રોહિંગ્યા મુસ્લિમ : 'મોતની બોટ' પર બર્માથી બાંગ્લાદેશ સુધીની સફર
- સ્વામીનાથન રાજન અને મોઅઝ્ઝેમ હુસૈન
- બીબીસી વર્લ્ડ સર્વિસ

ખદીજા બેગમ યાદ કરે છે, “કોઈ ખબર નહોતી કે કેટલા લોકો મરી રહ્યા છે. પચાસ પણ હોઈ શકે છે અને વધારે પણ હોઈ શકે છે.”
55 વર્ષીય ખદીજા તે 396 લોકોમાં સામેલ છે જેમને બાંગ્લાદેશના તટરક્ષકદળે બચાવ્યાં હતાં, જે બોટ પર તેઓ હતાં તે બે મહિનાથી સમુદ્રમાં ફસાયેલી હતી.
બોટ પર તેમના પુત્રનું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યારે તેમને મૃતકોના આંકડાનો અંદાજ આવ્યો હતો. માનવતસ્કર તેમને મલેશિયા લઈ જવાના હતા.
પરંતુ તેઓ ક્યારેય ત્યાં ન પહોંચી શક્યાં. ખદીજા મ્યાનમારમાં હિંસા ભડક્યા પછી પોતાના ઘરેથી ભાગી નીકળ્યાં હતાં.
મ્યાનમારમાં રોહિંગ્યા મુસ્લિમો ઉપર થયેલી હિંસાને સંયુક્ત રાષ્ટ્રે ‘વંશીય નરસંહાર’ કહી હતી.
રાત્રે મૃતદેહો ફેંકી દેવામાં આવતા
મ્યાનમારમાં હિંસાનો ભોગ બનેલા રોહિંગ્યા મુસ્લિમોને બાંગ્લાદેશે પોતાને ત્યાં શરણ આપી છે. તેમણે તેના માટે દુનિયાનો સૌથી વિશાળ શરણાર્થી કૅમ્પ બનાવ્યો છે.
આ કૅમ્પમાં આશરે દસ લાખ લોકો શરણ લઈ રહ્યા છે. ખદીજા જેવા અનેક લોકો મલેશિયામાં એક સારા જીવનની કલ્પના કરી રહ્યાં હતાં, પરંતુ તેમનું સપનું બહુ ડરામણું સાબિત થયું હતું.
તેઓ યાદ કરે છે કે કેવી રીતે બોટ પર માનવતસ્કર મરી ગયેલા લોકોનાં મૃત્યુને છુપાવી દેતા.
તેઓ કહે છે, “તેઓ બે એન્જિન ચાલુ કરી દેતા જેથી પાણીમાં મૃતદેહ ફેંકવાનો અવાજ ન આવે. લગભગ રાતના સમયમાં મૃતહેદો ફેકવામાં આવતા. ઓછામાં ઓછા 14થી 15 મહિલા મરી ગઈ હશે.”
ડરી જાય છે...
ખદીજા
તેઓ પોતાની સામે બેઠેલાં એક મહિલાના મૃત્યુને યાદ કરે છે, જેમનાં શરીરમાં પાણીની કમી થઈ ગઈ હતી. પહેલા તેઓ થોડાં વિચલિત થયાં અને પછી તેઓ વિચિત્ર હરકતો કરવાં લાગ્યાં.
પછી ક્રૂના લોકો તેમને ડેક પર લઈ ગયા, ખદીજા કહે છે કે ત્યાં તેમનું મૃત્યુ થઈ ગયું.
ખદીજા કહે છે, “મને તેનું મૃત્યુ યાદ કરીને ડર લાગે છે. તે મારી આંખોની સામે મરી ગઈ હતી.તે મહિલાનાં ચાર બાળકો હતાં. મારા પુત્રે તેની 16 વર્ષની સૌથી મોટી પુત્રીને તેની માતાનાં મૃત્યુ વિશે જણાવ્યું.”
અનાથ બાળકો
ખદીજા પોતે ચાર બાળકોનાં માતા છે. તેઓ કહે છે, "એ મહિલાનાં ત્રણ બાળકોને એ નહોતી ખબર કે તેમની માતા સાથે શું થયું છે. એ અનુભવ દિલ દઝાવે તેવો હતો."
ખદીજા 2017માં બેઘર થઈ ગયાં હતાં. તેમના એક પુત્ર અને પતિનું મ્યાનમારના રખાઇન પ્રાંતમાં સેનાની કાર્યવાહીમાં મૃત્યુ થયું હતું.
તેમના ગામમાં આગ લગાવી દેવામાં આવી હતી અને તેમને બાંગ્લાદેશ જવા માટે મજબૂર કરવામાં આવ્યા હતા.
પોતાની મોટી પુત્રીનાં લગ્ન કર્યાં બાદ તેઓ પોતાનાં અન્ય પુત્રો અને પુત્રીઓ સાથે એક સારું જીવન જીવવાનું સપનું જોઈ રહ્યાં હતાં.
સમુદ્ર પાર કરીને મલેશિયા પહોંચનાર રોહિંગ્યા મુસ્લિમોની કહાણી તેમને આકર્ષિત કરતી હતી.
ઘરેણાં વેચી નાખ્યાં
ખદીજાએ પોતાનાં ઘરેણાં 60 હજાર રૂપિયા વેચી નાખ્યાં અને તેમણે માનવતસ્કરોને બોટની વ્યવસ્થા માટે આ પૈસા આપી દીધા.
ફેબ્રુઆરીની એક રાત્રે તેમની પાસે તે કૉલ આવ્યો જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા, “તે વ્યક્તિએ મને કહ્યું કે તેકનાફ બસસ્ટૅન્ડ પર આવી જાઓ.”
તેમણે કોઈને આ બાબતે નહોતું કહ્યું અને એક નાની બૅગમાં કપડાં અને બચેલાં ઘરેણાં ભરીને નીકળી પડ્યાં.
બીબીસી સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું, “મેં મારા પાડોશીઓ અને મિત્રોને કહ્યું કે હું સારવાર માટે બહાર જઈ રહી છું.”
ચૂપચાપ રાતના અંધારામાં તેઓ પોતાનાં પુત્ર અને પુત્રી સાથે ઘરેથી નીકળી ગયાં. બસ સ્ટૅન્ડ પર તેમને એક વ્યક્તિ મળી જેની સાથે તેઓ ફાર્મ હાઉસ જતાં રહ્યાં.
નવા જીવનનું સપનું
ફાર્મહાઉસ પર ખદીજાએ પોતાના જેવા કેટલાય લોકોને જોયા અને તેઓ એક નાના વહાણમાં બેસીને બંગાળની ખાડીમાં બાંગ્લાદેશના સૅન્ટ મૅરિન દ્વીપ અને મ્યાનમારના અકિઆબ વચ્ચે નીકળી પડ્યાં.
તેઓ કહે છે, "મહિનાઓથી મેં એક નવા દેશમાં નવા જીવનનું સ્વપ્ન જોયું હતું."
બે દિવસ પછી તેમને એક બીજી બોટમાં શિફ્ટ કરવામાં આવ્યાં જે ખીચોખીચ ભરેલી હતી. ત્યાં પગ લંબાવવાની પણ જગ્યા નહોતી.
ખદીજા કહે છે, “ત્યાં કેટલાક પરિવારો મહિલાઓ અને બાળકો સાથે આવ્યાં હતાં. મને લાગે છે કે પાંચસોથી વધારે લોકો હશે.”
આ બોટ દક્ષિણ એશિયામાં વપરાતાં ટ્રૉલર કરતાં થોડી મોટી હતી, પરંતુ નિશ્ચિતપણે એટલી મોટી નહોતી કે તેમાં આટલા લોકો એક સાથે રહી શકે.
ટૉઇલેટમાં મૃત્યુ
વિડંબના જુઓ કે આ બોટ ચલાવનાર મ્યાનમારના બર્મીઝ લોકો જ હતા.
ખદીજા કહે છે, "શરૂઆતમાં હું ડરી ગઈ હતી. મને ખબર નહોતી કે આગળ શું થશે. અમારું નસીબ અમારી સાથે શું કરાવશે. પરંતુ એક વખત બધું બરાબર લાગ્યું તો મેં ફરી સપનાં જોવાનું શરૂ કરી દીધું. મને લાગતું હતું કે મને એક સારું જીવન જીવવાનો મોકો મળશે."
બોટ પર પાણી અને સાફ-સફાઈ જેવી મૂળભૂત સુવિધાઓની કમી હતી. ખદીજા પોતાને બે મહિનામાં માત્ર બે વખત જ સાફ કરી શક્યાં હતાં.
તે પણ સમુદ્રમાંથી પાણી ખેંચીને, બધાની સામે. લાકડાનાં બે પાટિયાં લગાવીને ટૉઇલેટ બનાવવામાં આવ્યું હતું, જેની વચ્ચે એક છિદ્ર બનાવવામાં આવ્યું હતું.
ખદીજા કહે છે, “જ્યારે અમે સફરની શરૂઆત કરી હતી તેના થોડા દિવસ પછી એક છોકરો તે છિદ્રમાંથી નીચે સમુદ્રમાં પડી ગયો અને મરી ગયો હતો.” બોટ પર જોયેલાં કેટલાંક મૃત્યુમાં આ પહેલું મૃત્યુ હતું.
કોરોના વાઇરસ
ઇમેજ સ્રોત, EPA
કોરોનાની પ્રતીકાત્મક તસવીર
સાત દિવસની મુસાફરી પછી તેઓ આખરે મલેશિયાના તટ પર પહોંચી ગયાં.
અહીં નાની બોટની રાહ જોઈ રહ્યાં હતાં જેનાથી તેઓ જમીની વિસ્તાર સુધી પહોંચી શક્યાં હોત, પરંતુ કોઈ ન આવ્યું.
કોરોના વાઇરસના સંક્રમણને કારણે મલેશિયાના સુરક્ષાદળે કડક પ્રતિબંધો લગાવી દીધા હતા. કૅપ્ટને શરણાર્થીઓને કહ્યું કે તેઓ અહીં નહીં ઊતરી શકે.
મહામારીને કારણે ખદીજાનાં સપનાં ચકનાચૂર થઈ ગયાં હતાં. સમુદ્રનું પાણી પીવું પડ્યું, બોટ પર ભોજનની તકલીફ પણ થવા લાગી હતી.
મલેશિયાના રસ્તામાં તો તેમને બે ટંકના ભોજનમાં ભાત મળતા હતા અને એક મગ પાણી. ક્યારેક દાળ મળી જતી હતી.
ખદીજા કહે છે, “પહેલાં તો દિવસમાં માત્ર એક ટંક ભોજન મળવા લાગ્યું અને પછી બે દિવસમાં એક વખત. ખાવા માટે માત્ર ભાત આપવામાં આવતા. બીજું કંઈ નહીં.”
થાઈલૅન્ડના તટ પર
પાણીની કમી સહન નહોતી થતી. ખદીજા કહે છે કે હતાશામાં કેટલાક લોકો સમુદ્રનું પાણી પી લેતા હતા.
તેઓ કહે છે, “લોકો પોતાનાં કપડાં ભીંજવીને, તેમાંથી પાણીના થોડાક ટીપાંથી મોઢાંમાં ટપકાવીને પોતાની તરસ છુપાવવાના પ્રયત્ન કરતા હતા.”
કેટલાય દિવસોની મુસાફરી કર્યા પછી થાઈલૅન્ડના તટ પર એક નાની બોટની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેનાથી જરૂરિયાતનો સામાન લાવવામાં મદદ મળી હતી.
પરંતુ જ્યારે તેઓ મલેશિયા જવાની ફરી કોશિશ કરી રહ્યા હતા, ત્યારે મ્યાનમારની નેવીએ તેમનો રસ્તો રોકી લીધો હતો.
ખદીજા કહે છે, “તેમણે કૅપ્ટન અને ચાલકદળના અન્ય ત્રણ લોકોની ધરપકડ કરી લીધી હતી. જોકે પછી તેમને છોડી દેવામાં આવ્યા હતા. મને લાગે છે કે તે લોકો વચ્ચે કોઈ ડીલ થઈ હતી.”
મલેશિયા જવાનો બીજો પ્રયત્ન પણ બેકાર થઈ ગયો હતો.
બોટ પર વિદ્રોહ
કોઈને ખબર નહોતી કે અમે ક્યાં જઈ રહ્યાં છીએ. તેઓ કહે છે, “અમે સમુદ્રમાં ચારો તરફ બસ વહેતાં જઈ રહ્યાં હતાં. હવે અમે પોતાને પ્રશ્ન કરી રહ્યાં હતાં કે આવી રીતે કેટલા દિવસ જીવી શકીશું.”
શરણાર્થીઓ ચાલકદળ પાસે ગયાં અને તેમને ઉતારી દેવાની વિનંતી કરીને કહ્યું પણ તેઓ ન માન્યા.
તેમણે કહ્યું કે આ જોખમ ભરેલું હશે. તેમની ધરપકડ થઈ શકે છે અને તેમની બોટને કબજે કરી લેવાની આશંકા પણ ખરી.
એક તરફ બોટ સમુદ્રમાં એમ જ તરી રહી હતી તો બીજી તરફ ચાલકદળના લોકો પર બળાત્કાર અને ઉત્પિડનના આરોપ પણ લાગ્યા હતા.
ખદીજા કહે છે, "હાલત બેકાબુ થઈ રહી હતી. મેં સાંભળ્યું કે ચાલકદળના એક સભ્યને મારીને સમુદ્રમાં ફેકી દીધો." ચાર સો શરણાર્થીઓ વચ્ચે દસ બર્મિઝ લોકો હતા.
ખદીજા કહે છે, "તેમના માટે લડવું અને જીતવું બહુ મુશ્કેલ હતું." ચાલકદળે તટ પર લઈ જવા માટે એક નાની બોટ ભાડે લેવા માટે વધારે પૈસા માગ્યા હતા.
શરણાર્થી કૅમ્પ
ઇમેજ સ્રોત, Getty Images
થોડા દિવસ પછી એક નાની બોટ આવી અને કૅપ્ટન તથા બીજા ચાલકદળના સભ્ય કૂદીને તેના પર ભાગી નીકળ્યા.
ચાલકદળના બે સભ્યો બચ્યા હતા જેમની મદદથી બોટ બાંગ્લાદેશના તટ સુધી પહોંચી. બધું ખતમ થઈ ગયું હતું.
ખદીજા કહે છે, “હું બહુ ખુશ થઈ જ્યારે મેં બે મહિના પછી પહેલી વખત જમીન જોઈ.”
ક્વોરૅન્ટીનમાં બે અઠવાડિયાં રહ્યાં બાદ ખદીજા શરણાર્થી કૅમ્પમાં પાછાં આવ્યાં. તેમની જગ્યાએ કોઈ બીજું આવી ગયું હતું.
તેઓ શાંત થઈને કહે છે, “મેં મારાં સપનાં માટે બધું ખોઈ દીધું. હવે આવી ભૂલ ક્યારેય નહીં કરું.”
- ગુજરાતમાં લૉકડાઉન છતાં કેમ સતત વધી રહી છે કોરોના કેસોની સંખ્યા?
- ગુજરાત સહિત દેશવિદેશમાં તાજેતરની સ્થિતિ વિશે જાણવા માટે અહીં ક્લિક કરો
- ઉનાળો શરૂ થતાં કોરોના વાઇરસ ફેલાતો અટકી જશે? જાણવા માટે ક્લિક કરો
- કોરોના વાઇરસ દૂધની થેલી, વાસણો, પ્લાસ્ટિક પર અને હવામાં કેટલું જીવે છે? જાણવા માટે ક્લિક કરો
- ઇમ્યુન સિસ્ટમ કેવી રીતે મજબૂત કરશો અને એ કેવી રીતે અસર કરે છે?
- કોરોના વાઇરસનાં લક્ષણો શું છે અને કેવી રીતે બચશો? જાણવા માટે ક્લિક કરો
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો