ઑસ્ટ્રેલિયામાં ભારતના 'નિર્ભયા કેસ' જેવો માહોલ, #Metooના કેસમાં સેંકડો લોકો સડકો પર

ઇમેજ સ્રોત, Getty Images
ઑસ્ટ્રેલિયામાં મહિલાઓની જાતીય સતામણી અને શોષણ વિરુદ્ધ હજારોની સંખ્યામાં નાગરિકો રસ્તા ઉપર ઊતર્યાં છે.
દેશની સંસદ સાથે જોડાયેલા જાતીય સતામણીના આરોપોને લઈને લોકો ગુસ્સામાં છે.
તાજેતરમાં ઑસ્ટ્રેલિયાના ઍટર્ની જનરલ ક્રિશ્ચન પૉર્ટરે કહ્યું હતું કે 1988માં તેમની ઉપર બળાત્કારના આરોપ લાગ્યો હતો. અન્ય એક કેસમાં બ્રિટની હિગિન્સ નામનાં મહિલાએ ફેબ્રુઆરી મહિનામાં જણાવ્યું હતું કે 2019માં મંત્રીના કાર્યલયમાં તેમની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.
આ આરોપોને કારણે લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો છે. પ્રદર્શનકારીઓનું કહેવું છે કે સરકારે જાતીય સતામણીના આરોપો ઉપર જરૂરી કાર્યવાહી નથી કરી.
સોમવારે સંસદની બહાર હજારોની મેદનીને સંબોધતા હિગિન્સે કહ્યું, "ઑસ્ટ્રેલિયામાં મહિલાઓની જાતીય સતામણી અંગે ભયાનક હદે અસ્વીકાર્યતા પ્રવર્તી રહી છે."
"મારી કહાણી અખબારોમાં પહેલા પાને છપાઈ, કારણ કે તેણે મહિલાઓને એ દર્દનાક યાદ અપાવી છે કે જો આ દેશના સંસદગૃહમાં થઈ શકે, તો ક્યાંય પણ થઈ શકે છે."
સેંકડો લોકો રસ્તા ઉપર
ઇમેજ સ્રોત, Getty Images
સોમવારે ઑસ્ટ્રેલિયાની રાજધાની કૅનબરા, સિડની અને મૅલબૉર્ન સહિત 40 શહેરમાં વિરોધપ્રદર્શનો યોજાયાં હતાં. જેને 'માર્ચ ફૉર જસ્ટિસ' (ન્યાય માટેની કૂચ) તરીકે ઓળખવામાં આવે છે.
આ દેખાવો દરમિયાન અમુક લોકોનાં હાથમાં પ્લૅકાર્ડ હતા અને અમુક કાળા કપડાં પહેરીને આવ્યાં હતાં. આયોજકોનું માનવું છે કે 'ઑસ્ટ્રેલિયાની મહિલાઓમાં અત્યારસુધીની સૌથી મોટી જાગૃતિ' આવતી જણાય છે.
સંસદમાં જાતીય સતામણીના આરોપોએ ઑસ્ટ્રેલિયન સમાજમાં જાતીય હુમલા અને સતામણી સામે પ્રવર્તમાન ઉદાસીનતાને ખુલ્લી પાડી દીધી છે.
પૂર્વ રાજકીય સલાહકાર હિગિન્સે તા. 15મી ફેબ્રુઆરીના રોજ પ્રથમ વખત પોતાની સતામણીની કહાણી જાહેરમાં કહી હતી.
જેમાં તેમણે સંસદમાં પ્રધાનની ઑફિસમાં સાથી કર્મચારી દ્વારા આચરવામાં આવેલાં દુષ્કર્મની કહાણી વર્ણવી હતી.
એ પછી અનેક મહિલાઓ આક્રોશમાં છે. મહિલાઓ શાળામાં, કાર્યસ્થળે કે અન્ય સ્થળોએ થયેલી સતામણી અંગે જાહેરમાં બોલવા લાગ્યાં છે.
દેખાવકારો દુષ્કર્મના આરોપી ઍટર્ની જનરલ પૉર્ટરના રાજીનામાની માગ કરી રહ્યા છે. કથિત પીડિતાનું ગતવર્ષે મૃત્યુ થયું હતું.
ઇમેજ સ્રોત, Getty Images
પોલીસે પુરાવાના અભાવે પૉર્ટર સામેનો કેસ બંધ કરી દીધો છે. દેખાવકારોની માગ છે કે પૉર્ટર ઉપરના આરોપોની અલગથી સ્વતંત્ર તપાસ થવી જોઈએ.
પૉર્ટરનું કહેવું છે કે આરોપો અને બદનક્ષી મુદ્દે તેઓ ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન સામે કેસ દાખલ કરશે.
આ સિવાય અમુક દેખાવકારો ઑસ્ટ્રેલિયાના રાજકારણમાં લાગેલાં જાતીય હુમલાના બનાવોના આરોપોમાં તપાસની માગ કરી રહ્યા છે. આ સંબંધિત એક અરજી ઉપર 90 હજાર કરતાં વધુ લોકોએ સહી કરી છે.
તેમનું કહેવું છે કે તમામ રાજકીયપક્ષોમાં પ્રવર્તમાન જાતીયભેદભાવ તથા પિત્તૃસત્તા બાબતે સરકાર ઉદાસીન છે. લેબર પાર્ટીએ તેના પુરુષ સભ્યો સામેની અનેક બેનામી ફરિયાદોના આધારે કાર્યપદ્ધતિનું મૂલ્યાંકન કરવાની વાત કરી છે.
સરકાર, નકાર અને પ્રહાર
ઇમેજ સ્રોત, Getty Images
રાજકારણમાં જાતીય સતામણીના આરોપો સામે ઢીલું વલણ અપનાવવાના સરકાર ઉપર આરોપ
બીબીસી સંવાદદાતા સાયમા ખલીલનાં કહેવા પ્રમાણે, સંસદસભ્યોની બહાર તમામ ઉંમરની મહિલાઓ એકઠી થઈ છે.
કેટલીક મહિલાઓનું કહેવું છે કે 1970 તથા '80ના દાયકામાં પણ તેઓ આ પ્રકારનાં દેખાવો યોજી ચૂક્યાં છે અને હવે થાકી ગઈ છે. અત્યારે ગુસ્સો વધી રહ્યો છે ત્યારે આ પળ કેટલી મહત્ત્વપૂર્ણ છે તે બાબત પણ તેઓ સમજે છે.
શાસકપક્ષના સંસદસભ્યોએ વિરોધપ્રદર્શનોમાં ભાગ નથી લીધો. જોકે, મજૂરપક્ષ સહિતના વિપક્ષના સંસદસભ્યોએ રાજધાનીમાં આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
સરકારનું કહેવું છે કે પૉર્ટર ઉપર આરોપો મુદ્દે પોલીસે તપાસ કરવાની રહે છે.
વડા પ્રધાન સ્કૉટ મૉરિસને દેખાવકારોને મળવાનો ઇન્કાર કરી દીધો હતો. બાદમાં તેમણે આ નિર્ણયનો સંસદમાં બચાવ કરવાની ફરજ પડી હતી.
રવિવારે પ્રધાન મંત્રી મૉરિસને દેખાવોના આયોજકોને સંસદગૃહમાં મળવા બોલાવ્યા હતા. પરંતુ આયોજકોએ મહિલા બાબતોના મંત્રીને મળવાની માગ સાથે આ મુલાકાતનો ઇન્કાર કરી દીધો હતો.
આયોજકોમાંથી એક હેન્ડ્રીએ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે તેઓ સરકારના મંત્રી સાથે બંધ બારણે મુલાકાત નહીં કરે.
તેમણે લખ્યું, 'અમે તેમના દરવાજા સુધી પહોંચી ગયા છીએ. હવે તેઓ મર્યાદા છોડે અને અમને મળવા આવે.'
હિગિન્સનાં પૂર્વ બૉસ સંરક્ષણ મંત્રી લિન્ડા રેનોલ્ડ્સે તેમને જૂઠ્ઠા કહેતાં માફી માગવાની તથા વળતર ચૂકવવાની ફરજ પડી હતી.
હિગિન્સે પ્રધાન મંત્રી ઉપર 'પીડિતનિંદા'નો આરોપ મૂક્યો હતો, જેને મૉરિસને નકાર્યો છે.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો