અમેરિકી સંસદમાં પાસ થયેલું રાષ્ટ્રપતિ જો બાઇડનનું 1.9 ટ્રિલિયન ડૉલર્સનું 'કોવિડ રાહત પૅકેજ' શું છે?

અમેરિકામાં વ્યક્તિ બેનર લઈને ઊભી છે

ઇમેજ સ્રોત, Getty Images

અમેરિકાની જો બાઇડન સરકારે કોરોના વાઇરસ સામે લડવા, ટેસ્ટિંગ વધારવા તથા અર્થતંત્રને સ્થિરતા મળે તે હેતુસર 1.9 ટ્રિલિયન ડૉલરનું પૅકેજ રજૂ કર્યું છે.

આ પૅકેજને નીચલા ગૃહ (હાઉસ ઑફ રિપ્રેઝન્ટૅટિવ્ઝ)ની મંજૂરી મળી ગઈ છે, હવે તે સેનેટમાં જશે.

ડૉનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટી સહિત બે ડેમૉક્રેટ સાંસદોને લાગે છે કે આ પૅકેજ ખૂબ જ મોટું અને મોંઘું છે.

કલાકદીઠ વેતન 15 ડૉલર કરવાની જોગવાઈ ઉપર સહમતિ સધાવી મુશ્કેલ જણાય છે.

અમેરિકામાં કોરોના વાઇરસને કારણે પાંચ લાખ કરતાં વધુ લોકોનાં મૃત્યુ થયાં છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

પૅકેજ, પૉલિટિક્સ અને પેચ

ઇમેજ સ્રોત, EPA

ઇમેજ કૅપ્શન,

ડેમૉક્રેટ્સને આશા છે કે બીલ સંસદના ઉપલાગૃહમાં પસાર થશે

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડનનું કહેવું છે કે કોરોના વાઇરસથી પીડાતા અમેરિકનોને આ પૅકેજ દ્વારા લાભ થશે. આ પૅકેજની રકમ દ્વારા ટેસ્ટિંગ અને વૅક્સિનેશન વધારવામાં આવશે.

ઉપરાંત આ પૅકેજ અર્થતંત્રમાં સ્થિરતા લાવશે. તેના મદદથી નાના વેપારીઓને, રાજ્ય સરકારોને તથા નાગરિકોને આર્થિક રાહત આપવામાં આવશે.

અમેરિકામાં લગભગ એક કરોડ લોકોએ કોરોનાકાળ દરમિયાન નોકરીઓ ગુમાવી છે અને દેશમાં બેકારીનો દર 10 ટકાની સપાટીએ છે.

ડૉનાલ્ડ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીનું કહેવું છે કે આ પૅકેજ બિનજરૂરી રીતે મોટું છે અને તેમાં કોરોના કરતાં ડેમૉક્રૅટિક પાર્ટીની પ્રાથમિક્તાઓ ઉપર ધ્યાન આપવામાં આવ્યું છે.

બંને પક્ષના મતભેદ આ પૅકેજ મંજૂરી માટે સંસદના ઉપલાગૃહમાં જશે, ત્યારે નિર્ણાયક ભૂમિકા ભજવશે. ડેમૉક્રેટ્સને આશા છે કે આ બિલ ઉપલાગૃહમાં પસાર થઈ જશે.

જો સેનેટમાં બંને પક્ષો વચ્ચે સરખા મત પડશે તો ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસનો મત નિર્ણાયક બની રહેશે.

બિલની મુખ્ય જોગવાઈઓ

ઇમેજ સ્રોત, AFP VIA GETTY IMAGES

ઇમેજ કૅપ્શન,

જો બાઇડન

કોરોના વાઇરસને પહોંચી વળવા માટે અમેરિકાએ જાહેર કરેલું આ ત્રીજું મોટું પૅકેજ છે. આ પહેલાં ગત વર્ષે માર્ચ મહિનામાં તત્કાલીન ડૉનાલ્ડ ટ્રમ્પ સરકારે બે ટ્રિલિયન ડૉલરનું પૅકેજ જાહેર કર્યું છે. બાઇડન સરકારના પૅકેજની મુખ્ય જોગવાઈઓ પ્રમાણે :

- દરેક પરિવારને 1400 ડૉલર આપવા, ઉચ્ચ આવક ધરાવનારાઓને બાકાત તેમાંથી બાકાત રખાશે

- લગભગ એક કરોડ 10 લાખથી વધુ લોકો લાંબા સમયથી બેકાર છે. તેમને મળતા બેરોજગારીના લાભો ઑગસ્ટ મહિના સુધી લંબાવવા

- કોવિડ ટેસ્ટિંગ તથા વૅક્સિનેશન માટે 70 અબજ ડૉલરની ફાળવણી કરવી

- શાળાઓ અને યુનિવર્સિટીઓ ફરી ધમધમતી થાય તે માટે તેમને આર્થિક સહાય આપવી.

- નાના તથા ઉદ્યોગોને સહાય કરવી

- સ્થાનિક સરકારોને મદદ કરવી.

15 ડૉલરનો પેચ

ઇમેજ સ્રોત, Reuters

વર્ષ 2009થી અમેરિકામાં કલાકદીઠ લઘુતમ વેતન સાડા સાત ડૉલર નિર્ધારવામાં આવ્યું છે. બાઇડન સરકાર તેને વધારીને 15 ડૉલર કરવા ચાહે છે, પરંતુ આમ કરવાથી બજેટની જોગવાઈઓ ખોરવાઈ જાય તેમ છે.

નીચલા ગૃહમાં પસાર થયેલા બિલમાં તેની જોગવાઈ છે, ત્યારે આ મુદ્દો કેવી રીતે ઉકેલાય છે, તેની ઉપર મીટ મંડાયેલી રહેશે.

બાઇડનની પાર્ટીનો એક વર્ગ માને છે કે કલાકદીઠ 15 ડૉલરનું વેતન નહીં ચૂકવનારા નોકરીદાતાને દંડ કરવાનો નિર્ણય વધુ પડતો છે.

જ્યારે રિપબ્લિકનો માને છે કે હાલમાં વેપાર-ઉદ્યોગજગત કોરોના વાઇરસમાંથી બહાર નીકળવા માટે પ્રયાસરત છે. ત્યારે વેતનવૃદ્ધિને કારણે તેમની ઉપર ભારણ આવશે.

ડેમૉક્રેટ્સને આશા છે કે આ બિલ ઉપલાગૃહમાં પણ કોઈ પણ જાતના સુધાર વગર પસાર થઈ જશે. તેઓ 14મી માર્ચ પહેલાં તેને પસાર કરાવવા માગે છે.

ભારતનું આર્થિક પૅકેજ કેવડું?

ઇમેજ સ્રોત, Reuters

કેન્દ્ર સરકારના નાણાં મંત્રી નિર્મલા સીતારમણે નાણાંકીયવર્ષ 2021-22નું બજેટ રજૂ કરતી વખતે સંસદને જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે લૉકડાઉન જાહેર કર્યું તેની 48 કલાકની અંદર જ 'પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના' હેઠળ બે લાખ 76 હજાર કરોડનું પૅકેજ જાહેર કર્યું હતું.

જે હેઠળ 80 કરોડ લોકોને મહિનાઓ સુધી મફત અનાજ આપવામાં આવ્યું હતું. આઠ કરોડ પરિવારોને મફત ગૅસ તથા 40 કરોડ (મહિલા, વૃદ્ધ, ગરીબ, ખેડૂત અને જરૂરિયાતમંદ)ને સીધા ખાતામાં જ આર્થિક સહાય આપવામાં આવ્યા હતા.

સરકારે આત્મનિર્ભર ભારતના નેજા હેઠળ ત્રણ પૅકેજ (રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ આપેલી રાહત સિહત) કુલ 27 લાખ 10 હજાર કરોડની જોગવાઈ કરી છે. જે કુલ જી.ડી.પી. (કુલ ઘરેલું ઉત્પાદન, ગ્રૉસ ડૉમેસ્ટિક પ્રૉડક્શન)ના 13 ટકા જેટલું છે.

સરકારનું કહેવું છેકે હજુ જરૂર જણાશે તો વધુ જોગવાઈ કરવામાં આવશે.

ભારતે રસીકરણનો પ્રથમ તબક્કો 16મી જાન્યુઆરીના શરૂ કર્યો હતો અને બીજો તબક્કો સોમવારથી શરૂ થશે. પ્રથમ તબક્કે આરોગ્ય વિભાગના કર્મચારીઓ તથા ફ્રન્ટલાઇન વર્કરને રસી આપવામાં આવી હતી.

બીજા તબક્કામાં 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધો તથા કોઈ બીમારીથી પીડિત 45 વર્ષથી વધુ ઉંમરના નાગરિકોને આવરી લેવાશે. સરકારનો દાવો છેકે ભારતનો મૃત્યુદર પ્રતિ 10 લાખ વ્યક્તિએ સમગ્ર વિશ્વમાં સૌથી નીચો છે.

બજેટમાં રસીકરણ માટે 35 હજાર કરોડ તથા આરોગ્યક્ષેત્ર માટે બે લાખ 23 હજાર 846 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. જે ગત વર્ષ કરતાં 137 ટકાની વૃદ્ધિ સૂચવે છે.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો