એ વૃક્ષ જેણે મહામારીને નાથી દુનિયાનો નકશો બદલી નાખ્યો

  • વિટ્ટોરિયા ટ્રાવર્સો
  • બીબીસી ટ્રાવેલ
ઝાડ

ઇમેજ સ્રોત, RPBMedia/Getty Images

એન્ડિયનનાં ગાઢ વર્ષાવનોમાં લુપ્ત થવાને આરે આવેલા એક વૃક્ષની છાલે મલેરિયાનો ઇલાજ કર્યો હતો અને બ્રિટિશ સામ્રાજ્યને શક્તિશાળી બનાવ્યું હતું. આજે કોરોનાકાળમાં તેના અન્ય પ્રકારો વૈશ્વિક ચર્ચાનો મુદ્દો છે.

દક્ષિણ-પશ્ચિમ પેરુમાં હરિયાળીથી હર્યોભર્યો મનુ નેશનલ પાર્ક આવેલો છે, જ્યાં એન્ડિયન અને એમેઝોનનાં જંગલો મળે છે. જૈવ વૈવિધ્યતા ધરાવતો પૃથ્વીનો એવો વિસ્તાર, જે 15 લાખ હેક્ટરમાં ફેલાયેલો છે.

યુનેસ્કોએ અંકિત કર્યું છે તે પ્રમાણે પ્રકૃતિ ત્યાં ઝાકળમાં લપેટાયેલી છે, વેલીઓની ફેલાયેલી જાળ અને મોટા ભાગના આ વિસ્તાર સુધી માનવજાત પહોંચી જ નથી.

જો ગાઢ વર્ષાવનોમાં જવાનો કોઈ રસ્તો તમે શોધી કાઢો, ઉછાળા મારતી નદીઓ પાર કરી અને ચિત્તા-દીપડાઓથી બચીને આગળ જઈ શકો, તો કદાચ તમને છેલ્લાં જૂજ બચેલાં 'સિંચોના ઓફસિનાલિસ'નાં વૃક્ષો જોવાં મળી જાય.

જાણકાર ના હોય તેઓ કદાચ પાતળાં થડવાળાં, 15 મિટર લાંબાં એ વૃક્ષોને અન્ય વૃક્ષોની વચ્ચે ઓળખી ન શકે.

પરંતુ એન્ડિયનની તળેટીમાં ઉગતાં આ વૃક્ષે અનેક દંતકથાઓને જન્મ આપ્યો છે તથા સદીઓ સુધી માનવજાતને પ્રેરણા આપી છે.

ઇમેજ સ્રોત, Celso Roldan/Getty Images

નેટાલી કેનાલસ પેરુવિયન એમેઝોનિયન પ્રદેશના માદ્રે દિ દિયોસમાં મોટાં થયાં છે.

તેઓ કહે છે કે "આ કદાચ જાણીતું વૃક્ષ ના હોય, પરંતુ એમાંથી નીકળેલા અર્કની મદદથી માનવ ઇતિહાસમાં લાખો લોકોનાં જીવ બચ્યા છે."

આજે તેઓ કેનાલસ નેશનલ મ્યુઝિયમ ઑફ ડેન્માર્કમાં જૈવવૈજ્ઞાનિક છે અને સિંચોનાના આનુવાંશિક ઇતિહાસ અંગે સંશોધન કરી રહ્યાં છે.

તેઓ સમજાવે છે કે આ વૃક્ષની છાલના અર્કે દુનિયાને એક દવા આપી. દુનિયાની સૌપ્રથમ મલેરિયા મટાડતી દવા.

દુનિયાએ આ દવાની શોધને વધાવી લીધી. ઉત્સાહ અને સેંકડો વર્ષોની શંકા સાથે હાલમાં આ વૃક્ષનાં મેડિકલ સંસાધનો વધુ એક વખત વૈશ્વિક ચર્ચાનો મુદ્દો બન્યાં છે.

મલેરિયાની દવા - ક્વિનાઇનના કૃત્રિમ સ્વરૂપ જેવાં કે ક્લૉરોક્વિન અને હાઇડ્રૉક્સિક્લૉરોક્વિન વિશે દલીલો અને વિવાદો ચાલી રહ્યા છે કે તેનાથી નોવેલ કોરોના વાઇરસનો ઇલાજ શક્ય છે.

સદીઓથી એક મચ્છરજન્ય પરોપજીવી રોગ ગણાતા મલેરિયાને કારણે વિશ્વભરમાં લોકો બીમાર થયા છે. આ રોગને કારણે રોમન સામ્રાજ્યનો વિનાશ થયો હતો. વીસમી સદીમાં 15થી 30 કરોડ લોકો મૃત્યુ પામ્યાં હતાં. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના અહેવાલ પ્રમાણે, વિશ્વની લગભગ અડધી વસતી હજુ પણ એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં આ રોગનું સંક્રમણ ફેલાય છે.

મધ્યયુગીન સમયમાં 'મેલ અરિયા' (ઇટાલીમાં 'ખરાબ હવા')ને હવાથી ફેલાતો રોગ માનવામાં આવતો. જેના માટે લોહી વહેવાથી લઈને, શરીરનું અંગ કાપવા કે ખોપરીમાં છીદ્ર કરવા જેવા ઉપાયો અજમાવવામાં આવતા.

પરંતુ 17મી સદીમાં સૌપ્રથમ વાર કથિત રીતે ગાઢ એન્ડિયસમાં તેનો ઉપચાર શોધાયો.

ઇમેજ સ્રોત, ajiravan/Getty Images

ઇમેજ કૅપ્શન,

એવી માન્યતા છે કે મલેરિયાની દવા તરીકે ક્વિનાઇન ઈ.સ. 1631માં શોધાઈ

એવી માન્યતા છે કે ક્વિનાઇન, મલેરિયાની દવા તરીકે 1631માં શોધાઈ. સ્પેનનાં એક ઉમરાવ પરિવારનાં મહિલા કાઉન્ટેસ ઑફ સિંચોના પેરુના વાઇસરૉયને પરણ્યાં હતાં.

તેઓ બીમાર પડ્યાં, ભારે તાવ અને ઠંડી લાગવા જેવાં મલેરિયાનાં સર્વસામાન્ય લક્ષણો તેમનામાં જોવાં મળ્યાં.

પોતાનાં પત્નીને સાજાં કરવા માટે વાઇસરૉયે તેમને પાદરીઓ દ્વારા બનાવાયેલું એક મિશ્રણ આપ્યું, જેમાં એન્ડિયન વૃક્ષની છાલને લવિંગ, ગુલાબની પાંખડીનાં સિરપ ઉપરાંત અન્ય સૂકા છોડવાથી મિક્સ કરવામાં આવી હતી.

કાઉન્ટેસ (વાઇસરૉયનાં પત્ની) જલદીથી સાજાં થઈ ગયાં અને તેમના માનમાં તે જાદુઈ ઝાડને 'સિંચોના' નામ આપવામાં આવ્યું. આજે તે પેરુ અને એક્વાડોરનું રાષ્ટ્રીય વૃક્ષ છે.

ઘણા ઇતિહાસકારો આ વાર્તાને હવે વિવાદિત માને છે, પરંતુ મોટા ભાગની માન્યતાઓ પ્રમાણે તેના અમુક ભાગો સાચા છે.

ક્વિનાઇન, એ આલ્કલોઇડ (અમ્લસંયોગી) કંપાઉન્ડ છે, જે સિંચોનાની છાલથી મળે છે, તે મલેરિયા માટે જવાબદાર પરોપજીવીઓ ઉપર હુમલો કરી તેને મારી નાખે છે, પણ તે સ્પેનના કૅથલિક પાદરીઓ દ્વારા નહોતું શોધવામાં આવ્યું.

કેનાલસે કહ્યું તે પ્રમાણે, "ક્વિનાઇન પહેલાંથી જ કેચા જાતિ એટલે કે કેનારી અને ચીમુ નામના મૂળનિવાસીઓમાં (જેઓ સ્પેનિશ લોકોના આગમન પૂર્વે પહેલાં હાલના સમયના પેરુ, બોલિવિયા કે એક્વાડોરના નિવાસીઓ) જાણીતું હતું."

"તેમણે જ વૃક્ષની છાલ સ્પેનિશ કૅથલિક પાદરીઓને આપી હતી."

કૅથલિકોએ તજના રંગ જેવી છાલનો એક ઘટ્ટ, કડવો ચૂરો બનાવ્યો, જેથી સહેલાઈથી પાચન થઈ જાય. આગળ જતાં તે મિશ્રણ જેસ્યુએટ (કૅથલિક) પાઉડરના નામે ઓળખાયું અને બહુ જલદી જ સમગ્ર યુરોપના લોકોએ એક નવી દુનિયાનાં જંગલોમાં શોધાયેલી મલેરિયાની 'જાદુઈ દવા' વિશે લખાવાનું શરૂ થઈ ગયું.

ઇમેજ સ્રોત, Universal History Archive/Getty Images

1640 સુધીમાં તો કૅથલિકોએ નવા વેપારીમાર્ગો સ્થાપિત કરી દીધા અને સિંચોના વૃક્ષની છાલની સમગ્ર યુરોપમાં નિકાસ શરૂ કરી.

ફ્રાન્સના રાજા લૂઈ-14માને સતત તાવ રહેતો, ત્યારે તેમની સારવાર માટે વર્સેલ્સના દરબારમાં ક્વિનાઇનનો ઉપયોગ થયો હતો.

રોમમાં તે પાઉડરને પોપના અંગત ચિકિત્સકોએ ચાખ્યો અને ત્યારબાદ કૅથલિક પાદરીઓએ લોકોમાં તેનું મફત વિતરણ કર્યું, પરંતુ પ્રૉટેસ્ટન્ટ ઇંગ્લૅન્ડમાં તેને શંકાની નજરે જોવામાં આવ્યું.

અમુક ડૉક્ટરોએ આ મિશ્રણ કૅથલિક દ્વારા ફેલાવવામાં આવેલું 'પોપ ઝેર' ઠેરવ્યું.

એક વાયકા પ્રમાણે, ઓલિવર ક્રોમવેલ મલેરિયાને લીધે મૃત્યુ પામ્યાં, એમણે કથિત રીતે 'કૅથલિક પાઉડર' લેવાની ના પાડી હતી.

જોકે 1677 સુધીમાં સિંચોના છાલને સૌપ્રથમ વખત રૉયલ કૉલેજ ઑફ ફિઝિશિયન્સે 'લંડન ફાર્માકોપીઆ'ની (દવાના ઉપયોગ અને ડોઝ વિશેની માહિતી ધરાવતી યાદી)માં સત્તાવાર દવા તરીકે સ્વીકૃતિ આપવામાં આવી, જેનો ઉપયોગ અંગ્રેજ ડૉક્ટરો દર્દીનો ઇલાજ કરવા કરે છે.

સિંચોનાનો ક્રેઝ વધ્યો અને યુરોપિયન લોકોએ ત્યાંના મૂળ રહેવાસીઓને કામ પર રાખ્યા કે જેઓ આ કિંમતી 'તાવના ઝાડને' ગાઢ વર્ષાવનોમાંથી શોધી લાવે, ચાકુથી તેની છાલ ઉતારે અને પેરુવિયન પૉર્ટ પર લાંગરેલા જહાજ સુધી તેને લઈ આવે. સિંચોનાની વધતી રહેલી માગને જોતાં સ્પેનિશોએ એન્ડિયસનાં જંગલોને 'વિશ્વની ઔષધશાળા' જાહેર કરી અને જેમ કેનાલસ સમજાવે છે તેમ સિંચોના વૃક્ષની બહુ જલદી અછત થવા લાગી.

19મી સદીમાં જ્યારે બહારના વિસ્તારોમાં તહેનાત યુરોપિયન સૈન્ય કાફલાઓ ઉપર મલેરિયાનો બહુ મોટો ખતરો હતો, ત્યારે સિંચોનાના ભાવ ખૂબ જ વધી ગયા.

ઇમેજ સ્રોત, Dizzy/Getty Images

મલેરિયા પર વિપુલ પ્રમાણમાં લખનારા ડૉ. રોહન દેબ રૉયના મત અનુસાર, ક્વિનાઇનનો પૂરતો પુરવઠો વૈશ્વિકસ્તરે પ્રભુત્વ માટે એક કૂટનૈતિક લાભ આપનાર બની ગયો અને સિંચોના છાલ દુનિયાની સૌથી કિંમતી જણસ બની ગઈ.

ડૉ. રૉય કહે છે, "સંસ્શાનવાદી યુદ્ધો દરમિયાન યુરોપિયન સૈનિકો મલેરિયાને લીધે મોટી સંખ્યામાં મૃત્યુ પામતાં હતાં. ક્વિનાઇન જેવી દવાઓને લીધે સૈનિકો તેમના સત્તાધારી વિસ્તારોમાં ટકી શક્યા અને યુદ્ધો જીતી શક્યાં."

તેઓ આગળ જણાવે છે કે "સિંચોનાનો ઉપયોગ ઇન્ડોનેશિયામાં રહેતા ડચ લોકો દ્વારા કરવામાં આવ્યો. અલ્જેરિયામાં ફ્રૅન્ચ લોકો દ્વારા અને સૌથ વધુ અંગ્રેજો દ્વારા ભારત, દક્ષિણ-પૂર્વ આફ્રિકા અને પશ્ચિમ આફ્રિકામાં તેનો ઉપયોગ કરાયો."

હકીકતે 1848 અને 1861 વચ્ચે બ્રિટનની સરકારે વર્તમાન કિંમત મુજબ, લગભગ 64 લાખ પાઉન્ડ (59 કરોડ સિત્તેર લાખ રૂપિયા) દર વર્ષે ખર્ચ કર્યા, જેથી સંસ્થાનોમાં તહેનાત સૈનિકો માટે સિંચોનાની આયાત કરીને તેનો સંગ્રહ કરી શકે.

એટલા માટે ઘણા ઇતિહાસકારોએ ક્વિનિનને 'અનેક રાજકીય હથિયારમાંનું એક' ગણાવ્યું, જેણે બ્રિટિશ સામ્રાજ્યને બળ આપ્યું.

મલેરિયામાં વિશેષજ્ઞ અને ઝ્યુરિચ યુનિવર્સિટીમાં ટ્રાવેલ મેડિસિનના પ્રોફેસર પેટ્રિસિયા શાગનહાફ જણાવે છે:

"જેવી રીતે આજે ઘણા દેશો કોવિડ-19ની રસી માટે પડાપડી કરી રહ્યા છે, જેથી સ્પર્ધાત્મક લાભ લઈ શકાય. ત્યારના સમયે પણ ક્વિનાઇનને મેળવવા માટે દેશોમાં આવી જ હરિફાઈ હતી."

તેઓ ઉમેરે છે કે એવું નહોતુ કે તે સમયે માત્ર સિંચોના છાલની આટલી કિંમત હતી, તેનાં બીજ પણ એટલી જ માગ ધરાવતાં હતાં.

ડૉ. રૉય જણાવે છે, "બ્રિટિશ અને ડચ સરકારોએ સિંચોના ઝાડ પોતપોતાના સંસ્થાન વિસ્તારોમાં ઉગાડવાં માગતા હતા, જેથી દક્ષિણ અમેરિકાના દેશો પર તેમણે આધાર ના રાખવો પડે."

પરંતુ સિંચોનાના યોગ્ય બીજ વીણવાંનું કામ એટલું સહેલું નહોતું.

સિંચોનાની દરેક 23 પ્રજાતિમાં ક્વિનાઇનનું પ્રમાણ અલગ-અલગ હોય છે. સ્થાનિકોના વનસ્પતિશાસ્ત્રના જ્ઞાનનો ફાયદો યુરોપિયનોને થયો અને તેઓ સૌથી વધુ ક્વિનાઇન ધરાવતી પ્રજાતિના બીજ વિદેશમાં મોકલી શક્યા.

ઇમેજ સ્રોત, Hulton Deutsch/Getty Images

1850ના મધ્યમાં બ્રિટિશરોએ દક્ષિણ ભારતમાં આ 'ફીવર ટ્રી'નું સફળતાપૂર્વક રોપણ કરી શક્યા, તે સમયે દેશમાં મલેરિયા વ્યાપક હતો.

બહુ જલદી જ બ્રિટિશ અધિકારીઓએ ત્યાં સ્થાનિક વિસ્તારોમાં ઉગાડેલી ક્વિનાઇનની સૈનિકો તથા સરકારી કર્મચારીઓમાં વહેંચણી શરૂ કરી દીધી.

ઘણા સમય સુધી એવી પણ માન્યતાઓ રહી કે તેને સ્વાદિષ્ટ બનાવવા માટે તેમણે ક્વિનાઇનમાં જીન (એક પ્રકારનો દારૂ) પણ મિક્સ કરાતો હતો. પહેલું એવું ટૉનિક શોધાયું કે જે પ્રખ્યાત જીન છે અને ટૉનિક ડ્રિંકનું પ્રચલિત પીણું પણ છે. આજે પણ ટૉનિક ડ્રિંક્સમાં અમુક માત્રામાં ક્વિનાઇન ઉમેરાય છે.

પરંતુ 'જસ્ટ ધ ટૉનિક પૉઇન્ટ્સ આઉટ' પુસ્તકના સહલેખિકા કિમ વોકરના મતે, "આ બ્રિટિશ વાર્તા માત્ર દંતકથા છે. એવું લાગે છે કે તેમના હાથમાં જે કંઈ આવતું તેમણે તે ભેળવ્યું. પછી તે રમ હોય, બ્રાન્ડી કે માત્ર આલ્કોહોલિક સ્પિરિટ."

અહીં શાગનહાફ ઉમેરે છે કે શરીરમાં ક્વિનાઇનની આવરદા બહુ ઓછી હોય છે. એટલા માટે જીન કે કોઈ ટૉનિકનું કૉકટેલના કલાકોમાં સેવન કરવું મલેરિયા સામે રક્ષણની ખાતરી નથી આપતું.

તેમ છતાં જીનની દંતકથા અને ટૉનિક પણ ઍન્ટિ-મલેરિયા તરીકે અજમાવવામાં આવ્યું. ત્યાં સુધી કે વિન્સ્ટન ચર્ચિલ જ્યારે કથિત રીતે કહ્યું હતું કે આ પીણાંએ આખા સામ્રાજ્યના ડૉક્ટરો કરતાં પણ વધુ અંગ્રેજોના જીવ અને મગજ બચાવ્યાં છે.

ઇમેજ સ્રોત, Christophel Fine Art

ઇમેજ કૅપ્શન,

1850ના મધ્યમાં બ્રિટિશરોએ દક્ષિણ ભારતમાં આ 'ફીવર ટ્રી'નું સફળતાપૂર્વક રોપણ કર્યું

સ્વાભાવિક રીતે જીન અને ટૉનિક પણ એક પીણાં તરીકે 'ફીવર ટ્રી' સાથે સંકળાઈ ગયું.

આજે પેરુમાં સૌથી પ્રખ્યાત પીણું ભલે અમેરિકનો દ્વારા શોધાયેલું પિસ્કો સાર હોય, પરંતુ પેરુવિયનોમાં તો એ જ કડવું, ક્વિનાઇન ફ્લેવરવાળું પિસ્કો ટૉનિક જ કદાચ સૌથીવધુ લોકપ્રિય છે.

ઘરેલું પીણું પિસ્કો મોરાદા ટૉનિક બનાવવા માટે તેમાં ઇન્ડિયસની મેઝ મોરાદો (જાંબલી મકાઈ) ઉમેરાય છે.

તમે જો ક્યારેય 'કામ્પારી' નામનો દારૂ પીધો હોય, 'પિમ્મ્સ' અથવા 'ફ્રૅન્ચ ઍપેરિટિફ લીલેટ' (જેમ્સ બૉન્ડની ફિલ્મોમાં તેની પ્રખ્યાત વેસ્પર માર્ટીનીનું મુખ્ય ઘટક) તો તમે પણ ક્વિનાઇનનો સ્વાદ ચાખ્યો છે.

તે સ્કૉટલૅન્ડના અન્ય એક રાષ્ટ્રીય પીણાં 'ઈર્રન-બ્રુ'માં પણ હોય છે અને જેને ક્વિન ઍલિઝાબેથ દ્વિતિયનું પ્રિય પીણું હોવાનું કહેવાય છે તે જિન અને ડુબોનેટ (સ્વીટનર) - ડુબોનેટ એક પ્રકારનું અપેરીટીફ (ભોજન પહેલાં ભૂખ વધારવા માટે પીવામાં આવતું આલ્કોહોલિક પીણું) છે, જે એક ફ્રૅન્ચ કેમિસ્ટે અકસ્માતે શોધ્યું હતું. આની મદદથી ક્વિનાઇનને સ્વાદિષ્ટ બનાવીને ઉત્તરીય આફ્રિકાની કૉલોનીઓમાં તહેનાત ફ્રેન્ચ કાફલાઓને આપી શકાય.

1970ના ગાળા દરમિયાન ક્વિનાઇનનો પણ દૌર મંદ પડ્યો હતો, તે સમયે આર્ટેમિસિનિન (ચાઇનીઝ ઍન્ટિ મેલેરિયલ દવા) આવી.

એક દવા કે જે મીઠા વોર્મવુડના છોડમાંથી બને છે, જેણે દુનિયામાંથી મલેરિયાને જાકારો આપવામાં મુખ્ય ભૂમિકા ભજવી.

છતાં પણ ક્વિનાઇનનો વારસો દુનિયામાં ઊંડે સુધી છે. બાન-ડુંગ, ઇન્ડોનેશિયાનો એવો વિસ્તાર છે, જે 'પેરિસ ઑફ જાવા'ના નામે ઓળખાય છે, કારણ કે ડચ શાસકોએ એક સમયના શાંત બંદરને દુનિયાના સૌથી મોટા ક્વિનાઇન સેન્ટરમાં ફેરવી નાખ્યું હતું. જે હવે આર્ટ ડેકો ઇમારતો, બોલરૂમ્સ અને હોટલોથી આલિશાન બન્યો છે.

વૈવિધ્યતા ધરાવતા ભારત જેવા દેશમાં હૉંગકૉંગ, સિયેરાલિયોન, કેન્યા અને કોસ્ટલ શ્રીલંકામાં અંગ્રેજી ભાષા બહોળા પ્રમાણમાં બોલાય છે અને ફ્રૅન્ચ ભાષા મોરોક્કો, ટનિશિયા અને અલ્જેરિયામાં બોલાય છે તે અશત: ક્વિનાઇનને કારણે.

સ્પેનિશમાં તો હજુ પણ તેના સ્વાદના સંદર્ભમાં એક કહેવત પ્રચલિત છે- 'સેર માસ માલો ક્વે લા ક્વિના' એટલે કે 'ક્વિનાઇન કરતાં પણ વધુ કડવી.'

ઇમેજ સ્રોત, Celso Roldan/Getty Images

1850 દરમિયાન ક્વિનાઇનની વૈશ્વકસ્તરે શોધખોળ ચાલતી હતી ત્યારે પેરુ અને બોલિવિયા બંનેએ આ ફાયદાકારક વૃક્ષની છાલની નિકાસ કરવાની ઇજારાશાહી સ્થાપી.

હકીકતે તો લા પાઝની ઐતિહાસિક ઇમારતો અને શહેરની ગલીઓનાં આર્કિટેક્ચર સિંચોના વૃક્ષની છાલના પૈસામાંથી બન્યાં છે, જે એક સમયે બોલિવિયાની કુલ ટૅક્સની આવકનો 15 ટકા હિસ્સો હતી.

જોકે સદીઓથી ચાલી આવી રહેલી સિંચોના છાલની માગે ત્યાંના સ્થાનિકો પર દેખીતો ઘા કર્યો છે.

1805માં ભોમિયાઓના દસ્તાવેજોમાં નોંધયેલા ઉલ્લેખ પ્રમાણે, એક્વાડોરિયન એન્ડિયસમાં 25,000 સિંચોના વૃક્ષો હતાં. એ જ વિસ્તાર હવે પોદોકાર્પસ નેશનલ પાર્કનો હિસ્સો છે અને હવે ત્યાં માત્ર 29 વૃક્ષો બચ્યાં છે.

કેનાલસ સમજાવે છે કે ક્વિનાઇનથી સમૃદ્ધ પ્રજાતિને એન્ડિયસમાંથી હઠાવવાને કારણે સિંચોના છોડની આનુવાંશિક રચના બદલાઈ ગઈ છે, જેથી તેમની વિકસિત થવાની તથા બદલાવની પ્રક્રિયા ધીમી પડી ગઈ છે.

લંડન બહાર કિવમાં આવેલા રૉયલ બોટનિકલ ગાર્ડનના સહયોગથી કેનાલસનું મુખ્ય કામ એ છે, જૂની સિંચોના છાલની પ્રજાતિને મ્યુઝિયમમાં સંગ્રહીને અભ્યાસ કરવામાં આવે કે કેવી રીતે માનવ વર્તણૂકે એક વૃક્ષને બદલી નાખ્યું હશે.

તેઓ સમજાવે છે કે 'અમને લાગે છે કે સિંચોનામાં હવે ઓછા ક્વિનાઇનની માત્રા તેની વધુ પડતી કાપણી હોઈ શકે છે.'

ઇમેજ સ્રોત, rchphoto/Getty Images

તાજેતરમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાઇરસની સંભવિત દવા તરીકે ક્વિનાઇનના કૃત્રિમ વંશજ હાઇડ્રોક્સિક્લોરોક્વિનનો સુરક્ષાના કારણસર અભ્યાસ અટકાવ્યો હતો.

અગાઉ જંગલમાંથી શોધવાની સામે હવે આ દવા લૅબમાં તૈયાર થતી હોવા છતાં કેનાલસ કહે છે કે સિંચોનાનું સંરક્ષણ અને 'ફાર્મસી ઑફ ધ વર્લ્ડ' જે તેને પોષે છે તેની સામે જે ખતરો છે તેને જોતા નક્કી છે કે ભવિષ્યમાં આપણે કોઈ નવી દવાની શોધ કરી શકશું કે કેમ.

સિંચોનાને સરકાર તરફથી કોઈ સુરક્ષા મળતી નથી એટલે હવે ત્યાંના સ્થાનિક સંરક્ષણ કરતાં જૂથો આગળ આવ્યાં છે.

પર્યાવરણીય સંગઠન સેમિલ્લા બેંડિટા, 'ધન્ય બીજ' નામના પ્રોગ્રામ હેઠળ 2021માં પેરુની 200મી આઝાદી વર્ષગાંઠ પર 2021 સિંચોના વૃક્ષો વાવવાનું આયોજન કરી રહ્યા છે અને શાગનહાફ જેવા વૈજ્ઞાનિકોને આશા છે કે એન્ડિયસની જૈવવૈવિધ્યતાને સાચવી રાખવા માટેનાં પગલાં લેવાશે.

શાગનહાફ જણાવે છે કે "ક્વિનાઇનની કહાણી જણાવે છે કે જૈવવૈવિધ્યતા અને માનવ સ્વાસ્થ્ય એક સાથે ચાલે છે. લોકો હંમેશાં વિચારે છે કે વનસ્પતિમાંથી નીકળતી દવાઓ 'વૈકલ્પિક દવાઓ' છે."

પરંતુ માનવ ઇતિહાસમાં આપણે આટલી ઔષધીય પ્રગતિ કરી શક્યા છીએ તે આવી વનસ્પતિઓને આભારી છે.

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયા પર અહીં ફૉલો કરી શકો છો