ડોનાલ્ડ ટ્રમ્પ Facebook-Twitter જેવી જ સોશિયલ મીડિયાની નવી જ દુનિયા રચશે?

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા
ડોનાલ્ડ ટ્રમ્પ પર સોશિયલ મીડિયા પ્રતિબંધોની કેટલી અસર થશે?

ઇમેજ સ્રોત, JAKUB PORZYCKI/NURPHOTO VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

ડોનાલ્ડ ટ્રમ્પ પર સોશિયલ મીડિયા પ્રતિબંધોની કેટલી અસર થશે?

ગત અઠવાડિયે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો દ્વારા અમેરિકન સંસદમાં ગેરકાયદેસર અને બળજબરીપૂવર્ક પ્રવેશ કરતા ટ્વિટર, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ જેવાં સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ દ્વારા રાષ્ટ્રપતિ ટ્રમ્પ પર કાયમ માટે પ્રતિબંધ મૂકી દેવાયો છે. આ સાથે ટ્રમ્પના 70.000 સમર્થકોનાં એકાઉન્ટ પણ સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

કોઈ પણ પુરાવા વગર રાષ્ટ્રપતિ ટ્રમ્પ સતત ડેમૉક્રૅટિક ઉમેદવાર જો બાઇડનની 3 નવેમ્બરની ચૂંટણી જીતના કાયદેસરપણાને પડકાર આપતા આવ્યા છે.

ગત અઠવાડિયે તેમના ભાષણ બાદ તેમના સમર્થક અમેરિકન સંસદમાં ઘૂસી ગયા. તે વખતે ત્યાં સૅનેટ અને હાઉસનું અધિવેશન ચાલી રહ્યું હતું, જેમાં બાઇડનની જીતને પ્રમાણિત કરવાનું હતું, જે માત્ર એક ઔપચારિકતા હતી. પરતું ભીડે હિંસા કરતા સભ્યોને બિલ્ડિંગમાંથી કાઢીને સલામત સ્થળે ખસેડવા પડ્યા હતા.

આ હિંસામાં પાંચ લોકોનાં મૃત્યુ નીપજ્યાં છે. રાજકીય નેતાઓએ આ હિંસા માટે ટ્રમ્પનાં ઉશ્કેરણીજનક ભાષણોને જવાબદાર ઠેરાવ્યાં છે.

પરતું ટેક્સાસમાં પોતાના નિવેદનમાં રાષ્ટ્રપતિએ બુધવારે ઉશ્કેરણીજનક ભાષણ આપવના આરોપોને ખોટા ઠેરવતા જણાવ્યું કે તેમનું નિવેદન બરાબર હતું.

રાષ્ટ્રપતિ ટ્રમ્પ સામે મૂકવામાં આવેલ પ્રતિબંધ પર કાયદાના નિષ્ણાત ચર્ચા કરી રહ્યા છે કે શું આ પગલું ગેરકાયદેસર છે? રાષ્ટ્રપતિના દીકરા ડોનાલ્ડ ટ્રમ્પ જુનિયરે ટ્વિટર પર મૂકવામાં આવેલ પ્રતિબંધ બાદ કહ્યું, ફ્રી-સ્પીચ હવે અમેરિકામાં હાજર નથી.

પરતું બીજી તરફ તેમના સમર્થકો એ વાતથી ઉત્સાહિત છે કે તેમનો પોતાનું એક સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ હોય જ્યાં તેઓ મુક્ત રીતે પોતાના વિચારો રજૂ કરી શકે.

રાષ્ટ્રપતિએ પણ કહ્યું છે કે તેઓ એક નવું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ શરૂ કરવાનો ઇરાદો રાખે છે.

પરંતુ પહેલા એ પ્રશ્ન પર ધ્યાન આપીએ કે એક નવું પ્લૅટફૉર્મ બનાવવું કેટલું સરળ અથવા કઠિન છે?

line

નવું પ્લૅટફૉર્મ બનાવવું કેટલું સરળ?

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ

ઇમેજ સ્રોત, PAVLO GONCHAR/SOPA IMAGES/LIGHTROCKET VIA GETTY IM

ઇમેજ કૅપ્શન,

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ

આ પ્રશ્ન એ દરેક વ્યક્તિના મનમાં હશે જેઓ પોતાના વિચારના પ્રસાર માટે મફતના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરે છે, પરતું તેમને કાયમ એ ડર લાગે છે કે પોતાના વિચારોના કારણે કદાચ તેમની પર પ્રતિબંધ ન મૂકવામાં આવે.

ન્યૂયૉર્કમાં ભારતીય મૂળના યોગેશ શર્મા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ બનાવવાના ક્ષેત્રમાં કામ કરે છે અને અમેરિકામાં તેમની બહુ માગ છે.

અમારા પ્રશ્નનો જવાબ આપે તે પહેલાં તેઓ જણાવે છે કે, જરા વિચાર કરો કે જો ફેસબુક અને ટ્વિટર ન હોય તો ભાજપ ભક્ત અને ટ્રોલર ક્યાં જશે?

તેમના જણાવ્યા અનુસાર તેઓ નવું પ્લૅટફૉર્મ શરૂ કરવાનો પ્રયાસ કરશે કારણકે તેમના મતે આ બહુ મુશ્કેલ કામ નથી.

સૈદ્ધંતિક રીતે જો તમારી પાસે પૂરતી મૂડી હોય, ટૅકનૉલૉજી હોય અને ફૉલોઅર્સ હોય તો એક નવું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ બનાવવું સરળ હોવું જોઈએ.

યોગેશ શર્મા કહે છે, જુઓ, પોતાનું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ બનાવવું મુશ્કેલ નથી. સંભવિત રીતે એક સાથે 70 મિલિયન સમર્થક (ટ્રમ્પના) એક નવા પ્લૅટફૉર્મમાં જોડાઈ શકે છે. આ મોટા આંકડાને હળવાશમાં ન લેવો જોઈએ. એટલા માટે દર્શક અથવા સ્વીકૃતિ એ કોઈ મુદ્દો નથી.

આ તર્કને આગળ લઈ જવાના પ્રયાસમાં તેઓ જણાવે છે કે , પ્રચારકો, મુલ્લાઓ અને ઢોંગી બાવાઓ માટે મંચ કાયમ હાજર હોય છે અથવા નવું પ્લૅટફૉર્મ બનાવી શકાય છે.

યોગેશ આગળ કહે છે, હાલમાં જ ફ્લોરિડાના એક જાણીતા હેરડ્રેસરે એક નવું પ્લૅટફૉર્મ બનાવવા માટે મારો સંપર્ક કર્યો. એક નવું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ બનાવવા માટે એક સારી, લેટેસ્ટ તકનીક અને મોટા પ્રમાણમાં મૂડીની જરૂર છે. ટૂંકમાં હું આવું પ્લૅટફૉર્મ બનાવી શકું છું અને દર્શકો પણ મેળવી શકું છું પછી તે અમેરિકામાં હોય અથવા બીજે ક્યાંક?

સૈંદ્ધાંતિંક રીતે નવું પ્લૅટફૉર્મ બનાવવું સરળ છે પરતું વાસ્તિવકતા એ છે કે પહેલાંથી જે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મથી નવું પ્લૅટફૉર્મ સ્પર્ધા ન કરી શકે.

અમેરિકાસ્થિત મેસાચુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટૅકનૉલૉજીના પ્રોફેસર ડંકન ફર્ગુસન પોતાના એક લેખમાં કહે છે, વાસ્તિકવતા એ છે સ્થાપિત સોશ્યિલ મીડિયા પ્લૅટફૉર્મ અને એમેઝોન જેવી કંપનીઓની હદમાં રહીને કંઈ નવું કરવું અશક્ય છે. જેમ તમારી કંપની સારું કરવા લાગશે, તેઓ તમારી કંપનીને ખરીદી લેશે. આ એ શાર્ક છે જે નાની માછલીઓને જોતાં જ ગળી જાય છે.

જરા આ હકીકત પર ધ્યાન આપો - દર મહિને ફેસબુકના 2.3 અબજ યુઝર્સ છે, યૂટ્યુબના 1.9 અબજ યુઝર, વૉટ્સઍપના 1.5 અબજ યૂઝર, મૅસેન્જરના 1.3 અબજ યુઝર અને ઇંન્સ્ટાગ્રામના 1 અબજ યુઝર.

આમની સામે કોઈ નવા પ્લૅટફૉર્મનું ટકવું લગભગ અશક્ય છે. આ બધા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ અમેરિકાસ્થિત સિલિકન વેલીમાં આવેલા છે. અહીં તેમનો જન્મ થયો છે અને અહીં મોટાં થઈ રહ્યાં છે. તેમની પહોંચ અને ફૉલોઅર્સ આખી દુનિયામાં છે.

તેમની વચ્ચે ચાઇનીઝ પ્લૅટફૉર્મ વીચેટ જ ટકી શક્યું છે જેમના દર મહિનાના યુઝર 1 અબજ કરતાં વધારે છે. ટ્વિટર 12મા ક્રમાંકે છે, જેમની પહોંચ દર મહિને 33 કરોડથી થોડી વધારે છે.

line

પાર્લરનું ગઠન પરંતુ ઉદય પહેલાં પતન

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, LORENZO DI COLA/NURPHOTO VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

કન્ઝર્વેટિવ લોકો (રૂઢિવાદીઓ) વચ્ચે લોકપ્રિય સોશિયલ મીડિયા નેટવર્ક એ વાતનો જીવંત દાખલો છે કે સિલિકન વેલીના સોશિયલ મીડિયા સામે ટકવું કેટલું અઘરું છે.

આ પ્લૅટફૉર્મ પર એપલ, ગૂગલ અને એમેઝોને પ્રતિબંધ મૂકી દીધો છે. આ કંપનીઓ આક્ષેપ કરી રહી છે કે પાર્લર એવી પોસ્ટોને જગ્યા આપે છે જે હિંસાને સ્પષ્ટ રીતે પ્રોતસાહન આપે છે અને ઉશ્કેરણી પણ કરે છે.

2018માં પાર્લર લોન્ચ કરવામાં આવી હતી અને કંપની મુજબ તેના 3 મિલિયન ઍક્ટિવ યુઝર છે, જેમાં મોટી સંખ્યા એ લોકોની છે જેઓ રાષ્ટ્રપતિ ટ્રમ્પના સમર્થક છે. અમુક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાર્લરના ફૉલોઅર્સની સંખ્યા 16 મિલિયન છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પના પરિવારના અમુક સભ્યો પણ તેના સભ્ય છે.

માઇક્રોસોફ્ટ અમેરિકાના એક ભૂતપૂર્વ ઇજનેર સૌરભ વર્મા હાલ કૅનેડામાં એક મોટી ટેકનૉલૉજી કંપની સાથે સંકળાયેલા છે.

કૅનેડાના વેંકુઅર શહેરથી ભારતીય મૂળના સૌરભ વર્માએ ફોન પર જણાવ્યું કે અમેરિકાના ટૅક ઍકો (echo) માં એક એવા પ્લૅટફૉર્મનું લોન્ચ થવું મુશ્કેલ છે, જેમના ફૉલોઅર્સ દક્ષિણપંથી અથવા ટ્રમ્પ સમર્થક હોય.

સિલિકન વેલીની અમુક ટેકનૉલૉજી કંપનીઓ સાથે અમુક વર્ષો સુધી કામ કર્યા બાદ સૌરભ વર્મા કૅનેડા ગયા છે.

તેઓ કહે છે, જુઓ સૈંદ્ધાંતિક રીતે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ રાજકીય નહીં પણ આર્થિક લાભ માટે અસ્તિત્વમાં આવે છે. તેમનો ખાસ હેતુ પૈસા કમાવવાનો છે. પરતું છેલ્લાં થોડાં વર્ષોથી ભાગલા પાડનાર વ્યક્તિત્વ અને તત્ત્વોના કારણે આ પ્લૅટફૉર્મ વૈચારિક યુદ્ધ માટેના અખાડા બની ગયા છે. આ રાજકીય થઈ ગયા છે.

સિલિકન વેલીમાં જન્મેલા પ્લૅટફૉર્મને શરૂ કરનાર લોકો યુવા પેઢીના છે અને તેઓ મોટાભાગે લિબરલ વિચારધારાના હોય છે. આ જ કારણ છે કે તેઓ દક્ષિણપંથી વિચારધારાની વિરુદ્ધ હોય છે. આ સંજોગોમાં દક્ષિણપંથી વિચાધારાવાળા પાર્લર જેવાં પ્લૅટફૉર્મને તેઓ કદાચ સહન કરી લે પરતું તેને આગળ નહીં વધવા દે.

કદાચ એટલા માટે પાર્લર પર એપલ, ગૂગલ અને એમેઝોને પ્રતિબંધ મૂકી દીધો છે. એમેઝોનના પગલાથી પાર્લરને સૌથી વધુ ઝાટકો લાગ્યો છે કારણકે તે એમેઝોનના ક્લાઉડ સર્વર પર ચાલતું હતું. હવે પાર્લરે એમેઝોન સામે કેસ કર્યો છે.

પાર્લર આક્ષેપ કરી રહ્યું છે કે પ્રતિબંધ લાદતા પહેલાં કરાર મુજબ એમેઝોન દ્વારા એક મહિનાની નોટિસ પાઠવવી જોઈતી હતી. પરંતુ પ્રતિબંધ અચાનક લાદવામાં આવ્યો હતો. પાર્લર મુજબ એમેઝોનનો નિર્ણય તેમના માટે "મૃત્યુનો ઝાટકો" આપવા જેવો છે.

હાલમાં પાર્લરની વેબસાઇટ ડાઉન છે અને આ ઍપ્લિકેશન ગૂગલના પ્લે સ્ટોર અથવા એપલના ઍપ સ્ટોર પરથી ડાઉનલોડ પણ કરી નહીં શકાય.

પરંતુ સૌરભ વર્માના જણાવ્યા મુજબ, પાર્લર અથવા કોઈ નવું પ્લૅટફૉર્મ ઇચ્છે તો ચીન અથવા રશિયાની ઇકો સિસ્ટમમાં રહીને શરૂ કરી શકાય છે.

"જો સિલિકન વેલીના લોકો તમને ટકવા નથી દેવા માંગતા તો પછી તમે ચીન અને રશિયામાં જઈને એક નવું પ્લૅટફૉર્મ શરૂ કરી શકો છો. પરંતુ તેમાં સલામતી અને ડેટા સુરક્ષાની કોઈ ગૅરંટી નથી અને જો તમારું સર્વર ચીનમાં છે તો પશ્ચિમી દેશોના ફૉલોઅર્સ તમારી સાથે જોડાશે નહીં."

line

હાલનાં પ્લૅટફૉર્મોના કોઈ વિકલ્પ છે?

પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, CHESNOT/GETTY IMAGES

હવે સવાલ એ થાય છે કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે તેમના સમર્થકો સુધી પહોંચવા માટે કયા પ્લૅટફૉર્મનો ઉપયોગ કરવો જોઈએ? દરરોજ 2-3 ટ્વીટ કરનાર વ્યક્તિએ શું કરવું જોઈએ?

મોટાં સોશિઅલ મીડિયા પ્લૅટફૉર્મ બાદ ટ્વીટ, રેડ્ડિટ અને ટિકટૉક જેવાં પ્લૅટફૉર્મોએ પણ રાષ્ટ્રપતિ પર પોતાનો સંકજો મજબૂત કર્યો છે અને તેમના એકાઉન્ટને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. હવે તેઓ ક્યાં જશે?

એવી સંભાવના છે કે ટ્રમ્પ ગેબ (Gab) સાથે જોડાશે. આ ટ્વિટર જેવું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ છે જે અમેરિકાના દક્ષિણપંથી લોકોમાં ખૂબ જ લોકપ્રિય છે. અમેરિકન સંસદમાં થયેલ હિંસા થયા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે તેણે નવા છ લાખ યુઝર્સ બનાવ્યા છે.

રૉયટર્સ સમાચાર સંસ્થા અનુસાર પોતાના કાર્યકાળના છેલ્લા કેટલાક દિવસોમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પને સંદેશાવ્યવહારની વધુ પરંપરાગત પદ્ધતિઓ, મુખ્ય પ્રવાહના પરંપરાગત મીડિયા અથવા નાની દક્ષિણપંથી ઑનલાઇન ચેનલોનો આશરો લેવાની ફરજ પડી શકે છે.

રાષ્ટ્રપતિ ટ્રમ્પના ટેકેદારો ફેસબુક-શૈલીના પ્લૅટફૉર્મ મેવી (MeWe) સાથે બહુ ઝડપથી જોડાઈ રહ્યા છે, પરંતુ આ હજી પણ એક નાનું પ્લૅટફૉર્મ છે જે અમેરિકાની બહાર ભાગ્યે જ કોઈ ઓળખતું હશે.

યોગેશ શર્માના મતે રાષ્ટ્રપતિ ટ્રમ્પ જે પ્લૅટફૉર્મ પર સાઇન અપ કરશે તેમના ફૉલોઅર્સની સંખ્યા વધશે. જો તેમના સાત કરોડથી વધુ સમર્થકો કોઈપણ પ્લૅટફૉર્મમાં જોડાશે તો તે જાહેરાતકર્તા માટે એક ખુશખબર હશે પરંતુ આવા પ્લૅટફૉર્મને સૌથી પહેલા સિલિકન વેલીમાં સ્થિત મોટી કંપનીઓની જાળમાંથી બહાર નીકળવું પડશે અને કૅનેડામાં સૌરભ વર્માના મતે આ સૌથી મુશ્કેલ કાર્ય હશે.

line
કોરોના વાઇરસની હેલ્પલાઇનના નંબર

ઇમેજ સ્રોત, MohFW, GoI

કોરોના વાઇરસ ફર્નિચર
લાઇન

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો