અમેરિકા ચૂંટણી : હિંદુ મતો પર ટ્રમ્પ બાદ હવે બાઇડન પણ કેમ દાવ ખેલી રહ્યા છે?

  • વિનીત ખરે
  • બીબીસી સંવાદદાતા, અમેરિકાથી
ટ્રમ્પ અને બાઇડન

ઇમેજ સ્રોત, JIM WATSON,DOMINICK REUTER/AFP VIA GETTY IMAGES

29 જાન્યુઆરી, 2019માં જ્યારે રાજ પટેલની નજર મંદિર પર પડી તો તેઓ દંગ રહી ગયા.

આ મંદિરમાં તોડફોડ કરાઈ હતી. ગૅલરીની દીવાલો પર નફરતભરેલા સંદેશ લખેલા હતા. તેમાં કેટલાક ઈસાઇયતને પ્રબલન આપતા સંદેશ પણ હતા.

અમેરિકાના કેન્ટકી રાજ્યના લુઈવિલ શહેરમાં મણિનગર શ્રી સ્વામીનારાયણ ગઢી મંદિરના પ્રવક્તા પટેલ કહે છે, "મેં આવું ક્યારેય જોયું નથી. મારા શ્વાસ એક સેકન્ડ માટે રોકાઈ ગયા હતા."

અમેરિકામાં પેદા થયેલા અને મોટા થયેલા રાજ પટેલે કહે છે કે તેમનામાં ડર, ગુસ્સો અને દુખ હતું. એ વર્ષે જ જુલાઈમાં એક પૂજારીની ન્યૂયૉર્કમાં ખરાબ રીતે માર ખાવાથી જીવ ગયાની ખબર આવી હતી.

તેમને હૉસ્પિટલમાં દાખલ કરાયા હતા. 2016માં એક ગાયનું કપાયેલું માથું પેનસિલ્વેનિયા રાજ્યમાં એક હિંદુ ગૌ-અભયારણ્યમાં ફેંકી દેવાયું હતું.

'હિંદુ અમેરિકન્સ ફૉર બાઇડન'

ઇમેજ સ્રોત, ALEX WONG/GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

જો બાઇડન

અમેરિકામાં ચૂંટણીને હવે બે મહિનાથી ઓછો સમય છે ત્યારે એક નવા અભિયાન 'હિંદુ અમેરિકન્સ ફૉર બાઇડન'માં આ રીતના નફરત ફેલાવતા મામલા કે હેટ ક્રાઇમમાં સજા આપવા અને પૂજાસ્થળોને સુરક્ષા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરાઈ છે.

'હિંદુ અમેરિકન્સ ફૉર બાઇડન'ના મુરલી બાલાજી કહે છે, "આવું પહેલી વાર થઈ રહ્યું છે કે કોઈ ડેમૉક્રેટિક રાષ્ટ્રપતિ ઉમેદવારના ચૂંટણીઅભિયાનમાં આ રીતે હિંદુ અમેરિકનો માટે ખાસ રીતની વાત કરાઈ છે. આ અભૂતપૂર્વ છે."

14 ઑગસ્ટે "હિંદુ વૉયસેઝ ફૉર ટ્રમ્પ" અભિયાન શરૂ થયા બાદ અંદાજે 20 લાખ હિંદુઓને રીઝવવા માટે બાઇડનને પોતાનું અભિયાન શરૂ કરવું પડ્યું છે.

'હિંદુ અમેરિકન્સ ફૉર બાઇડન' અભિયાનમાં કહેવાયું કે હિંદુઓ સામે હેટ ક્રાઇમમાં અંદાજે ત્રણ ગણો વધારો થયો છે.

સરકારી આંકડાઓનો ઉલ્લેખ કરતાં તેમાં કહેવાયું છે, "2015માં હિંદુઓ સામે પાંચ અપરાધ થયા હતા, જ્યારે 2019માં આ સંખ્યા વધીને 14 થઈ ગઈ. 2017માં આ ગુનાઓ વધીને 15 પર પહોંચી ગયા હતા."

અમેરિકામાં ભારતીય અમેરિકન સાંસદ રાજા કૃષ્ણામૂર્તિએ ઉદ્ઘાટન સમયે વેબિનારમાં કહ્યું, "ગત ચાર વર્ષમાં આપણે ઘૃણા, ભેદભાવ, અસહિષ્ણુતામાં વધારો જોયો છે. આ અસહિષ્ણુતા હિંદુ અમેરિકનો સામે પણ થઈ છે."

'હિંદુ વૉયસેઝ ફૉર ટ્રમ્પ' તરફથી આપેલા આંકડાઓ અનુસાર, અમેરિકામાં કુલ 662 મંદિર છે.

ડૅમોક્રૅટિક મતોમાં ભાગલાનો ડર?

ઇમેજ સ્રોત, SAUL LOEB/GETTY IMAGES

ભારતીય અમેરિકનો ઐતિહાસિક રીતે ડૅમોક્રૅટિકને પસંદ કરતા આવ્યા છે. ભારતીય મૂળના અંદાજે 45 લાખ લોકો અમેરિકામાં રહે છે. 2016માં માત્ર 16 ટકા ભારતીય અમેરિકનોએ ટ્રમ્પને મત આપ્યા હતા.

ડૅમોક્રૅટ ભારતીય અમેરિકનોના એક જૂથને લાગે છે કે ટ્રમ્પના સમર્થકોની સંખ્યા વધી શકે છે. તેની પાછળ અનેક કારણો ગણાવાઈ રહ્યાં છે.

જોકે કાશ્મીર અને એનઆરસી જેવાં ભારતે ભરેલાં પગલાં માટે ટ્રમ્પ પ્રશાસન મોટા ભાગે ચૂપ રહ્યું છે, પરંતુ બર્ની સેન્ડર્સ અને પ્રમિલા જયપાલ જેવાં ડૅમોક્રૅટ્સે ભારતની આકરી ટીકા કરી છે.

'હાઉડી મોદી' ઇવેન્ટમાં ટ્રમ્પની ઉપસ્થિતિ અને તેમની ભારતયાત્રાથી ઘણા લોકોને લાગે છે કે મોટા પાયે ભારતીય અમેરિકો અને ખાસ કરીને કટ્ટર હિંદુ અમેરિકનો ટ્રમ્પના સમર્થનમાં જશે. કાશ્મીર, એનઆરસી, સીએએ જેવા મામલાનો ઉલ્લેખ જો બાઇડનના વિઝન ડૉક્યુમેન્ટમાં કરાયો છે. તેનું શીષર્ક "જો બાઇડન્સ એજન્ડા ફૉર મુસ્લિમ-અમેરિકન કૉમ્યુનિટીઝ" છે.

તેના કારણે કેટલાક લોકોએ માગ કરી છે કે આવું જ એક પૉલિસી પેપર હિંદુ અમેરિકનો માટે પણ હોવું જોઈએ. ઘણા લોકો ટ્રમ્પને ભારતના સમર્થકના રૂપમાં જુએ છે.

એટલે સુધી કે ઉદાર ડૅમોક્રૅટ પણ તેનાથી ડરેલા છે. એટલા માટે બાઇડનના ભારતીય અમેરિકનો માટે વિઝન ડૉક્યમેન્ટ, બાઇડન અને હૅરિસનો ભારતના સ્વાતંત્ર્યદિવસ અને ગણેશચતુર્થી પર સંદેશ અને 'હિંદુ અમેરિકન્સ ફૉર બાઇડન' જેવી ચીજો થઈ.

'ઇન્ડિયન અમેરિકન્સ પર વિઝન ડૉક્યમેન્ટ'માં સીમા પાર આતંકવાદ અને ચીનથી ખતરાનો પણ ઉલ્લેખ છે. બાઇડન કૅમ્પેન અનુસાર, 8 રાજ્યોમાં 13.1 લાખ ભારતીય અમેરિકનોના મત મહત્ત્વના છે.

ટ્રમ્પ કૅમ્પેન પર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, SAUL LOEB/GETTY IMAGES

એવામાં શું 'હિંદુ અમેરિકન્સ ફૉર બાઇડન' અભિયાનને ગુમાવેલા મતોને હાંસલ કરવાની પ્રતિક્રિયા ન માનવું જોઈએ? એક ડૅમોક્રૅટ ભારતીય અમેરિકને તેને "નુકસાનની ભરપાઈ જેવું" ગણાવ્યું છે, પરંતુ કહ્યું કે "નાનામાં નાનું કામ પણ મદદ કરશે."

'હિંદુ અમેરિકન્સ ફૉર બાઇડન'ના મુરલી બાલાજી કહે છે, "આ કોઈ પ્રતિક્રિયા નથી, પરંતુ આ એક સમાંતર કામ છે."

તેઓ યાદ અપાવે છે કે "ભારતીય પીએમ મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા વચ્ચે બહુ નજીકનો સંબંધ હતો."

મુરલી કહે છે, "ઓબામા, બાઇડનના પ્રશાસનમાં રેકૉર્ડ સંખ્યામાં હિંદુ કામ કરતા હતા. મારું માનવું છે કે એવા ભારતીય અમેરિકનો છે, જે ટૅક્સ, રેગ્યુલેશન્સ જેવા મામલે રૂઢિવાદી છે. તેઓ કેટલાક મુદ્દાઓને આધાર બનાવીને ટ્રમ્પને મત આપવાની વાત કરી ચૂક્યા છે. બીજા શબ્દોમાં કહીએ તો આ લોકોને ટ્રમ્પને મત આપવા માટે પ્રોત્સાહિત નહોતા કરવા પડ્યા. તેમના કોઈ પણ સ્થિતિમાં ટ્રમ્પને મત આપવાના અણસાર છે."

જો બાઇડનને ઘણા ચૂંટણીના સર્વેમાં આગળ થતાં દર્શાવવામાં આવ્યા છે, પરંતુ ટ્રમ્પને હજુ પણ મજબૂત ઉમેદવાર તરીકે જોવામાં આવે છે. એવામાં બાઇડનના અભિયાનમાં કોઈ કસર છોડવામાં આવતી નથી.

ભારત સહિત પાકિસ્તાન, બાંગ્લાદેશ, નેપાળ, ભૂતાન, ગયાના અને ટ્રિનિદાદ સહિત દુનિયાના અન્ય દેશોના હિંદુ પણ અમેરિકામાં છે. તેમાં ઘણા હિંદુ પોતાના મૂળ દેશમાં અત્યાચારના શિકારથી બચવા માટે અમેરિકા આવ્યા છે.

મુરલી કહે છે, "ન તો બધા ભારતીય હિંદુ છે અને ન તો બધા હિંદુ ભારતીય છે."

ચૂંટણી અભિયાનમાં મોડું?

'હિંદુ અમેરિકન્સ ફૉર બાઇડન'નાં સભ્ય નિકી શાહ અનુસાર, અંદાજે એક મહિનાથી આ અભિયાન શરૂ કરવાની તૈયારી ચાલતી હતી. પરંતુ ચૂંટણીને 60 દિવસથી પણ ઓછો સમય બાકી છે, તો શું આ અભિયાન મોડું શરૂ નથી થયું?

મુરલી કહે છે, "કન્વેન્શન્સ બાદ તેને શરૂ કરવામાં આવ્યું છે, જેનાથી એ પણ સંદેશ જાય છે કે બાઇડનના અભિયાનમાં કોઈ પણ મતને હળવાશથી લેવાયો નથી. સાથે જ હિંદુ અમેરિકન સમુદાયની વિવિધતાને સમજવા માટે આ એક આદર્શ સમય છે."

આ અભિયાનમાં કમલા હૅરિસની અપીલનો પણ સહારો લેવામાં આવ્યો છે.

રાજ પટેલને લાગે છે કે કમલા હૅરિસની ચૂંટણી અમેરિકામાં હિંદુઓને લઈને એક કુતૂહલ પેદા કરશે.

કૉંગ્રેસ સભ્ય રાજા કૃષ્ણમૂર્તિએ એક વેબિનારમાં કહ્યું, "પોતાનાં માતા તરફથી તેઓ હિંદુ છે. જો તમે તેમના પરિવારની તસવીર ધ્યાનથી જોશો તો તમે એ તસવીરમાં ખુદને જોશો. તેઓ હિંદુ અમેરિકન સમુદાયના પોતાના સંબંધોને બહુ મહત્ત્વ આપે છે."

અમેરિકામાં હિંદુ

જે ભારતીય અમેરિકનો સાથે મેં વાત કરી તેઓએ કહ્યું કે યુએસમાં વંશવાદ એક હકીકત છે. જોકે અમેરિકામાં હિંદુ હોવાનો શો અર્થ છે?

રાજ કહે છે કે અમેરિકામાં હિંદુ ધર્મને વધુ લોકો સમજતા નથી.

રાજ પટેલ કહે છે, "એ સમયની ઘટનાઓ મને હજુ પણ યાદ છે જ્યારે અમને ધમકાવતા અને નિશાન બનાવતા અમારે ભાગીને ઘરે આવવું પડતું હતું. એવો પણ સમય આવ્યો જ્યારે ઘણાં બાળકો અમને હિંદુ કહેતા હતા, એટલા માટે નહીં કે હિંદુ એક અલગ ધર્મ હતો, પરંતુ તેનું કારણ ભેદભાવ અને વંશવાદ હતું."

રાજ કહે છે કે હવે તેમનાં બાળકો સાથે આવું થતું જોવા મળતું નથી. એના સ્થાને તેમને લાગે છે કે તેમને એક બ્રાઉન શખ્સ હોવાને કારણે નિશાન બનાવાય છે.

પેનસિલ્વેનિયામાં લક્ષ્મી કાઉ સેન્ક્ચુયરી (ગૌ-અભયારણ્ય) ચલાવતાં ડૉ. શંકર શાસ્ત્રી કહે છે કે તેમને ક્યારેય એવું નથી લાગ્યું કે તેમને આસ્થાને કારણે ટાર્ગેટ કરવામાં આવે છે.

"લોકો સહાનુભૂતિ દાખવે છે. અમે સહિષ્ણુ છીએ અને આગળ વધી રહ્યા છીએ. કેટલાક લોકો એવા કટ્ટર હોઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તેઓ સારા લોકો છે."

આ અભયારણ્યમાં 2016માં ગાયનું કપાયેલું માથું મળ્યું હતું, પરંતુ તેને તેઓ હેટ ક્રાઇમ માનતા નથી.

"તેઓ ટીનેજર હતા, જેઓએ માફી માગી અને અમે તેનો સ્વીકાર કરી લીધો. એ કારણે હું તેને હેટ ક્રાઇમ માનતો નથી."

શું ગત વર્ષોમાં હિંદુઓ સામે હેટ ક્રાઇમ વધ્યો છે?

શાસ્ત્રી કહે છે, "જોકે એવું ઓબામાના સમયમાં થયું હતું, ન કે રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમયમાં."

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો