જો બાઇડન : અમેરિકાના રાષ્ટ્રપતિ બનનારા જો બાઇડનની ત્રણ દાયકાની રાજકીય સફર

  • પીટર બાલ
  • બીબીસી વર્લ્ડ સર્વિસ
અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

અમેરિકાના નવા રાષ્ટ્રપતિ જો બાઇડન

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકા માટે આજનો દિવસ ઐતિહાસિક છે કારણ કે આજે જો બાઇડને અમેરિકાના 46મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા છે.

અમુક અમેરિકનો માટે આજનો દિવસ અપરંપાર ખુશીનો હતો કારણ કે તેમણે બાઇડનને રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચાડવા માટે દિલ ખોલીને મત આપ્યા હતા.

બીજી તરફ અમુક અમેરિકનો માટે આજનો દિવસ દુ:સ્વપ્નથી ઓછો નહોતો કારણ કે તેમના માટે ટ્રમ્પની વિદાય પીડાદાયક હતી.

આજના ઐતિહાસિક દિને અમેરિકાનું દિલ ગણાતા વ્હાઇટ હાઉસમાંથી સત્તાવાર રીતે ટ્રમ્પની વિદાય થઈ અને જો બાઇડનની ઍન્ટ્રી થઈ.

જો બાઇડનને દુનિયાના સૌથી અનુભવી રાજનેતાઓમાંથી એક માનવામાં આવે છે પણ સાથે જ તેઓ ભાષણોમાં ભૂલો કરવા માટે પણ જાણીતા છે.

એમના સમર્થકોમાં તેઓ વિદેશનીતિના નિષ્ણાત તરીકે વિખ્યાત છે.

એમની પાસે વૉશિંગ્ટન ડી.સી.માં રાજનીતિ કરવાનો અનેક દાયકાનો અનુભવ પણ છે.

બીજાનું દિલ આસાનીથી જીતી લે તેવી મીઠી વાતો કરવા માટે તેઓ જાણીતા છે.

બાઇડનની સૌથી મોટી ખાસિયત એ છે કે તેઓ સહજતાથી સામાન્ય માણસ સાથે તાદાત્મ્ય સાધી લે છે. એમણે એમની અંગત જિંદગીમાં અનેક ચઢાવ-ઉતાર જોયા છે અને ઘણી પરેશાનીઓ વેઠી છે.

જોકે, વિરોધીઓની નજરમાં બાઇડન એવી શખ્સિયત છે જેને ફક્ત અમેરિકાની સત્તા રસ છે અને એમનામાં ખામીઓ જ ખામીઓ છે.

બાઇડન પોતાનાં ભાષણોમાં ખોટા દાવાઓ કરે છે એમ વિરોધીઓ કહે છે.

સાથે જ પ્રચાર દરમિયાન એમને "મહિલાઓના વાળ સૂંઘવાની ખરાબ લત છે"એ વિશે પણ ચિંતા સેવવામાં આવી હતી.

line

તેજ વક્તા

જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

જો બાઇડનનો ચૂંટણીપ્રચાર સાથે જૂનો નાતો છે. આજથી 47 વર્ષ અગાઉ એમણે અમેરિકાની સંઘીય રાજનીતિમાં પગ મૂક્યો હતો. 1973માં સૅનેટની ચૂંટણીથી એમની રાજકીય સફરની શરૂઆત થઈ હતી.

રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ભાગીદારીની પહેલી ચાલ તેઓ આજથી 33 વર્ષ અગાઉ ચાલ્યા હતા.

હવે જો એવું કહીએ કે બાઇડન પાસે મતદારોને આકર્ષવાની કુદરતી બક્ષિશ છે તો એ ખોટું નહીં ગણાય.

જનતાની રૂબરૂ થતાં જ બાઇડન ઘણી વાર ભાવનાઓમાં વહી જાય છે અને એ જ કારણે રાષ્ટ્રપતિપદની ચૂંટણીનું એમનું પહેલું અભિયાન શરૂ થયાની પહેલાં જ ખતમ થઈ ગયું હતું.

ઉલ્લેખનીય છે કે બાઇડને ત્રીજી વાર રાષ્ટ્રપતિ બનવાનો પ્રયાસ કર્યો અને તેઓ સફળ રહ્યા.

જ્યારે 1987માં બાઇડને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર બનવા માટે પહેલી વાર દાવેદારી કરી ત્યારે રેલીઓમાં એમણે એવો દાવો કરવાનું શરૂ કર્યું કે, મારા વડવાઓ ઉત્તર-પશ્ચિમ પેન્સિલ્વેનિયામાં આવેલી કોલસાની ખાણોમાં કામ કરતા હતા.

બાઇડને ભાષણમાં એવું પણ કહ્યું કે "એમના પૂર્વજો જેના હકદાર હતો તેવો જીવનમાં આગળ વધવાનો મોકો તેમને ન મળ્યો. બાઇડન એવું પણ કહેતા કે આ વાતથી તેઓ સખત નારાજ છે."

જોકે, હકીકત એ છે કે બાઇડનના પૂર્વજોમાંથી કોઈએ ક્યારેય પણ કોલસાની ખાણમાં કામ નથી કર્યું.

હકીકત તો એ છે કે બાઇડને આ ડંફાસ બ્રિટિશ રાજનેતા નીલ કિનૉકની નકલ કરીને મારી હતી. (આ જ રીતે બાઇડન અન્ય નેતાઓનાં નિવેદનોને પોતાના બનાવીને રજૂ કર્યાં હતાં.) નીલ કિનૉકના પૂર્વજો કોલસાની ખાણમાં કામ કરનાર મજૂરો હતા.

આ તો બાઇડનની અનેક ખોટી ડંફાસ પૈકી એક છે. એમનાં આવાં નિવેદનો અમેરિકાની રાજનીતિમાં 'જો બૉમ્બ'ના નામથી પ્રખ્યાત છે અથવા તો કહો કે બદનામ છે.

2012માં પોતાના રાજકીય અનુભવનાં વખાણ કરતી વખતે બાઇડને જનતાને એ રીતે ગફલતમાં નાખી દીધી કે, 'દોસ્તો હું આપને કહી શકું છું કે મેં આઠ રાષ્ટ્રપતિઓ સાથે કામ કર્યું છે. આમાંથી ત્રણ સાથે તો મારો ખૂબ નજીકનો સંબંધ રહ્યો છે.'

એમની આ વાતનો અસલ અર્થ તો એ જ હતો કે તેઓ ત્રણ રાષ્ટ્રપતિઓ સાથે નજીકથી કામ કરી ચૂક્યા છે.

પરંતુ આ વાતને તેમણે જે શબ્દોમાં રજૂ કરી તેનાથી એવો અર્થ નીકળતો હતો કે જાણે એમને ત્રણ રાષ્ટ્રપતિઓ સાથે યૌનસંબંધ રહ્યો હોય.

line
જો બાઇડન

ઇમેજ સ્રોત, AFP

જ્યારે બરાક ઓબામાએ જો બાઇડનને પોતાની સાથે ઉપરાષ્ટ્રપતિપદના ઉમેદવાર બનાવ્યા ત્યારે એમણે લોકોને એવું કહીને ડરાવી દીધા કે, 'એ અને ઓબામા સાથે મળીને અર્થતંત્ર સુધારવામાં કોઈ ભૂલ કરે એની સંભાવના ત્રીસ ટકા છે.'

જો બાઇડન એ રીતે નસીબદાર છે કે અમેરિકાના પ્રથમ અશ્વેત રાષ્ટ્રપતિએ એમને ઉપરાષ્ટ્રપતિ બનાવ્યા હતા, કેમ કે અગાઉ બાઇડને ઓબામા વિશે એમ કહીને હલચલ મચાવી દીધી હતી કે, 'ઓબામા આફ્રિકન મૂળના એવા પહેલા અમેરિકન નાગરિક છે જે સરસ બોલે છે, સમજદાર છે, ભ્રષ્ટ નથી અને દેખાવમાં પણ સારા છે.'

આવાં નિવેદનો છતાં આ વખતના રાષ્ટ્રપતિપદના ચૂંટણીપ્રચારમાં જોસેફ બાઇડન અમેરિકાના આફ્રિકન-અમેરિકન સમુદાયમાં ખૂબ લોકપ્રિય રહ્યા.

અગાઉ બ્લૅક રંગ હોસ્ટ સાથેના ચેટ શોમાં એમણે એવી વાત કરી જેનાથી હંગામો મચી ગયો.

બ્લૅક રંગના અમેરિકન હોસ્ટ શાર્મલેન થા ગૉડ સાથેની વાતચીતમાં બાઇડને દાવો કર્યો કે, 'જો તમને ટ્રમ્પ અને મારા વચ્ચે પસંદગીમાં સમસ્યા છે તો તમે કાળા છો જ નહીં.'

બાઇડનના આ મોંફાટ નિવેદનથી અમેરિકાના મીડિયામાં જાણે કે તોફાન આવી ગયું. આ પછી બાઇડન આફ્રિકન-અમેરિકન મતદાતાઓને હળવાશથી નથી લઈ રહ્યાં એવું સમજાવતા બાઇડનનું પ્રચારઅભિયાન સંભાળતી ટીમને નાકે દમ આવી ગયો હતો.

જો બાઇડનનાં આવાં બેફામ નિવેદનોને કારણે જ ન્યૂ યૉર્ક મૅગેઝિનના એક પત્રકારે લખ્યું હતું કે, 'બાઇડનની આખી પ્રચારટીમ બસ એ વાત પર ભાર મૂકે છે કે ક્યાંક તે તડફડ નિવેદન ન આપી બેસે.'

line

પ્રચારઅભિયાનના જૂના જોગી

જો બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

આમ તો બાઇડન સારા વક્તા છે પરંતુ તેમની ભાષણકલાની બીજી પણ એક ખાસ વાત છે.

આજે જ્યારે દુનિયામાં રૉબોટ જેવા નેતાઓની ભરમાર છે અને તેઓ નીવડેલાં નિવેદનો આપે છે અને લખેલું વાંચે છે ત્યારે બાઇડન એવા વકતા છે જેમને સાંભળો તો એવું લાગે કે તેઓ દિલથી બોલે છે.

બાઇડન કહે છે કે 'બાળપણથી તોતડાપણાને કારણે એમને ટેલિપ્રૉમ્પટરની મદદથી વાંચતા નથી ફાવતું. તેઓ જે બોલે છે તે દિલથી બોલે છે.'

જો બાઇડનના ભાષણમાં એ જાદુગરી છે જે અમેરિકાના બ્લૂ-કૉલર કામકાજી લોકોની ભીડમાં જોશ ભરી દે છે. એ પછી ખૂબ સહજતા તેઓ ભીડનો હિસ્સો બની જાય છે.

લોકોને મળે છે, હાથ મિલાવે છે, એમને ગળે મળે છે. લોકો સાથે સેલ્ફી લે છે. કોઈ ઘરડો ફિલ્મસ્ટાર અચાનક એના ચાહકો વચ્ચે જઈ ચડ્યો હોય એવી આ વાત છે.

અમેરિકાના પૂર્વ વિદેશમંત્રી અને રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં ઉમેદવાર રહી ચૂકેલા જૉન કેરીએ ન્યૂયોર્કર મૅગેઝિન સાથેની વાતચીતમાં બાઇડન વિશે કહ્યું હતું કે, 'તે લોકોને પોતાની તરફ ખેંચીને ગળે લગાવી દે છે. અનેક વાર તો લોકો એમની વાતોથી જ એમની તરફ ખેંચાઈ આવે છે અને અનેક વાર તેઓ ખુદ જ લોકોને આગોશમાં લઈ લે છે. તેઓ દિલને સ્પર્શનારા રાજનેતા છે. એમનામાં કોઈ બનાવટ નથી, ન તો તે કોઈ ઢોંગ કરે છે. ખૂબ સહજતાથી તેઓ લોકોમાં ભળી જાય છે.'

line

બાઇડન પર લાગેલા ગંભીર આરોપ

જો બાઇડન

ઇમેજ સ્રોત, AFP

ગત વર્ષે આઠ મહિલાઓએ સામે આવીને એવો આરોપ લગાવ્યો હતો કે જો બાઇડને એમને આપત્તિજનક રીતે સ્પર્શ કર્યો હતો, ભેટ્યા હતા કે કિસ કરી હતી.

આ મહિલાઓના આરોપ પછી અમેરિકન ન્યૂઝ ચેનલોમાં સાર્વજનિક કાર્યક્રમોમાં બાઇડને કરેલા મહિલાઓના અભિવાદનની તસવીરો નજીકથી દેખાડવામાં આવી. એમાં અનેક વાર તેઓ મહિલાઓના વાળ સૂંઘતા જોવા મળ્યા.

આ આરોપોના જવાબમાં બાઇડને કહ્યું હતું કે, ભવિષ્યમાં તેઓ મહિલાઓના અભિવાદનમાં વધારે સાવધાની રાખશે.

જોકે, હમણાં માર્ચ મહિનામાં અમેરિકન અભિનેત્રી તારા રીડે આરોપ મૂક્યો કે જો બાઇડને ત્રીસ વર્ષ અગાઉ એમની સાથે યૌનહિંસા કરી હતી. એમને દીવાલ તરફ ધકેલી એમની સાથે જબરદસ્તી કરવાની કોશિશ કરી હતી.

ઉલ્લેખનીય છે કે એ વખતે તારા રીડ બાઇડનની ઑફિસમાં એક સહાયક તરીકે કામ કરતાં હતાં.

જો બાઇડને તારા રીડના આરોપનું કડક શબ્દોમાં ખંડન કર્યું હતું અને કહ્યું કે આવું કંઈ જ નહોતું થયું.

જો બાઇડન

ઇમેજ સ્રોત, THE BREAKFAST CLUB ON POWER 105.1/VIA REUTERS

બાઇડનનો બચાવ કરીને ડેમૉક્રેટિક સમર્થકો ડોનાલ્ડ ટ્રમ્પ સામે ડઝનેકથી વધારે મહિલાઓએ યૌનહિંસાનો આરોપ મૂક્યો છે એવું કહી શકે છે પરંતુ સવાલ એ છે કે તમે શું આવા વર્તનની તુલના રાજકીય પ્રતિસ્પર્ધીનાં કૃત્યો સાથે કરીને જવાબ આપી શકો?

જ્યારથી અમેરિકામાં #MeToo આંદોલન શરૂ થયું ત્યારથી બાઇડન સમેત ડેમૉક્રેટિક પાર્ટીના અનેક નેતાઓ ભાર દઈને એવું કહેતા રહ્યા છે કે, સમાજે મહિલાઓ પર ભરોસો મૂકવો જોઈએ. હવે આવામાં બાઇડન પર લાગેલા આવા આરોપોને છાવરવાની કે ઓછા આંકીને રજૂ કરવાની કોશિશ થાય તેનાથી મહિલા અધિકારો માટે કામ કરનારા લોકોને નિરાશા જ થઈ શકે છે.

એક મુલાકાતમાં તારા રીડે કહ્યું હતું કે, 'બાઇડનના સહયોગી મારા વિશે ભદ્દી વાતો કરે છે અને સોશિયલ મીડિયા પર ગમે તેમ બોલે છે. બાઇડને પોતે તો મને કંઈ નથી કહ્યું પરંતુ બાઇડનના આખા પ્રચારઅભિયાનમાં એક પાખંડ દેખાય છે કે એમનાથી મહિલાઓને કોઈ જ ખતરો નથી. હકીકત તો એ છે કે બાઇડનની નજીક રહેવું ક્યારેય સુરક્ષિત હતું જ નહીં.'

જો બાઇડનની પ્રચારટીમે તારા રીડના આરોપોનું ખંડન કર્યું હતું.

line

જૂની ભૂલોથી બચવાના પ્રયત્નો

જો બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

સામાન્ય લોકો સાથેનો ઘરોબો ભલે બાઇડન માટે પહેલેથી મુસીબત બનતો રહ્યો હોય પરંતુ એમના સમર્થકો આશા રાખે છે કે લોકો સાથે સંબંધ બાંધવાની એમની જે ખાસ સ્ટાઇલ છે તેની મદદથી હવે તે પોતાની જૂની ભૂલોના વમળમાં નહીં ફસાય.

જો બાઇડન પાસે અમેરિકાની સંઘીય રાજનીતિમાં કામ કરવાનો લાંબો અનુભવ છે. તેઓ વૉશિંગ્ટનમાં ખૂબ લાંબા સમયથી સક્રિય છે.

અમેરિકાની સંસદના ઉપરના સદન એટલે કે સૅનેટમાં બાઇડને ત્રણ દાયકાથી વધારે સમય પસાર કર્યો છે. ઉપરાંત તેઓ બરાક ઓબામાના શાસનમાં આઠ વર્ષ સુધી ઉપરાષ્ટ્રપતિ રહ્યા છે.

રાજનીતિમાં આટલો લાંબો અનુભવ ખૂબ કામ લાગે છે. જોકે હાલના અનુભવો કહે છે કે આવું કાયમ થાય જ તે જરૂર નથી.

અમેરિકાની સંસદના નીચલા ગૃહ હાઉસ ઑફ રિપ્રેઝેટેટિવ્સમાં આઠ વર્ષનો અનુભવ, સૅનેટમાં આઠ વર્ષનો અનુભવ અને ઉપરાષ્ટ્રપતિ તરીકે આઠ વર્ષનો અનુભવ ધરાવનાર અલ ગોર હોય કે પછી સૅનેટમાં 28 વર્ષનો અનુભવ ધરાવનાર જૉન કેરી હોય, આ અનુભવી ડેમૉક્રેટિક નેતાઓ રિપબ્લિકન્સ ઉમેદવાર સામે માત ખાઈ ચૂક્યા છે.

આ જ રીતે દેશનાં પ્રથમ મહિલા તરીકે આઠ વર્ષનો અનુભવ છે અને સૅનેટમાં આઠ વર્ષનો અનુભવ તથા વિદેશમંત્રી તરીકે ચાર વર્ષનો અનુભવ ધરાવનારાં હિલેરી ક્લિન્ટન પણ માત ખાઈ ચૂક્યાં છે.

અમેરિકાના મતદારોએ અનેક વાર સાબિત કર્યું છે કે તેઓ 'જે વૉશિંગ્ટનની રાજનીતિનો હિસ્સો નથી એવો દાવો કરે તે ઉમેદવારને' તેઓ પસંદ કરે છે.

'જે એવું કહે કે એ વૉશિંગ્ટનની વર્તમાન વ્યવસ્થાને જડથી ઉખાડી ફેંકવા માટે જ રાષ્ટ્રપતિ બનવા માગે છે અને એમાં આમૂલ પરિવર્તન લાવવા માગે છે' એવા ઉમેદવાર અમેરિકાની જનતાને પસંદ આવે છે. ખાસ કરીને એવા નેતા જેઓ પોતાને 'આઉટસાઇડર' યાને કે વૉશિંગ્ટનની બહારના દર્શાવે છે તેમને જનતા પસંદ કરે છે.

પરંતુ આ દાવો જો બાઇડનના સમર્થક ક્યારેય નહીં કરી શકે, કેમ કે એમણે અમેરિકાની શીર્ષ રાજનીતિમાં લગભગ પાંચ દાયકા વિતાવ્યા છે.

line

બાઇડનનો લાંબો રાજકીય ઇતિહાસ

જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાના રાજકીય ઇતિહાસમાં છેલ્લા દાયકામાં જે પણ કોઈ ઉતારચઢાવ જોવા મળ્યા છે, તેમાં બાઇડનની કોઈને કોઈ રીતે ભૂમિકા રહેલી છે.

1970ના દાયકામાં અમેરિકાનાં બાળકોમાં વંશીય ભેદભાવ ઘટે તે માટે શાળામાં એકસાથે ભણાવવાના નિર્ણયનો વિરોધ કરનાર લોકોને બાઇડને સાથ આપ્યો હતો.

ત્યારે અમેરિકાના દક્ષિણના રાજ્ય એ વાતના વિરોધમાં હતા કે શ્વેત અમેરિકન બાળકોને બસોમાં ભરીને કાળા લોકોની બહુમતીવાળા વિસ્તારોમાં લઈ જવામાં આવે.

આ ચૂંટણીઅભિયાન દરમિયાન, બાઇડન પર તેમના આ સ્ટેન્ડ બદલ વારંવાર નિશાન તાકવામાં આવ્યું હતું.

રિપબ્લિકન પાર્ટીના તેમના વિરોધી વારંવાર, ઓબામા વહીવટીતંત્રમાં રક્ષામંત્રી રહેલા રૉબર્ટ ગેટ્સનું એ નિવેદન ટાંકતા હતા, જેમાં ગેટ્સે કહ્યું હતું, "જો બાઇડનને નાપસંદ કરવા લગભગ અશક્ય જ છે. પરંતુ સમસ્યા એ છે કે ગત ચાર દાયકામાં અમેરિકાની વિદેશનીતિ હોય કે ઘરેલુ સુરક્ષા સાથે જોડાયેલા મુદ્દા હોય, તે તમામ બાબતોમાં હંમેશાં બાઇડને ખોટા પક્ષ સાથે જ ઊભા રહ્યા છે."

line

બાઇડનની પારિવારિક સમસ્યાઓ

જોના પત્નિ નીલિયા અને બેટી નાઓમી એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

જોના પત્નિ નીલિયા અને બેટી નાઓમી એક કાર અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતા.

તે બાઇડન માટે અફસોસની વાત છે. પરંતુ એક એવી બાબત છે જે બાબતમાં તે કોઈ અન્ય રાજનેતાની સરખામણીએ અમેરિકાની જનતાની ખૂબ જ નજીક જોવા મળી રહ્યા છે અને તે છે મૃત્યુ.

જ્યારે જો બાઇડન પહેલી વાર અમેરિકાની સૅનેટની ચૂંટણી જીતીને શપથ લેવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે તેમનાં પત્ની નીલિયા અને તેમનાં દીકરી નાઓમી એક કાર-અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં. આ દુર્ઘટનામાં તેમના દીકરા બ્યૂ અને હંટરને ઈજા પહોંચી હતી.

પછી બ્યૂનું 46 વર્ષની ઉંમરે 2015માં બ્રેઇન ટ્યૂમરથી મૃત્યુ થયું હતું.

જોના પત્ની નીલિયા અને દીકરી નાઓમી પહેલાં જ એક કાર-અકસ્માતમાં મૃત્યુ પામ્યાં હતાં.

આટલી યુવાવસ્થામાં આટલા નજીકના લોકોને ગુમાવી દેવાના કારણે આજે જો બાઇડન સાથે અનેક અમેરિકાના સામાન્ય લોકો જોડાયેલાનો અહેસાસ કરે છે.

લોકોને લાગે છે કે આટલી મોટી રાજકીય હસ્તી હોવા છતાં અને સત્તાની આટલી નજીક હોવા છતાં બાઇડને એ દર્દને પોતાના જીવનમાં સહન કર્યું છે, જે સામાન્ય માણસ સહન કરતો હોય છે.

પરંતુ બાઇડનના પરિવારના એક બીજા ભાગની કહાણી બિલકુલ અલગ છે. ખાસ કરીને તેમના બીજા દીકરા હંટરની.

line

સત્તા, ભ્રષ્ટાચાર અને જૂઠ?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

જો બાઇડનના બીજા દીકરા હંટરે વકીલાતનું ભણવાનું પૂર્ણ કરીને લૉબિંગનું કામ શરૂ કર્યું હતું. આ પછી તેમનું જીવન બેલગામ બની ગયું.

હંટરનાં પહેલા પત્નીએ તેમના પર દારૂ અને ડ્રગ્સની લતની સાથે-સાથે, નિયમિત રીતે સ્ટ્રિપ ક્લબ જવાનો હવાલો આપીને છૂટાછેડાના કાગળ અદાલતમાં મૂક્યા હતા.

કોકેઇનના આરોપમાં દોષિત ઠરતા હંટરને અમેરિકાની નૌસેનાએ નોકરીમાંથી કાઢી મૂક્યા હતા.

એક વખત હંટરે ન્યૂયોર્કર મૅગેઝિન સાથેની વાતચીતમાં કબૂલ્યું હતું કે એક ચીનના ઊર્જા વેપારીએ તેમને ગિફ્ટમાં હીરો આપ્યો હતો. પછી ચીનની સરકારે આ વેપારી સામે ભ્રષ્ટાચારના આરોપોની તપાસ કરી હતી.

પોતાની વ્યક્તિગત જિંદગીનો હંટરે જે પ્રકારે તમાશો બનાવ્યો તેનાથી બાઇડને ઘણા રાજકીય ઝટકા સહન કરવા પડ્યા.

હાલ ગત વર્ષે હંટરે બીજા લગ્ન એક એવી છોકરી સાથે કર્યાં, જેમને તેઓ એક અઠવાડિયા પહેલાં મળ્યા હતા. આ સિવાય હંટરની ભારે કમાણીને લઈને બાઇડન પર નિશાન તાકવામાં આવે છે.

હંટરનું નશાખોર હોવું એક એવી વાત છે, જેનાથી ઘણા બધા અમેરિકનોને હમદર્દી હોઈ શકે છે. પરંતુ જે પ્રકારે હંટરે મોટા પગારવાળી નોકરીઓ પર હાથ અજમાવ્યો છે.

તેનાથી એ વાત પણ જાણવા મળે છે કે જો કોઈ બાઇડન જેવા મોટા રાજકીય નેતાના દીકરા હોય, તો નશાખોર હોવા છતાં તેમને મોટા પગારની નોકરી સરળતાથી મળી જાય છે.

તેમનું જીવન નશાનો શિકાર બનેલા સામાન્ય અમેરિકાના નાગરિકની જેમ મુશ્કેલીઓથી ભરેલું હોતું નથી.

line

વિદેશી બાબતો

ડોનાલ્ડ ટ્રમ્પ અને હિલેરી ક્લિન્ટન

ઇમેજ સ્રોત, Reuters

કૂટનીતિનો લાંબો અનુભવ જો બાઇડનની મોટી રાજકીય તાકાત છે. એવામાં વિદેશમાં જોડાયેલું કોઈ પણ રાજકીય સ્કૅન્ડલ તેમને ખાસ કરીને રાજકીય નુકસાન પહોંચાડનારું બની શકે છે.

જો બાઇડન સૅનેટના વિદેશી બાબતોની સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે. તેઓ એવો દાવો કરે છે કે હું ગત 45 વર્ષમાં દુનિયાના તમામ મોટા રાજકીય નેતાઓને મળ્યો છું.

જો બાઇડને 1991ના ખાડીયુદ્ધની સામે વોટ કર્યો હતો. પરંતુ 2013માં તેમણે ઇરાકના હુમલાના સમર્થનમાં વોટ કર્યો હતો. જોકે બાદમાં તેઓ ઇરાકમાં અમેરિકાની દખલગીરીના પ્રમુખ ટીકાકાર પણ બન્યા હતા.

આવી બાબતોમાં બાઇડન હંમેશાં સંભાળીને ચાલે છે. અમેરિકાના કમાન્ડોએ જે હુમલામાં પાકિસ્તાનમાં ઓસામા બિન લાદેનને મારી નાખ્યો હતો, બાઇડને ઓબામાને આ હુમલો ન કરવાની સલાહ આપી હતી.

મજાની વાત એ છે કે અલ-કાયદાના નેતા ઓસામા બિન લાદેને જો બાઇડન તરફ ધ્યાન આપ્યું ન હતું.

સીઆઈએ દ્વારા જપ્ત કરાયેલા દસ્તાવેજને જાહેર કરવામાં આવ્યા તે પ્રમાણે ઓસામા બિન લાદેને પોતાના લોકોને આદેશ આપ્યો હતો કે રાષ્ટ્રપતિ બરાક ઓબામા પર હુમલો કરો. પરંતુ લાદેને બાઇડનની હત્યાનું કોઈ ફરમાન જાહેર કર્યું નહોતું.

જ્યારે તે સમયે બાઇડન અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ હતા. ઓસામા બિન લાદેનને લાગતું હતું કે ઓબામાની હત્યા પછી બાઇડન અમેરિકાનું નેતૃત્વ કરશે.

પરંતુ લાદેનના કહેવા મુજબ, 'બાઇડન રાષ્ટ્રપતિપદની જવાબદારી ઉપાડવા માટે ક્યારેય તૈયાર ન હતા. અને જો તે રાષ્ટ્રપતિ બને છે તો પણ અમેરિકામાં રાજકીય સંકટ ઊભું થઈ જશે.'

અનેક બાબતોમાં જો બાઇડનના ખ્યાલ એવા છે જે ડેમૉક્રેટિક પાર્ટીના યુવા કાર્યકર્તાઓ સાથે મેળ ખાતા નથી.

ડેમૉક્રેટિક પાર્ટીના યુવાન સમર્થકો બર્ની સેન્ડર્સ અથવા એલિઝાબેથ વોરેન જેવા નેતાઓના કટ્ટર યુદ્ધવિરોધી વિચારોને વધારે પસંદ કરે છે.

પરંતુ અમેરિકાના ઘણા નાગરિકોને એવું પણ લાગે છે કે જો બાઇડન કંઈક વધારે પડતાં શાંતિદૂત બને છે.

line
જો બાઇડન

ઇમેજ સ્રોત, Reuters

આ એ જ અમેરિકન નાગરિકો છે, જેમણે આ વર્ષે જાન્યુઆરીમાં એક ડ્રોન હુમલામાં ઈરાનના જનરલ કાસિમ સુલેમાનીની હત્યા કરવાનો આદેશ આપનાર રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું જાહેરમાં સમર્થન કર્યું હતું.

વિદેશનીતિ સાથે જોડાયેલા મોટા ભાગના કેસમાં બાઇડનનું વલણ મધ્યમમાર્ગનું રહ્યું છે. જેનાથી બની શકે કે ડેમૉક્રેટિક પાર્ટીના મોટા ભાગના કાર્યકર્તાઓમાં જોશ ન ભરાય.

line

શીખ અથવા કંઈ નહીં

જો બાઈડન અને બરાક ઓબામા

ઇમેજ સ્રોત, EPA

ચૂંટણી અગાઉના તમામ સરવે વ્હાઇટ હાઉસની આ દોડમાં જો બાઇડનને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પથી પાંચથી દસ અંક આગળ બતાવતા હતા.

બેઉ પાર્ટીઓ અમેરિકામાં કાળા લોકો સામે પોલીસની હિંસાના વિરોધમાં થઈ રહેલા વિરોધપ્રદર્શનમાં સામસામે ટકરાઈ ચૂકી છે.

આ ઉપરાંત જે રીતે અમેરિકન સરકારે કોરોનાનો મુકાબલો કરવાની કોશિશ કરી છે તેને લઈને પણ ટ્રમ્પ અને બાઇડન ટકરાઈ ચૂક્યા છે.

ત્યાં સુધી કે ટ્રમ્પ અને બાઇડન વચ્ચે ફેસ માસ્ક પણ રાજકીય ટક્કરનું કારણ બની ચૂક્યો છે. એવું લાગે છે કે બાઇડન અનેક વાર સાર્વજનિક રીતે માસ્ક પહેરેલા દેખાવાનો વધારે પ્રયાસ કર્યો હતો, જ્યારે ટ્રમ્પ માસ્ક પહેરવાથી વારંવાર બચતા જોવા મળ્યા હતા.

જોકે ઘણી વાર ઇમેજ ચમકાવવાની આવી નાની-મોટી કોશિશોથી વિપરીત રાજકીય ચૂંટણીપ્રચારમાં ઘણી મોટી બાબતો દાવ પર લાગેલી હોય છે.

જો બાઇડન

ઇમેજ સ્રોત, Getty Images

આજથી ચાર વર્ષ અગાઉ 2016માં જ્યારે બાઇડન રાષ્ટ્રપતિપદની રેસમાં સામેલ થવું કે નહીં તેની અવઢવમાં હતા ત્યારે તેમણે કહ્યું હતું કે, 'હું ક્યારેય રાષ્ટ્રપતિ ન બની શક્યો એની હાશ સાથે ખુશી મરી શકું છું.'

જોકે હવે જો બાઇડન આજની શપથવિધિ બાદ અમેરિકાના નવા રાષ્ટ્રપતિ બની જશે.

કોરોના વાઇરસ
લાઇન

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો