ઇઝરાયલ ઍક્ઝિટ પોલ : બે વર્ષમાં ચોથી ચૂંટણી, નેતન્યાહૂને 12 વર્ષ બાદ હારશે?

અમદાવાદના ગાંધી આશ્રમ ખાતે બેન્જામિન નેતન્યાહૂ અને ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલના વડા પ્રધાન નેતન્યાહૂએ જાન્યુઆરી 2018માં ભારતીય વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી.

ઇઝરાયલની સમાન્ય ચૂંટણીમાં ઍક્ઝિટ પોલ પ્રમાણે વડા પ્રધાન નેતન્યાહૂ આ વખતે પણ સરકાર બનાવવા માટે પૂર્ણ બહુમત મેળવી નહીં શકે.

જોકે આમ છતાં વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ મોટી જીતનો દાવો કરી રહ્યા છે.

ઇઝરાયલની સંસદમાં 120 બેઠક છે. નેતન્યાહુની લિકુડ પાર્ટીને ઍક્ઝિટ પોલ પ્રમાણે 53-54 બેઠક મળવાનો અંદાજ છે. જ્યારે વિરોધી પાર્ટીઓ કુલ મળીને 59 બેઠકો મળી શકે છે.

નફ્તાલી બેનેટ બનશે કિંગમેકર?

ઇમેજ સ્રોત, Reuters

ઇમેજ કૅપ્શન,

ઇઝરાયલની સામાન્ય ચૂંટણીનાં પરિણામોમાં વિલંબ થઈ રહ્યો છે પણ ઍક્ઝિટ પોલનાં તારણોએ રાજકીય ગરમાવો આણી દીધો છે.

આનો અર્થ એવો થાય છે કે નેતન્યાહૂના પૂર્વ સમર્થક અને રાષ્ટ્રવાદી યામિના પાર્ટીના નેતા નફ્તાલી બેનેટ કિંગમેકર પુરવાર થઈ શકે છે.

ઍક્ઝિટ પોલનાં તારણો પ્રમાણે તેમનો પક્ષ સાત કે આઠ બેઠક જીતી શકે છે. જોકે હજી સુધી તેમને સ્પષ્ટતા નથી કરી કે તેઓ કયા જૂથની તરફેણમાં છે.

ઇઝરાયલી મીડિયાએ ઍક્ઝિટ પોલનાં તારણો જાહેર કર્યા, એ બાદ બેનેટે એક નિવેદનમાં કહ્યું છે, "હું એ જ કરીશ, જે ઇઝરાયલ માટે ઉત્તમ હશે."

બેનેટે એવું પણ કહ્યું કે તેમની પાર્ટીએ નેતન્યાહૂને કહ્યું છે કે તેઓ નિર્ણય માટે અંતિમ પરિણામની રાહ જોશે.

ભ્રષ્ટાચારના આરોપોથી ખરડાયેલી નેતન્યાહૂની છબિ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

બેન્જામિન નેતન્યાહૂ 2009થી સતત સત્તામાં છે, તેઓ 1990ના દાયકામાં પણ ત્રણ વર્ષ માટે વડા પ્રધાન રહી ચૂક્યા છે.

નેતન્યાહૂએ તેમના પ્રચાર-અભિયાનમાં કોવિડ-19 રસીકરણ અને અરબ દેશો સાથે સુધરી રહેલા સંબંધોને ઉપલબ્ધિ ગણાવીને મત માગ્યા હતા.

નેતન્યાહૂ પર ભ્રષ્ટાચારના આરોપો પણ છે. રાજકીય મોરચે તેમના વિરોધીઓનું કહેવું હતું કે તેમની પર કેસ ચાલી રહ્યો છે અને તેમણે વડા પ્રધાનના પદ પર ન રહેવું જોઈએ.

જોકે નેતન્યાહૂ ભ્રષ્ટાચારના તમામ આરોપોને નકારી કાઢે છે.

આ પહેલાંની ત્રણ ચૂંટણીઓમાં ના તો નેતન્યાહૂ સરકાર બનાવી શક્યા હતા, ના તો તેમના વિરોધીઓ બહુમત હાંસલ કરીને સત્તામાં આવી શક્યા.

રક્ષામંત્રી બેની ગંટ્ઝની સાથે બનેલી ગઠબંધનની સરકાર ગયા ડિસેમ્બરમાં સાત મહિનાના શાસન બાદ પડી ગઈ હતી.

ઍક્ઝિટ પોલમાં ગંટ્ઝના પક્ષને સાત બેઠકો મળવાનો અંદાજ સેવાય છે.

તેમણે એક નિવેદનમાં કહ્યું છે, "નવા વડા પ્રધાન બનાવવા માટે જે પણ આવશ્યક હશે, એ તેઓ કરશે."

ઇઝરાયલના લોકો સ્થિર અને રાષ્ટ્રવાદી સરકાર ઇચ્છે છે - નેતન્યાહૂ

વીડિયો કૅપ્શન,

ઇઝરાયલ અને યુએઈ વચ્ચેની સમજૂતી ઐતિહાસિક કેમ ગણાઈ રહી છે?

કોરોના મહામારીની સ્થિતિને લીધે ચૂંટણીનાં પરિણામો આવવામાં વિલંબ થઈ રહ્યો છે.

ઇઝરાયલના ચૂંટણીપંચનું કહેવું છે કે બુધવારે બપોરે સુધીમાં અંતિમ મતની ગણતરી પૂર્ણ થઈ શકે છે.

જોકે મંગળવારે નેતન્યાહૂએ ટ્વીટ કર્યું, "ઇઝરાયલના નાગરિકોનો આભાર, તમે લિકુડ પાર્ટી અને દક્ષિણપંથી જૂથોને મારા નેતૃત્વમાં ભવ્ય જીત અપાવી છે. લિકુડ અત્યાર સુધી સૌથી મોટો પક્ષ છે."

નેતન્યાહૂએ એવો પણ દાવો કર્યો કે આનાથી સ્પષ્ટ થાય છે કે મોટાભાગના ઇઝરાયલી લોકો રાષ્ટ્રવાદી છે અને તેઓ એક સ્થિર રાષ્ટ્રવાદી સરકાર ઇચ્છે છે.

ઇઝરાયલમાં 67.2 ટકા મતદાન થયું હતું. 71 વર્ષના બેન્જામિન નેતન્યાહૂ 2009થી સતત સત્તામાં છે, તેઓ 1990ના દાયકામાં પણ ત્રણ વર્ષ માટે વડા પ્રધાન રહી ચૂક્યા છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો