ઇઝરાયલ કેમ આરબ દેશોની નજીક જઈ રહ્યું છે?

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા, નવી દિલ્હી
ઇઝરાયલ-UAE સંબંધો

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલ-UAE સંબંધોમાં એક નવી શરૂઆત થઈ છે

સોમવારે ઇઝરાયલથી સંયુક્ત આરબ અમીરાત (UAE) માટે પ્રથમ આધાકારિક ઉડાણ એક ઐતિહાસિક ઘટના હતી.

બંને દેશો વચ્ચે ઘોષિત શાંતિ સમજૂતીના પરિપ્રેક્ષ્યમાં એકબીજા સાથેના સંબંધોને સામાન્ય બનાવવાની દિશામાં આ પ્રથમ ઔપચારિક અને મહત્ત્વપૂર્ણ પગલું હતું.

ઉડાણમાં ઇઝરાયલી અધિકારીઓ સિવાય અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના જમાઈ જારેડ કુશનર પણ હાજર હતા, તેમણે વિમાનમાંથી નીચે ઊતરતાં જ કહ્યું કે, “મધ્ય પૂર્વ (પશ્ચિમ એશિયા) માટે એક નવી સ્ક્રિપ્ટ.”

આ નવી સ્ક્રિપ્ટ લખવામાં મદદ કરનાર જારેડ કુશનર (જેઓ પણ એક યહૂદી છે) બંને પક્ષો વચ્ચે થતી વાર્તામાં હંમેશાં સામેલ રહ્યા હતા. આ સમજૂતી અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો એક મોટો રાજકીય ઍજન્ડા રહ્યો છે.

અમેરિકા, ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત ત્રણેય દેશોને આ સમજૂતીથી લાભ છે. ક્ષેત્રમાં ઇઝરાયલની માન્યતાને વધારો થશે.

સંયુક્ત આરબ અમીરાતને સુરક્ષા અને સાઇબર મહાશક્તિના ક્ષેત્રમાં ઇઝરાયલની મદદ મળશે અને અમેરિકન રાષ્ટ્રપતિ પોતાની જાતને 3 નવેમ્બર થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં અમેરિકન મતદારો સામે મધ્યપૂર્વમાં શાંતિ દૂત સ્વરૂપે રજૂ કરી શકશે.

આમ તો ઇઝરાયલના સંયુક્ત આરબ અમીરાત સાથે અનૌપચારિક આદાનપ્રદાન કેટલાંક વર્ષોથી ચાલુ છે, પરંતુ ક્ષેત્રમાં ઈરાનની વધતી જતી શક્તિને જોતાં ખાડીના દેશો અને ઇઝરાયલ વચ્ચેનું અંતર ઘણું ઘટ્યું છે. ઓમાન અને બહેરીન પણ તેનાં ઉદાહરણો છે.

ઈરાનથી બંનેને ખતરો

ઇમેજ સ્રોત, ANADOLU AGENCY

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલ યુએઈને હથિયારના એક મોટા માર્કેટ તરીકે જૂએ છે

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં વેસ્ટ એશિયા સેન્ટરના પ્રોફેસર આફતાબ કમાલ પાશા જણાવે છે કે, “ઈરાનની વધતી જતી શક્તિ બંને દેશોને નજીક લાવવાનું એક કારણ તો ખરું. ઈરાનથી તેઓ ગભરાતા રહે છે.”

પરંતુ પ્રોફેસર પાશા પ્રમાણે ઇઝરાયલ અને આરબ દેશોમાં નિકટતાનાં અન્ય પણ ઘણાં કારણો છે. એ કારણો છે ઑઇલના ઘટતા જતા ભાવ, ખાડીના દેશોમાં સરકારો વિરુદ્ધ વિદ્રોહનો ખતરો અને અમેરિકાનું સમર્થન ખતમ થવાનો ડર.

તેઓ કહે છે કે ઇઝરાયલને આ સમજૂતીથી ક્ષેત્રમાં માન્યતા મળશે અને આ કારણે બીજા આરબ દેશો પણ ઇઝરાયલ સાથે હાથ મિલાવી શકે છે.

પ્રોફેસર પાશા જણાવે છે કે ઇઝરાયલ સંયુક્ત આરબ અમીરાત (ઈરાનના ખતરાને ધ્યાનમાં રાખીને) આધુનિક હથિયાર અને સુરક્ષા ઉપરકરણ વેચવા માટેના એક મોટા બજાર તરીકે જુએ છે.

વિસ્તારમાં બદલાતા જતા રાજકીય અને આર્થિક માહોલ સંદર્ભે અને કોરોના મહામારીના કારણે થયેલી આર્થિક મુશ્કેલીઓ પણ ઇઝરાયલને આરબ દેશોની નિકટ લઈ જઈ રહી છે.

અમેરિકામાં સૅન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીમાં પશ્ચિમી એશિયાના વિશેષજ્ઞ ડૉક્ટર અહમત કુરુ જણાવે છે કે કેટલાંક વર્ષોમાં પહેલીવાર મુસ્લિમ દેશો પહેલાં કરતાં ઘણા વધુ વિભાજિત છે.

બીબીસી સાથેની વાતચીતમાં તેમણે કહ્યું કે, “ઇઝરાયલ માટે પશ્ચિમ એશિયામાં મુસ્લિમ પાવર બ્લૉકો વચ્ચે વિભાજનનો લાભ ઉઠાવવા માટે હાલ એક સારો સમય છે."

"પ્રથમ તુર્કી અને કતાર, બીજું ઈરાન અને ઇરાક અને ત્રીજું UAE, સાઉદી અરેબિયા અને ઇજિપ્ત. વિશેષપણે મધ્ય-પૂર્વમાં ન માત્ર રાજકારણ પરંતુ ધર્મને આકાર આપવા મામલે પણ કતર અને UAE વચ્ચે એક સ્પર્ધા છે.”

તેઓ કહે છે કે ઇઝરાયલના આરબ દેશો સાથે હાથ મિલાવવાના પ્રયત્નો ત્યારે જ સફળ થવા જોઈએ, જ્યારે સાઉદી અરેબિયા અને ઇજિપ્ત તે અંગે પરવાનગી આપે.

નેતન્યાહુની પોતાની જાતને યોગ્ય સાબિત કરવાની કોશિશ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલના વડા પ્રધાન બેન્યામિન નેતન્યાહુ

ઇઝરાયલના વડા પ્રધાન બિન્યામિન નેતન્યાહુને હંમેશાં એ વાતનો વિશ્વાસ રહ્યો છે કે પેલેસ્ટાઇનની સમસ્યાના સમાધાનની વાતની અલગ મૂકીને પણ આરબ દેશો સાથે શાંતિ સમજૂતી કરી શકાય છે.

ઇઝરાયલી રાજકારણના વિશેષજ્ઞ સોની અવનિ પ્રમાણે UAE સાથે સમજૂતી કરીને વડા પ્રધાન નેતન્યાહુએ પોતાની જાતને ખરા સાબિત કરવાનો પ્રયત્ન કર્યો છે.

બીબીસી સાથેની વાતચીમાં તેઓ કહે છે કે આરબો સાથેના સંબંધો સુધારવામાં વિદેશમંત્રાલયે વર્ષોથી ડિજિટલ આઉટરીચનું અભિયાન ચલાવ્યું છે, જે થકી લાખોની સંખ્યામાં સામાન્ય આરબ નાગરિક ઇઝરાયલ સાથે અનૌપચારિકપણે જોડાયા છે.

આ પ્રયત્નો પૈકી એકનું નેતૃત્વ લિંડા મેનુહીન અબ્દુલ અઝીઝ કરે છે, જેમણે 40 વર્ષ પૂર્વે ઇરાકમાંથી ઇઝરાયલમાં પલાયન કર્યું હતું.

તેઓ ઇરાકમાં લાખો આરબ યુવાનો સાથે વિદેશ મંત્રાલયના અરબી ફેસબુક પેજના માધ્યમથી જોડાયેલાં છે. તેમણે એક લેખમાં લખ્યું છે કે આરબ દેશોના નેતાઓ દ્વારા ઇઝરાયલને લઈને સ્પષ્ટપણે ન બોલવું તેમની મજબૂરી હોઈ શકે છે, પરંતુ સામાન્ય જનતા ઇઝરાયલ વિશે જાણકારી મેળવવા માગે છે.

હવે UAEના યુવાનો પોતાના જીવનકાળમાં પ્રથમવાર ઇઝરાયલ જઈ શકશે. અવની કહે છે કે, “જ્યારે અંતર ખતમ થશે, ત્યારે બધા દુ:ખ પણ ભુલાઈ જશે અને ગેરસમજો પણ.”

પરંતુ સોની અવની માત્ર નેતન્યાહુને આ સમજૂતી કે આરબો સાથે વધી રહેલી નિકટતાનો શ્રેય આપવા માગતાં નથી.

તેઓ કહે છે કે, “ઇઝરાયલમાં હાલ 13 એવી સંસ્થાઓ છે, જેમાં ઇઝરાયલી અને પેલેસ્ટાઇની એક સાથે મળીને આરબ દેશો સાથેનું અંતર ખતમ કરવામાં, ઇઝરાયલની સરકારથી ટક્કર લેવામાં અને વિસ્તારમાં શાંતિ સ્થાપિત કરવામાં વ્યસ્ત છે.”

શાંતિનું ગામ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલ અને યૂએઈ સામે પેલેસ્ટાઇનવાસીઓનું પ્રદર્શન

ઇઝરાયલમાં જેરુસલેમ અને તેલ અવીવ વચ્ચે પહાડ પર એક ગામ છે, જેમાં પેલેસ્ટાઇની મુસ્લિમ અને ઇઝરાયલી યહૂદી સાથે મળીને પ્રેમપૂર્વક રહે છે.

એ ગામનું નામ નેવે શાલોમ વહાત અલ સલામ છે, જે હિબ્રુ અને અરબી શબ્દો મળીને બનેલું નામ છે અને પેલેસ્ટાઇની-યહૂદી એકતા માટે ઇઝરાયલમાં પ્રખ્યાત છે.

મેં બે વર્ષ પહેલાં આ ગામમાં જઈને બંને સમુદાયો સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન મને આભાસ થયો કે આ ગામમાં બંને સમુદાયો વચ્ચે વિશ્વમાં ઊભેલી વેરઝેરની દીવાલ ગાયબ છે.

પાછલા મહિને ઇઝરાયલ અને સંયુક્ત આરબ અમીરાત વચ્ચે શાંતિ સમજૂતીની ઘોષણા કર્યા બાદ ગામની પેલેસ્ટાઇની મહિલા સમહ સલામ સાથે ફરી વાર સંપર્ક થયો. મેં તેમની પાસેથી એ જાણવાનો પ્રયત્ન કર્યો કે આ સમજૂતી પર તેમના ગામના યહૂદી અને મુસલમાનોની શી પ્રતિક્રિયા છે.

તેમનો જવાબ હતો, “આરબ-ઇઝરાયલી મતભેદ દાયકાઓ જૂનો છે. બંને વચ્ચે નફરતની એક મોટી દીવાલ ઊભી થઈ ગઈ છે."

"અમે વર્ષ 1974માં આ ગામ એટલા માટે આબાદ કર્યું હતું જેથી અમે એક સાથે મળીને રહી શકીએ. આ ગામનો દરેક નાગરિક “’ટૂ-સ્ટેટ સૉલ્યૂશન” હેઠળ ઇઝરાયલ અને પેલેસ્ટાઇની રાષ્ટ્રના ગઠનના સમર્થક છે. અમીરાત સાથેની સમજૂતીથી તેને હાંસલ કરવું વધુ અસંભવ થઈ ગયું છે.”

વર્ષ 1948થી ચાલી રહેલા ઇઝરાયલ-પેલેસ્ટાઇન મતભેદના “બે રાષ્ટ્ર સમાધાન”નો અર્થ એ છે કે પેલેસ્ટાઇન એક અલગ સ્વતંત્ર રાષ્ટ્ર હોય અને ઇઝરાયલ એક અલગ. આ હેતુ માટે બંને પક્ષો વચ્ચે ઘણી વખત વાતચીત થઈ ચૂકી છે, પરંતુ પાછલાં દસ વર્ષોથી વાતચીત ખોરંભે ચઢી છે.

સમજૂતીની શરતો

ઇમેજ સ્રોત, Reuters

પેલેસ્ટાઇનનો મુદ્દો અને મુસ્લિમ વિશ્વના ત્રીજા પવિત્ર શહેર પૂર્વી જેરુસલેમ (જે સ્વતંત્ર પેલેસ્ટાઇનનો ભાગ હશે)ને લઈને આરબ દેશોમાં અત્યાર સુધી સહમતિ હતી અને આ દેશોએ ઇઝરાયલ સામે શરત મૂકેલી હતી કે જ્યાં સુધી તેઓ પેલેસ્ટાઇનના લોકોને અલગ રાષ્ટ્ર નહીં બનાવી આપે, ત્યાં સુધી તેઓ તેમની સાથે શાંતિ સમજૂતી નહીં કરે.

ઇજિપ્ત અને જૉર્ડનની ઇઝરાયલ સાથેની શાંતિ સમજૂતી છતાં પણ આરબ રાષ્ટ્રો વચ્ચે આ સામાન્ય સમજૂતી જળવાઈ રહી. પરંતુ હવે સંયુક્ત આરબ અમીરાતના ઇઝરાયલ સાથેની સમજૂતી કરવાથી આ સંમતિ તૂટી રહી હોય એવું લાગી રહ્યું છે.

એટલું જ નહીં, હવે એ વાત પણ સાર્વજનિક થઈ ચૂકી છે કે સુદાન પણ ઇઝરાયલ સાથે ગુપ્તપણે વાતચીત કરી રહ્યું છે. પરંતુ સમજૂતીની અણીએ ઊભેલું સુદાન હવે થોડું સાવચેત થઈ ગયું છે.

તેમનું કહેવું છે કે સુદાનની વચગાળાની સરકાર આ નિર્ણય નથી કરી શકતી અને વર્ષ 2022માં થનારી ચૂંટણી બાદ જે નવી સરકાર આવશે, તે આ નિર્ણય કરશે.

બીજી તરફ આરબ દેશો પૈકીનો સૌથી શક્તિશાળી દેશ સાઉદી અરેબિયા ઇઝરાયલ પ્રત્યે નરમ પડતું દેખાઈ રહ્યું છે.

તેણે ઇઝરાયલ-UAE સમજૂતીનો વિરોધ નહોતો કર્યો અને કહેવાઈ રહ્યું છે કે ઇઝરાયલનાં વિમાનોને સાઉદી ઍર સ્પેસમાંથી પસાર થવાની પરવાનગી આપીને સાઉદી અરેબિયાએ સંદેશ આપવાનો પ્રયત્ન કર્યો છે કે તેઓ પણ આવનારા સમયમાં ઇઝરાયલ સાથે સંબંધ પ્રસ્થાપિત કરવાની કોશિશ કરી શકે છે.

પરંતુ સાઉદી અરેબિયાની શરત કદાચ એ છે કે ઇઝરાયલ પેલેસ્ટાઇનના લોકોને તેમનો અધિકાર પહેલાં આપે.

તેમજ ઓમાન સાથે ઇઝરાયલના સંબંધો પહેલાંથી જ સારા છે અને હવે બહેરીન પણ ઇઝરાયલ સાથે જોડાવા તેયાર દેખાય છે.

આ દિશામાં પ્રગતિ એ વાત પર નિર્ભર કરશે કે અમેરિકન ચૂંટણીમાં કોની જીત થશે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વર્ષ 2017માં જ્યારથી પદ સંભાળ્યું છે, તેમનો પ્રયત્ન રહ્યો છે કે આ મુદ્દાનું સમાધાન જલદી નીકળે.

ઇઝરાયલ-સંયુક્ત આરબ અમીરાતની શાંતિ સમજૂતી અમેરિકાની મદદથી જ સંભવ બની છે.

અમેરિકા ઇચ્છે છે બીજા આરબ દેશો પણ ઇઝરાયલ સાથે શાંતિ સમજૂતી કરે, જેથી અંતે ઇઝરાયલ અને પેલેસ્ટાઇન વચ્ચે સમજૂતી થઈ જાય, જેથી પશ્ચિમ એશિયામાં હંમેશાં માટે શાંતિ સ્થાપિત થઈ જાય.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો