મ્યાનમાર: સૈન્ય દ્વારા તખતાપલટ બાદ અમેરિકાની પ્રતિબંધોની ચીમકી, દેશમાં શું છે સ્થિતિ?

ઇમેજ સ્રોત, Reuters
અમેરિકાના નવનિયુક્ત રાષ્ટ્રપતિ જો બાઇડને મ્યાનમારમાં સૈન્ય દ્વારા સત્તાપલટો કર્યા બાદ દેશ પર ફરી વાર પ્રતિબંધો લાદવાની ચીમકી ઉચ્ચારી છે.
નોંધનીય છે કે દાયકાઓ પછીની સરમુખત્યારશાહીમાંથી બહાર આવ્યા બાદ હાલમાં જ મ્યાનમાર પરના પ્રતિબંધો હઠાવવામાં આવ્યા હતા.
મ્યાનમારમાં સૈન્ય દ્વારા સત્તાપલટો થયાની કાર્યવાહીની સંયુક્ત રાષ્ટ્ર, યુનાઇટેડ કિંગ્ડમ અને યુરોપિયન સંઘે પણ ટીકા કરી છે.
મ્યાનમારના સૈન્ય દ્વારા સત્તાધારી પક્ષ નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી દ્વારા તાજેતરમાં સામાન્ય ચૂંટણીઓમાં મેળવાયેલ વિજયને માનવાનો ઇન્કાર કરી દીધો છે. સાથે જ પક્ષનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી સહિત ટોચના નેતાઓની ધરપકડ કરી લેવાઈ છે.
આંગ સાન સૂ ચીએ પોતાના ધરપકડ અગાઉ લખેલાં એક પત્રમાં પોતાના ટેકેદારોને 'તખતાપલટનો વિરોધ' કરવા કહ્યું છે. આ પત્રમાં તેમણે લખ્યું છે કે સૈન્યની આ કાર્યવાહીથી દેશમાં ફરીવાર સરમુખત્યારશાહી આવી શકે છે.
બીજી તરફ સૈન્યે દેશમાં નવેમ્બર માસમાં યોજાયેલી ચૂંટણીનાં પરિણામો માનવાનો ઇન્કાર કરી દીધો છે. અને દેશમાં એક વર્ષ સુધી કટોકટી લાદવાની જાહેરાત કરી દીધી છે. આટલું જ સૈન્યે 11 મંત્રીઓ અને ડેપ્યુટીઓને પોતાના પદ પરથી દૂર કરી દીધા છે.
અમેરિકાના પ્રતિબંધોની મ્યાનમારની સેના પર કેટલી અસર થશે?
ઇમેજ સ્રોત, Getty Images
આંગ સાન સૂ ચીના સમર્થકો દ્વારા પ્રદર્શન
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને આ કાર્યવાહી અંગેના નિવેદનમાં કહ્યું હતું કે, "સૈન્યે ક્યારેય લોકોની ઇચ્છાનો અનાદર ન કરવો જોઈએ કે વિશ્વસનીય ચૂંટણપ્રક્રિયાનાં પરિણામોની અવગણના ન કરવી જોઈએ."
નોંધનીય છે કે મ્યાનમારમાં લોકશાહી પ્રસ્થાપિત થયા બાદ અમેરિકા દ્વારા હાલમાં જ દાયકાઓથી ચાલ્યા આવતા પ્રતિબંધો દૂર કર્યા હતા. જોકે, જો બાઇડને કહ્યું છે કે આ નિર્ણય અંગે ફેરવિચારણા હાથ ધરાશે. તેમણે ઉમેર્યું કે, "અમેરિકા ભલે ગમે ત્યાં લોકશાહી પર ખતરો હોય, ત્યાં લોકશાહીના પક્ષે ઊભું રહેશે."
જોકે, બાઇડનના આ નિવેદનની મ્યાનમારની સેના પર કેવી અને કેટલી અસર થશે તે હજુ સ્પષ્ટ નથી.
ડેમૉક્રૅટિક વોઇસ ઑફ બર્માના બ્યૂરો છીફ ટૉ ઝૉ લાટે બીબીસીને જણાવ્યું કે, "મ્યાનમારના સૈન્યને ખ્યાલ છે કે તેમની કાર્યવાહીના કારણે દેશ પર પ્રતિબંધો મુકાશે. પરંતુ તેમને પશ્ચિમના દેશો દ્વારા મુકાતા પ્રતિબંધોની વધુ ચિંતા નહીં હોય. તેમને વધુ ફરક ચીન, જાપાન, સાઉથ કોરિયા આ કાર્યવાહી અંગે કેવી પ્રતિક્રિયા આપે છે તેનાથી પડશે."
શું છે ભારત અને અન્ય દેશોની પ્રતિક્રિયા?
ઇમેજ સ્રોત, SAI AUNG MAIN/AFP VIA GETTY IMAGES
ચીન, જે અગાઉ મ્યાનમારમાં આંતરરાષ્ટ્રીય દખલ અંગે વિરોધ વ્યક્ત કરી ચૂક્યું છે, તેણે દેશના બધા પક્ષકારોને પોતાના મતભેદો અંગે માર્ગ શોધવા માટે જણાવ્યું છે. આ ક્ષેત્રના બીજા દેશો જેમ કે કંબોડિયા, થાઇલૅન્ડ અને ફિલિપિન્સે પણ આ બાબત મ્યાનમારની આંતરિક બાબત હોવાનું જણાવ્યું છે.
બીજી તરફ સંયુક્ત રાષ્ટ્રસંઘના સેક્રેટરી જનરલ એન્ટોનીયો ગ્યુટેરસ સૈન્યની આ કાર્યવાહીને 'લોકશાહી સુધારા પર આકરો પ્રહાર' ગણાવ્યો છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે ડિટેઇન કરાયેલા 45 લોકોની મુક્તિની માગણી કરી છે.
બ્રિટનના વડા પ્રધાન બોરિસ જોનસને પણ આ કાર્યવાહીની નિંદા કરી છે. આ સિવાય યુરોપિયન સંઘના નેતાઓએ પણ કંઈક આવી જ પ્રતિક્રિયા આપી છે.
ભારતની મિનિસ્ટ્રી ઑફ એક્સટર્નલ અફેર્સે પણ મ્યાનમારમાં સૈન્ય દ્વારા સત્તાપલટાની કાર્યવાહી અંગે પ્રતિક્રિયા આપી છે. આ નિવેદનમાં કહેવાયું છે કે, "મ્યાનમારમાં લોકશાહી સત્તાહસ્તાંતરણની પ્રક્રિયાને ભારતે હંમેશાં દૃઢપણે ટેકો આપ્યો છે. અમે માનીએ છીએ કે કાયદાનું શાસન અને લોકશાહી પ્રક્રિયા જળવાવી જોઈએ. અમે પરિસ્થિતિ પર ખૂબ નજીકથી નજર રાખી રહ્યા છીએ."
મ્યાનમારમાં શું છે પરિસ્થિતિ?
ઇમેજ સ્રોત, Reuters
સૈન્ય દ્વાર તખતાપલટ વિરુદ્ધ પ્રદર્શનો
મ્યાનમારની સેનાએ દેશનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂચી સહિત અનેક નેતાઓની ધરપકડ કરી છે અને સત્તા પોતાના હાથમાં લઈ લીધી છે.
મ્યાનમારમાં સોમવારે નેતાઓની ધરપકડ બાદ સેનાએ ટીવી ચેનલ પરસ કહ્યું કે દેશમાં એક વર્ષ સુધી કટોકટી રહેશે.
પાછલા કેટલાક સમયથી સરકાર અને સેના વચ્ચે ચાલી રહેલા તણાવ અને તખ્તાપલટની આશંકાઓ વચ્ચે સૂ ચીની ધરપકડ કરી લેવાઈ છે.
નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ નવેમ્બર માસમાં થયેલી ચૂંટણીમાં ભારે અંતરથી જીત હાંસલ કરી હતી પરંતુ સેનાનો દાવો છે કે ચૂંટણીપ્રક્રિયામાં ગરબડ થઈ છે. સેનાએ સોમવારે સંસદની બેઠકને સ્થગિત કરવાનું આહ્વાન કર્યું છે.
નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીના પ્રવક્તાએ ન્યૂઝ એજન્સી રૉયટર્સને કહ્યું, "સૂ ચી, રાષ્ટ્રપતિ વિન મ્યિંટ અને બીજા નેતાઓની ધરપકડ કરી લેવાઈ છે."
તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે આવનારા સમયમાં તેમની પણ ધરપકડ થઈ શકે છે.
પોતાના સમર્થકો અને સામાન્ય લોકોના આક્રોશને ધ્યાનમાં રાખીને તેમણે કહ્યું કે, "હું અમારા લોકોને કહેવા માગીશ કે ઉતાવળમાં કોઈ પગલું ન ભરે અને કાયદા પ્રમાણે ચાલે."
બીબીસી દક્ષિણ-પૂર્વ એશિયાના સંવાદદાતા જૉનથન હેડનું કહેવું છે કે મ્યાનમારના પાટનગર નેપીટાવ અને મુખ્ય શહેર યંગૂનમાં રસ્તા પર સૈનિક હાજર છે.
તેમણે કહ્યું છે કે આ સંપૂર્ણપણે તખ્તાપલટ લાગી રહ્યું છે જ્યારે પાછલા અઠવાડિયા સુધી સેના એ સંવિધાનના પાલનની વાત કરી રહી હતી જે સેનાએ જ દસ વર્ષ પહેલાં બનાવ્યું હતું.
આ સંવિધાન અંતર્ગત સેનાને કટોકટીની જાહેરાત કરવાનો અધિકાર છે પરંતુ આંગ સાન સૂ ચી જેવા નેતાઓની ધરપકડ કરવી એક ખતરનાક અને ઉશ્કેરણીજનક પગલું હોઈ શકે છે જેનો ભારે વિરોધ થઈ શકે છે.
બીજી તરફ બીબીસી બર્મા સેવાએ જણાવ્યું કે પાટનગરમાં ટેલિફોન અને ઇન્ટરનેટ સેવાઓ બંધ કરી દેવાઈ છે.
ચૂંટણીમાં શું થયું હતું?
ઇમેજ સ્રોત, Getty Images
નરસંહારના આક્ષેપો મુદ્દે સ્પષ્ટતા કરતાં આંગ સાન સૂ ચી
ગત 8 નવેમ્બરે આવેલાં ચૂંટણીપરિણામોમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ 83 ટકા બેઠકો જીતી હતી.
આ ચૂંટણીને ઘણા લોકો આંગ સાન સૂ ચીની સરકારના જનમતસંગ્રહ સ્વરૂપે જોઈ રહ્યા હતા. વર્ષ 2011માં સૈન્ય શાસન ખતમ થયા બાદ આ બીજી ચૂંટણી હતી.
પરંતુ મ્યાનમારની સેનાએ આ ચૂંટણીનાં પરિણામો પર પ્રશ્ન ખડા કર્યા છે. સેના તરફથી સુપ્રીમ કોર્ટમાં રાષ્ટ્રપતિ અને ચૂંટણીપંચના અધ્યક્ષ વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે.
હાલમાં જ સેના દ્વારા કથિત ભ્રષ્ટાચાર પર કાર્યવાહીની ધમકી આપ્યા બાદ તખ્તાપલટની આશંકા પેદા થઈ છે. જોકે, ચૂંટણીપંચે આ તમામ આરોપોનું ખંડન કર્યું છે.
કોણ છે આંગ સાન સૂ ચી?
ઇમેજ સ્રોત, Getty Images
NLDનાં સર્વોચ્ચ નેતા આંગ સાન સૂ ચી
આંગ સાન સૂ ચી મ્યાનમારની સ્વતંત્રતાના નાયક જનરલ આંગનાં દીકરી છે. 1948માં બ્રિટિશરાજથી સ્વતંત્રતા મળે એ પહેલાં જ તેમની હત્યા કરી દેવાઈ હતી. સૂ ચી એ સમયે માત્ર બે વર્ષનાં હતાં.
સૂ ચીને સમગ્ર વિશ્વમાં માનવાધિકારો માટે ઝૂઝનાર મહિલા સ્વરૂપે જોવામાં આવ્યાં, જેમણે મ્યાનમારના સૈન્યશાસકોને પડકારવા માટે પોતાની સ્વતંત્રતા ત્યાગી દીધી.
વર્ષ 1991માં નજરકેદ દરમિયાન જ સૂ ચીને નોબલ શાંતિ પુરસ્કારથી નવાજવામાં આવ્યાં. 1989થી 2010 સુધી સૂ ચીએ લગભગ 15 વર્ષ નજરકેદમાં પસાર કર્યાં.
વર્ષ 2015ના નવેમ્બર માસમાં સૂ ચીના નેતૃત્વમાં નૅશનલ લીગ ફૉર ડેમૉક્રસી પાર્ટીએ ચૂંટણીમાં એકતરફી જીત મેળવી.
આ મ્યાનમારનાં 25 વર્ષના ઇતિહાસમાં થયેલી પ્રથમ ચૂંટણી હતી જેમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
મ્યાનમારનું સંવિધાન તેમને રાષ્ટ્રપતિ બનવાથી રોકે છે, કારણ કે તેમનાં બાળકો વિદેશી નાગરિક છે. પરંતુ 75 વર્ષીય સૂ ચી મ્યાનમારનાં સર્વોચ્ચ નેતા તરીકે જોવામાં આવે છે.
પરંતુ મ્યાનમાર સ્ટેટ કાઉન્સિલર બન્યા બાદથી આંગ સાન સૂ ચીને મ્યાનમારમાં લઘુમતી રોહિંગ્યા મુસ્લિમો વિશે જે વલણ અપનાવ્યું તેની ઘણી ટીકા થઈ હતી.
ત્યારબાદ સૂ ચીના આંતરરાષ્ટ્રીય સમર્થકોએ બળાત્કાર, હત્યા અને સંભવિત નરસંહારને રોકવા માટે તાકાતવર સેનાની નિંદા ન કરી અને ના એ અત્યાચારોનો સ્વીકાર કર્યો.
કેટલાક લોકોએ તર્ક આપ્યો કે તેઓ એક સમજદાર રાજનેતા છે જે એક એવા બહુ-જાતીય દેશનું શાસન ચલાવવાની કોશિશ કરી રહ્યાં છે જેનો ઇતિહાસ અત્યંત જટિલ છે.
પરંતુ સૂ ચીએ 2019માં આંતરરાષ્ટ્રીય ન્યાયાલયમાં થયેલી સુનાવણી દરમિયાન જે સ્પષ્ટતા કરી, ત્યારબાદ તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ખતમ થઈ ગઈ.
જોકે, મ્યાનમારમાં આંગ સાન સૂ ચીને ધ લેડીનો ઇલકાબ હાંસલ છે અને બહુમતી બૌદ્ધ વસતીમાં તેઓ હજુ પણ ઘણાં લોકપ્રિય છે, પરંતુ બહુમતી સમાજ રોહિંગ્યા સમાજ માટે અત્યંત ઓછી સહાનુભૂતિ ધરાવે છે.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો