ઑસ્કાર : પ્રિયંકા ચોપરાની 'ધ વ્હાઇટ ટાઇગર'ને નૉમિનેશન તો સૂર્યાની ફિલ્મને મળી નિરાશા

પ્રિયંકા ચોપરા પતિ નિક જોનાસ સાથે

ઇમેજ સ્રોત, Priyanka Chopra

ઇમેજ કૅપ્શન,

પ્રિયંકા ચોપરાએ પતિ નિક જોનાસ સાથે ઑસ્કાર માટે નૉમિનેશન જાહેર કર્યાં

સિનેમાજગતના સૌથી પ્રતિષ્ઠિત ઍવૉર્ડ ઑસ્કાર 2021ના નૉમિનેશનની જાહેરાત કરવામાં આવી જેમાં અભિનેત્રી પ્રિયંકા ચોપરાની ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'ને બેસ્ટ ઍડેપ્ટેડ સ્ક્રીનપ્લે કૅટેગરીમાં નૉમિનેશન મળ્યું છે.

ખાસ વાત એ છે કે આ વર્ષે ઑસ્કાર ઍવૉર્ડ માટેના નામાંકન જાહેર કરવાની જવાબદારી પણ પ્રિયંકા ચોપરા અને તેમના પતિ નિક જોનાસને જ મળી હતી. અને તેમણે જ પુસ્તક પર આધારિત ફિલ્મોની કૅટેગરીના નામાંકન જાહેર કર્યાં જેમાં તેમની ફિલ્મ 'ધ વ્હાઇટ ટાઇગર'નો પણ સમાવેશ થાય છે.

પ્રિયંકા ચોપરાએ ઑસ્કારમાં નૉમિનેશન મળવા પર ટ્વીટ કરતાં કહ્યું, "અમને ઑસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. અભિનંદ રામીન અને ટીન #ધ વ્હાઈટ ટાઇગર. મેં નૉમિનેશનની જાહેરાત કરી જેથી આ પોતે જ કંઈક વિશેષ બની જાય છે. આ ખૂબ-ખૂબ ગૌરવની વાત છે."

પ્રિયંકા ચોપરાએ આ ફિલ્મમાં અભિનય તો કર્યો જ છે સાથેસાથે તેઓ આ ફિલ્મના કાર્યકારી નિર્માતા પણ છે. ધ વ્હાઇટ ટાઇગર ફિલ્મમાં પ્રિયંકા ચોપરા સાથે અભિનેતા રાજકુમાર રાવ અને આદર્શ ગૌરવે અભિનય કર્યો છે.

આદર્શ ગૌરવને 'ધ વ્હાઇટ ટાઇગર'માં તેમના અભિનય માટે બ્રિટિશ એકૅડેમી ઑફ ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન આર્ટ્સ (બાફ્ટા)માં સર્વેશ્રેષ્ઠ અભિનેતાની કૅટેગરીમાં નૉમિનેટ કરવામાં આવ્યા છે.

પ્રિયંકા ચોપરાએ આ અંગે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ લખીને તેમને અભિનંદન પાઠવ્યાં હતા.. તેમણે લખ્યું હતું કે 'પૂર્ણ ભારતીય કાસ્ટ વાળી ફિલ્મને બાફ્ટામાં બે નૉમિનેશન મળ્યા એ બદલ તેઓ ખૂબ ગર્વ અનુભવે છે.'

બાફ્ટામાં પણ ધ વ્હાઇટ ટાઇગરને બેસ્ટ ઍડેપ્ટેડ સ્ક્રીનપ્લેનો ઍવૉર્ડ માટે નામાંકિત કરાઈ છે.

પ્રિયંકા ચોપરાએ ફિલ્મના નિર્દેશક રમીન બાહરાની અને ફિલ્મનિર્માતા મુકુલ દેઓરા અને આવા ડુવેર્ને સાથે આ ફિલ્મનું નિર્માણ કર્યું છે.

આ ફિલ્મની પટકથા અરવિંદ અડીગાના જાણીતા પુસ્તક ધ વ્હાઇટ ટાઇગર પર આધારિત છે. આ પુસ્તકને યુકેમાં 2008માં મૅન બુકર પ્રાઇઝથી સન્માનિત કરાયું હતું.

ધ વ્હાઇટ ટાઇગર ફિલ્મને કોરોના મહામારીને કારણે નેટફ્લિક્સ પર રિલીઝ કરવામાં આવી હતી. ફિલ્મ અમેરિકાથી ભારત આવેલા એક દંપતી અને તેમની સાથે કામ કરતા તેમના ગામના એક ડ્રાઇવરની કહાણી છે.

ડ્રાઇવરની ભૂમિકા અભિનેતા આદર્શ ગૌરવે ભજવી છે અને તેમના અભિનય માટે તેમની ઘણી પ્રશંસા કરવામાં આવી છે.

આ કૅટેગરીમાં અન્ય ફિલ્મ જે નૉમિનેટ કરવામાં આવી છે તેમાં નોમૅડલૅન્ડ, વન નાઇટ ઇન મિયામી પણ સામેલ છે.

ઑસ્કાર ઍવૉર્ડ 25 એપ્રિલે યોજાશે, મહામારીને કારણે આ વર્ષે ઑસ્કાર ઍવૉર્ડ દર વર્ષ કરતાં લગભગ બે મહિના મોડો યોજાઈ રહ્યો છે.

આંતરરાષ્ટ્રીય સ્તર પર પ્રિયંકા ચોપરાની સિદ્ધિઓની ચર્ચા

ઇમેજ સ્રોત, Priyanka Chopra

ઇમેજ કૅપ્શન,

પ્રિંયકા ચોપરાએ હાલમાંજ પોતાનાં જીવન પર આધારિત પુસ્તક 'અનફિનિશ્ડ' લૉન્ચ કર્યું હતું

પ્રિયંકા ચોપરાની ફિલ્મને સિનેમા જગતના બે પ્રતિષ્ઠિત ઍવૉર્ડ માટે મળેલા નામાંકનને લઈને બોલીવૂડમાંથી તેમને અનેક સેલેબ્રિટીઝ અભિનંદન પાઠવી રહ્યા છે.

અભિનેતા ગુલશન ગ્રોવરે એક ટ્વીટ કરીને કહ્યું કે પ્રિયંકા ચોપરાએ ફરી એક વખત ગોલપોસ્ટ (સફળતાનો માપદંડ) આગળ વધાર્યું છે.

અનેક વિદેશી ફિલ્મોમાં અભિનેય કરી ચૂકેલા અભિનેતા કબીર બેદીએ પણ પ્રિયંકા ચોપરાને અભિનંદન પાઠવતા ટ્વીટ કર્યું, 'પ્રિયંકા ચોપરાની ફિલ્મને ઑસ્કારમાં નામાંકન મળ્યું એ બહુ સરસ વાત છે. પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે ઑસ્કાર માટે બધી કૅટેગરીના નામાંકનની જાહેરાત કરી. અભિનંદન'

અભિનેતા સુનીલ શેટ્ટીએ પણ ધ વ્હાઇટ ટાઇગરને ઑસ્કારમાં નામાંકન મળવા પર અભિનંદન ટ્વીટ કર્યું અને કહ્યું કે 'આ એક ગર્વની ક્ષણ છે.'

આની પહેલાં તેમણે પોતાના જીવન પર આધારિત પુસ્તક 'અનફિનિશ્ડ' લૉન્ચ કર્યું હતું જેને ન્યૂ યૉર્ક ટાઇમ્સ બેસ્ટસેલર્સ લિસ્ટમાં સ્થાન મળ્યું હતું.

ઑસ્કારની દોડમાં મોકલાયેલી ભારતીય ફિલ્મને નિરાશા

ઑસ્કાર ઍવૉર્ડમાં ભારત તરફથી તામિલ ફિલ્મ સૂરારાઈ પોત્તરુને મોકલવામાં આવી હતી. આ ફિલ્મને સુધા કોનગારે નિર્દેશિત કરી છે.

મંગળવારે ઑસ્કાર ઍવૉર્ડના નામાંકન જાહેર કરાયા જેમાં ભારત તરફથી મોકલવામાં આવેલી ફિલ્મ સૂરારાઈ પોત્તરુને સામેલ નથી કરાઈ અને હવે તે રેસમાંથી બહાર થઈ ગઈ છે.

સર્વશ્રેષ્ઠ ફિલ્મની કૅટેગરીમાં નામાંકન મેળવવા માટે વિશ્વની 366 ફિલ્મોમાંથી આ ભારત તરફથી એકમાત્ર ફિલ્મ હતી.

ભારત તરફથી આ ફિલ્મને સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ઠ અભિનેત્રી, સર્વશ્રેષ્ઠ નિર્દેશકની કૅટેગરીમાં નામાંકન માટે મોકલવામાં આવી હતી.

વીડિયો કૅપ્શન,

ગુજરાતી ક્રિકેટર જસપ્રીત બુમરાહ સાથે લગ્ન કરનારાં સંજના ગણેશન કોણ છે?

ઑસ્કારમાં એશિયન મૂળના અભિનેતાઓની બોલબાલા

પાકિસ્તાની મૂળના અભિનેતા રિઝ અહેમદને 'સાઉન્ડ ઑફ મેટલ' ફિલ્મ માટે ઑસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાની કૅટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા છે.

તેઓ પ્રથમ મુસ્લિમ અભિનેતા છે જેમને સર્વશ્રેષ્ઠ અભિનેતાની કૅટેગરીમાં નામાંકિત કરવામાં આવ્યા છે.

આની પહેલા 2017માં ફિલ્મ 'મૂનલાઇટ' માટે મહેરશાલા અલી પ્રથમ મુસ્લિમ અભિનેતા હતા જેમને બેસ્ટ સપોર્ટિંગ ઍક્ટર કૅટેગરીમાં ઑસ્કાર ઍવૉર્ડ મળ્યો હતો.

38 વર્ષના રિઝ અહેમદ પાકિસ્તાન મૂળના પ્રથમ અભિનેતા છે જેમને ઑસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાની કૅટેગરીમાં નામાંકિત કરાયા છે.

આ સિવાય એશિયન મૂળના સ્ટીવન યુઅનને ફિલ્મ 'મિનારી'ને પણ સર્વશ્રેષ્ઠ અભિનેતા માટે નામાંકિત કરવામાં આવી છે.

આ પ્રથમ વખત છે કે ઑસ્કારમાં સર્વશ્રેષ્ઠ અભિનેતાના ઍવૉર્ડ માટે બે એશિયન મૂળના અભિનેતાઓને નામાંકન મળ્યું હોય.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો