ સુધીમાં સ્થિતિ થાળે પડી જશે અને ધંધારોજગાર પૂર્વવત શરૂ થઈ જશે.
જાન્યુઆરી તથા ફેબ્રુઆરીમાં કોરોનાએ પહેલી વખત દેખા દીધી, ત્યારે ટ્રમ્પ તથા તેમના અધિકારીઓએ એવું જ કહ્યું કે 'સ્થિતિ કાબૂમાં છે.'
ટ્રમ્પ તથા તેમના વહીવટીતંત્રને લાગતું હતું કે ઉનાળો બેસશે એટલે 'જાણે ચમત્કાર થશે અને કેસની સંખ્યા ઘટી જશે.'
જ્યોર્જ વૉશિંગ્ટન યુનિવર્સિટીના પ્રાધ્યાપક જેફરી લેવીના કહેવા પ્રમાણે, 'ઘણી વખત એવા નિવેદનો આપવામાં આવે છે, જેને ધરાતલની સ્થિતિ કે વિજ્ઞાન સાથે કોઈ સંબંધ નથી હોતો, પરંતુ તે વિશુદ્ધ રીતે રાજકારણ જ હોય છે.'
એટલું જ નહીં ટ્રમ્પ વિપક્ષના ગવર્નરો સાથે બાખડી પડ્યા અને તેનું વરવું સ્વરૂપ ઘણી વખત ટ્વીટવૉર સ્વરૂપે પણ જોવા મળ્યું.
પરીક્ષણમાં ઢીલ
ઇમેજ સ્રોત, AFP VIA GETTY IMAGES
પ્રો. લેવીના જણાવ્યા પ્રમાણે દક્ષિણ કોરિયા તથા સિંગાપોર જેવા દેશોની જેમ કોવિડ-19ના પ્રસારને નાથવા માટે શરૂઆતથી જ વ્યાપક ટેસ્ટિંગની જરૂર હતી, પરંતુ અમેરિકાની સરકાર તેમાં નિષ્ફળ રહી અને તેની અસર તે પછી પણ જોવા મળી.
બુશ પ્રશાસન દ્વારા લગભગ એક દાયકા અગાઉ મહામારીના સંજોગોમાં શું વ્યૂહરચના અપનાવવી, તે અંગે નીતિ તૈયાર કરવામાં આવી હોવા છતાં તેનો અમેલ કરવામાં ટ્રમ્પ અને તેમનું તંત્ર નિષ્ફળ રહ્યા.
અમેરિકાની વસતિ લગભગ 33 કરોડની છે. સરકારે માર્ચ મહિનાના અંત સુધીમાં 50 લાખ પરીક્ષણ કરવાનું લક્ષ્યાંક મૂક્યુ હતું, પરંતુ માત્ર દસ લાખ ટેસ્ટ જ થઈ શક્યા હતા.
અપૂરતી આર્થિક સહાય
ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાની કૉંગ્રેસે કોરોના મહામારીને તથા લૉકડાઉને કારણે ઊભી થયેલી સ્થિતિ તથા બેકારીની સમસ્યાને પહોંચી વળવા માટે ત્રણ ટ્રિલિયન ડૉલરનાં આર્થિક પૅકેજની જાહેરાત કરી છે.
કોરોનાની સારવાર, નાના અને લઘુ ઉદ્યોગ-વેપારને સહાય તથા બેકારીની સમસ્યાને હળવી કરવા માટે ખર્ચાશે.
સ્ટેનફૉર્ડ યુનિવર્સિટીમાં અર્થશાસ્ત્રના પ્રાધ્યાપક અંત અદામાતીના કહેવા પ્રમાણે: "આ રકમ મોટી સંસ્થાઓ અને સંગઠનોને મળવાની છે. તેઓ નાના ઉદ્યોગોને કઈ શરત ઉપર કેટલી મુદ્દત માટે ધિરાણ આપે છે, તેના ઉપર પૅકેજની સફળતાનો આધાર છે."
સિદ્ધિઓ પણ
ઇમેજ સ્રોત, Reuters
ન્યૂ યૉર્કના બંદરે અમેરિકન નેવીનું હૉસ્પિટલ જહાજ
આ ગાળા દરમિયાન ટ્રમ્પ સરકાર તથા અમેરિકાએ અમુક સિદ્ધિઓ પણ મેળવી જણાય છે.
- સોશિયલ ડિસ્ટન્સિંગ, શટડાઉન જેવા ઉપાયોને કારણે કોરોના વાઇરસને નાથવામાં અમેરિકાને આંશિક સફળતા મળી છે. ન્યૂ યૉર્ક, મિશિગન તથા લ્યુસિયાનામાં રોગની સંખ્યા ઘટાડા તરફ છે અને એક સમયે બેકાબૂ બનેલી સ્થિતિ થાળે પડી રહી છે.
- જૉન હૉપકિન્સ યુનિવર્સિટીના ડેટા મુજબ, વિશ્વમાં સૌથી વધુ પેશન્ટ (ત્રણ લાખ 79 હજારથી વધુ) દરદી, અમેરિકામાં સાજા થયાં છે.
- એક સમયે અમેરિકામાં વૅન્ટિલેટરોની તંગી હતી, પરંતુ ટ્રમ્પે બીજા વિશ્વયુદ્ધ સમયના 70 વર્ષ જૂના કાયદાનો ઉપયોગ કરીને ફૉર્ડ જેવી ઑટોમોબાઇલ કંપનીઓને પણ તેમાં કામે લગાડી. અમેરિકાએ ભારત સહિત અનેક દેશોને વૅન્ટિલેટર્સની સહાય મોકલી છે. વૅન્ટિલેટર સુલભ બનતા સ્થિતિ કાબૂમાં આવી.
- રૅમિડેસવિયર નામની દવાના કારણે ઉપચારની સંભાવનાઓ ઊભી થઈ છે અને ભવિષ્યમાં વધુ સારી દવા કે રસી માટેનો માર્ગ મોકળો થશે એમ નિષ્ણાતો માને છે.
- ન્યૂ યૉર્કના ગવર્નરે શક્યતા વ્યક્ત કરી હતી કે ''એપ્રિલ મહિનાના અંતભાગ સુધીમાં ઉપલબ્ધ 53 હજાર બેડની સામે એક લાખ 10 હજાર બેડની જરૂર પડશે.' ટ્રમ્પ પ્રશાસને સ્થાનિક હૉસ્પિટલોનું ભારણ ઘટાડવા માટે નેવીનું હૉસ્પિટલ જહાજ કમ્ફર્ટ રવાના કર્યું. 12મી એપ્રિલે સૌથી વિકરાળ સ્થિતિમાં 18 હજાર 825 બેડની જ જરૂર ઊભી થઈ, જે અપેક્ષિત ભયાનક સ્થિતિની સરખામણીમાં સામાન્ય સ્થિતિ હતી.
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો