સીરિયાના યુદ્ધના 10 વર્ષ : કઈ રીતે શરૂ થયું હતું દેશમાં ગૃહયુદ્ધ અને શું છે સ્થિતિ?

આજ સુધીમાં આ આંતરિક અશાંતિમાં 380,000 લોકો માર્યા ગયા છે

ઇમેજ સ્રોત, REUTERS

ઇમેજ કૅપ્શન,

આજ સુધીમાં આ આંતરિક અશાંતિમાં 380,000 લોકો માર્યા ગયા છે

સીરિયાના પ્રમુખના વિરોધમાં 10 વર્ષ પહેલાં શાંતિમય પ્રદર્શનો શરૂ થયાં અને તેમાંથી ફાટી નીકળ્યું ગૃહયુદ્ધ.

આજ સુધીમાં આ આંતરિક અશાંતિમાં 380,000 લોકો માર્યા ગયા છે, અનેક નગરો બરબાદ થઈ ગયાં અને બીજા દેશો પણ તેમાં કૂદી પડ્યા છે.

સીરિયાનું યુદ્ધ કેવી રીતે શરૂ થયું?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

દેરા શહેરમાં માર્ચ 2011માં લોકશાહીની માગણી સાથે દેખાવો શરૂ થઈ ગયા હતા

સીરિયામાં અશાંતિ શરૂ થઈ તે પહેલાંથી જ સીરિયાના લોકોમાં બેકારી, ભ્રષ્ટાચાર, રાજકીય સ્વાતંત્ર્યના અભાવના કારણે અસંતોષ હતો.

પ્રમુખ બશર અલ-અસદ 2000ની સાલમાં તેમના પિતા હાફેઝના અવસાન પછી સત્તા પર આવ્યા હતા અને અસંતોષ વધી રહ્યો હતો.

દેરા શહેરમાં માર્ચ 2011માં લોકશાહીની માગણી સાથે દેખાવો શરૂ થઈ ગયા હતા. પડોશના દેશોમાં પણ તાનાશાહો સામે વિરોધ થવા લાગ્યો હતો, તેમાંથી પ્રેરણા લઈને પ્રદર્શનો શરૂ થયાં હતાં.

સીરિયાની સરકારે અસંતોષને દબાવી દેવા માટે બળપ્રયોગ કર્યો, પણ તેનાથી ઊલટાનું દેશભરમાં અસદના રાજીનામાની માગણી સાથે દેખાવો થવા લાગ્યા.

વીડિયો કૅપ્શન,

સીરિયા યુદ્ધ : બશર અલ અસદ, રશિયા, અમેરિકા અને ઇસ્લામિક સંગઠનો વચ્ચેની લડાઈની કહાણી

અસંતોષ વધવા લાગ્યો અને સરકારનું દમન પણ. વિરોધ પક્ષના ટેકેદારોએ શસ્ત્રો ઉપાડ્યાં - પહેલાં પોતાના રક્ષણ માટે અને પછી પોતાના વિસ્તારમાંથી સૈનિકોને ખદેડી દેવા માટે.

અસદે આ દેખાવોને વિદેશી સમર્થક ત્રાસવાદ ગણાવીને કચડી નાખવાનો આદેશ આપ્યો.

હિંસા ઝડપથી વધવા લાગી અને દેશમાં ગૃહયુદ્ધ જેવી સ્થિતિ થઈ ગઈ.

સેંકડો બળવાખોર જૂથો તૈયાર થયાં અને થોડા જ વખતમાં લડાઈ હવે માત્ર પ્રમુખ અસદ અને તેના વિરોધીઓ વચ્ચેની ન રહી. વિદેશી સત્તાઓની દખલ વધી, અમુક જૂથોની તરફેણ થવા લાગી અને શસ્ત્રો, લડાયકો અને નાણાકીય સહાય મળવા લાગી.

સ્થિતિ વકરી તેના કારણે જેહાદી તત્ત્વોએ પોતાની ટોળકી જમાવવાનું શરૂ કર્યું. ઇસ્લામિક સ્ટેટ અને અલ-કાયદા જેવાં જૂથો કૂદી પડ્યાં. તેના કારણે આંતરરાષ્ટ્રીય સમુદાયને ચિંતા પેઠી, કેમ કે આ લોકો સત્તા જમાવે તો મોટો ખતરો ઊભો થાય તેમ હતો.

સીરિયાના કૂર્દ લોકો સ્વાયત્તતા ઇચ્છતા હતા. તે લોકો હજી સુધી અસદની સેના સામે પડ્યા નહોતા, પણ હવે તેમની તાકાત પણ વધવા લાગી હતી.

કેટલા લોકો માર્યા ગયા છે?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

(SOHR)એ રાખેલી નોંધ પ્રમાણે ડિસેમ્બર 2020 સુધીમાં 387,118 માર્યા છે, જેમાં 116,911 નાગરિકો હતા

સીરિયામાં સંપર્કો ધરાવતી, યુકેસ્થિત સંસ્થા સીરિયન ઑબ્ઝર્વેટરી ફૉર હ્યુમન રાઇટ્સ (SOHR)એ રાખેલી નોંધ પ્રમાણે ડિસેમ્બર 2020 સુધીમાં 387,118 મર્યા છે, જેમાં 116,911 નાગરિકો હતા.

ગુમ થયેલા કે મૃત્યુ પામ્યા હોવાનું મનાતા 205,300 લોકોનો આંકડો આમાં સમાવાયો નથી.

આમાં એવા પણ 88,000 નાગરિકોનો સમાવેશ થાય છે, જે સરકારી કેદખાનાંમાં ત્રાસને કારણે મૃત્યુ પામ્યા હોય.

અન્ય એક સંસ્થા વાયોલેશન્સ ડૉક્યુમેન્ટેશન સેન્ટર પણ દેશભરમાં ફેલાયેલા સ્વંયસેવકો પાસેથી માહિતી એકઠી કરે છે.

આંતરરાષ્ટ્રીય માનવ અધિકારોનો ભંગ ગણી શકાય તેવા કિસ્સાઓ તેમણે પણ નોંધ્યા છે.

આ સંસ્થાની નોંધ પ્રમાણે ડિસેમ્બર 2020 સુધીમાં યુદ્ધમાં 226,374 લોકોનાં મોત થયાં, જેમાં 135,634 નાગરિકો હતા.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનિસેફના જણાવ્યા અનુસાર 12,000 જેટલાં બાળકો મોત પામ્યાં છે અથવા ઘવાયાં છે.

કોણ લડી રહ્યું છે યુદ્ધ?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

રશિયાએ કરેલી મદદને કારણે 2015માં અસદની સરકારની સ્થિતિ મજબૂત બની હોવાનું માનવામાં આવે છે

સીરિયા સરકારના સમર્થનમાં રશિયા અને ઈરાન છે, જ્યારે તુર્કી, પશ્ચિમના દેશો તથા ઘણા અખાતના આરબ દેશો વિરોધ કરનારાં જૂથોને સમર્થન આપી રહ્યા છે.

યુદ્ધ શરૂ થયું તે પહેલાંથી સીરિયામાં લશ્કરી થાણું ધરાવતા રશિયાએ અસદના સમર્થનમાં હવાઈ હુમલા કર્યા હતા.

રશિયાએ કરેલી મદદને કારણે 2015માં અસદની સરકારની સ્થિતિ મજબૂત બની હોવાનું માનવામાં આવે છે.

રશિયાની સેના કહે છે કે તેના તરફથી માત્ર "ત્રાસવાદીઓ" પર હુમલા થાય છે, પણ સ્વંયસેવકો કહે છે કે રશિયન સેના બળવાખોરો અને નાગરિકોની નિયમિત હત્યાઓ કરે છે.

ઈરાને પણ મોટી સંખ્યામાં દળો મોકલ્યાં હોવાનું અને અસદને અબજો ડૉલરની સહાય કરી હોવાનું મનાય છે.

ઈરાને તાલીમ આપીને તૈયાર કરેલા હજારો શિયા લડાયકોને સીરિયા મોકલાયા છે.

મોટા ભાગે લેબેનોનના હેઝબોલ્લા જૂથના તથા ઇરાક, અફઘાનિસ્તાન અને યમનથી આવેલા આ લડાકુઓ તાલીમ લઈને સીરિયાની સેનાની વહારે કામગીરી કરે છે.

મૉડરેટ બળવાખોર કહી શકાય તેવાં જૂથોને શરૂઆતમાં અમેરિકા, યુકે અને ફ્રાન્સે મદદ કરી હતી.

જોકે આ દેશોએ ઘાતક સાબિત ના થાય તેવી રીતે જ સહાય કરી હતી, કેમ કે સશસ્ત્ર સંઘર્ષમાં જેહાદી તત્ત્વો હાવી થઈ જતા હોય છે.

અમેરિકાની આગેવાની હેઠળ મિત્ર દેશોનાં દળોએ પણ હવાઈ હુમલા કર્યા હતા અને 2014થી સીરિયામાં દળો મોકલ્યાં હતાં.

કૂર્દ લડાયકો તથા સીરિયન ડેમૉક્રેટિક ફોર્સ તરીકે ઓળખાતા આરબ લડાકુઓને મદદ માટે દળો મોકલ્યાં હતાં. આ દળોએ એક વખતે આઈએસના કબજામાં હતાં તે વિસ્તારોને મુક્ત કરીને પોતાના કબજામાં લીધા હતા.

અસદના વિરોધીઓને સૌથી મોટો ટેકો તુર્કી તરફથી મળી રહ્યો છે. તુર્કી બળવાખોર જૂથોનો ઉપયોગ કરીને કુર્દીશ વાયપીજી દળોને કાબૂમાં રાખવા કોશિશ કરે છે.

તુર્કીમાં બળવાખોર જૂથ ગણાતા અને પ્રતિબંધિત કૂર્દ જૂથ સાથે આ લોકો જોડાયેલા હોવાનું તુર્કી માને છે.

તુર્કીની સેનાએ તથા સાથી બળવાખોર જૂથોએ સીરિયાની ઉત્તરમાં તુર્કીની સરહદે આવેલા ઘણા વિસ્તારોનો કબજો કર્યો છે.

વીડિયો કૅપ્શન,

સીરિયાથી આવેલી તસવીરોમાં જોવા મળ્યું યુદ્ધનું વિનાશ

બળવાખોરોના છેલ્લા મજબૂત થાણા ઇદલિબ શહેર પર સીરિયાની સરકારી સેનાનો હુમલો ખાળવામાં પણ તુર્કી સેનાએ મદદ કરી હતી.

સાઉદી અરેબિયા ઈરાનનું પ્રભુત્વ ના વધી જાય તે માટે બળવાખોરોને મદદ કરતું રહ્યું છે. તેણે અને કતારે બંનેએ યુદ્ધની શરૂઆતથી જ આ બળવાખોરોને શસ્ત્રો અને નાણાંની સહાય કરી છે.

ઈરાની દળો સીરિયામાં અડ્ડો જમાવવા લાગ્યાં છે એવું સમજીને ઇઝરાયલે પણ ચિંતા વ્યક્ત કરી હતી અને હવાઈ હુમલા કર્યા હતા.

હેઝબોલ્લાને ઈરાન તરફથી શસ્ત્રો મળી રહ્યા છે અને બીજા શિયા ઉદ્દામવાદીઓ હુમલા કરે તેને ખાળવા માટે ઇઝરાયલે પગલાં લીધાં હતાં.

સીરિયાની શી હાલત થઈ છે?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

સંયુક્ત રાષ્ટ્રસંઘની સંસ્થા યુનિસેફના જણાવ્યા અનુસાર 12,000 જેટલાં બાળકો મોત પામ્યાં છે અથવા ઘવાયાં છે

યુદ્ધને કારણે લાખો લોકો માર્યા ગયા છે અને 21 લાખથી વધુ નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે. SOHRના જણાવ્યા અનુસાર અસંખ્ય લોકો કાયમ માટે અપંગ બન્યા છે.

યુદ્ધથી કંટાળીને સીરિયાની 2.2 કરોડની વસતિમાંથી અડધોઅડધ લોકો હિજરત કરી ગયાનું અનુમાન છે.

67 લાખ લોકો દેશમાં જ ઘરબારવિહોણા થઈ ગયા છે. વિદેશમાં 56 સીરિયન હિજરતી તરીકે નોંધાયા છે.

સૌથી વધુ 93% હિજરતીઓ લેબનન, જોર્ડન અને તુર્કી જેવા પડોશી દેશોમાં છે. ઇતિહાસની આ સૌથી મોટી હિજરત બની ગઈ છે.

હિજરતને કારણે રખડતાં પરિવારોમાં જ 10 લાખથી વધુ શિશુઓનો જન્મ થયો છે.

60 લાખ લોકો સાવ કંગાળ થઈ ગયા છે એમ સંયુક્ત રાષ્ટ્રસંઘ જણાવે છે. 1.2 કરોડ લોકો રોજેરોજ ભોજન માટે તડપે છે અને 5 લાખથી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યાં છે.

આ માનવીય યાતનાઓ વચ્ચે અભૂતપૂર્વ આર્થિક મંદીને કારણે પણ મુશ્કેલીઓ વધી છે.

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

67 લાખ લોકો દેશમાં જ ઘરબારવિહોણા થઈ ગયા છે. વિદેશમાં 56 સીરિયન હિજરતી તરીકે નોંધાયા છે

સીરિયાનું ચલણ નાટકીય રીતે નીચે ગયું છે અને અનાજના ભાવો આસમાને પહોંચ્યા છે. કોરોના પણ આખા દેશમાં ફરી વળ્યો છે. જોકે ટેસ્ટિંગની પણ મર્યાદા છે અને આરોગ્યતંત્ર કથળ્યું છે ત્યારે ચેપ કેટલો ફેલાયો હશે તેનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે.

દેશની માળખાકીય સુવિધાઓ અને શહેરો ખંડેર જેવાં થઈ ગયાં છે. સંયુક્ત રાષ્ટ્રસંઘે સેટેલાઇટથી કરેલા વિશ્લેષણ અનુસાર માત્ર અલેપ્પો શહેરમાં જ 35,000 જેટલાં મકાનો તૂટી ગયાં છે.

દવાખાના પર સામાન્ય રીતે હુમલા ના થાય, પરંતુ ફિઝિશિયન્સ ફૉર હ્મુમન રાઇટ્સના જણાવ્યા અનુસાર માર્ચ 2020 સુધીમાં 350 દવાખાનાં પર 595 હુમલા થયા હતા. તેના કારણે 923 તબીબી સ્ટાફનાં મોત થયાં હતાં. આવા હુમલાથી દેશની અડધી હૉસ્પિટલો જ કામ કરી રહી છે.

સીરિયાનાં મોટાં ભાગનાં ઐતિહાસિક સ્થળો પણ નાશ પામ્યાં છે. દેશમાં 6 યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ હતી તેને પણ મોટું નુકસાન થયું છે. ખાસ કરીને પ્રાચીન નગર પાલ્મીરા પર આઈએસના આતંકીઓને હુમલા કરીને ઇમારતોને તોડી પાડી હતી.

તેના તાજા અહેવાલ અનુસાર "સીરિયાના લોકો પર હવામાંથી ગોળા વરસાવાયા, તેમના પર કૅમિકલ શસ્ત્રોનો મારો થયો અને ઘેરો ઘાલીને વસતિને ઇરાદાપૂર્વક ભૂખમરાનો ભોગ બનાવવામાં આવી. મધ્યયુગની રીતે અત્યાચારો કરાયા અને મદદ પણ પહોંચવા દેવામાં આવી નહીં."

અત્યારે સીરિયા કોના કબજામાં?

સરકારે દેશનાં મોટાં શહેરો પર ફરીથી કબજો કરી લીધો છે, પરંતુ ગ્રામીણ વિસ્તારોમાં હજીય બળવાખોરો, જેહાદીઓ અને કુર્દીશ જૂથ એસડીએફ અડ્ડો જમાવીને બેઠા છે.

સૌથી મોટું વિપક્ષી જૂથ ઇદલિબ પ્રાંતમાં કબજો કરીને બેઠું છે. ઉત્તરના હામા પ્રાંત અને પશ્ચિમના એલેપ્પો પ્રાંતના કેટલાક અડીને આવેલા વિસ્તારો પણ તેના કબજામાં છે.

અલ કાયદા સાથે જોડાયેલું હયાત તહરિર અલ-શામ તરીકે ઓળખાતું જેહાદી જૂથ પણ અહીં મજબૂત છે.

અંદાજે 27 લાખ જેટલા ઘરવિહોણા લોકો અહીં વસ્યા છે અને હિજરતી છાવણીમાં તેમની હાલત કફોડી છે.

માર્ચ 2020માં રશિયા અને તુર્કીએ શસ્ત્રવિરામ કરાવ્યો હતો અને ઇદલિબ પર સરકારનો કબજો રોક્યો હતો. તેના કારણે હાલમાં થોડી શાંતિ છે, પણ તે ગમે ત્યારે તૂટી પડે તેવી છે.

દેશના ઇશાન વિસ્તારમાં તુર્કી દળોએ અને સીરિયાનાં બળવાખોર જૂથોએ સાથે મળીને કૂર્દોના SDF પર હુમલો કર્યો હતો.

કુર્દીશ ઉદ્દામવાદીઓને દૂર ખસેડીને સેફ ઝોન ઊભો કરવા માટે ઑક્ટોબર 2019માં હુમલો થયો હતો. આ દળોએ 120 કિલોમિટર જેટલો લાંબો પટ્ટો કબજે કરીને રાખ્યો છે.

હુમલો રોકવા માટે કૂર્દોના SDF જૂથે સીરિયાની સરકાર સાથે સમજૂતી કરી હતી. તેના કારણે સાત વર્ષ પછી સીરિયાની સેના કૂર્દ લોકોના સ્વાયત્ત વિસ્તારમાં પ્રવેશી છે. સરકાર આ વિસ્તારમાં ફરીથી સંપૂર્ણ કબજો કરવા માગે છે.

સીરિયાના યુદ્ધનો અંત આવશે ખરો?

ઇમેજ સ્રોત, AFP

ઇમેજ કૅપ્શન,

1.2 કરોડ લોકો રોજેરોજ ભોજન માટે તડપે છે અને 5 લાખથી વધુ બાળકો કુપોષણથી પીડાઈ રહ્યાં છે

નજીકના ભવિષ્યમાં યુદ્ધ પૂરું થાય તેમ લાગતું નથી, પણ દરેક એ વાત સ્વીકારે છે કે આનો કોઈ રાજકીય ઉકેલ લાવવો જરૂરી છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘની સલામતી સમિતિ 2012ના જીનિવા કરારના અમલની માગણી કરે છે. તે પ્રમાણે બધા લોકોની સહમતી સાથે સત્તા પરિવર્તન માટેનું એક શાસનતંત્ર તૈયાર કરવાનું છે.

જીનિવા ટુ પ્રોસેસ તરીકે જાણીતી સમાધાન માટેની આ પ્રક્રિયામાં નવ રાઉન્ડમાં ચર્ચાઓ થઈ છે, પરંતુ હજી સુધી કોઈ પ્રગતિ થઈ નથી.

પ્રમુખ અસદવિરોધી વિપક્ષી જૂથો સાથે વાતચીત કરવા તૈયાર નથી, કેમ કે આ જૂથોની માગણી છે કે અસદે સમાધાન માટે પ્રમુખપદ છોડી દેવું પડે.

રશિયા, ઈરાન અને તુર્કીએ પણ 2017માં અસ્તાના પ્રોસેસ તરીકે ઓળખાતી વૈકલ્પિક વાટાઘાટો શરૂ કરી હતી.

બીજા વર્ષે એક સમાધાન સાધવામાં આવ્યું હતું અને તેમાં 150 સભ્યોની સમિતિ બનાવવાનું નક્કી થયું હતું, જેથી નવું બંધારણ તૈયાર થઈ શકે.

તે પછી સંયુક્ત રાષ્ટ્રસંઘની દેખરેખ હેઠળ મુક્ત અને ન્યાયી ચૂંટણીઓ કરાવવાની. જોકે જાન્યુઆરી 2021માં સંયુક્ત રાષ્ટ્રસંઘના વિશેષ પ્રતિનિધિ ગેર પેડરસને અફસોસ વ્યક્ત કર્યો હતો કે હજી સુધી બંધારણનો મુસદ્દો લખવાનું પણ શરૂ થયું નથી.

પેડરસને એમ પણ જણાવ્યું હતું કે સીરિયામાં પાંચ વિદેશી દેશોની સેનાઓની હાજરી છે, તેથી માત્ર સીરિયાના લોકો જ પોતાની સમસ્યાનો ઉકેલ લાવી શકશે એમ આંતરરાષ્ટ્રીય સમુદાયે માની લેવું જોઈએ નહીં.

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો