PM મોદી અમેરિકાના પ્રવાસે, ભારતની અફઘાનિસ્તાન અંગેની ચિંતા કેટલી દૂર કરી શકશે?

  • ઝુબૈર અહમદ
  • બીબીસી સંવાદદાતા

વૈશ્વિક મહામારીના સમયે, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, આ વર્ષના માર્ચમાં કરેલી બાંગ્લાદેશની ટૂંકી યાત્રા પછી પહેલી વાર અમેરિકાના પ્રવાસે છે.

વડા પ્રધાનની અમેરિકાયાત્રા દરમિયાન 24મી સપ્ટેમ્બરે થનારી મોદી-બાઇડનની પહેલી બેઠકની સૌ કોઈ કુતૂહલથી રાહ જોઈ રહ્યા છે.

ઇમેજ સ્રોત, Getty Images

શા માટે અમેરિકા ગયા છે વડા પ્રધાન મોદી?

અમેરિકા-પ્રવાસમાં મુખ્ય ત્રણ કાર્યો છેઃ

  • 1. રાષ્ટ્રપતિ જો બાઇડન સાથે દ્વિપક્ષી બેઠકમાં ભાગ લેવો
  • 2. જાપાન, અમેરિકા અને ઑસ્ટ્રેલિયાના નેતાઓ સાથે ક્વૉડ સંમેલનમાં ભાગ લેવો
  • 3. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં સંબોધન કરવું

ઉલ્લેખનીય છે કે, આ પ્રથમ વ્યક્તિગત બેઠક છે જેમાં સરકારના વડા ભાગ લઈ રહ્યા છે.

જોકે, ભારતમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન સાથેની મુલાકાતની આતુરતાથી રાહ જોવાય છે.

બાઇડન જાન્યુઆરીમાં અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા એ પછી ભારત અને અમેરિકાનું આ પહેલું દ્વિપક્ષી શીખર સંમેલન છે.

વડા પ્રધાન મોદીના અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિઓ બરાક ઓબામા અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વ્યક્તિગત મૈત્રીપૂર્ણ સંબંધ હતા. પરંતુ રાષ્ટ્રપતિ જો બાઇડને અત્યાર સુધી એમના તરફ કોઈ ઉમળકો દર્શાવ્યો નથી.

અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ સાથે પણ વડા પ્રધાન મોદી વ્યક્તિગત મુલાકાત કરવાના છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકાનાં ઉપરાષ્ટ્રપતિનાં માતા તામિલનાડુનાં છે. આ એમની પહેલી ઔપચારિક મુલાકાત હશે.

બેઠકનો મુખ્ય ઍજન્ડા શું છે?

ઇમેજ સ્રોત, Reuters

કેટલાય દ્વિપક્ષી અને બહુપક્ષી મુદ્દા પર ચર્ચા થશે. ભારતના વિદેશસચિવ હર્ષવર્ધન શૃંગલાએ જણાવ્યું કે, બંને નેતા મજબૂત અને બહુઆયામી દ્વિપક્ષી સંબંધોની સમીક્ષા કરશે.

બંને પક્ષ, દ્વિપક્ષી વેપાર અને રોકાણના સંબંધોને મજબૂત કરવા, સુરક્ષાસહયોગને મજબૂત કરવા, વ્યૂહાત્મક સ્વચ્છ ઊર્જાની વહેંચણીને પ્રોત્સાહિત કરવા, નવી અને વિકાસશીલ તકનીકોને શોધવામાં અને અફઘાન સંકટ જેવી બાબતોમાં ચર્ચાવિચારણા કરવા માટે 24 સપ્ટેમ્બરે વ્હાઇટ હાઉસમાં મળશે.

જોકે, માત્ર 50 મિનિટની આ બેઠકમાં અફઘાન સંકટનો મામલો બીજા બધા મુદ્દા પર હાવી થઈ જવાની સંભાવના છે.

વિદેશસચિવ શૃંગલાએ, જેઓ ભારતીય પ્રતિનિધિમંડળમાં સામેલ છે, સ્વીકાર્યું છે કે, અફઘાનિસ્તાનમાં પલટાતી પરિસ્થિતિ બંને નેતાનું ધ્યાન ખેંચશે.

એમણે કહ્યું કે, "અફઘાનિસ્તાનમાંના તાજેતરના ઘટનાક્રમો પછી દ્વિપક્ષીય બેઠકમાં વર્તમાન ક્ષેત્રીય સુરક્ષા સબબ પણ વાતચીત થશે. એક પડોશીરૂપે આપણો અને અફઘાનિસ્તાનના લોકોનો સંબંધ જૂનો અને ગાઢ છે. આ સંદર્ભમાં અમે કટ્ટરવાદ, ઉગ્રવાદ, સીમા-પારનો આતંકવાદ અને વૈશ્વિક આતંકવાદી નેટવર્કને નેસ્તનાબૂદ કરવાની જરૂરિયાત પર ચોક્કસ ચર્ચા કરીશું."

વડા પ્રધાન મોદી તાજેતરમાં જ અફઘાન મુદ્દાની ગંભીરતા વિશે બોલેલા.

કેટલાક દિવસો પહેલાં સમાપ્ત થયેલા શાંઘાઈ સહયોગ સંગઠન (એસસીઓ) સંમેલનમાં (એમાં ચીન અને પાકિસ્તાન પણ જોડાયેલા છે.) ભાષણ આપતાં ભારતના વડા પ્રધાન મોદીએ જણાવેલું કે, "અફઘાનિસ્તાનમાં અત્યારે જે ઘટનાઓ થઈ રહી છે, એનો અમારા જેવા પડોશી દેશો પર સૌથી વધારે પ્રભાવ પડશે. અને એટલા માટે, આ મુદ્દા પર ક્ષેત્રીય ફૉકસ આપવાની અને પરસ્પર સહયોગ વધારવાની ખૂબ જરૂર છે."

એમણે તાલિબાનના લીધે અફઘાનિસ્તાનમાં સર્જાયેલી ચાર સમસ્યાઓ તરફ ધ્યાન દોર્યું હતું.

એમાંની એક અસ્થિરતા અને મજબૂત બનતો કટ્ટરવાદ હતાં, જે એમના મતાનુસાર, "આખી દુનિયામાં આતંકવાદી અને ચરમપંથી વિચારધારાઓને પ્રોત્સાહિત કરશે. અન્ય ચરમપંથી સમૂહો પણ હિંસા આચરીને સત્તા પ્રાપ્ત કરવા માટે પ્રોત્સાહિત થઈ શકે છે."

પરંતુ, ગયા મહિને અફઘાનિસ્તાનમાંથી સૈન્ય પાછું બોલાવી લીધું એ પછી અમેરિકા અફઘાનિસ્તાનની બાબતમાં બહુ ઓછો રસ લે છે.

વિશેષજ્ઞો સાથેની વાતચીત પરથી એટલું સમજાય છે કે અમેરિકાના નાગરિકોને અફઘાનિસ્તાનમાં કોઈ રસ નથી, એટલું જ નહીં બાઇડન સરકારને પણ નથી.

એનાથી ઊંધું, અમેરિકન સૈન્યની ઘરવાપસી પછી, ભારતને તાલિબાન શાસન-પ્રેરિત બિનરાજકીય પ્રવૃત્તિઓથી હાલની સુરક્ષા બાબતે ચિંતા છે. એટલા માટે, ભારત પાસે અફઘાનિસ્તાનમાં રસ લેવાનું ઉચિત કારણ છે.

બાઇડનને મોદી મનાવી શકશે?

ઇમેજ સ્રોત, Reuters

કૅલિફોર્નિયામાં સૅન ડિયાગો સ્ટેટ યુનિવર્સિટીના પ્રોફેસર અને ઇસ્લામમાં વિશેષજ્ઞતા ધરાવતા અહમત કુરુ માને છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડન સાથેની બેઠક દરમિયાન ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાને અફઘાનિસ્તાન પર ધ્યાન કેન્દ્રિત કરવાનો આગ્રહ કરી શકે છે, જેથી તેને (અફઘાનિસ્તાનને) આંતરરાષ્ટ્રીય કટ્ટરતાવાદ અને આતંકવાદનું કેન્દ્ર બનતાં રોકી શકાય.

પરંતુ, તેમના મતે હવે એવો સમય વીતી ગયો છે. તેઓ જણાવે છે, "અમેરિકાએ પહેલાં જ અફઘાનિસ્તાન મામલાથી દૂર રહેવાનો નિર્ણય કરી લીધો છે. અફઘાનિસ્તાન સાથે કોઈ પ્રકારનું જોડાણ રાખવાનો અમેરિકાની જનતા વિરોધ કરે છે. અમેરિકાએ હવે વધુ ગંભીર મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, જેમાં ચીન અને ઉપસહરા આફ્રિકામાં વધતા જતા ઇસ્લામી કટ્ટરપંથી જેવી ભૂ-રાજકીય સ્પર્ધા છે."

શિકાગો યુનિવર્સિટીના પ્રોફેસર ટૉમ ગિન્સબર્ગ રાજકીય વિશ્લેષક છે. તેઓ જણાવે છે કે, ભારત જાણતું હતું કે નક્કી અફઘાનિસ્તાનમાંથી અમેરિકા ખસી જશે.

તેઓ જણાવે છે કે, "મને લાગે છે કે ભારત અને અમેરિકા આ સમયે, પ્રાથમિકતાઓમાં મતભેદ હોવા છતાં, સ્વાભાવિક સહયોગીઓ છે. મોટો મુદ્દો ચીની શક્તિ છે, બીજી તરફ, અફઘાનિસ્તાનમાંથી પાછા ફરવું અનિવાર્ય હતું. જો કે ભારત વધારે અસુરક્ષા અનુભવી રહ્યું છે. મને નથી લાગતું કે આ ધારણા બહારનું હતું."

અફઘાનિસ્તાનમાંથી સેના પાછી બોલાવી લીધા પછી અમેરિકાના વિદેશમંત્રીએ કહેલું કે, બાઇડન સરકાર દેશ પર બાજનજર રાખશે અને અફઘાનિસ્તાનને આતંકવાદી સંગઠનોનો અડ્ડો નહીં બનવા દે.

કેટલાક લોકોનો તર્ક છે કે ચીન ભારત માટે એક મોટી સુરક્ષાસમસ્યા બની ગયું છે; ખાસ કરીને, ગયા વર્ષે ગલવાન ઘાટીમાં થયેલી અથડામણો પછી.

એમનો તર્ક છે કે ચીન સામે લડવા માટે અમેરિકા સાથે મૈત્રી રાખવી ભારત માટે જરૂરી છે. ચીનને પાઠ ભણાવવા માટે અમેરિકા પોતાની વૈશ્વિક નેતૃત્વની ભૂમિકા ફરીથી ઊભી કરવાની કોશિશ કરી રહ્યું છે.

અમેરિકાએ વૈશ્વિક નેતૃત્વ છોડી દેવું એ નિર્ણય રાષ્ટ્રપતિ ટ્રમ્પનો હતો. જાન્યુઆરીમાં બાઇડન રાષ્ટ્રપતિ બન્યા કે તરત જ તેમણે એ નિર્ણયને ફેરવી તોળ્યો અને "અમેરિકા પાછું આવી ગયું છે"ની ઘોષણા કરી દીધી.

એમણે જળ-વાયુપરિવર્તન, વૅક્સિન-વિતરણ અને ચીનમાંના શાસન જેવી સમસ્યાઓમાં નેતૃત્વ લઈને વિશ્વમંચ પરથી વારંવાર પોતાના આ દાવાનો ઉલ્લેખ કર્યો છે.

સંયુક્ત રાષ્ટ્રમાં મંગળવારે બાઇડને કરેલા ભાષણમાં ચીનનાં જોખમો તરફ ઇશારો કરાયો હતો અને અમેરિકાના સહયોગીઓને આશ્વાસન આપ્યું હતું કે તે નેતૃત્વ કરવા તૈયાર છે.

ગયા અઠવાડિયે અમેરિકા, બ્રિટન અને ઑસ્ટ્રેલિયા વચ્ચે થયેલી ત્રિતરફી સબમરીન સમજૂતી, જેને AUKUS કહેવાય છે, એ આ દિશાનું નક્કર પગલું છે.

પરંતુ જો એમ જ હોય તો એ પણ વડા પ્રધાન મોદીના પક્ષમાં રહી શકે છે.

અમેરિકાને ચીનની વિરુદ્ધ ભારતની જરૂર પડશે. જૉન્સ હૉપકિન્સ યુનિવર્સિટીના પ્રોફેસર સ્ટીવ હૅન્ક જણાવે છે કે, "આતરરાષ્ટ્રીય નેતૃત્વને ફરી સ્થાપવાના પ્રયત્નોમાં ગયા અઠવાડિયે બાઇડને ચીનને પડકારવાના ઉદ્દેશથી અમેરિકા, ઑસ્ટ્રેલિયા અને ગ્રેટ બ્રિટન વચ્ચે AUKUS સમજૂતી કરી હતી. આ જોડાણ સફળતાપૂર્વક કામ કરી શકે એ માટે બાઇડનને ભારતની મંજૂરીની જરૂર પડશે."

નવા વિકલ્પો પર ભારત વિચાર કરે?

ઇમેજ સ્રોત, Getty Images

ભલે જો બાઇડન અને વડા પ્રધાન મોદી વચ્ચે વ્યક્તિગત કૅમિસ્ટ્રી નથી, પરંતુ બંને દેશનાં રાજનૈતિક હિતો જોડાયેલાં છે.

પ્રો. લતા વરદરાજન સૅન ડિએગો સ્ટેટ યુનિવર્સિટીનાં રાજનીતિ વિજ્ઞાન વિભાગમાં આંતરરાષ્ટ્રીય સુરક્ષા અને સંઘર્ષ સમાધાન સંસ્થાનાં નિર્દેશક છે.

તેઓ માને છે કે પીએમ મોદીને વ્હાઇટ હાઉસમાં સાંભળવામાં આવશે. "ખાસ કરીને, એશિયાની ધુરી અને બાઇડન સરકાર દ્વારા ચીનને સુરક્ષા માટેના સૌથી મોટા જોખમ તરીકે ઉજાગર કરવું એક આધાર છે, જેનાથી બધી બાજુ ચર્ચા માટેનાં દ્વાર ખૂલી જશે. પોતાની સુરક્ષા સમજૂતીના નવીનીકરણ માટે અને એશિયા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે અમેરિકાની પ્રતિબદ્ધતા - પ્રશાંત ક્ષેત્રની AUKUS સમજૂતી પહેલાં જ સ્પષ્ટ કરી દેવાઈ છે અને એ અર્થમાં બાઇડનના વ્હાઇટ હાઉસમાં મોદીનું ભવ્ય સ્વાગત થશે."

પ્રો. હૅન્ક જણાવે છે કે, "અફઘાનિસ્તાનમં અમેરિકાની નાલેશીભરી હાર પછી, રાષ્ટ્રપતિ બાઇડને અમેરિકાના વૈશ્વિક નેતૃત્વ પર ભાર આપવાની જરૂર છે. આ મુદ્દો ભારત માટે અવસર છે."

પ્રો. હૅકનો તર્ક છે કે, "એ મને સ્પષ્ટ દેખાય છે કે દુનિયાનાં જોડાણોનું પુનર્જોડાણ થઈ રહ્યું છે. જો ભારત પોતાની બાજી બરાબર રમે છે તો એ એક મોટો ખેલાડી સાબિત થશે."

સ્વિટ્ઝર્લૅન્ડનાં જિનિવા ઇન્સ્ટિટ્યૂટ ઑફ જિયો પૉલિટિકલ સ્ટડીઝના અકાદમિક નિર્દેશક પ્રોફેસર ઍલેક્ઝાન્ડર લૅમ્બર્ટ પણ માને છે ભારતમાં મજબૂત વૈશ્વિક ખેલાડી બનવાની ક્ષમતા છે. પરંતુ એમને નથી લાગતું કે ભારત અમેરિકા સાથે જોડાઈને પોતાની ક્ષમતા પૂરી કરી શકે.

અફઘાનિસ્તાનમાં ભારત 20 વર્ષ સુધી અમેરિકા પર આધારિત રહ્યું હતું. અંતમાં આ નજીકના સંગનો એને ખૂબ ઓછો લાભ મળ્યો હતો.

નવા વિકલ્પો પર ભારત વિચાર કરે?

શું હવે સમય આવી ગયો છે કે ભારત અફઘાન મુદ્દાથી પીછો છોડાવવા અન્ય ભાગીદારીના વિકલ્પોનો વિચાર કરે?

પ્રોફેસર લૅન્બર્ટનો તર્ક છે કે ભારતે બીજા વિલ્પોની તપાસ કરવી જોઈએ.

તેઓ જણાવે છે કે, "ચોક્કસ, ભારતને અફઘાનિસ્તાન અને તાલિબાન સાથે બધું વ્યવસ્થિત કરવા માટે ચીન અને રશિયાની જરૂર પડશે, અમેરિકાની નહીં. અને ચોક્કસપણે યુરોપની તો બિલકુલ નહીં. અને એને પાકિસ્તાનની જરૂર છે, ભલે આ દિલ્હીમાં ભરપુર અજીબ અને પડઘા પાડનારી વાત લાગે."

"ઉદાહરણ રૂપે, કોઈ પણ રણનીતિવિષયક મહાદ્વીપય પ્રાકૃતિક ગૅસ પાઇપલાઇન પરિયોજનાઓ આઇપીઆઇ, જો દિલ્હી અને ઇસ્લામાબાદ બુનિયાદી રાજન્યાયિક ધોરણો પર સહમત ન થાય તો ભાગ્યે જ વિતરીત થશે. મારા વિચારથી, આ સ્તરે, ચીનના ઉદયને લીધે સુરક્ષાસંબંધી ચિંતા કરવાનું કોઈ કારણ નથી."

ટિપ્પણી કરનારાઓ માને છે છે બાઇડનની સાથે મોદીના પહેલા વ્યક્તિગત દ્વિપક્ષીય વાર્તાલાપની સફળતાનો મોટો આધાર એક વાત પર રહેશે - રાષ્ટ્રપતિ બાઇડનને અફઘાનિસ્તાનની વાતોમાં રોકી રાખવા, જેવું અમેરિકન સૈનિકોના પાછા આવ્યા પહેલાં હતું.

મોદી પોતાના વ્યક્તિત્વનો, આવડતનો ઉપયોગ કરીને બાઇડનને અફઘાનિસ્તાનની બાબતને સીધી કરવા માટે રાજી કરી શકે છે, જે તેઓ રાષ્ટ્રપતિની સાથે વ્યક્તિગત સંબંધ સ્થાપિત કરવામાં સફળ થાય છે તો, બિલકુલ એ રીતે જે રીતે તેમણે રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને રાષ્ટ્રપતિ ઓબામાની સાથે સફળતાપૂર્વક સંબંધો કેળવેલા.

પ્રો. લતા વરદરાજન માને છે કે પીએમ મોદીનું વ્હાઇટ હાઉસમાં ઉષ્માપૂર્ણ સ્વાગત કરવામાં આવશે.

તેઓ જણાવે છે કે, "જ્યારે બાઇડન સરકાર, ઓછામાં ઓછા સ્તરે, એ પ્રકારની 'વ્યક્તિગત નિકટતા' ઊભી નથી કરતી જે ટ્રમ્પ સરકાર (અને ખાસ કરીને) મોદીની સાથે હતી. મને લાગે છે કે અમેરિકાનાં રાજકીય હિતો જે ભારત સરકાર સાથે જોડાયેલાં છે તે, 'આ વિશિષ્ટ સંબંધ'ને જાળવી રાખવા માટે સક્ષમ હશે અને આ અર્થમાં વ્હાઇટ હાઉસમાં વડા પ્રધાન મોદીનું સ્વાગત કરવામાં આવશે."

પ્રો. સ્ટીવ હૅન્કનું અનુમાન છે કે બંને દેશને એકબીજાની જરૂર છે અને એ કારણે બંને નેતાઓ વચ્ચે સારા સંબંધો બંધાઈ શકે છે.

તેઓ જણાવે છે કે, "વડા પ્રધાન મોદીનો હિન્દુ રાષ્ટ્રવાદ બાઇડનને નાપસંદ હોવા છતાં, ભારત તેમના માટે જરૂરી છે. જ્યાં સુધી મોદીનો સવાલ છે, એમને અમેરિકાના સમર્થનની જરૂર છે. કેમ કે, પાકિસ્તાન સાથેની ભારતની જૂની સમસ્યાઓ અફઘાનિસ્તાનમાં તાલિબાનની જીત થવાને લીધે વધારે વધી છે."

રાષ્ટ્રપતિ બાઇડન અને ઉપરાષ્ટ્રપતિ કમલા હૅરિસ બંને ગયા વર્ષે રાષ્ટ્રપતિની ચૂંટણીના અભિયાન દરમિયાન મોદી સરકારના માનવાધિકાર રેકૉર્ડના ટીકાકાર હતાં. પરંતુ સત્તા પર આવ્યા પછી બંનેએ મોદી અને એમની સરકારની ટીકા કરવાનું બંધ કર્યું છે.

વાસ્તવમાં, જો બાઇડન ભૂતકાળમાં વડા પ્રધાન મોદીના યજમાન બની ચૂક્યા છે, જ્યારે તેઓ ઉપરાષ્ટ્રપતિ હતા. અને એમણે તાજેતરના મહિનાઓમાં જ ઘણી વાર ફોન પર એકબીજા સાથે વાતો કરી છે અને વર્ચુઅલ કૉન્ફરન્સમાં હાજરી આપી છે.

એ વાતમાં કોઈ શંકા નથી કે પીએમ મોદી એક એવા રાષ્ટ્રપતિને મળી રહ્યા છે જેમનું બધું ધ્યાન ચીનના વધતા જતા સામર્થ્યને અટકાવવામાં ચોંટેલું છે. પરંતુ એક પૂર્વ ભારતીય રાજદ્વારીએ કહ્યું છે એમ, ભારતીય વડા પ્રધાનની પાસે અમેરિકાને જીતવા માટે પૂરતા વ્યક્તિગત ગુણ છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો