પાકિસ્તાન : એ દુલહન, જેમણે નિકાહમાં મહેર પેટે એક લાખ રૂપિયાનાં પુસ્તકો માગ્યાં
- ખુદા-એ-નૂર નાસિર
- બીબીસી ઇસ્લામાબાદ

ઇમેજ સ્રોત, SAJJAD JWANDUN
દુલહન નાયલા શુમાલ સાફીએ 14 માર્ચે ખૈબર પખ્તૂનખ્વાના મર્દાન જિલ્લામાં શાદી કરી હતી
"આજે મારી પરણ્યાની રાત છે, મારા બેડરૂમ અને બીજા ઓરડામાં બહુ બધાં પુસ્તકો છે, આ એ ચોપડીઓ છે જે મેં હક મહેર તરીકે મારા પતિ પાસે માગી હતી."
આ શબ્દો છે બે દિવસ અગાઉ નિકાહ કરનારાં નાયલા શુમાલ સાફીનાં.
નાયલા શુમાલ સાફી કહે છે એમ આ પુસ્તકો એમને હક મહેર તરીકે મળ્યાં છે.
હક મહેર એ એ નિર્ધારિત રકમ હોય છે જે મુસ્લિમ પુરુષે નિકાહ સમયે પોતાની પત્નીને આપે છે અથવા તો આપવાનું વચન આપે છે. મહેરની આ રકમનો નિકાહનામામાં ઉલ્લેખ કરવામાં આવે છે.
નાયલા કહે છે કે, "કેટલીક ચોપડીઓ મેં ઉપર કબાટમાં મૂકી છે પરંતુ હજી ઘણી પેટીઓમાં બંધ પડી છે. લગ્નના રિવાજો પૂરા કરીને હું આ ચોપડીઓને યોગ્ય રીતે ગોઠવીશ."
14 માર્ચે ખૈબર પખ્તૂનખ્વાના મર્દાન જિલ્લામાં શાદી કરનારાં દુલહન નાયલા શુમાલ સાફીએ બીબીસી સાથે ફોન પર વાત કરી.
એમણે કહ્યું કે જ્યારે નિકાહનામું એમની સામે રજૂ કરવામાં આવ્યું અને પૂછવામાં આવ્યું કે તેમને હક મહેર તરીકે શું જોઈએ છે અને કેટલું જોઈએ છે ત્યારે તેમણે મહેરમાં એક લાખ પાકિસ્તાની રૂપિયાની ચોપડીઓ માગી.
તેઓ કહે છે "મને દસથી પંદર મિનિટનો સમય આપવામાં આવ્યો કે વિચારીને કહો. મેં આ અંગે વિચાર્યું અને આનાથી બહેતર હક મહેર દિમાગમાં ન આવ્યું."
હક મહેર પ્રથા શું હોય છે?
ઇમેજ સ્રોત, SAJJAD JWANDUN
નાયલા શુમાલ સાફી ચરસડ્ડાના તંગી વિસ્તારમાં રહે છે
નાયલા શુમાલ સાફી ચરસડ્ડાના તંગી વિસ્તારમાં રહે છે. એમનાં પતિ ડૉક્ટર સજ્જાદ જોનદૂન મર્દાનના ભાઈ ખાન વિસ્તારમાં રહે છે.
સજ્જાદ જોનદૂને પશ્તોમાં પોતાની પીએચ.ડી. પૂરી કરી છે અને નાયલા શુમાલ હાલ પીએચ.ડી. કરી રહ્યાં છે.
બીબીસી સાથે ફોન પર વાત કરતા ડૉક્ટર સજ્જાદ જોનદૂને કહ્યું કે જ્યારે તેમણે પોતાનાં મંગેતરના હક મહેર વિશે સાંભળ્યું તો ખુશી થઈ કે આનાથી હક મહેરમાં ખૂબ મોટી રકમ માગવાની પ્રથા ખતમ થઈ જશે.
આ નવા પરણેલા યુગલના નિકાહનામામાં મહેરની રકમની સામે બૉક્સમાં લખવામાં આવ્યું છે કે વર્તમાન પાકિસ્તાનમાં પ્રચલિત એક લાખ રૂપિયાનાં પુસ્તકો. કોઈ નિકાહનામામાં આવો ઉલ્લેખ ભાગ્યે જ મળશે.
સજ્જાદ જોનદૂન મુજબ, ખૈબર પખ્તૂનખ્વામાં છોકરીવાળાઓ છોકરાવાળા પાસે મહેર તરીકે 10થી 20 લાખ રૂપિયાની માગણી કરતાં હોય છે અને દહેજમાં પણ અનેક ડિમાન્ડ હોય છે.
આ યુગલ એવું માને છે કે કોઈએ તો આ પરંપરાને ખતમ કરવાની શરૂઆત કરવી પડશે એટલે જ આ શરૂઆત એમણે કરી.
ગુજરાતી ક્રિકેટર જસપ્રીત બુમરાહ સાથે લગ્ન કરનારાં સંજના ગણેશન કોણ છે?
સજ્જાદ કહે છે કે "સમાજમાં પ્રચલિત રિવાજો અને પરંપરાઓ સામે જ્યારે પહેલી વાર કોઈ પગલું લેવામાં આવે ત્યારે તેની ટીકા થતી હોય છે પણ બધાએ અત્યાર સુધી આની સરાહના કરી છે. મને લાગે છે કે દુનિયા ખૂબ આગળ વધી ગઈ છે અને આપણે પણ આગળ વધવું જોઈએ."
નાયલા શુમાલ સાફી કહે છે કે એમણે જોનદૂનની સાથે સાથે પુસ્તકો સાથે પણ સંબંધ જોડ્યો છે.
તો શું આ હક મહેર વિશે એમનાં સગાંએ અને સહેલીઓએ કંઈ વાત કરી એ સવાલના જવાબમાં નાયલા શુમાલ સાફી કહે છે કે, "બધાએ અમારા પગલાની સરાહના કરી. આજે અમારી વલીમાની દાવત હતી, મારાં માતા-પિતા સમેત તમામ સગાં-સંબંધીઓ આવ્યાં અને બધા ખૂબ ખુશ હતાં."
નિમંત્રણપત્ર પર દુલહનની તસવીર
ઇમેજ સ્રોત, SAJJAD JWANDUN
ડૉક્ટર સજ્જાદ જોનદૂને લગ્નના આમંત્રણ પત્ર પર ન ફક્ત દુલ્હનનું નામ લખ્યું પણ એના પર બેઉની તસવીરો પણ છપાવી હતી
ખૈબર પખ્તૂનખ્વા સહિત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનાં અનેક વિસ્તારોમાં લગ્નના નિમંત્રણપત્ર પર ફક્ત દુલહા અને દુલહનના પિતાનું નામ લખવામાં આવે છે.
ડૉક્ટર સજ્જાદ જોનદૂને લગ્નના આમંત્રણ પત્ર પર ન ફક્ત દુલ્હનનું નામ લખ્યું પણ એના પર બેઉની તસવીરો પણ છપાવી હતી. ત્યાં સુધી કે નિમંત્રણ પત્રમાં દુલહનની તસવીરને થોડી મોટી દેખાઈ રહી છે.
તેઓ કહે છે, "પતિ-પત્નીની સહમતીથી શાદી થાય છે અને પત્ની પતિની સંપત્તિ છે એ વાત ખોટી છે."
ઇમરાન આશના ડૉક્ટર સજ્જાદ જોનદૂનના નજીકના દોસ્ત છે અને તેમણે લગ્નમાં હાજરી આપી હતી.
તેમણે કહ્યું કે, "આ લગ્ને ફરી એક વાર એ ધારણાને ખોટી પાડી કે પુસ્તકોને પ્રેમ કરનારા લોકો નથી રહ્યા. આનાથી એ સંદેશ પણ જાય છે કે પુસ્તકોને હજી પણ લોકો પ્રેમ કરે છે અને એ પ્રેમ ખતમ નથી થયો."
સોશિયલ મીડિયા પર અનેક લોકોએ ખૈબર પખ્તૂનખ્વાના આ દંપતીએ હક મેહર પર લીધેલા નિર્ણયનાં વખાણ કર્યાં છે.
ડૉક્ટર સજ્જાદ કહે છે, "અનેક લોકોએ એક સારું કામ ગણાવી વખાણ કર્યાં છે, વિરોધ કરનારા પણ હશે. જોકે હજી સુધી કોઈએ વિરોધ પ્રગટ નથી કર્યો."
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો