ઑક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા વૅક્સિન : EUએ કહ્યું, 'કોરોનાની આ રસી જોખમી ઓછી, ફાયદાકારક વધારે'

ઇમેજ સ્રોત, Reuters
ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવાયેલી વૅક્સિન પર યુરોપિયન યુનિયનના અનેક રાજ્યોએ કામચલાઉ રોક લગાવી દીધી છે.
ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા વૅક્સિનને લઈને વિવાદ થઈ રહ્યો છે ત્યારે યુરોપિયન યુનિયનની દવા નિયામક સંસ્થાએ જણાવ્યું છે કે તેને પાકી ખાતરી છે કે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા કોરોના વાઇરસ રસીના ફાયદાઓ તેના જોખમ કરતાં વધારે છે.
યુરોપિયન યુનિયનના અનેક રાજ્યોએ વૅક્સિન પર કામચલાઉ રોક લગાવી દીધી છે ત્યારે સંસ્થાએ જણાવ્યું છે કે વૅક્સિનના કારણે બ્લડ ક્લોટ (લોહીનો ગઠ્ઠા) થવાના કોઈ સંકેત મળ્યા નથી.
ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝેનેકા દ્વારા વિકસાવાયેલી રસીના મામલે યુરોપના દેશો બે ભાગમાં વહેંચાઈ ગયા છે.
એક તરફ ફ્રાંસ, જર્મની, સ્પેન અને ઇટાલી જેવા દેશો યુરોપિયન યુનિયન દ્વારા રસી મામલે તપાસની રાહ જોઈ રહ્યા છે અને હાલ તબક્કે અહીં રસીના ઉપયોગ પર રોક લગાવી દેવાઈ છે.
તો બીજી તરફ પોલૅન્ડ, બેલ્જિયમ સહિતના અનેક દેશોએ આ રસીનો ઉપયોગ ચાલુ રાખ્યો છે.
યુરોપિયન મેડિસિન એજન્સી (ઈએમએ)ના પ્રમુખ એમર કૂકે જણાવ્યું કે સંસ્થા વૅક્સિનને મંજૂરી આપવાના પોતાના નિર્ણય પર કાયમ છે. વૅક્સિન લીધા બાદ અમુક લોકોના શરીરમાં લોહીના ગઠ્ઠા થઈ જાય છે તેની તપાસ થઈ રહી છે.
ઑક્સફોર્ડ-એસ્ટ્રાઝેનેકાની રસી અંગે WHOની અપીલ
એસ્ટ્રાઝેનેકા-ઑક્સફર્ડની રસી પર યુરોપના કેટલાક દેશોએ કેમ કામચલાઉ રોક લગાવી
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (ડબલ્યુએચઓ) દ્વારા દેશોને અપીલ કરવામાં આવી છે કે તેઓ વૅક્સિનનો ઉપયોગ ન અટકાવે. ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીની સમીક્ષા કરવા માટે મંગળવારે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનના વૅક્સિન નિષ્ણાતોએ બેઠક કરી હતી.
યુરોપિયન મેડિસિન એજન્સીએ જણાવ્યું કે વૅક્સિન લીધા બાદ જેટલા લોકોમાં બ્લડ ક્લૉટ થઈ જવાની ઘટના નોંધાઈ એ સામાન્ય લોકોમાં બ્લડ ક્લોટ થાય છે, તેના કરતાં ઓછી છે.
પ્રમુખ કૂકે જણાવ્યું કે, અમને ખબર છે કે ઈયુમાં હજારો લોકોએ લોહી જામી જવાની ફરિયાદ કરી છે અને એટલા માટે અમે એ નક્કી કરવાનો પ્રયાસ કરી રહ્યાં છીએ કે આ વૅક્સિન લેવાના કારણે થયું છે કે બીજા કોઈ કારણસર થયું છે.
તેમણે વધુમાં કહ્યું કે હજી તપાસ ચાલી રહી છે અને અત્યારે અમને પાકી ખાતરી છે કે કોરોના વાઇરસને અટકાવવા માટે ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસીના ફાયદાઓ, જેમાં મૃત્યુ અને હૉસ્પિટલમાં દાખલ કરવાનું જોખમ પણ સામેલ છે, તે અન્ય જોખમો કરતાં વધારે છે.
ઈએમએ દ્વારા જે તપાસ કરવામાં આવી છે તેનો રિપોર્ટ ગુરુવારે જાહેર કરવામાં આવશે.
રસી પર યુરોપના દેશોએ પ્રતિબંધ કેમ મૂક્યો છે?
ઇમેજ સ્રોત, Getty Images
ઑક્સફર્ડ અને એસ્ટ્રાઝાનેકાની રસી ભારતમાં પણ મોટા પ્રમાણમાં ઉપયોગમાં લેવાઈ રહી છે, જેને પગલે લોકોમાં ચિંતા છે.
જર્મની, ફ્રાન્સ અને ઇટાલીએ ઑક્સફર્ડ-એસ્ટ્રાઝેનેકા રસી પર અસ્થાયી પ્રતિબંધ લગાવી દીધો છે.
યુરોપમાં લોહીમાં ક્લૉટ્સ બનવાની ઘટનાઓ પછી યુરોપના મોટા દેશોએ આ રસી પર રોક લગાવી છે.
આ રોકને લઈને કોરોના વાઇરસ સામે આ રસીના ઉપયોગને લઈને જે ડર ફેલાયો છે તેને વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને નકારી કાઢ્યો છે અને આ રસીને કોરોના વાઇરસ સામે અસરકારક ગણાવી છે.
બીબીસી હેલ્થ સંવાદદાતા નિક ટ્રિગલ કહે છે કે, એ સમજી શકાય છે કે જેમને પણ આ વૅક્સિન આપવામાં આવી છે તેમને આ રિપોર્ટથી થોડી ચિંતા થશે.
તેઓ કહે છે કે "યુકે અને યુરોપ એકદમ સ્પષ્ટ રીતે કહી ચૂક્યા છે કે વૅક્સિન સાથે આગળ વધવામાં આવશે ભલે અમુક સ્વતંત્ર રાષ્ટ્રો બીજો વિકલ્પ પસંદ કરે."
"અત્યાર સુધી જે બહાર આવ્યું છે તે પ્રમાણે રસી લીધા બાદ બ્લડ ક્લોટના જે પણ કેસો સામે આવ્યા છે તેની સંખ્યા બહુ ઓછી છે અને આ પરિસ્થિતિમાં લાગે છે કે એ જ થઈ રહ્યું છે જેની તમે અપેક્ષા રાખી હોય."
એસ્ટ્રાઝેનેકા શું કહે છે?
ઇમેજ સ્રોત, Getty Images
રસી બનાવનાર એસ્ટ્રાઝેનેકા કંપનીનું કહેવું છે કે વૅક્સિનના કારણે બ્લડ ક્લોટ થવાનું જોખમ વધી જાય છે, એવા દાવાના કોઈ પુરાવા નથી.
કંપનીનું કહેવું છે કે વૅક્સિનના કારણે બ્લડ ક્લોટ થવાનું જોખમ વધી જાય છે તેના કોઈ પુરાવા નથી.
કંપનીનું કહેવું છે કે વૅક્સિન લીધા બાદ યુરોપિયન યુનિયન અને યુકેમાં ડીપ-વેઇન થ્રોમ્બોસિસ (ડીવીટી)ના 15 કેસ નોંધાયા છે. આમાં એક નસમાં બલ્ડ ક્લોટ થાય છે. પલ્મોનરી એમબોલિઝમના 22 કેસ નોધાયા છે, જેમાં ફેફસાંમાં બ્લડ ક્લોટ થાય છે.
ઑક્સફર્ડ વૅક્સિન ગ્રૂપના ડિરેક્ટર પ્રોફેસર એન્ડ્ર્યુ પોલાર્ડે સોમવારે બીબીસીને જણાવ્યું હતું કે "આશ્વાસન આપનારા એવા અનેક પુરાવા છે કે યુકેમાં બ્લડ ક્લોટના કેસોમાં કોઈ વધારો થયો નથી, જ્યાં સમગ્ર યુરોપનાં [અત્યાર સુધીના] સૌથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે."
તેઓ વધુમાં જણાવે છે કે ફિનલૅન્ડે પણ "ખૂબ જ સાવચેતીપૂર્વક અભ્યાસ" કર્યો છે અને કોઈ વધારે જોખમ દેખાયું નથી.
ઇમેજ સ્રોત, MohFW, GoI
તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો