ડૉલર થઈ રહ્યો છે નબળો, રશિયા અને ચીને ચાલી આ નવી ચાલ

  • ટીમ બીબીસી ગુજરાતી
  • નવી દિલ્હીથી
પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના ચલણ ડૉલરની ઓળખ એક વૈશ્વિક ચલણની છે. આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલર અને યુરો ઘણાં લોકપ્રિય અને સ્વીકાર્ય છે. દુનિયામાં કેન્દ્રિય બૅન્કોમાં જે વિદેશી નાણાંકીય ભંડોળ હોય છે તેમાં 64 ટકા અમેરિકન ડૉલર હોય છે.

આ રીતે ડૉલર પોતે જ એક વૈશ્વિક નાણું બની જાય છે. ડૉલર વૈશ્વિક નાણું છે એ વાત તેની મજબૂતી અને અર્થવ્યવસ્થાની તાકાતનું પ્રતીક છે.

ઇન્ટરનેશનલ સ્ટૅન્ડર્ડ ઑર્ગેનાઇઝેશનના લિસ્ટ મુજબ દુનિયા આખીમાં કુલ 185 કરન્સી છે.

જોકે, એમાંથી મોટા ભાગે ચલણી નાણાનો ઉપયોગ પોતાના દેશની અંદર જ થતો હોય છે.

કોઈ પણ મુદ્રા દુનિયામાં કેટલી હદ સુધી પ્રચિલત હોય તે દેશની અર્થવ્યવસ્થા અને તાકાત પર નિર્ભર કરે છે.

દુનિયાનું બીજું તાકાતવર ચલણ યુરો છે. જે દુનિયા આખીની કેન્દ્રિય બૅન્કોની વિદેશી મુદ્રા ભંડારમાં 19.9 ટકા છે.

સ્પષ્ટ છે ડૉલરની મજબૂતી અને તેની સ્વીકૃતિ અમેરિકન અર્થતંત્રની તાકાતને દર્શાવે છે. કુલ ડૉલરના 65 ટકા ડૉલરનો ઉપયોગ અમેરિકાની બહારથી થાય છે.

દુનિયામાં થતાં કુલ વેપારનો 85 ટકા વેપાર ડૉલર દ્વારા થાય છે.

દુનિયાભરમાં 39 ટકા દેવું ડૉલરમાં આપવામાં આવે છે. એટલા માટે વિદેશી બૅન્કોને આંતરરાષ્ટ્રીય વેપારમાં ડૉલરની જરૂરિયાત હોય છે.

ડૉલર પર પોતાની નિર્ભરતા ઓછી કરવા માટે રશિયા અને ચીન સાથે આવી રહ્યા છે. કેટલાંક નિષ્ણાતોનું કહેવુ છે કે આનાથી બંને દેશો વચ્ચે 'નાણાકીય ગઠબંધન થઈ શકે છે.'

ડૉલર વૈશ્વિક ચલણ કેમ?

ઇમેજ સ્રોત, Getty Images

1944માં બ્રેટન વુડ્સ કરાર પછી ડૉલરની વર્તમાન મજબૂતીની શરૂઆત થઈ હતી.

આ પહેલાં વધારે દેશો માત્ર સોનાંને ઊંચો માપદંડ માનતા હતા. તે દેશોની સરકાર વાયદો કરતી હતી કે તે તેમની મુદ્રાને સોનાંની માગના મૂલ્યને આધારે નક્કી કરશે.

ન્યૂ હેમ્પશૅરના બ્રેટન વુડ્સમાં દુનિયાના વિક્સિત દેશ મળ્યા અને તેમણે અમેરિકન ડૉલરની સરખામણીએ તમામ મુદ્રાઓના વિનિમય દર નક્કી કર્યા.

એ સમયે અમેરિકાની પાસે દુનિયાનો સૌથી વધારે સોનાંનો ભંડાર હતો.

આ કરારે બીજા દેશોને પણ સોનાંની જગ્યાએ પોતાના ચલણને ડૉલરનું સમર્થન કરવાની પરવાનગી આપી.

1970ની શરૂઆતમાં અનેક દેશોએ ડૉલરની જગ્યાએ સોનાંની માગ શરૂ કરી હતી, કારણ કે તેમને નાણાંકીય મોંઘવારી સામે લડવાની જરૂરિયાત હતી.

આ સમયે રાષ્ટ્રપતિ નિક્સને ફોર્ટ નોક્સને પોતાના તમામ ભંડારોને સમાપ્ત કરવાની પરવાનગી આપવાની જગ્યાએ ડૉલરને સોનાંથી અલગ કરી દીધો.

ત્યાં સુધી ડૉલર દુનિયાનું સૌથી ખાસ સુરક્ષિત ચલણ બની ગયું હતું.

ચીન અને રશિયાની રણનીતિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

એશિયા નિક્કેઈ રિવ્યૂનાં અહેવાલ અનુસાર કેન્દ્રિય બૅન્ક અને ફેડરલ કસ્ટમ સેવા દ્વારા જાહેર કરાયેલા હાલના આંકડા અનુસાર નાણાંકીય વર્ષ 2020ના પહેલા ત્રૈમાસિકમાં રશિયા અને ચીનની વચ્ચે વેપારમાં ડૉલરની ભાગીદારી પહેલીવખત 50 ટકાથી નીચે આવી ગઈ.

રશિયા અને ચીનની વચ્ચે માત્ર 46 ટકા વેપારમાં ડૉલરનો ઉપયોગ કરવામાં આવ્યો.

આ દરમિયાન બંને દેશોની વચ્ચે વેપારમાં યુરોની ભાગીદારી વધીને હાલ સુધીની સૌથી વધારે 30 ટકા થઈ ગઈ, જ્યારે બંને દેશોના પોતાનાં ચલણમાં 24 ટકાનો વેપાર થયો, તે પણ હાલ સુધીની સૌથી મોટી ભાગીદારી છે.

છેલ્લાં અનેક વર્ષોથી રશિયા અને ચીને દ્વિપક્ષીય વેપારમાં ડૉલરના ઉપયોગને જબરદસ્ત રીતે ઘટાડી દીધો છે.

વર્ષ 2015 સુધી બંને દેશોની વચ્ચે 90 ટકા વેપાર ડૉલરમાં થતો હતો.

પરંતુ અમેરિકા અને ચીનની વચ્ચે શરૂ થયેલાં ટ્રેડ વૉર પછી અને ખાસ કરીને ડૉલરમાં વેપાર ઓછો કરવાની રશિયા અને ચીનની વિચારેલી નીતિને કારણે વર્ષ 2019 આવતાં-આવતાં બંને દેશો વચ્ચેનો માત્ર 51 ટકા વેપાર જ ડૉલરમાં રહી ગયો.

રશિયન એકૅડમી ઑફ સાયન્સમાં ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર ઇસ્ટર્ન સ્ટડીઝના ડિરેક્ટર ઍલેક્સે મસલોવે નિક્કી એશિયન રિવ્યૂને કહ્યું કે રશિયા અને ચીનની ડૉલરમાં વેપારને ધીરે-ધીરે પૂર્ણ કરી દેવાની યોજના એવી સ્થિતિમાં પહોંચી જશે કે હવે આ બંને દેશોની વચ્ચે સંબંધ વાસ્તવમાં એક ગઠબંધનમાં ફેરવાઈ જશે.

રશિયા અને ચીનના નવા જોડાણીની તૈયારી?

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

ઍલેક્સે મસલોવના અનુસાર નાણાંકીય ક્ષેત્રમાં રશિયા અને ચીનની વચ્ચે સહયોગ દેખાડે છે કે બંને દેશ એક બીજાની સાથે એક નવા જોડાણ માટે છેવટે એક માપદંડ નક્કી કરી રહ્યાં છે.

તેમનું કહેવું હતું, "અનેક લોકોને આશા હતી કે આ સૈન્ય ગઠબંધન અથવા વેપારી ગઠબંધન હશે, પરંતુ હવે તે બૅન્કિંગ અને નાણાંકીય ગઠબંધનની દિશામાં જઈ રહ્યું છે અને આ બંને દેશો માટે પોતાનો નિર્ણયો લેવાની સ્વતંત્રતાને પણ સુનિશ્ચિત કરશે."

રશિયા અને ચીન 2014થી જ ડૉલરનો ઉપયોગ ઘટાડવાને પ્રાથમિક્તા આપતા આવ્યાં છે.

ક્રાઇમિયા પર રશિયાના કબજા પછી પશ્ચિમી દેશ સાથે તેના સંબંધો ખરાબ થઈ ગયા અને ત્યારે જ રશિયા અને ચીનના આર્થિક સહયોગમાં વધારો થયો.

અમેરિકાનાં પ્રતિબંધોને ખાળવા રશિયા માટે વેપારમાં ડૉલરનો ઉપયોગ ખતમ કરવો જરૂરી થઈ ગયો હતો.

રશિયા માટે આઈએનજી બૅન્કના મુખ્ય અર્થશાસ્ત્રી દિમીત્રી ડૉલગિને કહ્યું, "દુનિયામાં ક્યાંય પણ ઑનલાઇન પૈસાની લેવડ-દેવડ થતી હોય છે જેમાં ડૉલરનો ઉપયોગ થાય છે તો કોઈને કોઈ રીતે અમેરિકાની બૅન્ક તેને મંજૂરી આપે છે. એનો અર્થ એ થયો કે અમેરિકાની સરકાર કોઈ લેવડ-દેવડને રોકવા માટે બૅન્કને આદેશ આપી શકે છે."

અમેરિકન ડૉલર સૂચકાંક, જે દુનિયાના છ મજબૂત ચલણની તુલનામાં તેની કિંમતનું આકલન કરે છે, તેમાં માર્ચના હિસાબે નવ ટકાનો ઘટાડો નોંધાયો છે અને આ વર્ષે 2011 પછીથી સૌથી ખરાબ સ્થિતિમાં પહોંચવાની સ્થિતિ પર છે.

ડૉલર પર દબાણ એટલા માટે વધી રહ્યું છે કારણ કે એવી આશંકા વ્યક્ત કરવામાં આવે છે કે બીજાં અર્થતંત્રોની સરખામણીમાં કોરોના મહામારીની અસર અમેરિકન અર્થતંત્ર પર વધારે થશે.

વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ડૉલરની કેન્દ્રિય ભૂમિકાને કારણે ડૉલરમાં સતત લેવડ-દેવડથી બજારમાં ઉછાળો લાવી શકાય છે.

આવો ઉછાળો એ આશા પર આવે કે દુનિયાની કેન્દ્રિય બૅન્કો અને સરકારો સતત આર્થિક રાહત પૅકેજ લઈને આવતી રહેશે.

પરંતુ જો ડૉલરમાં વધારે ઘટાડો આવશે તો તે યુરોપ અને જાપાન માટે ઘણા ખરાબ સમાચાર હશે.

ડૉલર ડામાડોળ કેમ?

ઇમેજ સ્રોત, Sergei Fadeichev/Getty

છેલ્લાં બે વર્ષમાં ડૉલરની કિંમતમાં ઉછાળો જોવા મળી રહ્યો હતો પરંતુ આ સમયે ગત વર્ષની સરખાણીમાં ડૉલરની કિંમતમાં ત્રણ ટકાનો ઘટાડો થયો છે.

વર્ષ 2017માં ડૉલરમાં 10 ટકાનો ઘટાડો થયો હતો.

ડૉલરની કિંમતમાં થયેલાં ઘટાડાથી અમેરિકાને નિકાસમાં ફાયદો થાય છે.

આનાથી અમેરિકાની બહુરાષ્ટ્રીય કંપનીઓને પોતાનાં નફાને ઘરેલું નાણાં ડૉલરમાં બદલીને પરત લઈ આવવામાં મદદ મળશે.

જ્યાં હાલના કેટલાંક હપ્તામાં ઘટાડો જોવામાં આવી રહ્યો હતો એ અમેરિકન શૅરબજારમાં ઉછાળો લાવવા માટે આ એક સારા સમાચાર હશે.

અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ અને નાણાંકીય સેવાની બહુરાષ્ટ્રીય કંપની ગોલ્ડમૅન સેચે પોતાના એક અહેવાલમાં કહ્યું , "ઐતિહાસિક રીતે એસ ઍન્ડ પી 500 સૂચકાંક (અમેરિકન શૅરબજાર સૂચકાંક જે અમેરિકન શૅર માર્કેટમાં લિસ્ટ કરવામાં આવેલી 500 કંપનીઓની સ્થિતિને દર્શાવે છે)એ 206 ટકા રિટર્ન આપ્યું છે જ્યારે ડૉલરની કિંમત ઝડપથી નીચે પડી છે અને ટેકનૉલૉજી અને ઊર્જા ક્ષેત્રની કંપનીઓ ઘણું સારું પ્રદર્શન કરે છે.

ગોલ્ડમૅનના કહેવા મુજબ ડૉલરમાં 10 ટકાના ઘટાડાથી વર્ષ 2020માં આવકમાં પ્રત્યેક શૅરમાં ત્રણ ટકાનો વધારો થશે.

ગોલ્ડમૅનના નિષ્ણાતોને આશંકા છે કે આગામી 12 મહિનામાં ડૉલરની કિંમતમાં હાલ કરતાં પાંચ ટકાનો ઘટાડો થશે.

પરંતુ ડૉલર નબળો પડવાથી અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી ચૂંટણીમાં ફરીથી જીતવાના પ્રયત્નો કરી રહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને કદાચ જ કોઈ રાજકીય લાભ થાય.

ટ્રમ્પે હંમેશા ફરિયાદ કરી છે કે ડૉલરની કિંમત વધારે હોવાથી અમેરિકાનાં ઉત્પાદકો અને નિર્માતાઓને નુકસાન થઈ રહ્યું છે.

ડચ બૅન્કના મુખ્ય આંતરરાષ્ટ્રીય રણનીતિકાર ઍલન રસ્કિનનું કહેવું છે, "ડૉલરની કિંમતમાં ઘટાડાનો લાભ ઔદ્યોગિક ક્ષેત્ર સુધી પહોંચવામાં ઓછામાં ઓછું એક વર્ષ લાગશે અને આમાં નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પને કોઈ ફાયદો નહીં થઈ શકે."

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો