મોઝામ્બિક : 'મારી આંખ સામે મારા પુત્રનું માથું કાપી દીધું'

મોઝામ્બિકના કાબો ડેલગાડો વિસ્તારમાં બાળકોના શિરચ્છેદ કરવામાં આવી રહ્યાં છે

ઇમેજ સ્રોત, RUI MUTEMBA/SAVE THE CHILDREN

ઇમેજ કૅપ્શન,

મોઝામ્બિકના કાબો ડેલગાડો વિસ્તારમાં બાળકોના શિરચ્છેદ કરવામાં આવી રહ્યાં છે

એક ટોચની સહાય એજન્સીએ જણાવ્યું છે કે આફ્રિકન દેશ મોઝામ્બિકમાં બાળકોનાં શિરચ્છેદ કરવામાં આવી રહ્યાં છે. એજન્સી અનુસાર મોઝામ્બિકના કાબો ડેલગાડો વિસ્તારમાં આ થઈ રહ્યું છે. એજન્સીનો દાવો છે કે કેટલાંક 11 વર્ષથી નાનાં બાળકોનાં શિરચ્છેદ કરવામાં આવ્યાં છે.

એક માતાએ 'સેવ ધ ચિલ્ડ્રન' એનજીઓને જણાવ્યું કે તેમણે તેમના 12 વર્ષના બાળકનું માથું કપાતું જોયું છે. જ્યારે આ ઘટના બની રહી હતી ત્યારે તેઓ પાસે જ તેમનાં બીજાં બાળકો સાથે સંતાઈ ગયાં હતાં.

2017માં મોઝામ્બિકમાં બળવા શરૂ થયા છે, જેમાં અત્યાર સુધી 2500થી વધુ લોકો મૃત્યુ પામ્યાં છે અને સાત લાખ લોકોને દેશ છોડી ભાગવું પડ્યું છે.

આ હિંસા પાછળ ઇસ્લામિક સ્ટેટ સાથે સંકળાયેલા ઉગ્રવાદી કાબો ડેલગાડોનો હાથ છે.

'સેવ ધ ચિલ્ડ્રન'એ પોતાના અહેવાલમાં જણાવ્યું નથી કે આ હુમલા પાછળ કોણ છે, પરંતુ એનજીઓ મુજબ ત્યાંથી ભાગી આવેલા લોકોએ આવી ક્રૂર ઘટનાઓ વિશે જણાવ્યું છે. તાન્ઝાનિયાની સરહદ સાથે અડીને આવેલા કાબો ડેલગાડો વિસ્તારમાં ગૅસનો વિપુલ ભંડાર છે.

વીડિયો કૅપ્શન,

સીરિયા યુદ્ધ : બશર અલ અસદ, રશિયા, અમેરિકા અને ઇસ્લામિક સંગઠનો વચ્ચેની લડાઈની કહાણી

લોકો શું કહી રહ્યા છે?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

સંયુક્ત રાષ્ટ્રના અધિકારી મુજબ ઉગ્રવાદીઓ દ્વારા કરાતી હત્યાઓ એટલી ક્રૂર છે કે એને શબ્દોમાં વર્ણવી શકાય નહીં.

'સેવ ધ ચિલ્ડ્રન'ને એક માતાએ જણાવ્યું કે 'મારી આંખ સામે મારા પુત્રનું માથું કાપી દેવાયું હતું.' સુરક્ષાના કારણોસર આ મહિલાની ઓળખ જાહેર કરવામાં આવી નથી.

તેઓ કહે છે, "એ રાત્રે અમારા ગામ પર હુમલો થયો અને અમારાં ઘર સળગાવી દેવામાં આવ્યાં. જ્યારે આ બધું શરૂ થયું ત્યારે હું ચાર બાળકો સાથે ઘરે હતી."

"અમે જંગલ તરફ ભાગવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમને મારા મોટા છોકરાનું અપહરણ કરી લીધું અને માથું વાઢી નાખ્યું. અમે કશું કરી ન શક્યાં, નહીં તો અમે પણ માર્યાં ગયાં હોત."

અન્ય એક મહિલા કહે છે કે ઉગ્રવાદીઓએ તેમના પુત્રની હત્યા કરી નાખી અને ત્રણ બાળકો સાથે તેમને ભાગવું પડ્યું.

તેઓ કહે છે, "જ્યારે મારા 11 વર્ષના પુત્રની હત્યા કરવામાં આવી, ત્યારે અમને લાગ્યું કે હવે ગામમાં રહેવું સલામત નથી. હું ભાગીને મારા પિતાના ઘરે આવી ગઈ, પણ થોડા દિવસો બાદ ત્યાં પણ હુમલા શરૂ થઈ ગયા."

ચાન્સ બ્રિગ્સ મોઝામ્બિકમાં 'સેવ ધ ચિલ્ડ્રન'ના નિદેશક છે.

"તેઓ કહે છે કે બાળકો પર થતાં હુમલાના અહેવાલોએ અમને અંદરથી હચમચાવી નાખ્યા છે. ભાગીને કૅમ્પમાં આવતી મહિલાઓએ જ્યારે આપવીતી જણાવી ત્યારે અમારા કર્મચારીઓની આંખોમાં આંસુ આવી ગયાં."

સંયુક્ત રાષ્ટ્રના વિશેષ અધિકારી મુજબ ઉગ્રવાદીઓ દ્વારા કરવામાં આવતી હત્યાઓ એવી ક્રૂર છે, જેને શબ્દોમાં વર્ણવી ન શકાય.

કોણ છે આ ઉગ્રવાદીઓ?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

અલ શબાબનું એક સંગઠન સોમાલિયામાં એક દાયકાથી સક્રિય છે.

સ્થાનિક લોકોમાં આ ઉગ્રવાદીઓ 'અલ શબાબ' તરીકે ઓળખાય છે. અરબી ભાષામાં તેનો અર્થ યુવાની થાય છે. તેનાથી એ વાતનો અંદાજ આવે છે કે ઉગ્રવાદીઓને કાબો ડેલગાડોના મુસ્લિમ વિસ્તારોમાં રહેતા મોટા ભાગના બેરોજગાર યુવાનોનું સમર્થન મળી રહ્યું છે.

અલ શબાબનું એક સંગઠન સોમાલિયામાં એક દાયકાથી સક્રિય છે. મોઝામ્બિક બહાર આ સંગઠન અલ-કાયદા સાથે સંકળાયેલું છે. અલ શબાબ મુજબ મોઝામ્બિકમાં તે ઇસ્લામિક સ્ટેટ આંદોલન સાથે સંકળાયેલું છે.

ઇસ્લામિક સ્ટેટ મુજબ તેને જે વિસ્તારને સેન્ટ્રલ આફ્રિકા પ્રૉવિંસ કહે છે, ત્યાંથી આ ઉગ્રવાદીઓ આવે છે.

ગયા વર્ષે ઇસ્લામિક સ્ટેટે કાબો ડેલ્ગાડોમાં લડાકુઓને એકે-47 રાઇફલ અને રૉકેટથી ચાલતા ગ્રૅનેડ્સ સાથેની અમુક તસવીરો બહાર પાડી હતી.

ઉગ્રવાદવિરોધી નિષ્ણાતો આ તસવીરોથી ચેતી ગયા હતા, કારણ કે તેનાથી માહિતી મળી રહી હતી કે ઘણા દેશોમાં સક્રિય જેહાદીઓ પોતાના લાભ માટે સ્થાનિક બળવાખોરોનો લાભ લઈ રહ્યા છે.

બળવાખોરો શું ઇચ્છે છે?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

નિષ્ણાતોના મતે બળવા પાછળ ત્યાંની ખરાબ સામાજિક-આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે.

કેટલાક નિષ્ણાતોના મતે બળવા પાછળ ત્યાંની ખરાબ સામાજિક-આર્થિક પરિસ્થિતિ જવાબદાર છે. સ્થાનિક લોકોની ફરિયાદ છે કે વિસ્તારમાં આવેલા રૂબી અને ગૅસ-ઉદ્યોગનો તેમને ઓછો લાભ મળે છે.

ગયા વર્ષે એક વીડિયો સામે આવ્યો હતો. જેમાં એક ઉગ્રવાદી નેતાએ કહેતા સંભળાય છે, "વિસ્તારો પર પોતાના કબજા દ્વારા અમે જણાવવા માગીએ છીએ કે વર્તમાન સરકાર અન્યાયી છે. આ સરકાર ગરીબોનું અપમાન કરે છે અને માલિકોને ફાયદો કરાવે છે."

આ વ્યક્તિએ ઇસ્લામ વિશે વાતો કરી અને ઇસ્લામિક સરકાર સ્થપાય તેવી ઇચ્છા જાહેર કરી. આ વ્યક્તિએ એવો પણ આરોપ લગાવ્યો કે મોઝામ્બિકનું સૈન્ય લોકોને હેરાન કરે છે અને આ સરકાર અન્યાય કરે છે.

ચાન્સ બ્રિગ્સે બીબીસી વર્લ્ડ સર્વિસને જણાવ્યું કે "આ ઉગ્રવાદીઓના હેતુઓ શું છે તે જાણવું મુશ્કેલ છે, કારણ કે તેમની પાસે આ સાથે સંબંધે કોઈ દસ્તાવેજો નથી."

તેઓ કહે છે, "પોતાના સાથે જોડાવવા માટે તેઓ યુવાનોની પસંદગી કરે છે અને જો તેઓ ઇનકાર કરે તો તેમને મારી નાખવામાં આવે છે. ઘણી વખત તેમનું માથું વાઢી નાખવામાં આવે છે. તેનો અંત શું આવશે તે કહેવું મુશ્કેલ છે."

ગયા વર્ષે કાબો ડેલગાડોની રાજધાની પેમ્બાની મુલાકાત લીધા બાદ દક્ષિણ આફ્રિકાના બિશપ્સ કૉન્ફરન્સના પ્રતિનિધિમંડળે જણાવ્યું હતું કે "જેટલા પણ લોકો સાથે અમે વાત કરી બધાએ જણાવ્યું કે આ વિસ્તારમાં આવેલા ખનીજ અને ગૅસ-સંસાધનો પર બહુરાષ્ટ્રીય કંપનીઓના નિયંત્રણને લઈને યુદ્ધ થઈ રહ્યું છે."

કાબો ડેલગાડો

કાબો ડેલગાડો મોઝામ્બિકનો સૌથી ગરીબ પ્રાંત છે, અહીં બેરોજગારી અને નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે.

વર્ષ 2009-10માં અહીં રૂબીઝનો ભંડાર અને ગૅસ ફિલ્ડ મળી આવ્યાં હતાં. તેનાથી આશા બંધાઈ હતી કે અહીં રોજગારીની તકો ઉત્પન્ન થશે અને સ્થાનિક લોકોનું જીવનધોરણ સુધરશે.

જોકે ટૂંક સમયમાં લોકોની અપેક્ષાઓ તૂટી ગઈ. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે સત્તાધારી ફ્રીલિમો પાર્ટીના એક નાના પણ પસંદગીના વર્ગને તમામ ફાયદાઓ મળે છે. મોઝામ્બિકને 1975માં સ્વતંત્રતા મળી ત્યારથી આ પક્ષ સત્તામાં છે.

નવા ઇસ્લામિક ઉપદેશકો, પછી ભલે તેઓ પૂર્વ આફ્રિકન હોય અથવા મોઝામ્બિકના હોય, આ લોકોએ વિદેશમાં તાલીમ મેળવ્યા બાદ મસ્જિદોની સ્થાપના કરી અને દલીલ કરી કે સ્થાનિક ઇમામ ફ્રીલિમો પક્ષની કમાણીના પ્રયત્નોમાં સામેલ છે.

કેટલીક નવી મસ્જિદોએ સ્થાનિક લોકોની આર્થિક મદદ કરી કે જેથી તેઓ પોતાનું કાર્ય શરૂ કરી શકે. સાથે-સાથે નોકરીની તકો પણ આપી. આ ઇસ્લામી ઉપદેશકોએ દલીલ હતી કે શરિયા હેઠળ સમાજ વધુ ન્યાયસંગત હશે.

તેનાથી યુવાનો આકર્ષાયા અને આ યુવાનો હવે બળવાની કરોડરજ્જુ છે.

સરકારનું શું કહેવું છે?

ઇમેજ કૅપ્શન,

હિંસાના કારણે સમગ્ર કાબો ડેલગાડો વિસ્તાર ખાલી થઈ ગયો છે.

સરકારનું ધ્યાન લશ્કરી ઉકેલ પર હોવાનું જણાય છે પરંતુ તેમની સેના આવા બળવાનો સામનો કરવા માટે તૈયાર નથી.

સોમવારે રાજધાની માપુટોમાં સ્થિત એમરિકાના દૂતાવાસના અધિકારીએ જણાવ્યું કે અમેરિકન સેનાના જવાનો સૈનિકોને તાલીમ આપવા માટે બે મહિના મોઝામ્બિકમાં રહેશે. આ ઉપરાંત તેમને તબીબી અને સંદેશાવ્યવહારનાં ઉપકરણો પણ પ્રદાન કરવામાં આવશે.

ગયા વર્ષે યુરોપિયન યુનિયને પણ જાહેરાત કરી હતી કે તે મોઝામ્બિકના સૈનિકોને તાલીમ આપવામાં આવશે.

યુરોપિયન યુનિયન અને અમેરિકાની મદદ એ અહેવાલો બાદ આવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે ઉગ્રવાદીઓ સામે લડવા માટે મોઝામ્બિકે રશિયન અને દક્ષિણ આફ્રિકના ભાડે સૈનિકો લીધા છે.

જોકે, એવા અહેવાલો છે કે રશિયાના આ ખાનગી લડવૈયાઓએ કાબો ડેલગાડોથી પીછેહઠ કરી છે, કારણ કે તેમને ત્યાંના બળવાખોરોના હાથે મોટું નુકસાન વેઠવું પડ્યું છે.

આ બધાની વચ્ચે આ બળવાખોરોનો હજી કોઈ પ્રદેશ નથી. ગયા વર્ષે મોસિમબોઆ ડા પરિયાના વ્યૂહરચનાત્મક દૃષ્ટિએ મહત્ત્વપૂર્ણ મનાતા બંદર અને બીજા મહત્ત્વપૂર્ણ શહેર ક્વિસાંગા પર ટૂંક સમય માટે તેમનો કબજો હતો.

ગયા વર્ષે તાન્ઝાનિયાના ગૅસથી સમૃદ્ધ વિસ્તાર મટવારાનાં ઘણાં ગામો પર સરહદની આ તરફથી હુમલો પણ કરવામાં આવ્યો હતો.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો