મ્યાનમાર તખ્તાપલટો: પિતા તરફ દોટ મૂકનારી 7 વર્ષની બાળકી પર પોલીસે ગોળી ચલાવતાં મૃત્યુ

મૃતક બાળકી

ઇમેજ સ્રોત, KHIN MYO CHIT'S FAMILY

ઇમેજ કૅપ્શન,

મૃતક બાળકી ખિન મ્યો ચીત પોતાના પિતા તરફ દોડી રહી હતી ત્યારે તેને ગોળી મારી દેવાઈ

મ્યાનમારમાં સૈન્યબળવા મામલેની કાર્યવાહીઓનો સિલસિલો ચાલુ છે. એવામાં એક 7 વર્ષની બાળકી તેનો શિકાર બની છે. એક કાર્યવાહી દરમિયાન ડરના લીધે બાળકી પિતાની પાસે જવાની કોશિશ કરી રહી હતી ત્યારે પોલીસ ગોળીબારમાં તેનું મૃત્યુ થઈ ગયું હતું.

મૃતક બાળકી ખિન મ્યો ચીતના પરિવારે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે માંડલે શહેરમાં બાળકીનાં ઘરે દરોડા પડ્યા ત્યારે દોડીને તે પોતાના પિતાની પાસે જઈ રહી હતી, એ વખતે તેને ગોળી મારવામાં આવી અને તેનું મૃત્યુ થઈ ગયું.

આમ મ્યાનમારની સેના દ્વારા કરવામાં આવેલી કર્યવાહીમાં જીવ ગુમાવનાર આ બાળકી સૌથી નાની ઉંમરની પીડિતા બની છે.

જોકે મ્યાનમારમાં પ્રદર્શન ચાલુ જ રહેતા સેના બળપ્રયોગ વધારી રહી છે.

'સેવ ધ ચિલ્ડ્રન' સંસ્થાનું કહેવું છે કે અત્યાર સુધી આ પ્રકારની કાર્યવાહીમાં 20થી વધુ બાળકોનાં મૃત્યુ થયાં છે.

અત્યાર સુધી પ્રદર્શનોમાં કુલ 164 લોકોનાં મૃત્યુ થયાં છે. 'આસિસન્ટન્સ ઍસોસિયેશન ફૉર પોલિટિકલ પ્રિસનર્સ' સંસ્થા અનુસાર આ આંકડો 261 છે.

મંગળવારે સૈન્યસત્તાએ આ મૃત્યુ પર અફસોસ વ્યક્ત કર્યો હતો અને સાથે જ કહ્યું કે પ્રદર્શનકારીઓ દેશમાં હિંસા ફેલાવી રહ્યા છે.

સૈન્યદળ કાર્યકરો અને પ્રદર્શનકારીઓના ઘરે જઈને દરોડા પાડે છે. તેમાં બળપ્રયોગ પણ કરે છે.

સૈન્યદળો પ્રદર્શનકારીઓ સામે સાચી કારતૂસો પણ વાપરે છે એવા અહેવાલો પણ નોંધાયા છે.

'પપ્પા મને દુખે છે..સહન નથી થતું'

ઇમેજ સ્રોત, AUNG KYAW OO

ઇમેજ કૅપ્શન,

પોલીસે બાળકીના પરિવારના 19 વર્ષના યુવાનની પણ ધરપકડ કરી છે

ખિન મ્યો ચીતનાં બહેને બીબીસીને કહ્યું, મંગળવારે બપોરે માંડલેમાં પોલીસ આસપાસનાં મકાનોમાં દરોડા પાડી શોધખોળ કરી હતી. ત્યારે દળ હથિયારો શોધવા તેમના ઘરે પ્રવેશ્યું, પછી ધરપકડ કરી.

25 વર્ષીય મે થુ સૂમાયાએ કહ્યું, "તેમણે લાત મારીને દરવાજો ખોલ્યો. દરવાજો ખૂલ્યો તો તેમણે મારા પિતાને કહ્યું કે શું ઘરમાં અન્ય કોઈ લોકો છે કે નહીં? તેમણે ઇન્કાર કરતા ઘરમાં એ લોકો શોધખોળ કરવા લાગ્યા."

"એ જ સમયે મ્યો ચીત પિતાના ખોળામાં બેસવા ગઈ પણ પોલીસે 'ગોળી ચલાવતા તેનું મોત થઈ ગયું."

મ્યાનમાર મુસ્લિમ મીડિયાને આપેલા એક ઇન્ટરવ્યૂમાં મૃતક બાળકીના પિતા યુ મૉંગ કો હાશીન બાઈએ તેમની દીકરીનાં આખરી શબ્દોનું વર્ણન કર્યું હતું, "તે કહેતી હતી - મારાથી સહન નથી થતું પપ્પા, ખૂબ જ દુખે છે."

તેમણે કહ્યું કે બાળકીને હૉસ્પિટલ લઈ જવાઈ રહી હતી પણ કારમાં જ તેણે અડધો કલાક બાદ દમ તોડી દીધો હતો.

પોલીસે તેમના 19 વર્ષના યુવાનની પણ માર મારી તેની ધરપકડ કરી લીધી હતી.

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન,

મ્યાનમારમાં સૈન્યબળવાના વિરોધમાં અત્યાર સુધી કુલ 164 લોકોનાં મૃત્યુ થયાં છે

સૈન્યસત્તા કે મિલિટરીએ હજુ સુધી આ મોત પર કોઈ નિવેદન નથી આપ્યું.

એક નિવેદનમાં 'સેવ ધ ચિલ્ડ્રન' સંસ્થાએ કહ્યું કે બાળકીના મૃત્યુની ઘટના ખૂબ જ ગંભીર અને ભયાનક છે. કેમ કે હજુ તો એના એક દિવસ પહેલા 14 વર્ષના એક કિશોરનું મોત થયું હતું અને પછી હવે આ બાળકીનું મોત થયું છે.

સંસ્થાએ કહ્યું,"આ બાળકોનાં મૃત્યુ ગંભીર બાબત છે. તેમાં સૌથી અગત્યની વાત એ છે કે તેઓ ઘરમાં હતાં ત્યારે આવું થયું. કેમ કે ઘરમાં તો તેઓ સુરક્ષિત હોવાં જોઈએ. રોજબરોજ બાળકોનાં મૃત્યુની ઘટના સૂચવે છે કે મિલટરી માટે હવે માનવજીવનની કોઈ કિંમત જ નથી રહી."

આ દરમિયાન બુધવારે સત્તાધિશોએ યૅગોંનમાં અટકાયત હેઠળ રહેલી 600 લોકોને મુક્ત કર્યા, જેમાં મોટા ભાગના યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ છે.

તેમાં ઍસોસિયેટ પ્રેસના પત્રકાર થેઈ ઝૉ પણ એક હતા. ગત મહિને તેઓ અને અન્ય કેટલાક પત્રકારો પ્રદર્શન કવર કરી રહ્યા હતા ત્યારે તેમને પકડી લેવાયા હતા.

સંસ્થા અનુસાર હજુ પણ 2000 લોકો અટકાયત હેઠળ છે. જોકે બીજી તરફ પ્રદર્શનકારીઓ હજુ પણ અન્ય પ્રકારે વિરોધપ્રદર્શન કરવાનું આયોજન ધરાવે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો