પરમબીર સિંહનો મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ - TOP NEWS

પરમબીર સિંહ ઉદ્ધવ ઠાકરે

ઇમેજ સ્રોત, PRATIK CHORGE/HINDUSTAN TIMES VIA GETTY IMAGES

મહારાષ્ટ્રના મુખ્ય મંત્રી ઉદ્ધવ ઠાકરેને સંબોધીને મુંબઈના પોલીસ કમિશનરે લખેલા પત્રને લીધે મહારાષ્ટ્રની રાજનીતિમાં તોફાનના એંધાણ છે.

પરમબીર સિંહે આ પત્રમાં લખ્યું છે કે સચીન વાઝેએ એમને જણાવ્યું હતું કે ગૃહમંત્રી અનિલ દેશમુખે તેમની પાસેથી દર મહિને 100 કરોડ રૂપિયા વસૂલવા કહ્યું હતું.

જોકે આ મામલે રાજ્યના ગૃહમંત્રી અનિલ દેશમુખે ત્વરિત પ્રતિક્રિયા આપતાં ટ્વીટ કર્યું હતું:

"પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે પોતાના બચાવમાં ખોટા આરોપ લગાવ્યા છે, કારણકે મુકેશ અંબાણી અને મનસુખ હિરેનના કેસમાં અત્યાર સુધી થયેલી તપાસના આધારે સચીન વાઝેની સંલિપ્તતા સ્પષ્ટ થાય છે અને આના તાર પરમબીર સિંહ સાથે જોડાય છે."

કેટલાક દિવસો પહેલાં પરમબીર સિંહને પોલીસ કમિશનરના પદેથી હઠાવીને ટ્રાન્સફર કરી દેવાયા હતા.

બદલીના નિર્મય બાદ ગૃહમંત્રી અનિલ દેશમુખે એક ઇન્ટરવ્યૂ આપ્યો હતો, જેને લઈને પરમબીર સિંહે મુખ્ય મંત્રીને ફરિયાદ કરતો પત્ર લખ્યો હતો.

આઠ પાનાંના આ પત્રમાં પરમબીર સિંહે ગંભીર આરોપ લગાવ્યા છે અને ચોંકાવનારી માહિતી આપી છે.

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાન રસી લીધા બાદ કોરોના સંક્રમિત

ઇમેજ સ્રોત, Reuters

પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનનો કોવિડ-19 રિપોર્ટ પૉઝિટિવ આવ્યો હોવાની માહિતી પાકિસ્તાનના આરોગ્યમંત્રીએ આપી છે.

મંત્રી ફૈસલ સુલતાનના ટ્વીટ પ્રમાણે 68 વર્ષીય ઇમરાન ખાન ઘરમાં 'સેલ્ફ આઇસોલેટ' થયા છે.

ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાને બે દિવસ અગાઉ જ રસી લીધી હતી.

જોહ્ન હોપકિન્સ યુનિવર્સિટીના આંકડા પ્રમાણે પાકિસ્તાનમાં કોરોના સંક્રમણના 6,23,135 કેસ નોંધાયા છે અને 13,799નાં મૃત્યુ થયાં છે.

સુપ્રીમ કોર્ટનો સવાલ : કેટલી પેઢીઓ સુધી અનામત ચાલુ રહેશે?

ઇમેજ સ્રોત, Getty Images

'NDTV ઇન્ડિયા'ના એક અહેવાલ પ્રમાણે શુક્રવારે મરાઠા અનામત કેસની સુનાવણી દરમિયાન ભારતના સર્વોચ્ચ ન્યાયાલયે પ્રશ્ન કર્યો કે, કેટલી પેઢીઓ સુધી નોકરીઓ અને શિક્ષણમાં અનામતની વ્યવસ્થા ચાલુ રહેશે?

સુનાવણી દરમિયાન સર્વોચ્ચ ન્યાયાલયે અનામત અંગે નક્કી કરાયેલી 50 ટકાની મર્યાદા દૂર કરવાથી સંભવિત અસામાનતાની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.

આ મામલાની સુનાવણી જસ્ટિસ અશોક ભૂષણની આગેવાનીવાળી પાંચ જજોની બેન્ચ કરી રહી હતી.

આ કેસમાં મહારાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરી રહેલા સિનિયર ઍડ્વોકેટ મુકુલ રોહતગીએ ભારપૂર્વક કહ્યું હતું કે બદલાયેલા સંજોગો અનુસાર અનામત અંગે મંડલ ચુકાદા દ્વારા નિર્ધારિત કરાયેલ મર્યાદા અંગે ફેરવિચારણાની જરૂર છે.

મરાઠા આરક્ષણની તરફેણમાં દલીલ કરતી વખતે ઍડ્વોકેટ રોહતગીએ કોર્ટને જણાવ્યું કે મંડલ ચુકાદો વર્ષ 1931ની વસતિગણતરી પર આધારિત હતો જે હાલના સમય પ્રમાણે બદલવાની જરૂર છે. તેથી બદલાયેલા સંજોગો અનુસાર રાજ્યોને અનામતની મર્યાદા નિર્ધારિત કરવાની સત્તા આપવી જોઈએ.

આ દલીલોના જવાબમાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે, "આપના કહ્યા અનુસાર જો અનામતમાં 50 ટકાની મર્યાદા ન હોય કે કોઈ પણ મર્યાદા ન હોય તો સમાનતાની વાતનો શો ફરક પડશે. આ સંજોગોના કારણે જે અસામાનતા સર્જાશે એ વિશે આપનું શું કહેવું છે. તમે કેટલી પેઢીઓ સુધી અનામત ચાલુ રાખશો?"

નોંધનીય છે કે આ બેન્ચમાં જસ્ટિસ એલ. નાગેશ્વર રાવ, એસ. અબ્દુલ નઝીર, હેમંત ગુપ્તા અને એસ. રવીન્દ્ર ભટ્ટ પણ સામેલ હતા.

હંગર રિપોર્ટ પર રૂપાલા, 'ભારતમાં કૂતરાનેય ભૂખ્યું રહેવું પડતું નથી'

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા

'ધ પ્રિન્ટ'ના એક અહેવાલ અનુસાર કેન્દ્રીય કૃષિ રાજ્ય મંત્રી પરસોત્તમ રૂપાલાએ શુક્રવારે સંસદમાં કહ્યું કે ભારતે NGO દ્વારા તૈયારા કરતા 'હંગર રિપોર્ટો' (ભૂખમરો દર્શાવતા અહેવાલો) પર ધ્યાન ન આપવું જોઈએ.

તેમનું કહેવું હતું કે આપણા દેશમાં રખડતાં કૂતરાં પણ જ્યારે ગલૂડિયાંને જન્મ આપે ત્યારે તેમને 'શીરો' ખવડાવવામાં આવે છે.

કેન્દ્રીય મંત્રી રૂપાલા 'ગ્લોબલ હંગર ઇન્ડેક્સ 2020'માં ભારતના ખરાબ રેન્ક બાબતે આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે રાજ્યસભામાં કરેલી ટિપ્પણીનો જવાબ આપી રહ્યા હતા.

સંજયસિંહે પોતાની ટિપ્પણીમાં કહ્યું હતું કે વિશ્વના ટોચના દસ અનાજ ઉત્પાદક દેશોમાં સામેલ હોવા છતાં ભારત હંગર ઇન્ડેક્સમાં ખૂબ જ દયજનક સ્થિતિમાં દેખાય છે.

તેમણે પોતાના નિવેદનમાં એવું પણ જણાવ્યું હતું કે આ બાબતે ભારતના પાડોશી દેશો નેપાળ, બાંગ્લાદેશ અને શ્રીલંકાનું પ્રદર્શન સારું રહ્યું છે.

ગ્લોબર હંગર ઇન્ડેક્સ 2020 અનુસાર વિશ્વના 107 દેશમાં ભારતને 94મો ક્રમ આપવામાં આવ્યો છે. રિપોર્ટમાં ભારતમાં ભૂખમરાને ગંભીર પણ ગણાવાયો છે.

આ બાબતે મંત્રી પરોસોત્તમ રૂપાલાએ જવાબ આપતાં કહ્યું હતું કે, "આ રિપોર્ટ તૈયાર કરનાર NGO વૅલ્થ હંગરલાઇફને કેન્દ્ર સરકારે તેમની મેથડોલૉજી અને ડેટાની ચોકસાઈ અંગે સ્પષ્ટતા કરવા માટે જણાવતો પત્ર લખ્યો છે. પરંતુ હજુ સુધી તેમનો કોઈ જવાબ નથી આવ્યો."

આ સિવાય તેમણે દેશમાં અનાજની બિલકુલ અછત ન હોવાની વાત કરી હતી.

રૂપાલાએ કહ્યું હતું કે ભારત પાસે હાલમાં 529.59 લાખ ટન અનાજનો બફર સ્ટૉક રહેલો છે. જ્યારે આદર્શપણે દેશે માત્ર 214 લાખ ટન અનાજનો સ્ટૉકમાં રાખવાની જરૂર હતી.

ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી 18 એપ્રિલે

ઇમેજ સ્રોત, G

ઇમેજ કૅપ્શન,

પ્રતીકાત્મક તસવીર

'લાઇવમિન્ટ'ના એક અહેવાલ અનુસાર ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી 18 એપ્રિલના રોજ યોજાશે. ગુજરાત રાજ્ય ચૂંટણીપંચ દ્વારા કરાયેલી જાહેરાત અનુસાર ચૂંટણી બાદ મતગણતરી 20 એપ્રિલના રોજ યોજાશે.

રાજ્ય ચૂંટણીપંચ દ્વારા ચૂંટણી અંગેનું નોટિફિકેશન 27 માર્ચના રોજ જારી કરાશે. જ્યારે ફૉર્મ ભરવાની આખરી તારીખ એક એપ્રિલ નક્કી કરાઈ છે. ઉપરાંત પાંચ એપ્રિલ સુધી ફૉર્મ પાછું ખેંચી શકાશે.

ચૂંટણીપંચ જાહેરાત કરી હતી કે, "ગાંધીનગરમાં હવે આચારસંહિતા લાગુ થઈ ચૂકી છે. તેમજ નિયમ પ્રમાણે ડિલિમિટેશનની કાર્યવાહી હાથ ધરાઈ છે. ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણી માટેની મતદારયાદી ચાર માર્ચના રોજ જારી કરાઈ છે."

નોંધનીય છે કે ગાંધીનગર મ્યુનિસિપલ કૉર્પોરેશનની સ્થાપના વર્ષ 2010માં કરાઈ હતી. તેમજ 32 સભ્યોની આ બૉડી માટે પ્રથમ ચૂંટણી વર્ષ 2011માં યોજાઈ હતી.

શામળાજી મંદિરમાં ટૂંકાં કપડાં પહેરી પ્રવેશવાની મનાઈ

'એબીપીલાઇવ ડોટકૉમ'ના એક અહેવાલ પ્રમાણે ગુજરાતના અરવલ્લી જિલ્લામાં સ્થિત શામળાજી મંદિરમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓ અને મુલાકાતીઓને ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

આ સિવાય મંદિરમાં મુકાયેલ નોટિસમાં દર્શનાર્થીઓ માટે માસ્ક પહેરવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

નોંધનીય છે કે તાજેતરમાં જ ગુજરાતમાં અને દેશમાં વસ્ત્રોને લઈને ચર્ચા ચાલી રહી છે. અમુક દિવસો પહેલાં જ કૉંગ્રેસના એક ધારાસભ્યને ગુજરાત વિધાનસભામાંથી ટી-શર્ટ પહેરવાને લઈને બહાર કાઢવામાં આવ્યા હતા.

આ સિવાય ઉત્તરાખંડના મુખ્ય મંત્રી તીરથસિંહ રાવતે પણ તાજેતરમાં જ મહિલાઓનાં કપડાં બાબતે ટિપ્પણી કરી હતી. જેની પણ ઘણી ચર્ચા થઈ હતી.

આવી પરિસ્થિતિમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા સ્ત્રીઓ અને પુરુષો બંને માટે ટૂંકાં વસ્ત્રો પહેરીને મંદિરમાં પ્રવેશવાની મનાઈ ફરમાવી દેવામાં આવી છે.

વૉટ્સઍપ, મૅસેન્જર અને ઇન્સ્ટાગ્રામડાઉન થયાં

સમાચાર એજન્સી રૉયટર્સ પ્રમાણે, સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ વૉટ્સઍપ, મૅસેન્જર અને ઇન્સ્ટાગ્રામના ઉપયોગમાં ભારત સહિત સમગ્ર વિશ્વમાં તકલીફ પડી હતી.

'ડાઉનડિરેક્ટર ડોટકૉમ' પ્રમાણે, આ પરેશાનીની શરૂઆત રાત્રે લગભગ 10.40 વાગ્યાથી થઈ અને તાત્કાલિક ધોરણે તેના કારણ અંગે કાંઈ ખબર પડી શકી નહોતી.

લગભગ એક કલાક બાદ વૉટ્સઍપ ફરીથી કામ કરવા લાગ્યું. થોડી વાર બાદ મૅસેન્જર અને ઇન્સ્ટાગ્રામ પણ યોગ્ય રીતે ચાલવા લાગ્યાં.

આ સાથે જ ટ્વિટર પર #whatsappdown ટ્રેન્ડ શરૂ થઈ ગયો હતો અને લોકો આ વાત પોતપોતાની રીતે વ્યક્ત કરવા લાગ્યા હતા.

પ્રવીણ કાસવાન નામના એક યુઝરે ટ્વિટર પર લખ્યું કે વૉટ્સઍપ અને ઇન્સ્ટાગ્રામ યુઝર આ પ્લૅટફૉર્મ બંધ હોવાના કારણે ટ્વિટર પર આવવા લાગ્યા છે.

ઇમેજ સ્રોત, MohFW, GoI

તમે અમનેફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો