'મને નદીમાં ફેંકી દેવાની હતી, પણ બચી ગઈ અને આજે કવયિત્રી છું'

  • રાહિલ શેખ
  • બીબીસી ન્યૂઝ
કુલી

ભારતના એક ગામડામાં પક્ષાઘાત સાથે જન્મેલાં કુલી કોહલી નસીબદાર કહેવાય કે જીવી ગયાં.

પડોશીઓએ તો સલાહ આપી હતી કે નદીમાં ફેંકી દો, પણ માતાપિતા તેમને યુકે લઈ આવ્યાં. યુકેમાં તેમનો ઉછેર થયો અને તેઓ પક્ષાઘાતની મુશ્કેલીઓમાંથી છૂટવા માટે લેખન અને કવિતા તરફ વળ્યાં અને તેમનું જીવન એવું પલટાયું જેની તેમને કદી કલ્પના પણ નહોતી.

વૉલ્વરહેમ્પટનમાં રહેતાં કુલી સ્ટેજ પર આવતા પહેલાં ગભરાઈ રહ્યાં છે. તેઓ ફફડતાં રહ્યાં કે પોતે સ્ટેજ પર જશે અને મોમાંથી શબ્દો જ નહીં નીકળે અને ત્યાંજ ઉંઘા મોઢે પછડાશે. તેમનાં ધબકારાં વધવા લાગ્યા અને સ્નાયુઓ ખેંચાવા લાગ્યાં. મનમાં આશંકાઓ ઘેરાવા લાગી, અને જાતને જ પૂછવા લાગ્યાં કે "શા માટે આવા બધામાં મારી જાતને નાખી રહી છું?"

સંચાલકે આખરે કુલીને આવકાર્યાં અને તેમનાં માટે રખાયેલી ખુરશી પર બેસવા કહ્યું. આસપાસ અંધારું હતું અને માત્ર સ્ટેજ પર સ્પોટલાઇટ પડી રહી હતી. ઓરડામાંથી ધીમી તાળીઓ પડતી સંભળાઈ.

એક બાજુથી ચડીને કુલી સ્ટેજ પર પહોંચ્યાં અને ગભરાતાં ગભરાતાં માઇક સામે ઊભાં રહ્યાં. થોડી સેકંડ માટે ઊંડો શ્વાસ લીધો અને પછી ધીમેથી પ્રથમવાર શ્રોતાઓ સમક્ષ પોતાની અંગ્રેજી કવિતાની પંક્તિઓ બોલવાં લાગ્યાં.

મારું

મારું એક સ્વપ્ન છે; પ્લીઝ તેને પ્રભાવિત ના કરો,

તે મારું છે.

મારું હૃદય બહુ નાજુક; પ્લીઝ તેને તોડશો નહીં,

તે મારું છે.

મારું મન શાંત છે; પ્લીઝ તેને ડહોળશો નહીં,

તે મારું છે.

મારે માર્ગ પર આગળ વધવાનું છે; પ્લીઝ તેને અવરોધશો નહીં,

તે મારો છે.

મારું જીવન અમેઝિંગ છે; પ્લીઝ મને જીવવા દો,

તે મારું છે.

મારી પાસે વિકલ્પ છે; પ્લીઝ મારા વિકલ્પ નક્કી ના કરો,

તે મારો છે.

મારી પાસે સ્વતંત્રતા છે; પ્લીઝ તેને છીનવી લેશો નહીં,

તે મારી છે.

મારી લાગણીઓ અનોખી છે; પ્લીઝ તેને ઘાયલ ના કરશો,

તે મારી છે.

હું પ્રેમથી ભરી છું; પ્લીઝ મને ધિક્કારશો નહીં,

મારો પ્રેમ શૅર કરવા માટે છે.

હું ભૌતિક માર્ગે ચડી છું; માપી પાછળ ના આવશો

હું ન્યાયી થઈ શકીશ નહીં.

સો... મારું એક સ્વપ્ન છે; મારું સ્વપ્ન મુક્ત થવાનું છે.

કુલીની સ્થિતિ એવી હતી કે બીજા કરતાં વધુ ગભરામણ તેમને સ્ટેજ પર કવિતા રજૂ કરતાં થાય. તેમનો જન્મ પક્ષાઘાતની સ્થિતિ સાથે થયો હતો. સ્નાયુઓને શિથિલ કરનારી એવી એક બીમારી જેના કારણે બોલવામાં, હલનચલન કરવામાં, સ્થિર ઊભાં રહેવામાં કે સંતુલન જાળવવામાં તેમને તકલીફ થાય.

આવી અશક્તિને કારણે તેમનું જીવન કંઈ જીવવા જેવું નથી તેવું કહેનારા સામે સ્ટેજ પર આવીને કવિતા વાંચવી એ તેના માટે જીત સમાન હતું. જીવનમાં કશું હાંસલ નહીં કરી શકે તેવું માનનારાને જવાબ હતો.

જે શારીરિક સ્થિતિ બદલ હંમેશા અફસોસનો અહેસાસ કરાવવાની કોશિશ થતી હતી, એ જ સ્થિતિનો અને પોતાની આ ઓળખને તેઓ સ્વીકારી રહ્યાં હતાં.

1970માં ઉત્તર પ્રદેશના એક અંતરિયાળ ગામડાંમાં કુલીનો જન્મ થયો હતો. થોડા વખતમાં જ ખ્યાલ આવી ગયો હતો કે તે અન્ય સામાન્ય બાળકો જેવાં નથી.

કુલીનો જન્મ થયો ત્યારે તેમનાં માતાની ઉંમર માત્ર 15 વર્ષની હતી. પ્રથમ સંતાન તરીકે કુલીનો જન્મ થયો ત્યારે પરિવારમાં ઘણા નિરાશ પણ થયા હતા - કેમ પહેલા દીકરો ના આવ્યો. પ્રથમ સંતાન તરીકે દીકરી જન્મે તેને સારી બાબત ગણાતી નહોતી. છોકરી હોવા ઉપરાંત ગામના લોકોને તેમની કેટલીક મર્યાદાઓ દેખાવા લાગી હતી.

"લોકોને હું વિચિત્ર છોકરી લાગતી હતી, કેમ કે બધાથી જુદી પડતી હતી. હું જન્મી ત્યારથી જ લોકો મારી માને કહેતા કે આનો નિકાલ કરી નાખો. આવી છોકરીને કોણ પરણશે?" એમ કુલી કહે છે.

"મને સમસ્યા શું હતી તે કોઈ જાણતું નહોતું. તે વખતે ગામડાંમાં લોકોને વિકલાંગતા વિશે બહુ સમજ પડતી નહોતી અને કોઈને સેરેબ્રેલ પાલ્સી શું કહેવાય તેની ખબર નહોતી. ગામવાળા તો મારા પરિવારના લોકોને કહેતા કે ગયા ભવના કરમનું ફળ ભોગવો છો."

"હું તો બહુ નાની હતી એટલે યાદ નથી, પણ અમારી સાથે રહેતી કાકીઓ મને કહેતી હતી કે હું સાવ લબડતી ઢિંગલી જેવી હતી."

કુલી કહે છે કે "ગામના કેટલાક લોકોએ તો કહ્યું પણ હતું કે તેને નદીમાં નાખી દો, ડૂબી મરશે. પણ મારા પિતાએ મને ખરેખર બચાવી લીધી. ઘરમાંથી મને ઉપાડીને ખરેખર ફેંકી દેવા માટેની તૈયારી થઈ ગઈ હતી, પણ પિતાએ મને પરાણે છોડાવીને બચાવી."

પરિવારના લોકોને લાગ્યું કે ગામમાં રહીને આ છોકરીનું કંઈ થઈ શકશે નહીં.

1970ના દાયકામાં દક્ષિણ એશિયામાંથી મોટી સંખ્યામાં લોકો યુકે પહોંચી રહ્યા હતા અને તેમાં કુલીનો પરિવાર પણ સામેલ થઈ ગયો હતો. તેમનો પરિવાર વૉલ્વરહેમ્પટન નગરમાં આવ્યો ત્યારે તેમની ઉંમર અઢી વર્ષની હતી. કુલીનાં પિતાને બસ ડ્રાઇવર તરીકેનું કામ મળ્યું હતું.

જોકે યુકેમાં પણ કુલી સામે ભેદભાવ થતો જ રહ્યો. તેમની આસપાસના ઘણાં લોકો હજી માનતા હતા કે આ કર્મનું ફળ છે.

"તે વખતના એશિયન સમુદાયમાં પણ કેટલાક લોકો પંગુતાને પસંદ કરતા નહોતા. તેના કારણે અશક્ત લોકોની અવગણના થતી, તેમને ભોગવવું પડતું," એમ તેઓ કહે છે.

"સાજાસારા લોકો જે પ્રવૃત્તિઓ સહેલાઈથી કરી શકે - દાખલા તરીકે, બહાર ફરવા જવું, ડ્રાઇવિંગ કરવું, બસોમાં ફરવું, યુનિવર્સિટીમાં જવું, પ્રેમમાં પડવું, જીવનસાથી મેળવવા અને પરણી જવું, રાંધવું અને ઘરકામ કરવું, બાળકો પેદા કરવા, નોકરી મેળવવી - એ બધું અશક્ત લોકો કરી શકે નહીં."

યુકેની સેવાભાવી સંસ્થા એશિયન પિપલ્સ ડિસેબિલીટી અલાયન્સ કહે છે કે ગયા ભવના પાપના કારણે પંગુતા આવી છે એવું માનનારા લોકો, તેમની સાથે પણ રહેવા તૈયાર નહોતા, કેમ કે લાગતું કે તેનાથી પણ પાપ લાગશે. તેના કારણે અપંગ લોકોને ખરેખર બધા તરછોડી દેતા હોય છે.

કુલીને અપંગ બાળકો માટેની શાળામાં ભણવા મોકલવામાં આવ્યાં અને તે શાળાની બહાર તેમને લાગતું કે પોતે સાવ એકલાં જ છે.

કુલી કહે છે કે "બીજા બાળકો મને અપંગ કહેતા - એ શબ્દ મને જરાય ગમતો નહીં. લોકો મને તાકીતાકીને જોયા કરતાં. ગુરુદ્વારા જવામાં પણ બહુ ત્રાસ થતો હતો. મને જરાય ગમતું નહીં, કેમ કે લોકો મને જ તાકી રહેતાં, મને નકામી હોવાનો અનુભવ કરાવતાં."

તેને યાદ છે કે બાળકો તેને પૂછતાં: "તું આમ કેમ ચાલે છે અને આવી કેવી રીતે વાત કરે છે?"

જેમ મોટી થવા લાગી તે સાથે કુલી માટે વાતચીત કરવી મુશ્કેલ બનવા લાગી હતી.

કુલી પોતે બોલીને જે વ્યક્ત નહોતાં કરી શકતાં, તે લાગણીઓ હવે તે લખીને વ્યક્ત કરવા લાગ્યાં. પેન હૉલ સ્પેશ્યિલ સ્કૂલમાં પ્રથમવાર કુલી કવિતા લખતાં થયાં.

"શિક્ષકો અમને કવિતાઓ વાંચી સંભળાવતા અને મને તે સાંભળીને બહુ આનંદ થતો" એમ તેઓ કહે છે.

"તે પછી મેં પણ એક પ્રકારની હળવાશ માટે અને થેરપી તરીકે કવિતા લખવાનું શરૂ કર્યું. મને શબ્દોના પ્રાસ બેસાડવામાં મજા પડવા લાગી અને મારી લાગણીઓ અને ભાવનાઓ વ્યક્ત કરવાનું ગમવા લાગ્યું."

13 વર્ષની ઉંમરે બધા માટેની માધ્યમિક શાળામાં તેમને પ્રવેશ મળ્યો. હવે સ્થિતિ સુધરવા લાગી, કેમ કે તેઓ સહાધ્યાયીઓ સાથે હળીમળી શકતાં હતાં. તેમણે લખવાનું પણ ચાલુ રાખ્યું.

કુલી કહે છે કે "હું આનંદ માટે અને પીડા ભૂલવા માટે પણ લખતી હતી. મારું શરીર સશક્ત નહોતું, પણ મારું મન સાબૂત હતું. સૌની જેવા જ વિચારો, અનુભૂતિઓ મને થતી હતી અને મને તેનાથી તાકાત મળવા લાગી."

શાળામાં કુલીને મજા પડવા લાગી હતી, પણ અહીં તેઓ સારો દેખાવ કરી શકતાં નહોતાં. મોટા ભાગે તેઓ નાપાસ થતાં હતાં અને 16 વર્ષની ઉંમરે શાળા છોડી દીધી. યુનિવર્સિટીમાં નહીં જવા મળે તે વાતે તેઓ દુખી હતાં અને તેમનાં માતાપિતાને પણ લાગતું હતું કે તેઓ એકલાં ત્યાં રહી શકશે નહી.

ભણવાનું હવે હતું નહીં એટલે કુટુંબે હવે કુલીનાં લગ્ન માટેનું વિચારવાનું શરૂ કર્યું.

"દીકરા માટે હું યોગ્ય છું કે નહીં તે જોવા માટે કુટુંબીઓ આવતા તે બધું મને બરાબર યાદ છે" એમ તેઓ કહે છે.

"હું પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈને બેસતી, પણ મને જોઈને જોવા આવનારા મારા માતાપિતાને કહેતા કે 'શું આવી દીકરીને અમારો દીકરો પરણશે એમ તમે ધારો છો?' અને પછી જતા રહેતા."

તેમણે કાયમ એવું જ સાંભળ્યું હતું કે કોઈ તેને પરણશે નહીં અને આજે પણ તે કડવા શબ્દો તેમનાં મનમાં ગુંજે છે.

કોઈ એ જાણતું નહોતું કે તેઓ પોતાની લાગણીઓને કાગળોમાં ઠાલવી દેતાં હતાં.

કેવી જિંદગી છે તેના વિશે તે લખ્યા કરતાં, એવી આશામાં કે કોઈ દિવસ તે કોઈ વાંચશે. પક્ષાઘાત થયેલી એશિયન છોકરીની જિંદગી કેવી હોય અને તે દયા નહીં, પણ સહાનુભૂતિ ઇચ્છે છે તેવું લોકો જાણે એમ તેમને થતું.

આખરે તેમનો પરિચય એ પુરુષ સાથે થયો, જે તેનો ભાવિ ભરથાર બનવાનો હતો.

હવે છોકરો અને તેનો પરિવાર લગ્ન માટે તૈયાર થઈ ગયા, પણ કુલી તૈયાર નહોતાં.

કુલી કહે છે કે, "પહેલીવાર મને તે ગમ્યો નહોતો. પણ સમય વીતવા લાગ્યો તે હું તેને જાણતી ગઈ. આખરે હું તેના પ્રેમમાં પડી અને તે પણ મને ચાહવા લાગ્યો હતો."

તેણે પોતાને સ્વીકારી તેનાથી કુલી બહુ આશ્ચર્ય પામ્યાં હતાં.

કુલી કહે છે કે "તે સશક્ત હતો અને તેને મારી પંગુતાનો તેને કોઈ વાંધો નહોતો, એ વાત તેના માટે મહત્ત્વની નહોતી."

કુલી નોકરી કરવા માટે મક્કમ હતાં એટલે યૂથ ટ્રેઇનિંગ સ્કીમમાં જોડાયાં. તેના કારણે વૉલ્વરહેમ્પટન સિટી કાઉન્સિલમાં તેમને નોકરી મળી. છેલ્લા 30 વર્ષથી કુલી એ જ નોકરી કરે છે.

આ રીતે કુલી હવે એક સુખી પરિણીત મહિલા બન્યાં, ત્રણ સંતાનોની માતા હતાં અને તેમની કાયમી નોકરી પણ હતી.

કુલીએ બધાને ખોટા પાડ્યા હતા, પણ હજીય જીવન કંઈ સાંગોપાંગ થયું નહોતું.

એશિયન મહિલાઓ પાસે જે અપેક્ષા રાખવામાં આવતી હતી, તેને પાર પાડવા માટે કુલી મથતાં રહ્યાં.

કુલી કહે છે કે "મારે માતા બની રહેવાનું, પત્નીની અને પુત્રવધુની ફરજ બજાવવાની, અને કુટુંબ માટે કમાણી કરીને પણ લાવવાની. આ મારા જેવી અશક્ત નારી માટે બહુ મુશ્કેલ હતું, કેમ કે મારી પાસે અપેક્ષા હોય તે બધું કામ હું ના કરી શકું. હું ગોળ રોટલી ના વણી શકું, બધી રસોઈ ના કરી શકું, બહાર જઈને ખરીદી ના કરી શકું.

"સંતાનોના વાળ ઓળાવવા કે દીકરીને ચોટલી લઈ આપવાનું મારાથી ના થાય. ઘણા કામ એવા હતા કે મને થતું હું કરી શકું. મારી આ અવશતા મને અકળાવતી અને ગુસ્સો કરાવતી."

આ દરમિયાન તેમણે લખવાનું છોડ્યું નહોતું અને એક દિવસ તેની મુલાકાત સિટી કાઉન્સિલમાં સિમોન ફ્લેચર સાથે થઈ, જેઓ વૉલ્વરહેમ્પટન લાયબ્રેરીના સાહિત્ય વિકાસ અધિકારી છે.

કુલીએ તેમને જણાવ્યું કે પોતે લખે છે અને પોતાની કેટલીક કવિતાઓ પણ બતાવી અને એક નવલકથા પણ વાંચવા આપી. સિમોન પોતે લેખક છે એટલે પોતાને સારી સલાહ આપશે એમ કુલીને હતું. તેઓ એક નાનકડા પ્રેસના મેનેજર પણ હતા.

સિમોન કુલીના લખાણમાં વ્યક્ત થયેલી લાગણી, પ્રામાણિકતા અને વેદનાથી પ્રભાવિત થયા.

તેઓ હવે કુલીના મેન્ટર બન્યા અને પોતાના પ્રેસ માટે લખવા માટે તેમને પ્રોત્સાહન આપવા લાગ્યા. સિમોનને લાગ્યું કે કુલીની કહાણી સૌને જણાવવા જેવી છે, કેમ કે તેમનાં જેવી સ્થિતિમાં રહેલી સ્ત્રીઓ તેમાંથી પ્રેરણા લઈ શકે છે. પોતાની કવિતા અને વાર્તાઓથી કુલી તેમને મદદરૂપ થઈ શકે છે.

કુલી સ્વીકારે છે કે તેમની ઉંમરની ઘણી પંજાબી મહિલાઓ માટે પોતાની લાગણી વ્યક્ત કરવી બહુ મુશ્કેલ હોય છે. તેમણે આવી નારીઓને પોતાના સાહિત્યથી પ્રોત્સાહિત કરવાની વાતને પોતાના જીવનનું લક્ષ્ય બનાવ્યું.

"યુકેમાં રહેતી બીજી પેઢીની ઘણી પંજાબી સ્ત્રીઓને હું જાણું છું, જેમનાં પોતાના સપનાં છે, ઇચ્છાઓ છે, પણ આજ્ઞાંકિત પત્ની, માતા, દાદી, દીકરી કે પુત્રવધુ તરીકે તેમણે પોતાની લાગણીઓને દબાવી રાખી છે." એમ તેઓ કહે છે.

"પંજાબી સ્ત્રી હોય અને લખતી હોય તે વાતનો મેળ બેસે નહીં. સાહિત્ય કે કલાથી પોતાને વ્યક્ત કરવાની વાતને પંજાબી મહિલાઓ માટે સમયનો બગાડ જ ગણાય."

"પંજાબીઓ માનતા હોય છે કે આપણા સમયનો કંઈક વધારે સદુપયોગ કરવો જોઈએ, જેમ કે પરિવારની સંભાળ લેવી, રસોઈ શીખવી, સિવણ શીખવું વગેરે. હું નસીબદાર માછલી છું કે આ જાળમાં ફસાઈ નહીં."

કુલીએ વૉલ્વરહેમ્પટનમાં પંજાબી વિમેન્સ રાઇટર્સ ગ્રુપની રચના કરી. દર મહિને એક વાર તેમની બેઠક નગરની સેન્ટ્રલ લાયબ્રેરીમાં મળવા લાગી. અહીં થોડી પંજાબી મહિલાઓ માટે પોતાને અભિવ્યક્ત કરવાની મોકળાશ મળવા લાગી.

આવી બેઠકોમાં કોને બોલાવવા તે બાબતમાં કુલી બહુ સાવધ રહે છે. કુટુંબના સભ્યોના અભિપ્રાયોની સામે મહિલાઓએ દૂર રહેવું જોઈએ, કેમ કે આખી જિંદગી એ જ કર્યું છે એમ તેમને લાગે છે.

કુલીએ મને જણાવ્યું કે આ મહિલાઓ પોતાનાં સમુદાયમાં કેવા અનુભવ થાય છે તે વિશે લખતી હોય છે. દાખલા તરીકે દારૂડિયા પતિ કે પિતા અને કૌટુંબિક હિંસા વિશે લખતી હોય છે અને સાથોસાથ જીવનના રમૂજી બનાવોનું પણ નિરુપણ કરતી હોય છે.

કુલીમાં હવે ઘણો આત્મવિશ્વાસ આવ્યો, પણ લાગતું હતું કે હજી એક અવરોધ પાર કરવાનો છે.

સ્ટેજ પર જઈને કવિતા વાંચવાની આવે ત્યારે તેમને પેટમાં ફફડાટ થવા લાગતો હતો. આમાંથી બહાર નીકળવું પડશે અને પોતે ખરેખર શું છે તેનો સ્વીકાર પડવો પડશે.

આથી 2017માં તેણે પ્રથમવાર પોતાની કવિતાઓ સ્ટેજ પરથી રજૂ કરી અને લાઇવ પરફોમન્સમાં પોતાની કવિતા "આઇ હેવ અ ડ્રિમ - મારું પણ એક સપનું છે" રજૂ કરી.

કુલી કહે છે કે, "15 મિનિટ સુધી હું માઇક્રોફોન સામે મોટેથી કવિતા વાંચતી રહી અને મારી સામે અનુમોદન આપનારા 40 જેટલા શ્રોતાઓનું વૃંદ હતું."

"મેં શક્ય એટલું સ્પષ્ટ બોલવાની કોશિશ કરી હતી, પણ કેટલેક ઠેકાણે જીભ તરડાઈ હતી. જોકે શ્રોતાઓ ખૂબ ધીરજથી સાંભળી રહ્યા હતા અને ઉત્સાહથી મારી કવિતાને વધાવી લીધી હતી."

"સ્ટેજ પર મારી જેવી વ્યક્તિ મુશ્કેલીથી કવિતા રજૂ કરતી હોય તે ઘણા લોકો માટે જોવું મુશ્કેલ હતું. શારીરિક રીતે હું સામાન્ય નથી, પરંતુ મારું દિલ, આત્મા અને મન સાબૂત છે. હું કંઈ પરફેક્ટ પરફોર્મર ના બની શકું, પરંતુ હું પ્રેક્ટિસ અને માર્ગદર્શનથી ધીમે ધીમે સુધારો કરી શકીશ."

કુલીના વધતા આત્મવિશ્વાસ સાથે તેમની સાથે જોડાયેલું પંજાબી નારીઓનું વૃંદ પણ વધારે આત્મવિશ્વાસુ બનતું ગયું. પંજાબી રાઇટર્સ ગ્રુપના સભ્યોએ 2019માં સંયુક્ત રીતે આઇરનબ્રિજ ખાતેના ધ ફેસ્ટિવલ ઑફ ઇમેજિનેશનમાં કવિતાઓ રજૂ કરી હતી.

હવે 49 વર્ષનાં થયેલાં કુલીએ જીવનમાં ઘણી મજલ કાપી છે.

તેઓ કહે છે કે "મારું તારણ એ છે કે પંગુતા એ સમગ્ર સમાજની સમસ્યા છે. આપણો સમાજ વિકલાંગોને પ્રોત્સાહન આપતો નથી - તેમની સમસ્યા અને બાબતોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. આપણા દરેકની કંઈ ને કંઈ મર્યાદા હોય છે. તેની અવગણના એ આપણા મૂળિયાંમાં છે અને તેમાંથી બહાર આવતા આપણને ઘણી પેઢી લાગી જશે."

પોતાના જીવનનો સાર કુલીએ એક કવિતામાં વ્યક્ત કર્યો છે, જેનું શીર્ષક છે - સર્વાઇવર.

દુનિયામાં વણનોતર્યા મહેમાન તરીકે આવી;

હું છુપાઇને રહી, શરમમાં - કલંક જેવી હતી.

ખામીયુક્ત, એ સજા ભોગવી શકી. બહુ અઘરી કસોટી હતી.

એક બાળકની સરખામણી આખી દુનિયા સાથે થાય,

હું જુદી હતી - બહારની દુનિયામાંથી આવેલી;

દુનિયામાં વણનોતર્યા મહેમાન તરીકે આવેલી.

ખામીયુક્ત, એ સજા ભોગવી શકી. બહુ અઘરી કસોટી હતી.

લગ્ન માટે પુરુષો સામે પ્રદર્શિત; દબાયેલી,

બ્રિટિશ વિઝા ઇચ્છતા એશિયન પુરુષો માટે લાયક;

દુનિયામાં વણનોતર્યા મહેમાન તરીકે આવેલી.

નસીબના જોરે છૂટી, પતિએ બચાવી; નસીબદાર

પરિવાર સાથે પ્રેમથી રહી શકી.

ખામીયુક્ત, એ સજા ભોગવી શકી. બહુ અઘરી કસોટી હતી.

મારા સપનાં સાચા પડ્યાં અને સૌ થયાં પ્રભાવિત,

સારી લેખિકા, કવયિત્રી, નોકરિયાત માતા તરીકેનું માન.

દુનિયામાં વણનોતર્યા મહેમાન તરીકે આવેલી.

ખામીયુક્ત, સજા ભોગવી ગઈ - બહુ અઘરી કસોટી હતી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો