IND vs AUS: રિષભ પંતની ધમાકેદાર બેટિંગ સાથે ગાભામાં ટીમ ઇન્ડિયાનો ઐતિહાસિક વિજય

ભારતીય ટીમ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ભારતીય ટીમ

છેલ્લાં 32 વર્ષમાં કોઈ દેશે ના કર્યું એવું ભારતે કર્યું છે. બ્રિસબેનના ગાબા ખાતે ઑસ્ટ્રેલિયા છેલ્લે 1988માં હાર્યું હતું, ત્યારબાદ હાર્યું ન હતું. પરંતુ ભારતે આજે તેને હરાવીને ઑસ્ટ્રેલિયાના 32 વર્ષ જૂના રેકર્ડને તોડ્યો છે.

આ સાથે જ ભારતે 2-1થી બોર્ડર ગાવાસ્કર ટ્રોફી જીતી છે. ભારતે બીજી ઇનિંગમાં સાત વિકેટે 328 રનનો સ્કોર કરીને મૅચ જીતી લીઘી.

પાંચ વિકેટ પડ્યા પછી ઋષભ પંત અને વૉશિંગટન સુંદરની 50 રનની ભાગીદારીએ ભારતને જીત રોમાંચક જીત અપાવી હતી.

ભારત અગાઉથી શુભમન ગિલના 91 રન અને ચેતેશ્વર પુજારાએ 211 બૉલમાં 56 રન બનાવ્યા હતા.

આ બંને ખેલાડીઓની ભાગીદારીએ ટીમને સારી સ્થિતિમાં મૂકી હતી. ત્યારબાદ પંત અને વૉશિંગટન સુંદરે જીત 50થી વધારે રનની ભાગીદારી બનાવી જીત અપાવી હતી.

શુભમન ગિલ, ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાની ધૈર્યપૂર્ણ અને જવાબદારી ભરેલી બૅટિંગને લીધે ભારતે બ્રિસબેનમાં ચોથી ટેસ્ટમાં ઑસ્ટ્રેલિયાને સામે ધમાકેદાર જીત મેળવી.

આ અંગે બીસીસીઆઈના પ્રમુખ સૌરવ ગાંગુલીએ ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા.

તેમણે ટ્વીટ કરીને કહ્યું, "ધમાકેદાર જીત. ઑસ્ટ્રેલિયા જઈને તેમની સામે આવી રીતે જીતવું એ ભારતીય ક્રિકેટ ઇતિહાસમાં યાદગાર રહેશે. બીસીસીઆઈ બૉનસ પેઠે ખેલાડીઓને 5 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરે છે. આ જીત આંકડાઓની ઉપર છે."

આ સાથે જ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ભારતીય ટીમને અભિનંદન આપ્યા હતા.

તેમણે ટ્વીટ કરીને કહ્યુ, "ઑસ્ટ્રેલિયામાં ભારતીય ટીમની જીત આપણા સૌ માટે ખૂબ આનંદનીય છે. તેમનો ઉત્સાહ અને જનૂન આખી રમતમાં દેખાઈ આવતું હતું."

ભારતની ધમાકેદાર જીત પર બીસીસીઆઈના સચિવ જય શાહે ભારતીય ટીમને અભિનંદન પાઠવ્યા હતા.

ઑસ્ટ્રેલિયાની વર્ષો બાદ હાર

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિસ્બેનના ગાબા ખાતે ઑસ્ટ્રેલિયા સતત 31 મૅચ જીત્યું છે. ઑસ્ટ્રેલિયા છેલ્લે 1988માં વેસ્ટ ઇન્ડિસ સામે હાર્યું હતું. ત્યારબાદ આજે ભારત સામે હાર્યું છે. છેવટે 2012માં સાઉથ આફ્રિકા સામે મૅચ ડ્રો થઈ હતી. હાલ સુધી સાત ટેસ્ટ સતત જીત્યું છે.

ભારત સતત ત્રીજી વખત બૉર્ડર ગાવાસ્કર ટ્રોફીમાં વિજેતા બન્યું. ભારતે ઑસ્ટ્રેલિયાને સતત બીજી વખત ઑસ્ટ્રેલિયામાં ટેસ્ટ સિરીઝ હરાવી છે.

ભારતે 2018-19 અને 2020-21માં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. જ્યારે 2016-17માં ઑસ્ટ્રેલિયાને ભારતમાં હરાવ્યું હતું.

અગાઉ શું-શું થયું?

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિસબેનના ગાબા મેદાનમાં ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગ 294 રન પર સમેટાઈ ગઈ. આ રીતે ઑસ્ટ્રેલિયાએ ભારત સામે જીત માટે 328 રનનું લક્ષ્ય મૂક્યું હતું.

મોહમ્મદ સિરાજ અને શાર્દુલ ઠાકુરની પ્રભાવશાળી બૉલિંગના કારણે ભારતે ઑસ્ટ્રેલિયાને 294 રન પર ઑલઆઉટ કર્યું હતું.

જ્યારે વરસાદના કારણે રમત રોકવી પડી, ત્યારે ભારતે કોઈ પણ નુકસાન વગર ચાર રન બનાવી લીધા હતા.

રોહિત શર્માએ ચાર રન બનાવ્યા હતા અને તેમની સાથે પિચ પર શુભમન ગિલ હતા.

ઇમેજ સ્રોત, MATT ROBERTS/GETTY IMAGES

ભારતે પોતાની પહેલી ઇનિંગમાં 336 રન બનાવ્યા હતા, જ્યારે ઑસ્ટ્રેલિયાએ 369 રન બનાવ્યા હતા અને ઑસ્ટ્રેલિયાને પ્રથમ ઇનિંગના આધારે 33 રનનો સરસાઈ મળી હતી.

ચાર ટેસ્ટ મૅચોની સિરીઝમાં બંને ટીમ એક-એક ટેસ્ટ મૅચ જીતી ચૂકી છે. જ્યારે ત્રીજી ટેસ્ટ ડ્રો રહી હતી.

ફાસ્ટ બૉલર મોહમ્મદ સિરાજે બીજી ઇનિંગમાં પહેલી વખત પાંચ વિકેટ લીધી, જ્યારે શાર્દુલ ઠાકુરે ચાર વિકેટ પોતાના નામે કરી. વૉશિંગટન સુદરે એક વિકેટ લીધી.

ઑસ્ટ્રેલિયાની બીજી ઇનિંગમાં સ્ટીવ સ્મિથે સૌથી વધારે 55 રન બનાવ્યા, જ્યારે ડેવિડ વૉર્નરે 48 અને માર્કસ હેરિસે 38 રન બનાવ્યા.

શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરની જોડીએ કરી કમાલ

ઇમેજ સ્રોત, Getty Images

બ્રિસબેનમાં રમાઈ રહેલી ચોથી અને અંતિમ ટેસ્ટ મૅચની પ્રથમ ઇનિંગમાં ભારતીય ટીમ 336 રન પર ઑલઆઉટ થઈ ગઈ હતી.

ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 369 રન બનાવ્યા હતા. મતલબ કે ઑસ્ટ્રેલિયાને હવે ભારત સામે 33 રનની લીડ મળી હતી.

રોહિત શર્મા, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, ગિલ, મયંક અગ્રવાલ, ઋષભ પંત જેવા ખેલાડીઓ આઉટ થઈ ગયા એ બાદ શાર્દુલ ઠાકુર અને વૉશિંગ્ટન સુંદરની જોડી થકી ભારતની મૅચમાં વાપસી થઈ હતી. બંને બૅટ્સમૅનોએ અર્ધસદી ફટકારી હતી.

શાર્દુલ ઠાકુર 135 બૉલમાં 67 રન બનાવીને પેટ કમિન્સના બૉલ પર બોલ્ડ થઈ ગયા હતા. જ્યારે સુંદર સ્ટાર્કની ઓવરમાં કૅચ-આઉટ થયા હતા.

રોહિત શર્માએ 44 રન કર્યા હતા, જ્યારે રહાણેએ 37 અને પુજારાએ 25 રન કર્યા હતા. ઑસ્ટ્રેલિયાએ પહેલી ઇનિંગમાં 369 રન કર્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images

ભારતના ઘણા ખેલાડી ઈજાને કારણે મૅચમાંથી બહાર છે, એ સ્થિતિમાં રોહિત શર્માની વિકેટ ભારત માટે ખરાબ સમાચાર સમાન હતી. જે બાદ પુજારા અને રહાણે પણ વિકેટ ગુમાવી ચૂક્યા હતા.

ભારતે મૅચના પ્રથમ દિવસે બૉલિંગ દ્વારા મજબૂત શરૂઆત કરી હતી, જોકે લંચ બાદ ઑસ્ટ્રેલિયાની ટીમે બેટિંગથી પલટવાર કર્યો હતો.

પ્રથમ દિવસે લાબુશેને નવ ચોગ્ગાના જોરે સદી ફટકારી હતી, જે બાદ પેને અર્ધસદી ફટકારી હતી. મેથ્યુ વેડ અને કૅમરોન ગ્રીન અનુક્રમે 45 અને 47 રન સાથે અર્ધસદીથી થોડા દૂર રહી ગયા હતા.

ઑસ્ટ્રેલિયાએ ટૉસ જીતીને પહેલાં બૅટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો અને ભારતના ફાસ્ટ બૉલર સિરાજે પહેલી જ ઓવરમાં ઓપનર ડેવિડ વૉર્નરને પૅવેલિયન પરત મોકલી દીધા હતા. રોહિત શર્માએ વૉર્નરનો કૅચ પકડ્યો હતો.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

લાબુશેનની સદી

જે પછી શાર્દુલ ઠાકુરની ઓવરમાં માર્કસ હૅરિસનો કૅચ વૉશિંગ્ટન સુંદરે પકડી લીધો હતો.

બંને ઑપનર્સની વિકેટ ગયા બાદ લાબુશેન અને સ્ટીવ સ્મિથે એક સારી ભાગીદારી કરીને મૅચમાં વાપસી કરી હતી.

ઑસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ચાર ટેસ્ટની સિરીઝ ભારત અને ઑસ્ટ્રેલિયાની ટીમ 1-1થી સરભર કરી હતી.

જો સિડનીમાં જ ભારત હારી ગયું હોત તો સિરીઝનું પરિણામ ત્યાં જ નક્કી થઈ ગયું હોત પણ નવા વર્ષની પહેલી ટેસ્ટને અંતે પણ સ્કોર 1-1થી જ સરભર રહ્યો હતો.

બ્રિસબેનનો ઇતિહાસ શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty Images

માત્ર ભારત જ નહીં પરંતુ વિશ્વની કોઈ પણ ટીમ માટે બ્રિસબેનમાં ઑસ્ટ્રેલિયા સામે જીતવું ક્યારેય આસાન રહ્યું નથી.

હકીકત તો એ છે કે 1988ના નવેમ્બરમાં એટલે કે 32 વર્ષ અગાઉ બ્રિસબેનના ગાબા ક્રિકેટ ગ્રાઉન્ડ પર વિવિયન રિચાર્ડ્સની આગેવાની હેઠળની કૅરેબિયન ટીમે ટેસ્ટ જીતી હતી.

ગોર્ડન ગ્રિનીજ, ડેસમન્ડ હેઇન્સ, માલ્કમ માર્શલ અને કર્ટની વોલ્શ જેવા ધુરંધરોની મદદથી વેસ્ટ ઇન્ડિઝે નવ વિકેટે વિજય હાંસલ કર્યો હતો.

બસ, છેલ્લાં 32 વર્ષમાં ગાબા ખાતે ઑસ્ટ્રેલિયાનો આ એકમાત્ર પરાજય હતો.

આ સિવાય ગાબા ખાતે 1989થી અત્યાર સુધીમાં ઑસ્ટ્રેલિયા 31 ટેસ્ટ રમ્યું છે અને તેમાંથી 24 મૅચમાં તેનો વિજય થયો છે જ્યારે સાત મેચ ડ્રૉ રહી છે.

ભારતનો બ્રિસબેનમાં ખરાબ ઇતિહાસ

ઇમેજ સ્રોત, Getty Images

વર્તમાન સિરીઝમાં અજિંક્ય રહાણેની સદી કે ઋષભ પંતની ઇનિંગ્સને બાદ કરતાં ભારતે એકાદ બે ઇનિંગ્સને બાદ કરતાં ભારત અને ઑસ્ટ્રેલિયાએ બેટિંગમાં ખાસ કમાલ કરી નથી.

તેનો અર્થ એ થયો કે સિરીઝમાં બૉલરોનું જ વર્ચસ્વ રહ્યું છે, જે-જે મૅચમાં પરિણામ આવ્યાં છે તે તમામમાં બૉલિંગને કારણે જ ટીમને લાભ થયો છે. બ્રિસબેન ઑસ્ટ્રેલિયાના બૉલર માટે જમા પાસું હોવાનું મનાય છે, જે ભારત સામે મોટો પડકાર બની રહેવાનો છે.

બ્રિસબેનના મેદાન પર ભારત છમાંથી પાંચ ટેસ્ટ હારેલું છે. 1977-78માં બોબ સિમ્પસનને 11 વર્ષ બાદ ફરીથી ટીમની આગેવાની સોંપાઈ હતી ત્યારે પણ આ મેદાન પર તો ઑસ્ટ્રેલિયાની ટીમ ભારતને હરાવી ગઈ હતી.

1991-92માં સાક્ષાત સચીન તેંડુલકર ભારતીય ટીમમાં હતા અને અઝરુદ્દીનની ટીમ હરીફની સામે ટક્કર લઈ શકે તેમ હતી, તેમ છતાં અહીં તેનો દસ વિકેટે પરાજય થયો હતો.

આમ બ્રિસબેનમાં ભૂતકાળ ભારતની તરફેણમાં નથી અને વર્તમાનમાં ફિટનેસ ભારતની તરફેણમાં નથી.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો