મ્યાનમાર તખતાપલટો : સેનાનો વિરોધ કરવા બદલ 20 વર્ષની કેદ, રસ્તાઓ પર બખતરગાડીઓ તહેનાત

મ્યાનમારમાં તખતાપલટા બાદ રસ્તાઓ પર સેનાની બખતરગાડીઓ

ઇમેજ સ્રોત, Reuters

મ્યાનમારમાં સેનાનો વિરોધ કરનારાઓને ચેતવણી આપવામાં આવી છે કે જો તેઓ ફોજના કામમાં અવરોધ ઊભો કરશે તો તેમને 20 વર્ષ સુધી કેદની સજા થઈ શકે છે.

સેનાએ કહ્યું છે કે તખતાપલટો કરનારા નેતાઓ વિરુદ્ધ નફરત ફેલાવનારા અને તેમનું અપમાન કરનારાઓને લાંબી સજા થશે અને એમની પર દંડ લગાવવામાં આવશે.

કાયદામાં ફેરફારની જાહેરાત અનેક શહેરોના રસ્તાઓ પર બખતરગાડીઓ દેખાયાં બાદ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images

મ્યાનમારના અનેક શહેરોના રસ્તાઓ પર સેનાની બખતરગાડીઓ દેખાઈ છે. સ્થાનિક સમય પ્રમાણે રવિવાર અને સોમવાર વચ્ચેની રાત્રે એક વાગ્યા બાદ દેશમાં ઇન્ટરનેટ સેવા પણ બંધ છે.

સેનાની આ તૈયારીને 1 ફેબ્રુઆરીએ થયેલા તખતાપલટા બાદ દેશમાં થઈ રહેલા વિરોધને ખતમ કરવાની પ્રક્રિયા હોવાનું મનાય છે.

દેશની ઉત્તરે આવેલા કાચિનમાં સતત નવ દિવસથી સેનાના તખતાપલટાના વિરોધમાં પ્રદર્શન થઈ રહ્યાં છે.

અહીં સુરક્ષાદળોએ પ્રદર્શનકારીઓ પર ગોળીઓ વરસાવી હોવાના પણ આરોપ છે.

સંયુક્ત રાષ્ટ્રના એક અધિકારીએ મ્યાનમારની સેના પર લોકો વિરુદ્ધ 'જંગનું એલાન' કરવાનો આરોપ મૂક્યો છે.

મ્યાનમાર માટે સંયુક્ત રાષ્ટ્રના વિશેષ રૅપોર્ટેયર ટૉમ એંડ્ર્યુઝે કહ્યું છે કે સેનાના જનરલ 'હતાશાના સંકેત આપી રહ્યા છે' અને એ માટે એમની જવાબદારી નક્કી કરવામાં આવે.

તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું, "એવું લાગે છે કે સેનાએ મ્યાનમારના લોકો વિરુદ્ધ જંગનું એલાન કરી દીધું છે. અડધી રાત્રે છાપા મારવામાં આવે છે, લોકોની ધરપકડ કરાઈ રહી છે, તેમના અધિકારો છીનવામાં આવી રહ્યા છે."

"ફરીથી ઇન્ટરનેટ પણ બંધ કરી દેવાયું છે. સેનાના કાફલા રહેણાક વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે. એવું લાગે છે કે સેનાના જનરલ હતાશ થઈ ગયા છે."

યુરોપીય સંઘ, અમેરિકા અને બ્રિટને એક નિવેદન જારી કર્યું છે, "અમે સુરક્ષાદળોને અપીલ કરીએ છીએ કે તેઓ પ્રજાસત્તાક સરકારના તખતાપલટા બાદ વિરોધ કરી રહેલા પ્રદર્શનકારીઓ વિરુદ્ધ હિંસા ન કરે."

વિરોધ ખતમ કરવાના સંકેત?

ઇમેજ સ્રોત, Reuters/Stringer

સેનાના તખતાપલટાના વિરોધમાં સતત નવમા દિવસે હજારો લોકો મ્યાનમારના રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા.

કાચિન પ્રાંતના મિતકિના શહેરમાં સુરક્ષાદળો અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઘર્ષણ થયાના સમાચાર છે.

અહીં સુરક્ષાદળોએ ગોળીઓ ચલાવી છે. જોકે હજી સુધી સ્પષ્ટ નથી કે આ લાઇવ બુલેટ હતી કે રબર બુલેટ.

અહીં પાંચ પત્રકારોની ધરપકડ કરી લેવામાં આવી છે.

યંગુન શહેરમાં તખતાપલટા બાદ પહેલી વખત રસ્તાઓ પર સેનાની બખતરગાડીઓ દેખાઈ છે.

અહીં બૌદ્ધ ભિક્ષુકો અને ઇજનેરોએ રેલી કાઢી હતી.

જ્યારે રાજધાની નેપીડાવની ગલીઓમાં મોટરસાઇકલ રેલી કાઢવામાં આવી હતી.

મ્યાનમારા ટેલીકૉમ ઑપરેટરોએ જણાવ્યું છે કે રવિવાર અને સોમવારે સ્થાનિક સમય પ્રમાણે રાત્રે એક વાગ્યાથી સવારના નવ સુધી ઇંટરનેટ સેવા બંધ રાખવા કહેવામાં આવ્યું છે.

ત્યાંની હૉસ્પિટલમાં કામ કરતા એક ડૉક્ટરે બીબીસીને જણાવ્યું છે કે સેના રાતના સમયે ઘરોમાં છાપા મારી રહી છે.

તેઓ કહે છે, "મને ચિંતા થઈ રહી છે કેમકે તેમણે સાંજના આઠ વાગ્યાથી સવારના ચાર સુધી ઘરથી બહાર ન નીકળવા માટે કર્ફ્યૂ લાદ્યો છે, આ દરમિયાન પોલીસ અને સુરક્ષાદળો અમારી ધરપકડ કરી શકે છે."

"એક દિવસ પહેલાં તેઓ ઘરોમાં ઘૂસી ગયા હતા, તેઓ ફેન્સ કાપીને ઘરમાં ઘૂસ્યા હતા અને લોકોની ગેરકાયદેસર ધરપકડ કરતા હતા." (સુરક્ષાના કારણોસર ડૉક્ટરનું નામ જાહેર કર્યું નથી.)

તખતાપલટ બાદ મહત્ત્વના નેતાઓની ધરપકડ

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

NLDનાં વિન હિટેન (ડાબે) અને આંગ સાન સૂ ચીની(જમણે) સૈન્ય દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

અગાઉ ગત શુક્રવારે સેનાએ આંગ સાન સૂ ચીના પક્ષ નેશનલ લીગ ફૉર ડેમૉક્રેસી (એનએલડી)ના નેતા વિન હિટેનની ધરપકડ કરી હતી.

79 વર્ષના વિન હિટેન એનએલડીના મહત્ત્વના નેતા છે અને તેઓ આંગ સાન સૂ ચીના મોટા સમર્થક છે.

હિટેનની શુક્રવાર સવારે યાન્ગૂનસ્થિત તેમના ઘરેથી ધરપકડ કરવામાં આવી હતી.

બીબીસી સાથે વાત કરતાં હિટેને જણાવ્યું કે સેના અને પોલીસ અધિકારીઓ તેમને પાટનગર રંગૂન લઈ જઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે, "રાજદ્રોહના કાયદા હેઠળ તેમની અટકાયત કરવામાં આવી છે. રાજદ્રોહના ગુનામાં મહત્તમ આજીવન કેદની સજા આપવામાં આવે છે. જોકે હજુ સુધી તેમની પર જે આરોપ લગાવવામાં આવ્યા છે તેની કોઈ માહિતી તેમને આપવામાં આવી નથી."

"આટલા દિવસોથી હું જે કહી રહ્યો છું એ તેમને પસંદ નથી. મારા શબ્દોથી તેઓ ડરી ગયા છે."

જ્યારથી સેના દ્વારા તખતાપલટો કરવામાં આવ્યો છે ત્યારથી હિટેન સતત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે, જેમાં તેઓ તખતાપલટા માટે સેના અને સેનાના નેતા મિન આંગ લિયાન્ગની ટીકા કરે છે.

થોડા દિવસો પહેલાં સ્થાનિક મૅગેઝિન ફ્રન્ટિયરને આપવામાં આવેલા એક ઇન્ટરવ્યૂમાં હિટેને જણાવ્યું હતું કે તાત્માદો અથવા મ્યાનમારના આર્મ્ડ ફોર્સિર્સ દ્વારા તખતાપલટો થવાના કારણે બદનામી થશે.

"તખતાપલટો કરવાથી એ સાબિત થાય છે કે તેઓ બુદ્ધિશાળી નથી અને ટૂંકી માનસિકતા ધરાવે છે. 1962માં જનરલ વિને તખતપલટો કર્યો હતો તેનો મને અનુભવ છે. તખતપલટાના કારણે

મ્યાનમારની અર્થવ્યવસ્થાને 26 વર્ષ સુધી સહન કરવું પડ્યું છે."

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો