કંગના રનૌત : બીએમસીની કાર્યવાહીના કેસમાં 22 સપ્ટેમ્બરે સુનાવણી

કંગના

ઇમેજ સ્રોત, Getty Images

બૉમ્બે હાઈકોર્ટે બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતનો બંગલો તોડવાના મામલે બીએમસીની આકરી ટીકા કરી છે.

કોર્ટે કહ્યું કે બીએમસીની આ કાર્યવાહી દુર્ભાવનાપૂર્ણ હતી.

કોર્ટે મામલાની સુનાવણી કરતાં કહ્યું કે જો બીએમસીએ બાકીનાં ગેરકાયદે નિર્માણોના મામલે આટલી જ ઝડપથી કાર્યવાહી કરી હોત તો મુંબઈ શહરે રહેવા માટે એક બિલકુલ અલગ અને શ્રેષ્ઠ જગ્યા હોત.

બીએમસીના વકીલ જૉએલ કાર્લૉસે પોતાની દલીલમાં કહ્યું કે કંગના ખુદ સ્વીકારે છે કે તેમનો બંગલો મુંબઈના રહેવાસી વિસ્તારમાં છે, જોકે તેમણે બંગલામાં જ પોતાનું કાર્યાલય બનાવ્યું છે.

આના પર કોર્ટે કહ્યું કે હાલ પૂરતી સ્થિતિ જેવી છે તેવી જ રહેશે. આ દરમિયાન બીએમસી ન કોઈ કાર્યવાહી કરશે કે ન તો કંગના દ્વારા તૂટેલી પાઇપલાઇન કે અન્ય વસ્તુનું સારકામ કરાવાશે.

હાઈકોર્ટે આ મામલે આગામી સુનાવણી માટે 22 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.

'શિવસેના હવે સોનિયાસેના બની ગઈ છે'

અભિનેત્રી કંગના રનૌતનાં નિવેદનો અટકવાનું નામ નથી લઈ રહ્યાં. પોતાની વાત રજૂ કરવા માટે તેમણે ફરી એક વાર સોશિયલ મીડિયા પર મોરચો માંડ્યો છે અને શિવસેનાને સોનિયાસેના ગણાવી છે.

ટ્વિટર પર તેમણે લખ્યું, "જે વિચારધારા પર શ્રી બાલાસાહેબ ઠાકરેએ શિવસેનાનું નિર્માણ કર્યું હતું આજે સત્તા માટે એ જ વિચારધારાને વેચીને શિવસેના સોનિયાસેના બની ગઈ છે."

"જે ગુંડાઓએ મારી પાછળ મારું ઘર તોડ્યું એને સિવિક બૉડી ન કહો, બંધારણનું આટલું મોટું અપમાન ન કરો."

એ બાદ વધુ એક ટ્વિટમાં કંગનાએ લખ્યું, "મહારાષ્ટ્રમાં ચૂંટણી હાર્યા બાદ શિવસેનાએ શરમ વગર ભેળસેળ સરકાર બનાવી અને આને સોનિયાસેના બનાવી દીધી."

બુધવારે મુંબઈ મહાનગરપાલિકાએ બાંદરા પાલી હિલ્સમાં આવેલા તેમના કાર્યાલય પર કાર્યવાહી કરી હતી.

એ બાદ કહેવાઈ રહ્યું છે કે મહાનગરપાલિકા ગેરકાયદે નિર્માણકાર્ય હઠાવવા માટે હવે તેમના ફ્લૅટમાં પણ તોડફોડ કરી શકે છે.

આ મામલો બુધવારે બૉમ્બે હાઈકોર્ટ પહોંચ્યો હતો, જ્યાં કોર્ટે કંગનાની સંપત્તિ પર મહાનગરપાલિકાની કાર્યવાહી પર રોક લગાવી દીધી હતી. આ મામલે ગુરુવારે ત્રણ વાગ્યે સુનાવણી થવાની છે.

કંગના બાદ તેમના પડોશી મનીષ મલ્હોત્રાને બીએમસીની નોટિસ

ઇમેજ સ્રોત, MILIND SHELTE/THE INDIA TODAY GROUP/GETTY IMAGES

બોલીવૂડ અભિનેત્રી કંગના રનૌતની ઑફિસ પર કથિત અનાધિકૃત નિર્માણ હઠાવવાની કાર્યવાહી બાદ મુંબઈ મહાનગરપાલિકાએ ડિઝાઇનર મનીષ મલ્હોત્રાને કારણદર્શક નોટિસ ફટકારી છે.

બીએમસીની નોટિસમાં કહેવામાં આવ્યું છે, "મુંબઈ મહાનગરપાલિકા કાનૂન, 1888ની કલમ 351(1) અને ચાર એપ્રિલ 2013ની અધિસૂચના અનુસાર આ નોટિસ આપવામાં આવે છે કે મનીષ મલ્હોત્રાએ મંજૂરી વિના પોતાના ઘરના પરિસરમાં નિર્માણ કાર્ય કર્યું છે."

બીએમસીએ કહ્યું છે કે મનીષ મલ્હોત્રા એ બતાવે કે તેમના આ નિર્માણ કાર્યને કેમ ના તોડી પાડવામાં આવે.

આ નોટિસનો જવાબ આપવા માટે મનીષ મલ્હોત્રાને સાત દિવસનો સમય આપવામાં આવ્યો છે.

બીએમસીની નોટિસ પ્રમાણે મનીષ મલ્હોત્રા પર આરોપ છે કે તેમણે મકાનના પ્રથમ માળને નિવાસમાંથી ઑફિસ તરીકે ઉપયોગ કરતાં પહેલાં કોઈ મંજૂરી લીધી નથી.

એ ઉપરાંત તેમના પર ગેરકાયદે નિર્માણ અને જૂની ડિઝાઇનમાં ફેરફારનો પણ આરોપ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI